Saturday, July 27, 2024
Homeમનોમથંનસંસદીય ચૂંટણી 2024 અને આપણી બે મહત્વની જવાબદારીઓ

સંસદીય ચૂંટણી 2024 અને આપણી બે મહત્વની જવાબદારીઓ

✍ ડૉ.હસન રઝા


2024ની સંસદીય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે ચૂંટણી હુલ્લડો, લોકશાહી દંગલ અને ટોળાના તમાશાઓ દિવસે દિવસે જોર,જોરથી વધુને વધુ તોફાની થતા જશે. જેમાં પ્રથમ અને બીજા મતદાનનો દિવસ એટલે કે 19 એપ્રિલ અને 26 એપ્રિલ શુક્રવાર છે. એપ્રિલ 13 અને 20 રવિવાર છે, 25 મે અને 1 જૂન શનિવાર છે, પરંતુ 7 મે મંગળવાર છે. આમ, આ ચૂંટણી ઉત્સવ 7 એપિસોડમાં પૂર્ણ થશે. અને 4 જૂને પરિણામ આવશે.

કયો પક્ષ જીતશે અને કયો પક્ષ હારશે? કયો ઉમેદવાર ક્યાં ઉગશે અને કોણ ક્યાં આથમશે? જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી તમામ ગરમાગરમ ચર્ચાઓ, આશંકાઓ અને વિશ્લેષણો આવતા રહેશે. આ ચૂંટણી મહોત્સવમાં જાત જાતની રમતો અને તમાશાઓ પણ નિયમ મુજબ ચાલુ રહેશે. રાજકીય ખેલાડીઓ તેમનો ખેલ આદરશે, જાત જાતના રમકડાં વેચાશે, નાચ નચાશે, ગાયન ગવાશે. તેમના રાજકીય સ્ટોલમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સજાવશે અને તેમની સાથે દર્શકો, ખિસ્સા કાતરૂઓ પણ સજ્જ થઇ જાશે. વિવિધ ભાષાઓના લેખકો અને કવિઓ, અને ભાગ્ય ભાંખનાર પંડિતો, મૌલવીઓ, ધાર્મિક લોકો, મૂર્ખ, હસનારા, હસાવનારા બધા પોતપોતાની રાજકીય યુક્તિઓ અજમાવશે અને આ લોકશાહી ઉત્સવની ભવ્યતામાં વધારો કરશે. આ રીતે, આગામી અઢી મહિના આ તાયફા માટે ફાળવવામાં આવશે. અને પછી, વિજય પરેડ ઉજવવામાં આવશે અને કેટલાક નેતાઓ હાર અને લાચારીના સદમામાં ગરકાવ થઈ જશે. આગામી પાંચ વર્ષ માટે ભારતના સિંહાસન પર કોણ બેસશે અને વિપક્ષનો કાંટાળો તાજ કોના શિરે પહેરાશે તે ચોક્કસ કહી શકાય નહીં. જો કે, પ્રચલિત ધારણા એ છે કે “સારા દિવસો” ચાલુ રહેશે. સારું, અલ્લાહ સારી રીતે જાણે છે. વાતાવરણ હજુ સંપૂર્ણ રીતે ગરમાયું નથી. નિર્ણય તો આકાશમાં જ થશે.

જો કે, જેમ જેમ દિવસો નજીક આવે છે અને “સારા લોકો” ની જેટલી પણ સંખ્યા સાથે આવેછે, આપણે સૌએ ભારતની માનવતાવાદી વસ્તીએ સાથે મળીને આપણી ભૂમિકા ભજવવાની રહેશે. આપણે તો ચૂંટણીની જીત અને હાર , રાજકીય કાવાદાવા અને પક્ષની વફાદારી કે બેવફાઇના મેડલો અને બિલ્લાઓ અથવા કોઈના નારાઓ, પ્રપંચો અને છેતરપિંડીના ચક્કરમાં પડવાને બદલે અને આ બધી વાતોથી અલિપ્ત રહીને સાચા મુસલમાન અને સારા ભારતીય નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવાની રહેશે. પોતાની રાજકીય સમજ અને અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરવું જોઈએ. સામાન્ય જનતા સાથે મળીને પાયાના સ્તરે તમામ નિર્ણયો લેવાથી જન સંબંધ મજબૂત બને છે. આપણે ન તો સ્થાનિક લોકો સાથે વેગળા રહેવાનું છે અને ન તો બહુ ઉત્સાહી વલણ અપનાવવાનું છે. ક્યાંક ‘બેગાની શાદીમાં અબ્દુલ્લા દિવાના ,’ જેવો ઘાટ ન થાય. ઈતિહાસે જે વળાંક લીધો છે તે સમજવો જોઈએ. આપણે અત્યારે એવી સ્થિતિમાં નથી કે આ ચૂંટણીમાં મુખ્ય નિર્ણાયક ભૂમિકા ભજવી શકીએ. તેથી જુસ્સાદાર ભાષણના પ્રભાવમાં આવીને મોટા દાવાઓ ન કરતા. જોખેલા શબ્દો અને ચતુરાઇ ભર્યા રાજકીય કથાનકથી સંતુષ્ટિ મેળવવાનો પ્રયાસ કરવો. જો કે દેશમાં સહૃદયી નાગરિકોની અછત નથી , તેમની સાથે મળીને સારી રચનાત્મક અને સકારાત્મક ભૂમિકા ભજવી શકાય છે. તે આપણે જરૂરથી ભજવવી જોઈએ.

બીજી મહત્વની ભૂમિકા જે આપણે ભજવી શકીએ છે તે આધ્યાત્મિક અને નૈતિક મોરચાની ભૂમિકા છે. આપણે ચૂંટણી-રાજનીતિની નૈતિકતા, બંધારણીય લોકશાહી અને દેશની સંયુક્ત રાષ્ટ્રીયતાના પ્રણેતા બની શકીએ. ભારતના મિશ્ર સમાજના સર્વ માન્ય નૈતિક સિદ્ધાંતો દેશ

પ્રેમના જાણીતા નીતિશાસ્ત્ર અને સામૂહિક જીવનનો સામૂહિક ‘તકવા’ એટલે કે અલ્લાહના ભયની જે બરકાત (વરદાન) છે તેના ધ્વજ વાહક બની જઈએ. આ ‘રાજકીય સેવા’ આપણે કરવી જ જોઈએ. કોઈ પક્ષને હરાવવા અથવા જીતાડવાનો એજન્ડા માત્ર 15% વસ્તીનો રાજકીય એજન્ડા ન હોઈ શકે અને ન હોવો જોઈએ. અને પછી જ્યારે કે તે પોતે જુદા જુદા વાડાઓમાં વિભાજિત હોય, અને પોતાના સમાજમાં સંયુક્ત પરામર્શ સમિતિ પણ સ્થાપવા અને ચલાવવા માટેનું સામૂહિક નૈતિક બળ ન ધરાવતી હોય. આ સમયે, આપણી પાસે બુનિયાનુમ મર્સૂસ (સિસું પાયેલ દીવાલ) બનવાની વાત તો દૂર ‘દિવારે યતીમ’ (અનાથની દીવાલ) બનવાની ક્ષમતા પણ નથી. મસલક, પંથ, જાતિ એવું કયું વિભાજન છે જે આપણા સમાજમાં નથી. જો કે આ સમય મુસદ્દસે હાલી વાંચવાનો પણ નથી. સમય ઓછો છે અને કાર્યક્ષેત્ર આપણી સામે છે. છેવાડાના સ્તરે એક નૈતિક સામૂહિક વલણના નિર્માણ માટે આપણે ઊભા થઈ જવું પડશે.આ રીતે જો આપણે સંસદીય ચૂંટણીમાં રાજકીય ફરજની સાથે નૈતિક મોરચો પણ સંભાળી લેશું તો ઘણું સારું કામ થઈ જશે.

2024 ની આ ચૂંટણીમાં, ચાલો આપણે સામૂહિક અને સભાનપણે એક જવાબદારી સાથે બાંહેધરી આપીએ કે આપણો મત ખરીદી શકાસે નહીં. આપણે ચૂંટણીમાં કોમના નામે વેપાર કરશું નહીં. ડર, ધિક્કાર, રમખાણો, બૂથ કેપ્ચર, બોગસ મતદાન, ખોટા વચનો, વર્ગ વિગ્રહ, ઉમેદવારો વિશે કોમી વૈમનસ્ય અને રાજકીય પ્રપંચના સકંજામાં ફસાઈશું નહીં. જ્યાં મુસ્લિમ વસ્તી બહુમતીમાં છે ત્યાં આપણા યુવાનો ટોળા ન વળે. આ સમયે મુસ્લિમ વસ્તીના લોકોએ ઇસ્લામ અને મુસ્લિમોની સામૂહિક નીતિશાસ્ત્ર (દીની અખલાકિયાત) અને દીની રાજનીતિ શું છે તેની ગવાહી આપીએ. મતભેદો હોવા છતાં માનવતા માટે આદરની ભાવના વ્યક્ત કરીએ. કુર્આની ઉપદેશોમાં દુશ્મનો પ્રત્યે પણ સારું વર્તન મુખ્ય છે. દેશવાસીઓને એની પ્રતીતિ કરાવીએ કે સાંપ્રદાયિકતા અને માનવોના ચોક્કસ જૂથ માટે બિનજરૂરી તિરસ્કાર સંપૂર્ણપણે ઇસ્લામિક ઉપદેશોની વિરુદ્ધ છે. આ પ્રસંગે મુસ્લિમ વસ્તીમાં નૈતિક પ્રદૂષણ ન આવે તેના માટે પ્રયાસ કરીએ. આપણા યુવાનો જોશમાં હોશ અને સભાનતા ગુમાવતા નથી એ પુરવાર કરીએ. આપણા પોતાના વર્તુળમાં પણ બધાની ધાર્મિક લાગણીઓ માટે આદરનું વાતાવરણ બનાવો, વિશ્વને જોવા દો કે તેના રાજકીય નેતાઓ ભેદ-ભાવના નહીં પણ એકતા અને માનવતાના એજન્ડા પર કામ કરે છે. મુસ્લિમ વસ્તીનું રાજકારણ શાંતિ, ન્યાય, સમાનતાનું રાજકારણ છે. અલ્લાહનો આભાર કે ચૂંટણી યુદ્ધના પ્રથમ ત્રણ અઠવાડિયા રમઝાનમાં હશે. આ મહિનો સામૂહિક તક્વા, ધૈર્ય, સમાધાન, દયા અને બરકતોનો મહિનો છે. આનાથી નિર્માણ પામેલ રૂહાની અને અખલાકી (નૈતિક )બળની અસર તાજેતરના ચૂંટણી રાજકારણમાં જોવા મળે તો આ દેશમાં એક નવો અધ્યાય શરૂ થશે. પરંતુ કમનસીબે, મુસ્લિમ વ્યાવસાયિકો, રાજકારણીઓ અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓની સ્વઆકાંક્ષાઓ અને પાર્ટીના હિતો દેશ અને મિલ્લતના હિતો કરતા વધુ આગત્યના છે. વાત થોડી કડવી છે પણ વાસ્તવિકતા આ જ છે કે ચુંટણીના સ્નાનગૃહમાં બધા નાગા છે, સિવાય કે બે ચાર.

જો કે, 2024ની ચૂંટણીની રાજનીતિને પ્રભાવિત કરવાના આ બે મુખ્ય રસ્તાઓ છે. એક તો નૈતિક મોરચે પોતાના વર્તન અને વાણીથી શાંતિ, સમાનતા અને ન્યાયની સાક્ષી આપવી. બીજું સાંપ્રદાયિક ઘર્ષણ થી ઉપરવટ જઈ ન્યાયપ્રિય દેશબંધવોને સાથે લઈ દેશમાં લોકશાહી, શાંતિ અને ન્યાયપ્રિય લોકોની સરકાર સ્થપાય તેના પ્રયત્નો કરવા. આ ચૂંટણીમાં આપની વાણીમાં, આપણા શબ્દોમાં કોઈ ડર, વધુ પડતો ઉત્સાહ અને અતિશય રાજકીય રોમાંચ ન હોવો જોઈએ.

અલ્લાહ આપણો સમર્થક અને મદદગાર રહે.

(લેખકઃ સંરક્ષક, United Milli Forum ઝારખંડ)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments