જો આપ પોતાની નાગરીકતાને બચાવવા ઇચ્છતા હોવ તો ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો. આપ લોકતંત્રમાં એક જવાબદાર નાગરીક તરીકે ભૂમિકા અદા કરવા ઇચ્છો છો તો ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો. જો આપ પોતાના બાળકોને સાંપ્રદાયિકતાથી બચાવવા ઇચ્છો છો તો ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો. જો આપ ભારતમાં પત્રકારત્વને બચાવવા ઇચ્છો છો તો ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો. ન્યૂઝ ચેનલોને જોવું જાણે કે પોતાને પતનમાં ધકેલવા સમાન છે. હું આપ લોકોને અપીલ કરૂં છું કે આપ કોઈ પણ ન્યૂઝ ચેનલ ન જુઓ. ન તો ટી.વી. સેટ પર જુઓ અને ન જ મોબાઈલ ઉપર જુઓ. પોતાની દિન-ચર્યાથી ચેનલોને જોવાનું ટાળી દો. મને પણ જોવાનું બંધ કરી દો. બધા જ ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો.
હું આ વાત પહેલાંથી જ કહી રહ્યો છું. હું જાણું છું કે આપ આટલી સહેલાઈથી મૂર્ખતાના આ નશાથી બહાર આવી શકવાના નથી. પરંતુ એકવાર ફરીથી અપીલ કરૂં છું કે બસ, આ અઢી મહિનાઓમાં ન્યૂઝ ચેનલોને જોવાનું બંધ કરી દો. આપ આ સમયે જે ચેનલો ઉપર જાઈ રહ્યા છો તે પાગલપણાનો સંસાર છે. ઉન્માદનો સંસાર છે. આપની પ્રકૃતિ પણ એવી જ થઇ ગઇ છે. પ્રથમ વાર આમ નથી થઇ રહ્યું. જયારે પાકિસ્તાનથી તણાવ હોતું નથી ત્યારે આ ચેનલ મંદિરને લઈને તણાવ ઉત્પન્ન કરે છે. જ્યારે મંદિરનો તણાવ નથી હોતો, તો આ ચેનલો પદ્માવતિ ફિલ્મને લઈને તણાવ ઉત્પન્ન કરે છે. જ્યારે ફિલ્મનો તણાવ નથી હોતો, તો આ ચેનલો કેરાનાના જૂઠને લઈને હિંદુ-મુસલમાનમાં તણાવ ઉત્પન્ન કરે છે. જ્યારે કશું જ નથી હોતું તો આ ચેનલો કપોળ કલ્પિત સર્વેક્ષણ પર કલાકો સુધી અર્થ વિહોણા કાર્યક્રમો કર્યા કરે છે.
શું તમે સમજી શકો છો કે આ બધું કેમ થઇ રહ્યું છે? શું તમે જનતાની હેસિયતથી આ ચેનલોમાં જનતાને નિહાળી શકો છો? આ ચેનલોએ જનતાને કાર્યક્રમોમાંથી હટાવી દીધી છે. કચડી નાખી છે. તેમની પાસે જનતાના પ્રશ્નો નથી, ચેનલોના પ્રશ્નો જનતાના પ્રશ્નો બનાવાઈ રહ્યા છે. આ એટલી પણ સુક્ષ્મ વાત નથી કે તમે સમજી ન શકો. લોકો પરેશાન છે, તેઓ ચેનલે ચેનલે ફરીને પાછા વળે છે. પરંતુ તેમની (જનતાની) જગ્યા ક્યાંય હોતી નથી. નવયુવાનોના બધા પ્રશ્નો માટે ચેનલો પાસે સમય નથી, પરંતુ ચેનલ પોતાનો પ્રશ્ન જનતાને પધરાવીને તેમને મૂર્ખ બનાવી રહી છે. ચેનલો પાસે આ પ્રશ્નો ક્યાંથી આવે છે. તમને જાણ હોવી જોઈએ કે આ બધું જ્યારે પણ કરે છે, જે કંઈ પણ કરે છે તે તણાવ માટે કરે છે, જે એક નેતા માટે માર્ગ બનાવે છે. જેનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
પ્રસારણ માધ્યમો, સરકાર, ભાજપ અને મોદી આ બધાનું વિલિનિકરણ થઈ ચૂક્યું છે. આ વિલિનિકરણ એટલું સરસ છે કે તમે ભેદ નહી કરી શકો કે આ પત્રકારત્વ છે કે પ્રોપેગેન્ડા. તમે એક નેતાને પસંદ કરો છો. આ સ્વભાવિક છે અને ઘણી હદ સુધી જરૂરી પણ. પરંતુ તે પસંદનો લાભ ઉઠાવીને આ ચેનલો દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે ખતરનાક છે. ભાજપના પણ જવાબદાર સમર્થકોને આ જ સૂચનાની જરૂરત હોય છે. સરકાર અને મોદીની ભક્તિમાં પ્રોપેગેન્ડાને પીરસવું તે સમર્થકનું પણ અપમાન છે. તેને મૂર્ખ સમજવું છે જ્યારે કે તે પોતાની સામેના વિકલ્પોની સૂચનાઓના આધાર પર કોઈનું સમર્થન કરે છે. આજના પ્રસારણ માધ્યમો ન ફકત સામાન્ય નાગરીકનું અપમાન કરે છે બલ્કે તેની સાથે ભાજપના સમર્થકોનું પણ અપમાન કરી રહ્યા છે.
હું ભાજપના સમર્થકોને પણ અપીલ કરૂં છું કે તમે આ ચેનલોને ન જુઓ. તમે ભારતના લોકતંત્રની બરબાદીમાં સામેલ ન થાવ. શું તમે આ વ્યર્થ પ્રસારણ માધ્યમો વિના નરેન્દ્ર મોદીનું સમર્થન કરી શકતા નથી? શું આ જરૂરી છે કે નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા માટે પત્રકારત્વના પતનનું પણ સમર્થન કરવામાં આવે? તો પછી તમે એક ઈમાનદાર રાજનૈતિક સમર્થક નથી. શું શ્રેષ્ઠ પત્રકારત્વના માપદંડો સાથે નરેન્દ્ર મોદીનું સમર્થન કરવું અશક્ય થઈ ગયું છે? ભાજપા સમર્થકો, તમે ભાજપને ચૂંટ્યું હતું, આ પ્રસારણ માધ્યમોને નહીં. પ્રસારણ માધ્યમોનું પતન રાજનીતિનું પણ પતન છે. એક શ્રેષ્ઠ સમર્થકનું પણ પતન છે.
પ્રસારણ માધ્યમો આપની નાગરીકતા પર હુમલો કરી રહ્યા છે. લોકતંત્રમાં નાગરીક હવામાં બનતો નથી. ફક્ત કોઈ ભૌગોલિક પ્રદેશમાં પેદા થઈ જવાથી તમે નાગરીક નથી થતા. ખરી સૂચના અને ખરો પ્રશ્ન તમારી નાગરીકતા માટે જરૂરી છે. પ્રસારણ માધ્યમોએ પોતે પોતાને ભાંડી દીધા છે. તેઓ પહેલાં પણ ભાંડતા હતા, પરંતુ હવે તેઓ નાગરીકોને ભાંડી રહ્યા છે. આપનું ભાંડ બની જવું લોકતંત્રનું નાશ થવા સમાન હશે.
ભારત-પાકિસ્તાન તણાવના બહાને આમને રાષ્ટ્રભક્ત હોવાનો અવસર મળી ગયો છે. એમની પાસે રાષ્ટ્રને લઈને કોઈ ભક્તિ નથી. ભક્તિ હોત તો લોકતંત્રના જરૂરી સ્તંભ પત્રકારત્વના ઉચ્ચ માપદંડો (નૈતિક મૂલ્યો)ને ઘડતા. પ્રસારણ માધ્યમો પર જે રીતનું ભારત ઘડાઈ ચૂક્યું છે, તેના દ્વારા તમારા નજીકમાં જે રીતનું ભારત ઘડાઈ ચૂક્યું છે તે તમારૂં ભારત નથી. તે એક નકલી ભારત છે. દેશથી પ્રેમનો અર્થ હોય છે કે આપણે બધા પોત-પોતાના કાર્યો ઉચ્ચ આદર્શો અને માપદંડો (નૈતિક મૂલ્યો)ના હિસાબથી કરીએ. હિંમત તો જુઓ કે જૂઠી સૂચનાઓ અને એલ-ફેલ નારાઓ (સૂત્રો) અને વિશ્લેષણોથી નાગરીકોની દેશ ભક્તિ ઘડવામાં આવી રહી છે. તમારી નજીક દેશ ભક્તિના પ્રાકૃતિક પ્રસારણ માધ્યમને ખતમ કરીને આ પ્રસારણ માધ્યમ કૃત્રિમ પ્રસારણ માધ્યમ બનાવવા ઇચ્છે છે. જેથી તમે (નાગરીકો) એક મુડદાલ રોબોટ બનીને રહી જાવ.
આ સમયના સમાચારપત્ર અને ચેનલ તમારી નાગરીકતા અને નાગરીક અધિકારોની સમાપ્તિની ઘોષણા કરી રહ્યા છે. તમને સામેથી દેખાવું જોઈએ કે આ થનારૂં નથી બલ્કે થઈ ચૂક્યું છે, સમાચારપત્રોની હાલત પણ એ જ છે. હિંદીના સમાચારપત્રોએ તો વાચકોની હત્યાની સોપારી લઈ લીધી છે. ખોટી અને નબળી સૂચનાઓના આધાર ઉપર વાચકોની હત્યા થઈ રહી છે. અખબારોના પાનાઓ પણ ધ્યાનથી જુઓ. હિંદી સમાચારપત્રોને ઉઠાવીને ઘરમાંથી ફેંકી દો. એક દિવસ અલાર્મ લગાવીને સૂઈ જાવ, ઊઠીને ફેરિયાથી કહી દો કે ભાઈ ચૂંટણી પછી સમાચારપત્ર આપી જજો, ત્યાં સુધી બંધ કરી દો.
આ સરકાર ઇચ્છતી નથી કે આપ ખરી સૂચનાઓથી સજ્જ સક્ષમ નાગરીક બનો. ચેનલોએ વિપક્ષ બનવાની દરેક શક્યતાઓને સમાપ્ત કરી દીધી છે. તમારો આંતરાત્મામાં જો સરકારનો વિરોધી ન બને તો તમે સરકારના સમર્થક પણ બની શકતા નથી. સભાનતામાં સમર્થન કરવું અને નશાનું ઇન્જેકશન આપીને સમર્થન કરાવવું બન્ને અલગ વસ્તુ છે. પ્રથમ વસ્તુમાં તમારૂં સ્વાભિમાન ઝળકે છે, બીજામાં તમારૂં અપમાન. શું તમે અપમાનિત થઈને આ સમાચાર માધ્યમોને જોવા ઇચ્છો છો? તેમના માટે સરકારને સમર્થન કરવા ચાહો છો?
હું જાણું છું કે મારી આ વાત ન તો કરોડો લોકો સુધી પહોંચશે, અને ન કરોડો લોકો સમાચાર પ્રસારણ માધ્યમોને જોવાનું છોડશે. પરંતુ હું તમને સાવચેત કરૂં છું કે જો ચેનલોનું આ જ પત્રકારત્વ છે તો ભારતમાં લોકતંત્રનું ભવિષ્ય સુંદર નથી. ન્યૂઝ ચેનલો એક એવી જનતા ઘડી રહી છે જે ખોટી સૂચનાઓ અને સીમિત સૂચનાઓ પર આધારિત હશે. પ્રસારણ માધ્યમો પોતાની બનાવાયેલ આ જનતાને તે જનતાથી હરાવી દેશે જેને સૂચનાઓની જરૂરત હોય છે. જેની પાસે પ્રશ્નો હોય છે. પ્રશ્નો અને સૂચના વિના લોકતંત્ર હોતું નથી. લોકતંત્રમાં નાગરીક નથી હોતા.
સત્ય અને તથ્યની દરેક શક્યતાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. હું દરરોજ જનતાને ધકેલાતા જોઉં છું. આ પ્રસારણ માધ્યમો જનતાને દરિયાના વમળમાં ધકેલી નાખવા ઇચ્છે છે. જ્યાં રાજનીતિ પોતાનો વંટોળ રચી રહી છે, રાજનૈતિક દળોથી બહારની સમસ્યાઓની જગ્યા પ્રસારણ માધ્યમો પાસે રહી નથી. ન જાણે કેટલી સમસ્યાઓ રાહ જાઈ રહી છે. પ્રસારણ માધ્યમો થકી પોતાના સંપર્કમાં આવેલા લોકોને, લોકોની વિરુદ્ધ તૈયાર કર્યા છે. આપની પરાજયની ઘોષણા છે, આ ચેનલોની બાદશાહત. આપની ગુલામી છે, તેમની જીત. તેમના પ્રભાવથી કોઈ આટલી સહેલાઈથી નીકળી શકે છે? આપ એક દર્શક છો. આપ એક નેતાનુ સમર્થન કરવા માટે પત્રકારત્વના પતનનું સમર્થન ન કરો. ફકત અઢી મહિનાની વાત છે. પ્રસારણ માધ્યમોને જોવાનું બંધ કરી દો. •