Tuesday, April 30, 2024
Homeમનોમથંનભેદભાવ વિરોધી કાયદાની રચના કેમ ?

ભેદભાવ વિરોધી કાયદાની રચના કેમ ?

આપણો દેશ વિવિધ સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય છે. બહુમતીમાં એકતાનો એક શાનદાર ઇતિહાસ આપણા દેશમાં રહ્યો છે. પરસ્પર પ્રેમ, સહનશીલતા, મતભેદ હોવા છતાં હળીમળીને રહેવાનો સંકલ્પ અને જુસ્સો વગેરે આપણા ઐતિહાસિક વારસાનો હિસ્સો રહ્યા છે. જો કે આ દેશમાં અસ્થિરતા, સાંપ્રદાયિક પૂર્વગ્રહ અને અશાંતિ પેદા કરવાની પણ ઘણી બધી કોશિશો નફરતના પૂજારીઓ દ્વારા કરવામાં આવતી રહી છે અને ઘણી વખત તેમને સફળતા પણ મળી છે, પરંતુ અહીંની પ્રજા સમગ્ર રીતે હંમેશા હળીમળીને રહી, અહીંની સામૂહિક ચેતનાએ નફરત, પૂર્વગ્રહ અને કોમવાદને ક્યારેય પણ સ્વીકારી નથી. તેથી આપણે જોઈએ છીએ કે સ્વતંત્રતા પછી જ્યારે દેશનું બંધારણ બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે બંધારણસભાએ એક અવાજે આ ર્નિણય કર્યો કે આ દેશ લોકશાહી અને ધર્મનિરપેક્ષ હશે. અહીં રાજ્ય કોઈની સાથે ધર્મ, રંગ, ભાષા, જાતિ, વગેરેના આધારે કોઈ ભેદભાવપૂર્ણ અને પૂર્વગ્રહયુક્ત વર્તન નહીં કરે. દેશનું બંધારણ જ આપણા દેશની અસલ ઓળખ અને અહીંના લોકોની ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને દરેક હાલતમાં તે જળવાઈ રહેવું પણ જોઈએ.

પરંતુ દેશમાં કોમવાદી બળો પોતાનો એજન્ડા અને નફરતી ઝંડો લઈને અહીંના વાતાવરણને પ્રદૂષિત કરવામાં સતત પ્રવૃત્ત રહ્યા, બંધારણીય મૂલ્યોને વેરવિખેર કરી નાખ્યા, લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા. દેશમાં ફરીથી સખત નફરતનું વાતાવરણ પેદા કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા પછીથી અહીં હિન્દુ-મુસ્લિમ રમખાણો, મુસ્લિમો સાથે અન્યાયી વર્તન, તેમના યુવાનોને ખોટા આરોપોમાં ફસાવવાનું કાવતરૂં, ઇસ્લામ અને મુસ્લિમોને આતંકવાદી સાબિત કરવાના  પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. આ બધા મુદ્દાઓ પર અવગણનાના પરિણામે છેલ્લા એક દાયકામાં કોમવાદની આ લહેરને વધુ મજબૂતી મળી, કોમવાદ લોકોમાં ઘર કરી જવા લાગ્યું, વધુ સંગઠિત થઈને સંસ્થાગત અને સામૂહિકતામાં પરિવર્તિત થતું ગયું અને પછી તેના અત્યંત ખતરનાક પરિણામો અનિવાર્યપણે સામે આવ્યા. તેથી સર્વેક્ષણ દર્શાવે છે કે છેલ્લા દસ વર્ષમાં કોમવાદ, જાતિવાદ અને પૂર્વગ્રહ આધારિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. માનવ અધિકારોના ઉલ્લંઘનને સમાપ્ત કરવાનું કામ કરતી વૈશ્વિક સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં હેટ ક્રાઇમમાં ૫૦૦ ટકા સુધી વધારો થયો છે. DOTO ડેટા બેઝના જણાવ્યા મુજબ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૧૪૮૭ હેટ ક્રાઇમના બનાવો બન્યા છે જેના પરિણામે લગભગ ૩૨૪૧૯ લોકો પ્રભાવિત થયા અને ૨૬૫ લોકો માર્યા ગયા. આમાં નાના બનાવોની સાથે સાથે ગંભીર નુકસાન પહોંચાડનારા બનાવો પણ સામેલ છે જેમાં દિલ્હી પોગ્રોમ જેવી અતિગંભીર હોનારત પણ સામેલ છે.

આ સર્વેક્ષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ધાર્મિક લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ અત્યાચાર, રમખાણો, નફરતના અપરાધો, લિંચિંગ, કટ્ટરતા અને ઉત્પીડનમાં તીવ્ર વધારો થયો છે. સરકારી સંસ્થાઓ અને રાજકીય શક્તિનો ઉપયોગ કરીને મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમોના ઘરો, તેમના ધર્મસ્થાનો અને શૈક્ષણિક સંસ્થાઓ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. તેમના વિદ્વાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો પર અત્યાચારનો પહાડ તોડવામાં આવી રહ્યો છે. આ ચાર ગણું આક્રમણ બતાવી રહ્યું છે કે દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ નફરત અને કટ્ટરતાનું વાતાવરણ છે, જેની નોંધ લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે શું કરવું જોઈએ? આપણે માનીએ છીએ કે લોકશાહી દેશમાં જ્યારે કોઈ ચોક્કસ વર્ગ સામે નફરત અને ક્રૂરતા આટલી હદે વધી જાય અને વર્તમાન કાયદાકીય વ્યવસ્થા નિષ્ફળ જાય અથવા તેને ન્યાય આપવામાં અપૂરતી હોય, ત્યારે આ વિશેષ વર્ગ માટે ચોક્કસ કાયદો ઘડવાની જવાબદારી સરકારની છે, તેથી સરકારે ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સામે વધતો જતો ભેદભાવ, નફરત અને અન્યાયને રોકવા માટે અને લઘુમતી ધર્મોના અધિકારોના રક્ષણ અને અસ્તિત્વ માટે ભેદભાવ વિરોધી કાયદો ઘડવો જોઈએ.

આ કાયદામાં ધાર્મિક લઘુમતીઓના રોજગાર, શિક્ષણ, રહેઠાણ અને જાહેર સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ, આ કાયદામાં ધાર્મિક ઓળખના આધારે રમખાણો અને ઉત્પીડન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ, તેમજ આતંકવાદ જેવા ગંભીર આરોપમાં ખોટી રીતે ફંસાયેલા લોકો માટે ન્યાય સુનિશ્ચિત કરતી વખતે તેમના પુનર્વસન અને વળતર માટે એક વ્યાપક યોજના હોવી જોઈએ. આ પ્રકારની વિશિષ્ટ કાયદાકીય જોગવાઈઓની તાત્કાલિક જરૂર છે. અમારા દેશમાં ચોક્કસ વર્ગ અને જૂથના અધિકારોના રક્ષણ માટે વિશિષ્ટ કાયદાકીય જોગવાઈઓના ઉદાહરણો છે જેમ કે SC/ST Atrocities Prevention Act Nirbhaya Act અને POSCO Act વગેરે. જો ધાર્મિક જૂથ માટે પણ વિશિષ્ટ કાયદો બનાવવામાં આવે તો તેના પરિણામે પોલીસ કાર્યવાહીને મજબૂત બનાવી શકાશે, ન્યાયિક કાર્યવાહીમાં ઝડપ આવશે, સામાજિક ન્યાયને પ્રોત્સાહન મળશે, અને મજલૂમો અને પીડિત લોકો પૂરા આત્મવિશ્વાસ અને શક્તિ સાથે પોલીસમાં ફરિયાદ કરી શકશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments