Thursday, June 20, 2024
Homeપયગામપૃથ્વી ઉપર બગાડ ન ફેલાવો

પૃથ્વી ઉપર બગાડ ન ફેલાવો

વિજ્ઞાનની પ્રગતિ અને સભ્યતાની અધોગતિ

વિજ્ઞાન ક્ષેત્રે મનુષ્ય પ્રગતિ કરીને કેટલે ઊંચો પહોંચી ગયો છે. પરિવહન માટે પૈડાની શોધથી શરૂ થયેલ ટેકનોલોજીએ પૃથ્વીની સીમા પાર કરી ચંદ્ર અને મંગળ ઉપર ધામા નાખ્યા છે. બે પથ્થરોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન કરતો માનવ સૂર્યની કિરણોને કાબૂમાં કરી વિવિધ કાર્યોમાં તેનો ઉપયોગ કરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાંથી પાણી મેળવનાર માનવી આજે વાયુમાંથી પાણી મેળવવાની શોધ કરી રહ્યો છે. પોતાની સુરક્ષા માટે પથ્થરોથી શસ્ત્રો બનાવતા મનુષ્યે કેવા કેવા વિનાશક હથિયારોનું નિર્માણ કર્યું છે. માહિતીના ક્ષેત્રમાં અદ્‌ભુત ક્રાંતિ આવી છે ChatGPT એ બધાને હેરાન કરી દીધા છે. શિકાર કરીને પોતાનું પેટ ભરતા માણસે આજે ખાણી પીણીના ક્ષેત્રમાં કેટલા સ્વાદોનો ઉમેરો કર્યો છે, ગણવું પણ મુશ્કેલ છે. સુખ સુવિધા માટે નાના મોટા અગણિત સાધનોનું નિર્માણ કર્યું છે. ટૂંકમાં કહી શકાય કે આજે સભ્યતા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરીને ક્ષિતિજને સ્પર્શવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ માણસ પાસે કોઈ ઉચ્ચ ધ્યેય ન હોવાથી તેનું જીવન સ્વકેન્દ્રી અને સ્વછંદી બની ગયું છે. ભૌતિકવાદના કારણે તેનું લક્ષ્ય માત્ર ખાવું, પીવું અને જલસા કરવાં જેવું બની ગયું છે. પોતાના ક્ષુલ્લક લાભ માટે તે પર્યાવરણની ઘોર ખોદી રહ્યો છે. માનવગરિમાનું હનન છડેચોક થઈ રહ્યું છે. ચારેકોર દરેક મેદાનમાં આજે બગાડ વ્યાપી ગયો છે. મનુષ્યના માનસપટલથી લઈ નૈતિક, સામાજિક, આર્થિક અને રાજનૈતિક સ્તર સુધી ઉપદ્રવ અને બગાડનું વર્ચસ્વ છે.અલ્લાહે કુઆર્નમાં આ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાઠવતાં કહ્યું કે,

“જમીન અને સમુદ્રમાં ફસાદ (બગાડ) પેદા થઈ ગયો છે લોકોના પોતાના હાથોની કમાણીથી, જેથી સ્વાદ ચખાડે તેમને, તેમનાં કેટલાક કર્મોનો, કદાચ તેઓ અટકી જાય.” (સુરઃરૂમ, ૪૦)

એટલે સારૂં-નરસું જે કંઈ આપણે ભોગવી રહ્યાં છે તે આપણી જ સામૂહિક ‘સિદ્ધિઓ’ છે. અને જે કઈ આપણે કર્યું છે તેના જ પ્રાકૃતિક પરિણામો ભોગવી રહ્યા છીએ.

ફસાદનો અર્થ

‘ફસાદ’ અરબી ભાષાનો શબ્દ છે તેનો અર્થ ખૂબ જ વ્યાપક છે. ફસાદ એટલે દુરાચરણ (depravity), બગાડ (deterioration), ઉપદ્રવ, વિકૃતિ (Perversion), અધોગતિ (Degeneration), સડો (Rot), ગેર કાયદેસરતા કે ર્નિબળતા (Invalidity), અનૈતિકતા (Immorality), વિઘટન (Decomposition), ક્ષુદ્રતા (Putridity) વગેરે.

વાસ્તવિક પરિસ્થિતિ

જીવિત રહેવા માટે માણસની જે મૂળભૂત જરૂરિયાત છે તેમાં પાણી, વાયુ અને ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. પરંતુ તમે નરી આંખે જાેઈ લો આમાંથી એક પણ વસ્તુ આજે શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી. જળપ્રદૂષણ, થલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે. ઉદ્યાગીકરણથી રોજગારના અવસરો તો ઉત્પન્ન થયા પરંતુ લાપરવાઈના લીધે નદી નાળાઓના પાણી કેમિકલયુક્ત થઈ ગયા. ભારતમાં ઘણી જગ્યાઓ છે જ્યાં પીવાના પાણીના ફાંફા છે. જમીનમાંથી રંગીન પાણી નીકળે છે. પરિવહન ક્ષેત્રે અમર્યાદિત વાહન વ્યવહાર અને ફેક્ટરીઓના ધુમાડાના કારણે શુદ્ધ ઑક્સિજન પણ મળી રહ્યું નથી. પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ આજે માથાનો દુઃખાવો બની ગયો છે. વસ્તુઓના દુરુપયોગ અને બિનજવાબદારીભર્યા વલણના કારણે ફેલાતું પ્રદૂષણ અસંખ્ય બીમારીઓનો સ્રોત બની ગયું છે, જેથી એક સામાન્ય વ્યક્તિ પણ શારીરિક અને આર્થિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વસ્તી વધતા શહેરીકરણ અને મોટી સડકોના નિર્માણ અને disposal વસ્તુઓના અમર્યાદિત ઉપયોગના કારણે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેના કારણે પર્યાવરણીય સંકટ (ફસાદ) ઊભું થયું છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ એક મોટો પડકાર બની ગયું છે. તેના કારણે કમોસમી વરસાદ, પૂર, અતિશય ગરમી અને શર્દી તથા બરફના મોટા મોટા પર્વતોનું ગળતર થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. અને વિવિધ કુદરતી વિપદાઓ તૂટેલા હારમાંથી પડતા મોતીઓની જેમ એક પછી એક આવી રહી છે. જેના કારણે માનવસમાજ વિવિધ પ્રકારની તકલીફોથી ગ્રસ્ત થઈ ગયો છે. જે દૂષિત પાણી મોટા પ્રમાણમાં દરિયામાં ઠલવાય છે તેનાથી સમુદ્રી પ્રાણીઓના જીવો પણ જાેખમમાં મુકાયા છે. પક્ષીઓની અવરજવર પ્રભાવિત થઈ છે અને ચકલીઓના મધુર સ્વર સંભાળતા બંધ થઈ ગયા છે.

માણસ એટલો સ્વાર્થી,લોભી અને અસંવેદનશીલ થઈ ગયો છે કે સામાન્ય લાભ રળવા ફૂડ (genaacly modified), ખાદ્યસામગ્રીઓ અને તેલમાં મિશ્રણ, નકલી દૂધ અને નકલી દવાઓનું વેચાણ કરી રહ્યો છે. વનસ્પતિઓ અને ફળોનું કદ, ચમક અને વજન વધારવા વિવિધ પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. તેનાથી માત્ર ખેતરની ફળદ્રુપતા વિનાશ નથી પામી રહી બલ્કે સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. ભયંકર અને જીવલેણ રોગોની હારમાળા સર્જાઈ છે. આ ફસાદનું બીજુ સ્વરૂપ છે.

નૈતિક સ્તરે પરિસ્થિતિ વધુ ભયંકર છે. યુવાનોમાં દારૂ અને ડ્રગ્સ એડિકશન નિયંત્રણ બહાર છે. વ્યક્તિ સામાન્ય લાભ માટે ગમે તે હદે જઈ રહી છે. નાનકડી બાબતોમાં હિંસા અને હત્યા કરી રહી છે, એકમેક ઉપરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે, તેની પ્રવૃત્તિઓ દિશાવિહીન અને જીવન લક્ષ્યહીન છે. સંબંધોની પવિત્રતા ખોરવાઈ રહી છે. સંસ્કારના અભાવના કારણે નાના મોટાનો આદર સત્કાર લુપ્ત થતો જાય છે. માનવ લાગણીશીલતા અને સહિષ્ણુતા મૃતપ્રાય બની ગઈ છે. એવા કાર્યો મનુષ્ય કરી રહ્યો છે જેને જાેઈ શેતાન પણ શરમાય છે. મણિપુરમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ દુર્વ્યવહાર મહાભારત કાળમાં થયેલ દ્રોપદીના વસ્ત્રહરણની યાદ અપાવે છે. ર્સ્વનિભર બનવાના મોહમાં સ્ત્રીઓ તેમની પ્રાકૃતિક અને પારિવારિક જવાબદારીઓથી વિમુખ થઈ રહી છે જેના કારણે પરિવાર ભંગાણના આરે ઊભા છે. દુરાચાર અને વ્યભિચાર સામાન્ય બનતા જાય છે. આ ફસાદ (નૈતિક અધોગતિ) તરફ પ્રયાણ કરતી માનવતાને સાચવવાની જરૂર છે.

સામાજિક સ્તરે અસ્પૃશ્યતા, ઊંચ નીચ જેવાં ભેદભાવ જાેવા મળે છે તેનાથી ધરતી ઉપર માનવતા કલંકિત બની છે. આ સામાજિક બગાડ એટલો ઊંડો છે કે તેને નાબૂદ કરવો અશક્ય લાગે છે. ગમે તેટલી શિક્ષિત અને સંસ્કારી હોય પણ કહેવાતી નીચલી જાતિની વ્યક્તિ ઊંચી જાતિની વસ્તીમાં ઘર ખરીદી ન શકે, તેમના માટલામાંથી પાણી ન પી શકે,તેમના મંદિરમાં પ્રવેશ ન કરી શકે, ધાર્મિક જ્ઞાન ન મેળવી શકે,ધર્મના ઉચ્ચ પદ ન મેળવી શકે વગેરે ઘણી બધી વસ્તુઓમાં ભેદભાવ અને અસમાનતાનો ભોગ બને છે. લગ્નેતર સંબધો, વ્યભિચાર, રીલેશનશીપ, વેશ્યાવૃત્તિ, પોર્ન એડિકશન, માતાપિતાની અવજ્ઞાના કારણે આપણા ઘરો ભંગાણના આરે ઊભા છે. આ ફસાદનું સામાજિક સ્વરૂપ છે.

આર્થિક સ્તરે પણ એક બીજા પ્રકારનો ફસાદ દેખાય છે એવી નીતિઓ ઘડવામાં આવી છે જેના કારણે માલદાર વ્યક્તિ વધુ માલદાર અને ગરીબ વ્યક્તિ વધુ ગરીબ અને કમજાેર થતા જાય છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી સામાન્ય માણસ માટે પડકારરૂપ બની ગઈ છે. એક બાજુ મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થતી નથી બીજી બાજુ પ્રતિમા બનાવવા, ગોલ્ફ ક્લબ અને હરવા ફરવાના અને મોજમજાના સ્થળો ડેવલપ કરવામાં બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે. આ આર્થિક ફસાદ(બગાડ) છે.

રાજનૈતિક સ્તરે દરેક વસ્તુનું રાજનીતિકરણ કરી દેવામાં આવ્યું છે. સામ, દામ, દંડ અને ભેદ દરેક વસ્તુનો ઉપયોગ કરી વોટ રળવાનું કામ કરી રહ્યા છે. હિંસા અને નફરતના આધારે સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે. આ શાસનનો બગાડ છે.

આધ્યાત્મિકતા ઉપર પણ લાંછન લાગી રહ્યા છે. મોટા ભાગે “સંયમી” જીવન જીવનારા લોકોની ડાર્ક સાઇડ ખૂબ જ ભયાવહ છે. કેટલાક લોકો ધર્મ અને ક્રિયાકાંડની આડમાં સ્ત્રીઓના શરીરનું શોષણ કરી રહ્યા છે. એક બે નહીં સેંકડોની કામલીલા સમયાંતરે બહાર આવી ચૂકી છે. પ્રાકૃતિક ઇચ્છાઓને મારવામાં આવે તો ફસાદનું આ અનેરૂં રૂપ જન્મ લે છે. હવે તો આ ફસાદ એટલો ઊંડે ઊતરી ગયો છે કે માનવ વંશ પણ તેનાથી બાકાત નથી. પ્રાણીઓ અને વનસ્પતિઓની શંકર જાતિ સુધી તો ઠીક હતું પરંતુ હવે સ્પર્મ (શુક્રાણુ) ડોનેશન અને ખરીદ-વેચાણ, ગર્ભાશય ભાડે આપવાથી પેદા થતા સંતાનો સાચા માતા-પિતાની હેસિયતને શંકાશીલ બનાવે છે.

વ્યવસ્થાતંત્ર ધર્મના આધારે ભેદભાવ કરે છે અને કાયદાનું અમલીકરણ સમાન રીતે થઈ રહ્યું નથી. સત્તા જ્યારે આપરાધિક અને ગુનાહિત વૃત્તિ ધરાવતા ચાલાક, દંભી અને ષડ્‌યંત્રકારી લોકોના હાથમાં આવે છે તો તેઓ શાંતિ અને ન્યાયને ખતમ કરી દે છે અને બનાવના નામે બગાડના કૃત્યો કરતા ફરે છે. માનસિક વિકૃતિ એટલી વધી જાય છે કે ભલાઈ અને બૂરાઈની સમજ પણ જતી રહે છે. કુઑનમાં અલ્લાહ આવા લોકોનો ઉલ્લેખ કરતાં ફરમાવે છેઃ

“જ્યારે પણ તેમને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર બગાડ ન ફેલાવો, તો તેમણે એમ જ કહ્યુંઃ અમે તો સુધારણા કરનારા છીએ. સાવધાન! હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારા છે, પણ તેમને ભાન નથી.” (સૂરઃ બકરહ-૧૧,૧૨)

ઉપર વર્ણવેલ ફસાદના ભાવાર્થોને સામે રાખી જિંદગીના વિવિધ મેદાનોનું નિરીક્ષણ કરી જુઓ.. દરેક સ્થાન ‘ફસાદ’થી ભરેલો દેખાશે. આ બધું ભ્રષ્ટાચાર, મૂડીપતિઓને છાવરવાની માનસિકતા, સરકારી તંત્રમાં પારદર્શકતાનો અભાવ અને ઉત્તરદાયિત્વની ભાવનાની અછતના કારણે શક્ય બન્યું છે. આ ફસાદને રોકવાની સૌથી મૂળ જવાબદારી સરકારની હોય છે. સમયસર ઓડિટ, પ્રભાવકારી કાયદા અને સમગ્ર તંત્રમાં જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો ભાવ ઉત્પન્ન કરવામાં આવે તો ફસાદના કારણે થતી સભ્યતાની અધોગતિને રોકી શકાય છે.

ફસાદ (બગાડ)ના કારણો શું છે?

આ ફસાદના વિવિધ સ્વરૂપોને રોકવા માટે કોઈ કાનૂન વ્યવસ્થા નથી, જે કેટલાક કાયદાઓ બનેલા છે તેઓ પ્રભાવકારી નથી, અને જાે અસરકારક કાયદા હોય તો પણ અમલના મેદાનમાં પાંગળા સાબિત થયા છે. તેનું મુખ્ય કારણ છે કે વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે વ્યક્તિમાં કોઈની સામે ઉત્તરદાયિત્વની ભાવના નથી, તેમજ તેમાં જવાબદારીનો અહેસાસ નથી. બીજું કાયદાઓ અને વ્યવસ્થાતંત્ર સખત અને ઈમાનદાર થઈ જાય પરંતુ સ્વયંશિસ્ત ન હોય તો વિવિધ સ્તરે જાેવા મળતા આ બગાડને નાથી શકાય નહિ.

ઉપાય શું છે?

એ કઈ વસ્તુ છે કે જેના કારણે વ્યક્તિ ખાનગી સ્તરે અને સામૂહિક સ્તરે કોઈ પણ બગાડ કરતા અને દૂષણ ફેલાવતા રોકાઈ જાય? સ્વયંશિસ્તને કઈ રીતે વ્યક્તિત્વનો અખૂટ ભાગ બનાવી શકાય? જવાબદારીનો એહસાસ પેદા કરી શકે? આ ગુણો આપ મેળે બહુ જ જૂજ વ્યક્તિઓમાં પેદા થઈ શકે અને તે પણ કાયમી રહે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે ભૌતિક સિદ્ધાંતો ર્નિબળ સાબિત થાય ત્યારે જરૂર પડે છે ધર્મની. વ્યક્તિ અલ્લાહ / ઈશ્વર ઉપર દૃઢ વિશ્વાસ ધરાવતો હોય અને મૃત્યુ પછી તેના સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના હોય તો વ્યક્તિ અંધારામાં હોય કે પ્રકાશમાં, એકલો અટૂલો હોય કે સમૂહમાં તે એવું કોઈ કામ નહિ કરે જે પૃથ્વી ઉપર બગાડનું કારણ બને. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે કે “દરેક વ્યક્તિએ જે સત્કર્મો કમાવ્યા છે, તેનું ફળ તેના માટે જ છે અને જે દુષ્કર્મો સમેટ્યા છે, તેની મુસીબત અને જંજાળ પણ તેના જ ઉપર છે.” (સૂરઃ બકરહ ૨૮૬)

અહીં કોઈના દબાણવશ કે બીજા કોઈ પણ કારણે વ્યક્તિએ ખોટું કર્યું હશે તો તેનો દોષ વ્યક્તિ બીજા કોઈને આપી છૂટી શકશે નહિ. કેમકે તેણે જે કંઈક કર્યું હશે તે પોતે સંપૂર્ણ સભાનતા સાથે કર્યું હશે. તેથી કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે કેઃ

“અને કોઈ બોજ ઉઠાવનાર કોઈ બીજાનો બોજ નહીં ઉઠાવે, અને જાે કોઈ લદાયેલ જીવ પોતાનો બોજ ઉઠાવવા માટે પોકારશે તો તેના ભારનો એક નાનો ભાગ પણ વહેંચવા કોઈ નહીં આવે, ચાહે તે નિકટતમ સગો જ કેમ ન હોય.” (સૂરઃ ફાતિર ૧૮)

આવો મજબૂત અને દૃઢ વિશ્વાસ હોય તો જ વ્યક્તિ કુઆર્નના આ આદેશનું પાલન કરી શકેઃ “ધરતીમાં ફસાદ(બગાડ) પેદા ન કરો.”(સૂરઃ આરાફ – ૫૬)

“ઉપકાર કર જેવી રીતે અલ્લાહે તારા પર ઉપકાર કર્યો છે, અને ધરતીમાં ફસાદ(બગાડ) પેદા કરવાની કોશિશ ન કર. અલ્લાહ બગાડ પેદા કરનારાઓને પસંદ કરતો નથી.” (સૂરઃ કસસ – ૭૭)

અને પૃથ્વી ઉપર બગાડ ન ફેલાવો, અને જાે મૃત્યુ પછી જીવન અને ત્યાં પોતાના કર્મોનો હિસાબ આપવાની પ્રબળ ભાવના ન હોય તો મુસ્લિમ નામની વ્યક્તિ હોય કે બીજા કોઈ ધર્મની તે બગાડ ફેલાવશે જ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments