Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસપયગંબર હઝરત મુહમ્મદ ﷺ હકીકત અને પ્રોપેગન્ડા

પયગંબર હઝરત મુહમ્મદ ﷺ હકીકત અને પ્રોપેગન્ડા

પયગંબર હઝરત મુહમ્મદ ﷺને કુર્આનમાં ‘રહમતુલ-લિલ-આલમીન’ (સમગ્ર સૃષ્ટિ માટે સર્વથા દયા) (૨૧:૧૦૭) અને ‘ખાતમુન્‌-નબિય્યીન’ (પયગંબરોના સમાપક) (૩૩:૪૦) કહેવામાં આવેલ છે. આમ, પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અંતિમ ઈશદૂત છે અને તેમના ઉપર પ્રલય-પર્યંત માનવ-જાતના માર્ગદર્શન માટે જે ગ્રંથ અવતરિત કરવામાં આવ્યો તે કુર્આન અંતિમ ઈશગ્રંથ છે. પયગંબર સાહેબના પવિત્ર જીવન વિશે અલ્લામા ઇકબાલ રહ.નો આ શેર કેવળ શાયરી નથી, બલ્કે હકીકત દર્શાવે છે, જેમાં તેમણે કહ્યું છે કે,

સતીઝા કાર રહા હૈ અઝલ સે તા ઇમરોઝ,
ચિરાગ-એ-મુસ્તફવીસે શરાર-એ-બૂ લહબી

(સંઘર્ષ ચાલુ જ રહ્યો છે અનંતકાળથી આજ દિન સુધી મુસ્તફા (હઝરત મુહમ્મદ)ના દીપક અને અબૂ લહબની ચિનગારી વચ્ચે.)

૨૦૦૫માં ડેન્માર્કના અખબાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પયગંબર મુહમ્મદ ﷺના અપમાનનું ષડ્‌યંત્ર ‘બૂ લહબી શરારા’ની ઘૃષ્ટતાની પહેલી ઘૃષ્ટતા ન હતી. આવી ઘૃષ્ટતા પયગંબર સાહેબના પવિત્ર જીવન દરમ્યાન જ શરૂ થઈ ગઈ હતી અને આજ સુધી ચાલુ છે. આના જ અનુસંધાનમાં ક્યારેક આપને પાગલ અને શાયર કહેવામાં આવ્યા, તો ક્યારેક જ્યોતિષી અને જાદુગર, ક્યારેક પરિવારોમાં ફાટફૂટ નાખનારા, તો ક્યારેક દેવી-દેવતાઓના પ્રકોપને આમંત્રણ આપનારા બતાવવામાં આવ્યા. પછી જૂઠા નબીઓનો ક્રમ ચાલ્યો, ત્યાં સુધી કે યુરોપિયન પૌરત્સ્યવાદીઓએ પોતાના સામ્રાજ્યના ઉન્નતિના કાળમાં દુનિયામાં પ્રત્યક્ષ રૂપે જુદી-જુદી રીતે જૂઠ અને શંકા-કુશંકાઓના બીજ વાવ્યા. આ ષડ્‌યંત્રને ‘ઓરિએન્ટલિઝ્‌મ’ના સુંદર બિનહાનિકારક નામની આડમાં ખૂબ ફેલાવવામાં આવ્યું. આના દ્વારા હકૂમતોના સમર્થનની સાથે મોટા-મોટા ઉપદ્રવો મુસ્લિમ જગતમાં ફેલાવ્યા. આ મોટા ઉપદ્રવો અને અતિશયોક્તિભરી વાતોમાં હિંસાના પ્રતીકરૂપે ઇસ્લામને આતંકવાદ, પોલિટિકલ ઇસ્લામ, રેડિકલ ઇસ્લામ વગેરે જુદા-જુદા નામો આપીને ‘ઇસ્લામના પ્રસારમાં તલવારના જોર’નો પ્રોપેગન્ડા સંપૂર્ણ નિરંતરતાની સાથે કરવામાં આવ્યો. આજે દુનિયાભરમાં જે લોકો કથિત સ્વતંત્રતા અને સહિષ્ણુતાના દંભી ઝંડાધારીઓ છે, તેઓ વાસ્તવમાં દુનિયાભરમાં બદનામ હિટલરના મંત્રી ગોબેલ્ઝના સિદ્ધાંત ‘જૂઠને એટલી વાર દોહરાવો કે તે સત્ય લાગવા માંડે’ પર નિરંતર અમલ કરી રહ્યા છે. આવું કરવામાં તેમને શરમ અને પસ્તાવો નથી થઈ રહ્યો, અને આ કથિત માહિતીના વિસ્ફોટના જમાનામાં પણ ઘૃષ્ટતાપૂર્ણ જૂઠ બોલવામાં આવી રહ્યું છે અને ભણેલી-ગણેલી પ્રજા તેમજ ઇન્ટરનેટ અને ગૂગલ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્‌વીટર વગેરેની દુનિયા પણ તેનાથી એવી જ રીતે પ્રભાવિત થઈ રહી છે, જે રીતે દસમી કે પંદરમી સદીના અશિક્ષિત લોકો થતા હતા. જો કે સ્વયં આ ઘૃષ્ટ લોકોના દરમ્યાન પણ ન્યાયપ્રિય લોકો રહ્યા છે, જેમણે ‘રહમતુલ-લિલ-આલમીન’ પયગંબર હઝરત મુહમ્મદ ﷺની સચ્ચાઈનો સ્વીકાર કર્યો છે, જેમ કે થોમસ કાર્લાઇલે પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘On Heros and Hero Worship and Heroic History’માં લખ્યું છે કે – ‘‘તલવાર, અને એવી તલવાર ક્યાંથી લાવશો ? હકીકત એ છે કે દરેક નવો વિચાર પોતાના આરંભમાં એકની લઘુમતીથી શરૂ થાય છે. એક વ્યક્તિ તલવાર લે છે અને તેના સાથે પ્રચાર કરવાની કોશિશ કરે છે. આવું તેના માટે સહેજ પણ લાભદાયી નહીં હોય. બધા લોકોની સામે તમે તલવાર ઉઠાવીને જોઈ લો. કોઈ વસ્તુ સ્વયં ફેલાય છે જેટલી તેનામાં ફેલાવાની યોગ્યતા હોય છે.’’ બીજા ઇતિહાસકાર ડિલેસી ઓલેરી (Delacy Oleary)એ ‘ઇસ્લામ એટ ધી ક્રોસરોડ’ (Islam at the Crossroad)માં સ્વીકાર કર્યો કે, ‘‘એમ કહેવું કે કેટલાક ઝનૂની મુસલમાનોએ દુનિયામાં ફેલાઈને તલવાર વડે પરાજિત કોમને મુસલમાન બનાવી, ઇતિહાસની સૌથી મોટી બકવાદ છે, જેને ક્યારેક ઇતિહાસવિદોએ કહી હોય.’’ ઇસ્લામ અને માનવતાનું બૂરું ઇચ્છનાર, ઇસ્લામથી દ્વેષ રાખનારાઓ, પયગંબર હઝરત મુહમ્મદ ﷺની દુશ્મનીના ઝનૂનમાં એટલી મોટી અને મહત્ત્વની હકીકતોની અવગણના કરી દે છે કે બુદ્ધિ ચકિત થઈ જાય છે. નોંધનીય વાત એ છે કે જે પયગંબર અનાથ પેદા થયા, આર્થિક રીતે પણ કમજોર અને માનવ-જથ્થાની રીતે પણ ખૂબ કમજોર હોય, તેઓ કેવી રીતે ‘તલવાર અને તલવારવાળાઓ’ને આકર્ષિત કરશે ? જેમને ૧૩ વર્ષ સુધી સતાવવામાં આવ્યા, દરેક રીતે પરેશાન કરવામાં આવ્યા, જેમના અનુયાયીઓને દરેક પ્રકારના અત્યાચાર અને દમનનો ભોગ બનાવવામાં આવ્યા, ત્યાં સુધી કે વતન છોડવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા અને નવા વતનમાં પણ તેમને આરામ અને શાંતિથી રહેવા ન દીધા. આશ્ચર્ય છે કે આવા કમજાેર, નિરાધાર લોકો પર જ શક્તિ અને હિંસાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે !

કેટલીક હકીકતોઃ
• મક્કાના કાફિરો અને મુશ્‌રિકોના અત્યાચારોથી તંગ આવીને મદીના હિજરત કર્યા પછી, અર્થાત્‌ ૧ હિજરીથી ૧૧ હિજરી સુધી ઇસ્લામ દરરોજ ૨૬૭ ચોરસ માઈલની ગતિથી આગળ વધ્યો, ત્યાં સુધી કે તે છેલ્લા વર્ષે દસ લાખ ચોરસ માઈલ સુધી પહોંચી ગયો. આ દસ વર્ષોમાં યુદ્ધો અને નાની-મોટી લડાઈઓની સંખ્યા ૮૨ બતાવવામાં આવે છે, જેમાં બંને પક્ષોનું નુકસાન મળીને ૧૦૧૮ લોકોનું હતું. ઈજાગ્રસ્તોની સંખ્યા પણ હજારોમાં જ હતી.

• અવસાનના સમયે પયગંબર હઝરત મુહમ્મદ ﷺની સંપત્તિમાં થોડાક શેર જવ અને થોડીક જમીન જ કબજામાં હતી.

• ઇસ્લામી હકૂમત પણ વારસાગત ઠેરવવામાં ન આવી.

• પયગંબર સાહેબે મક્કાથી હિજરતના ૮ વર્ષ પછી મક્કા પર વિજય પ્રાપ્ત કર્યો, તો દસ હજારનું સૈન્ય આપની સાથે હતું. પરંતુ આપનું માથું આજીજી અને કૃતજ્ઞતાની ભાવનાથી ઊંટણીની પીઠ પર ઝૂકી રહ્યું હતું, અને પયગંબર સાહેબે એલાન કરી દીધું હતું કે – ‘‘આજે મારધાડનો નહીં, બલ્કે દયાનો દિવસ છે.’ મક્કાવાસીઓના ૧૩ વર્ષના અત્યાચાર અને દમનની સામે પયગંબર સહેબનો આ વ્યવહાર શું તલવારવાળા પ્રોપેગન્ડાને ખોટો સાબિત નથી કરતો ?

• એ પયગંબર હઝરત મુહમ્મદ ﷺ જ હતા, જેમણે પ્રત્યેક યુદ્ધ અભિયાન પર રવાનગીથી પહેલા સેનાપતીઓને સૂચના આપી કે વૃદ્ધો, મહિલાઓ, બાળકો, ધાર્મિક હસ્તીઓ અને લડાઈમાં ભાગ ન લેનારાઓ પર હાથ ઉઠાવવામાં ન આવે. વૃક્ષો, વનસ્પતિ અને ખેતીનો નાશ કરવામાં ન આવે, લૂટફાટ કરવામાં ન આવે, ઉપાસનાગૃહોને ધ્વસ્ત કરવામાં ન આવે.

• દ્વિતીય ખલીફા હઝરત ઉમરે (રદિ.) ફલસ્તીન પર વિજય પ્રાપ્ત કર્યો, તો કોઈ હત્યા અને લૂટફાટ કરવામાં ન આવી. પરંતુ જ્યારે ખ્રિસ્તીઓએ ફરીથી વર્ચસ્વ પ્રાપ્ત કર્યું, તો મુસલમાનોની એટલી કત્લેઆમ કરી કે શહેરમાં કલાકો સુધી લોહી એકઠું થઈ ગયું હતું.

• સ્પેનમાં મુસલમાનોએ ૮૦૦ વર્ષ શાસન કર્યું અને ખ્રિસ્તીઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવન વિતાવતા હતા. પરંતુ જ્યારે ખ્રિસ્તીઓએ ફરીથી વર્ચસ્વ પ્રાપ્ત કર્યું તો ત્યાં અઝાન આપવાવાળી એક પણ વ્યક્તિ બાકી ન છોડી.

• ભારતમાં મુસલમાનોએ ૧૦૦૦ વર્ષ શાસન કર્યું, પરંતુ આજે પણ તેમની સંખ્યા કુલ વસ્તીના ૧૫-૨૦% જ છે અને એ સ્થળો – કેરાળા, આસામ, બંગાળમાં મુસલમાનોની સંખ્યા વધારે છે, જ્યાં મુસલમાનોની સાથે શાસન કે તલવાર ન હતી. તેના સામે જ્યાં ઇસ્લામ તલવારની સાથે રહ્યો – દિલ્હી, લખનઉ, હૈદરાબાદ વગેરે, ત્યાં મુસલમાનોની સંખ્યા ઓછી છે.

• દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તીવાળા દેશ ઇન્ડોનેશિયામાં પણ તલવાર નથી ગઈ. મુસ્લિમ વેપારીઓ અને આલિમોએ જ ઇસ્લામના પ્રસારનું કામ કર્યું.

• પશ્ચિમ આફ્રિકામાં મુસ્લિમ લશ્કરોની તલવાર નથી ગઈ, પરંતુ ત્યાં મુસલમાનો બહુમતીમાં છે અને ખ્રિસ્તીઓને તલવાર અને ધનદોલતની વિપુલતા છતાં આફ્રિકામાં એ વૃદ્ધિ ન મળી, જે તેઓ ઇચ્છતા હતા.

• આરબ દેશોમાં ૧૪૨૭ વર્ષોના મુસ્લિમ શાસન છતાં આજે પણ એક કરોડ ચાળીસ લાખ ખ્રિસ્તીઓ રહે છે.

• ઈ.સ.૧૯૩૪ થી ઈ.સ. ૧૯૮૪ દરમ્યાન ઇસ્લામના ફેલાવાની ગતિ ૨૩૫% રહી, જ્યારે ખ્રિસ્તી ધર્મના ફેલાવાની કે સ્વીકારની ગતિ માત્ર ૪૭% રહી. આજે પણ અમેરિકા અને યુરોપમાં મોટી સંખ્યામાં લોકો ઇસ્લામનો સ્વીકાર કરી રહ્યા છે. આ કઈ ‘તલવાર’ના કારણે વૃદ્ધિ થઈ રહી છે ?
જે પયગંબરે માત્ર થોડાક હજાર માનવ-પ્રાણોના નુકસાનના બદલામાં દસ લાખ ચોરસ માઈલમાં સુખ-શાંતિનું એવું વાતાવરણ ઊભું કરી દીધું કે એક મહિલા રણમાં એકલી-અટૂલી સોનું હાથોમાં ઉછાળતી હજારો માઈલનો સફર કરે અને તેને જંગલી પ્રાણીઓ સિવાય કોઈનું જોખમ ન હોય. આનો મુકાબલો એ સંસ્કૃતિ કેવી રીતે કરી શકે છે, જેણે પ્રથમ વિશ્વ-યુદ્ધ અને બીજા વિશ્વ-યુદ્ધમાં કરોડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, જેણે ડઝનબંધ દેશોના કરોડો રહેવાસીઓને સદીઓ સુધી તલવારના જોરે ગુલામ બનાવી રાખ્યા, જે આજે પણ નિઃસંકોચ માનવ-પ્રાણોને નુકસાન કરી રહી છે અને ધરતીને લોહીભીની કરી રહી છે, જેની ધરતી પર યુદ્ધોની પરંપરાઓ રહી છે, આવી ઉપદ્રવી સંસ્કૃતિઓ માનવ-ઇતિહાસના મહાનતમ્‌ સુધારક અને માર્ગદર્શક હઝરત મુહમ્મદ ﷺની અદ્‌ભુત સફળતાને તલવારનું પરિણામ બતાવી રહી છે. આજે સંભવતઃ કોઈ પણ કાળથી વધારે એ વાતની તક, જરૂરત અને સાધનો છે કે ઇસ્લામના પયગંબર વિશે સાચી માહિતી પ્રાપ્ત કરી શકાય. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments