લે. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની
અનુવાદ: અનસ બદામ
ઇસ્લામમાં પયગમ્બરનો દરજ્જો:
પયગંબરનો દરજ્જો સામાન્ય માનવી જેવો હોતો નથી, તે અલ્લાહના પ્રતિનિધિ અને તેની ઇચ્છાઓનું અર્થઘટન કરનાર હોય છે, તેનું ઉઠવું-બેસવું, ચાલવું-ફરવું, ખાવું-પીવું, દોસ્ત-દુશમન સાથેનો વર્તાવ, સફર-હઝર એમ જીવનની અકેક ક્ષણ અને અકેક અમલ માનવતા માટે આદર્શ અને નમૂનો હોય છે, તેમની વાણીમાં પણ માનવતા માટે એક પાઠ હોય છે અને તેમના મૌનમાં પણ. પયગંબર હઝરત મુહમ્મદ (સલ.) પર નુબુવવત (ઈશ્દૂત્વ)નો સિલસિલો પૂર્ણ થઈ ગયો છે તેમના પછી ન તો કોઈ પયગંબર આવ્યો છે, અને ન તો આવી શકે. તેથી, પયગમ્બર સાહેબનું જીવન સો-બસો કે હજાર-બે હજાર વર્ષ માટે નહિ; બલ્કે કયામત સુધી આદર્શ અને નમૂનો છે, અને આપની સીરત અને સુન્નતને અનુસરવામાં જ આખિરતનું કલ્યાણ અને દુનિયાની સફળતા છે.
પારીવારિક જીવનમાં આદર્શની જરૂરત:
જીવનનો એક મહત્ત્વનો ભાગ વૈવાહિક અને પારિવારિક જીવન છે, જેમાંથી દરેક મનુષ્ય પસાર થાય છે, દરેક વ્યક્તિ શાસક અને ન્યાયાધીશ બની શકતો નથી, દરેક વ્યક્તિ વેપાર-ધંધો કરતો નથી; પરંતુ લગભગ દરેક માણસ પરિવારનો એક ભાગ તો હોય જ છે, લગ્ન-પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેના દ્વારા એક નવું કુટુંબ અસ્તિત્વમાં આવે છે, કુટુંબનો એક ભાગ જેમ પુરુષ હોય છે, તેમ સ્ત્રીઓ પણ તેનું એક અભિન્ન અંગ હોય છે, તેથી તેમને ડગલે ને પગલે માર્ગદર્શનની જરૂર પડે છે, તેથી જ પયગંબર સાહેબને સામાન્ય લોકો કરતા વધુ લગ્ન કરવાની પરવાનગી અપાઈ હતી. આપે વિવિધ કબીલાઓમાં લગ્ન કર્યા હતા, જેનાથી ઇસ્લામના પ્રચારમાં મદદ મળી, મહિલાઓ ઉપરાંત પારિવારિક જીવન વિશેની બાબતોની જાણકારી પ્રાપ્ત થઈ, આપે એકંદરે જેટલા લગ્નો કર્યા, તેની સંખ્યા કુલ અગિયાર છે, તેમાં હઝરત આઇશા રદિ. સિવાય તમામ લગ્નો વિધવા કે છૂટાછેડા પામેલ સ્ત્રીઓ સાથે થયા હતા.
આપના પહેલા લગ્ન અને ૫૫ (પંચાવન) વર્ષ સુધી એક જ જીવન સાથી:
આપે પ્રથમ લગ્ન હઝરત ખદીજા (રદિ.) સાથે કર્યા હતા, જેઓ ઉંમરમાં આપ કરતા પંદર વર્ષ મોટાં હતાં અને પોતે વિધવા હતા, ૫૫ (પંચાવન) વર્ષની ઉંમર સુધી આપના લગ્નમાં માત્ર એક જ પત્ની હતાં, હઝરત ખદીજા અને તેમનાં મૃત્યુ પછી હઝરત સૌદા. જીવનના છેલ્લા આઠ વર્ષમાં બાકીની પવિત્ર પત્નીઓ આપના લગ્નમાં આવી.
આમ, પહેલા લગ્ન આપે પચ્ચીસ વર્ષની ઉંમરે ચાલીસ વર્ષની સ્ત્રી સાથે કરેલા, બીજું: એક સિવાય બીજી બધી પત્નીઓ વિધવા અથવા છૂટાછેડા પામેલ સ્ત્રીઓ હતી, ત્રીજું: માનવીય જીવનમાં જે સમયગાળો ભર જુવાનીનો ગણાય છે તેમાં આપે માત્ર એક જ જીવનસાથી સાથે જીવન વિતાવ્યું, અને જીવનના છેલ્લા તબક્કામાં આપે બીજા લગ્નો કર્યા હતા.
જો આ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવે તો ઘણીખરી ગેરસમજો આપોઆપ દૂર થઈ જશે.
હઝરત આઇશા સાથેના લગ્ન: કેટલીક ગેરસમજો અને તેનું નિવારણ
ઇસ્લામના દુશમનો દ્વારા જે દુષપ્રચાર કરવામાં આવે છે, તે પૈકી એક સવાલ હઝરત આઇશાની સાથે થયેલા નાની ઉંમરના લગ્ન પણ છે, જેની હકીકત એ છે કે હઝરત આઇશાની સગાઈ જુબેર ઈબ્ને મુત્ઇમના પુત્ર સાથે પહેલાથી જ નક્કી થયેલ હતી, પરંતુ આ પરિવાર હજુ મુસ્લિમ બન્યો ન હતો, જુબેરની પત્નીએ કહ્યું કે, જો અબૂ બક્રની પુત્રી આપણા ઘરે આવશે તો આપણું ઘર પણ ધર્મભ્રષ્ટ (બદદીન) થઈ જશે, તેથી, અમને આ સંબંધ સ્વીકાર્ય નથી. (મુસ્નદે અહમદ: ૬/૨૧૧) આમ, આ સંબંધનો અંત આવ્યો. પછી જ્યારે આપના પહેલાં પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું, ત્યારે એક સહાબિયા હઝરત ખૌલાએ આપની સમક્ષ હઝરત સૌદા (જેઓ વિધવા હતા) અને હઝરત આઇશાનો પ્રસ્તાવ મૂક્યો, હઝરત સૌદા (રદિ.) આપ સલ.ની ઉંમર જેટલાં જ હતાં તેથી આપે તેમની સાથે લગ્ન કરી લીધા અને કેટલાક ગૈબી (દીવ્ય, અલૌકિક) સંકેતોને કારણે હઝરત આઇશાના રિશ્તાને પણ સ્વીકારી લીધો અને હઝરત ખૌલા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ આ વાતને આગળ વધારે. તેથી હઝરત ખૌલાએ હઝરત અબૂ બક્રની સામે વાત મૂકી, હઝરત અબૂ બક્રને આ રિશ્તો દિલોજાનથી પસંદ હતો, પરંતું જહાલતકાળમાં મોં બોલ્યા ભાઈની પુત્રી સાથે લગ્ન કરવાને હરામ (અવૈધ) માનવામાં આવતું હતું, આથી તેઓ થોડા ખચકાયા, જ્યારે હઝરત ખૌલાએ આ વાત પયગમ્બર સાહેબને કહી ત્યારે આપે ફરમાવ્યું કે, અબૂ બક્ર મારા દીની (ધાર્મિક) ભાઈ છે, સગા ભાઈ નથી, તેથી તેમની દીકરી સાથે મારા નિકાહ થઈ શકે છે, આ સ્પષ્ટતા બાદ તેમનો ખચકાટ દૂર થઈ ગયો, આ રીતે આપે હઝરત આઇશા સાથે લગ્ન કર્યાં. લગ્ન સમયે પ્રચલિત મત (રાજેહ કોલ) મુજબ, હઝરત આઇશાની ઉંમર છ વર્ષની હતી અને સાસરે વિદાય વેળાએ નવ વર્ષની હતી, એક બીજા મત પ્રમાણે નિકાહ સમયે હઝરત આઇશાની ઉંમર ૧૮ વર્ષની હતી, પરંતુ નવ વર્ષવાળા મતને ઇમામ બુખારીએ પોતાની કિતાબમાં બયાન કરી છે અને વિદ્વાનોના મત મુજબ આ રિવાયત (વર્ણન) વધારે સહીહ છે.
હઝરત આઇશા સાથે નિકાહ કરવાથી ખૂબ ફાયદો થયો:
એક તો જહાલતકાળની આ રસમનો ખાત્મો થયો કે મોં બોલ્યા ભાઈ, સગા ભાઈ સમાન છે અને સગા ભાઈની દીકરીની જેમ તેની દીકરી સાથે પણ લગ્ન કરવાની મનાઈ છે, જો આપે પોતાના અમલ વડે અજ્ઞાનતાકાળની આ રસમના ખાત્માનું એલાન ન કર્યું હોત, અને માત્ર મૌખિક સૂચન અને ઉપદેશ સુધી સીમિત રહ્યા હોત તો કદાચ ભાઈ અને ભત્રીજી વચ્ચેના કૃત્રિમ સંબંધનો વિચાર આસાનીથી ખતમ ન થયો હોત અને સદીઓ જૂની પરંપરાનો વિરોધ કરવાનું લોકોને ગમ્યું ન હોત, પરંતુ જ્યારે ખુદ હુઝૂરે પોતાના મોં બોલ્યા ભાઈની દીકરી સાથે લગ્ન કરી લીધા તો હંમેશને માટે આ વિચારનો ખાત્મો થઈ ગયો.
બીજું: અલ્લાહ તઆલાએ હઝરત આઇશા (રદિ.)ને અસાધારણ બુદ્ધિમત્તા અને પ્રતિભાથી નવાજ્યા હતા, ૩૫૦ સહાબા અને તાબિઈને તેમનાથી હદીસની સનદ હાંસલ કરી હતી અને તેમણે જે હદીસો વર્ણન કરી છે તેની સંખ્યા ૨,૨૧૦ છે. (સિયર અઅલામુ-ન-નુબલા: ૨/૧૩૯) સાત સહાબીઓ એવા છે જેમને હદીસની રિવાયત (વર્ણન) કરવામાં ‘મુકસ્સિરીન’ કહેવામાં આવે છે, આ એવા સહાબીઓ છે જેમણે એક હજારથી વધુ હદીસો આપ સલ.ના સંદર્ભથી વર્ણન કરી છે, તેમાં જ્યાં છ જેટલા નામ પુરુષોના છે, ત્યાં એક નામ હઝરત આઇશા સિદ્દીકા રદિ.નું પણ છે. ફતાવામાં પણ હઝરત આઇશાનું સ્થાન અને મરતબો ઘણો ઊંચો હતો અને તેમનો સમાવેશ સહાબાના જમાનાના એવા ‘અસ્હાબે ફતાવા’માં થતો હતો, જેમણે મોટી સંખ્યામાં ફતવા આપ્યા છે. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા એક ખ્યાતનામ વિદ્વાન અને ફકીહ ડૉ.રુવાસ કિલાજીએ હઝરત આઇશાના ફતાવાનું સંકલન ‘મવસૂઆ ફિક્હે આઇશા’ના નામે કર્યું છે, જે ૭૬૭ પેજ પર આધારિત છે, આના પરથી ફિક્હ અને ફતાવાના ક્ષેત્રે તેમના યોગદાનનો અંદાજો કરી શકાય છે.
અરબી ભાષામાં ‘ઇસ્તિદરાક’ નામની પરિભાષા વપરાય છે, કોઈ વ્યક્તિની વાત કે લખાણમાં કોઈ ભૂલ કે ગેરસમજ થઈ ગઈ હોય તો તેની ભૂલ બતાવીને દુરસ્ત કરવાને ‘ઇસ્તિદરાક’ કહેવામાં આવે છે, હઝરત આઇશા રદિ.એ અકાબિર સહાબા પર આવો ઇસ્તિદરાક કર્યો છે, જેને અલ્લામા જલાલુદ્દીન સુયૂતી રહ.એ ‘ઐનુ-લ-ઇસાબા ફી ઇસ્તિદરાક આઇશત અલ-સ્સાહાબા’ના નામે સંકલન કર્યું છે, અનેે વિદ્વાનોના મત મુજબ મોટાભાગના આવા ઇસ્તિદરાકમાં હઝરત આઇશાનો મત અને દ્રષ્ટિકોણ વધારે સાચો અને યોગ્ય જણાય છે. આ ઉપરાંત હઝરત આઇશા રદિ. જેવી હોંશિયાર અને બુદ્ધિશાળી સ્ત્રીનું નબી સાહેબના જીવનસાથી હોવાને કારણે સ્ત્રીઓ અને પારિવારિક જીવનને લગતી અનેક સમસ્યાઓ (મસાઇલ)નું નિરાકરણ તેમના જ વર્ણનો (રિવાયાત)થી થયું છે, તેથી ઉમ્મતને હઝરત આઇશાના માધ્યમથી જે ઇલ્મી અને ફિકરી (વૈચારિક) લાભ થયો છે, તે કદાચ અન્ય કોઈથી ન પહોંચી શકત.
હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની વફાત પછી હઝરત આઇશા (રદિ.) ૪૭ વર્ષ જીવ્યા અને તેમની તાલીમ અને માર્ગદર્શન તેમજ સુધારણા અને શિક્ષણનો ધોધ વહેતો જ રહ્યો. કહેવાય છે કે વીસ વર્ષમાં એક પેઢી બદલાઈ જાય છે, આમ હુઝૂર સલ.ની વફાત પછી પણ બે પેઢીઓ તેમનાથી લાભાંવિય થઈ, આ એટલે જ શક્ય બન્યું કે તેઓ નાની વયે જ આપના લગ્નમાં આવી ગયા હતા.
આ સાથે એક મોટો ફાયદો એ પણ થયો કે આ લગ્ન દ્વારા આપ સલ.એ પોતાના સૌથી મોટા મદદગાર હઝરત અબૂ બક્ર સિદ્દીક (રદિ.) અને તેમના પરિવારને માન-મરતબાથી નવાજ્યો. સૌથી વધુ આપને જે ચાર સાથી મિત્રોએ સહાય અને મદદ કરી, તેમાંથી બે સાથીઓ હઝરત અબૂ બક્ર અને હઝરત ઉમર રદિ.ની દીકરીઓને આપે પોતાના લગ્નમાં લઈને તેમનું માન વધાર્યું, અને બીજા બે સાથીઓ હઝરત ઉસ્માન અને હઝરત અલી રદિ.ના નિકાહમાં પોતાની દીકરીઓ આપીને તેમનો માન-મરતબો વધાર્યો, આમ આ રીતે આપે આ ચારેય મિત્રોના બલિદાનને વધાવ્યું, આપ હઝરત અબૂ બક્રને ભલે ગમે તેટલી ભૌતિક નેઅમતોથી નવાજતા, પરંતુ હઝરત આઇશાની સાથે નિકાહ કરવાને કારણે તેમના પરિવારને જે માન-સન્માન અને સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે બીજી કોઈ રીતે થઈ શકત નહીં, તેથી, હઝરત અબૂ બક્રને પણ ક્યારેય એ વાતનો અફસોસ ન થયો કે તેમણે પોતાની દીકરીના લગ્ન ઉંમરના આવડા મોટા તફાવત હોવા છતાં કેમ કર્યા? અને ન તો પોતે હઝરત આઇશાને આ વાતનો પસ્તાવો હતો, બલકે તેઓ તો આ બાબતને પોતાના માટે માન અને ગૌરવને પાત્ર સમજતા હતા. અને એક પ્રસંગે હુઝૂર સલ.એ પોતાની પુનિત પત્નીઓને પોતાની સાથે ખૂબ કરકસર અને સબ્રભર્યું જીવન વિતાવવાને કારણે જ્યારે એવી છૂટ અને સત્તા આપી કે જો તેઓ ઇચ્છે તો પોતાના હક્કો વસૂલ કરી અલગ થઈ શકે છે, તો સૌથી પહેલાં હઝરત આઇશાએ આ વાતનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે, તેઓ કોઈ પણ સંજોગો અને ગમે તેવી સ્થિતિમાં પણ આપની સાથે જ રહેશે. નિકાહના રિશ્તાનો સંબંધ અસલમાં પત્ની સાથે હોય છે, તો જ્યારે પત્ની પોતે આ રિશ્તાને પોતાનું સૌભાગ્ય ગણતી હોય અને રાજીખુશીથી તેને ગૌરવપાત્ર ગણીને તેના પર સહમત હોય તો કોઈ અન્ય વ્યક્તિને તેના પર વાંધો ઉઠાવવાનો અધિકાર કેવી રીતે હોય શકે?
નાની વયે લગ્ન: ધર્મ, સમાજ અને તર્કની એરણે:
જ્યાં સુધી લગ્ન સમયે નાની વયનો સંબંધ છે, તો તેનો સંબંધ વાસ્તવમાં સામાજિક રીત-રિવાજો, ઋતુગત પરિસ્થિતિઓ અને આહાર સાથે છે; તેથી જ તો વિશ્વના જુદા જુદા ભાગોમાં તરુણાવસ્થાની ઉંમર જુદી જુદી હોય છે. અરબસ્તાનમાં નાની ઉંમરે છોકરીઓ સાથે લગ્ન કરવાનો રિવાજ હતો, નબવીકાળમાં પણ અને નબી સાહેબની વફાત પછી પણ આના ઘણા દાખલા મળે છે, જેમાં દસ વર્ષથી ઓછી ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવાયા હોય, અને એટલી જ નાની વયમાં તેઓ મા પણ બની ગઈ હોય, ખુદ હઝરત આઇશાના નિકાહમાં જુઓ કે તેમનો પ્રસ્તાવ હઝરત ખૌલા રદિ.એ રજૂ કર્યો, અને હઝરત અબૂ બક્રએ રઝાઈ ભાઈ હોવાનું ઉઝ્ર (અડચણ) રજૂ કર્યું, પણ ઉંમરના તફાવત વિશે કોઈ પણ ચિંતા દર્શાવી નહીં, આ ઉપરાંત હિજાઝ (મક્કા)ની આબોહવા અને મોસમ ગરમ હોય છે અને તે સમયમાં ત્યાંના લોકોનો ખોરાક ખજૂર અને ઊંટણીનું દૂધ હતું, જે ખૂબ જ પૌષ્ટિક હતું, તેથી, ત્યાંના લોકો અને સ્થિતિને ભારત સાથે ન સરખાવવી જોઈએ.
આ ઉપરાંત એ પણ નોંધનીય છે કે વિશ્વના અન્ય ધર્મોમાં પણ સગીર વયની છોકરીઓના લગ્નની પ્રથા રહી છે, મુસ્લિમોની માન્યતા છે કે હઝરત મરિયમ (અલ.) કોઈની પત્ની નથી બન્યા, અને ચમત્કારિક રીતે હઝરત ઈસા અલ.નો જન્મ થયો હતો, પરંતુ ખ્રિસ્તીઓના કેટલાક સંપ્રદાયો એવું માને છે કે મેરી (મરિયમ અલ.)ના લગ્ન જોસેફ નામના વ્યક્તિ સાથે થયા હતા, એ સમયે જોસેફની ઉંમર ૯૯ વરસ અને હઝરત મરિયમની ઉંમર ૧૨ વર્ષની હતી. ૧૯૮૩ સુધી કેથોલિક કિનાને પોતાના પાદરીઓને બાર વર્ષની છોકરી સાથે લગ્ન કરવાની પરવાનગી આપેલ હતી. ૧૯૨૯ પહેલાં યુનાઈટેડ કિંગડમના ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે પણ ૧૨ વર્ષની છોકરીના લગ્નને મંજૂરી આપી રાખી હતી. અમેરિકાના સ્ટેટ ઓફ ડેલવેરામાં ૧૮૮૦ સુધી છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર આઠ વર્ષ અને કેલિફોર્નિયામાં ૧૦ વર્ષ નિર્ધારિત હતી, ત્યાં સુધી કહેવામાં આવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક રાજ્યોમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર ઘણી ઓછી રાખવામાં આવી છે. અમેરિકાનું એક રાજ્ય મેસેચ્યુસેટ્સ છે, જ્યાં છોકરીઓની લઘુત્તમ લગ્નવય ૧૨ વર્ષ છે, અને એક અન્ય રાજ્ય, ન્યુહેમ્સ્ફરમાં ૧૩ વર્ષ છે.
જો હિંદુ ધર્મનો અભ્યાસ કરવામાં આવે તો, તો તેઓમાં નાની વયના લગ્નને ખૂબ પ્રોત્સાહન અપાયું છે, મનુસ્મૃતિમાં કહ્યું છે કે, છોકરી પુખ્ત થાય તે પહેલાં તેના લગ્ન કરી દેવા જોઈએ (ગોતમ: ૨૧.. ૧૫) અને પિતાએ તેની પુત્રીના લગ્ન ત્યારે જ કરી દેવા જોઈએ જ્યારે તેણી ઉઘાડા શરીરે ફરતી હોય; કારણ કે જો તે પુખ્ત થયા પછી પણ ઘરમાં રહે તો તેનું પાપ તેના પિતાના માથે આવશે. (સંદર્ભ: many ix, 88, htpp: /www.payer.de.dharam shastra/dharmash083 htm)
મનુસ્મૃતિમાં પતિ-પત્નીના લગ્નની ઉંમર આ પ્રમાણે નિર્ધારિત કરવામાં આવી છે: છોકરો ૩૦ વર્ષ અને છોકરી ૧૨ વર્ષ, અથવા છોકરો ૨૪ વર્ષ અને છોકરી ૮ વર્ષ.
મહાભારતમાં લગ્ન માટે જે માર્ગદર્શન અપાયું છે તે અનુસાર છોકરીની ઉંમર ૧૦ વર્ષ અને ૭ વર્ષ છે, જ્યારે કે શ્લોકાસમાં લગ્ન માટે લઘુત્તમ વય ૪ થી ૬ વર્ષ અને વધુમાં વધુ ૮ વર્ષ નક્કી કરવામાં આવી છે.
આજકાલ, હિન્દુભાઈઓ રામજીને સૌથી મોટા આદર્શ માને છે, રામાયણથી એ વાત જાણવા મળે છે કે રામ અને સીતાના લગ્ન સમયે સીતાની ઉંમર માત્ર છ વર્ષની હતી. (રામાયણ, અરીના કાંડ, સર્ગ: ૪૭, શ્લોક: ૧૧, ૪, ૧૦)
ટૂંકમાં નાની ઉંમરે છોકરીના લગ્ન અને પતિ-પત્નીની ઉંમર વચ્ચેનો તફાવત પરસ્પર સહમતિ, સામાજિક રીતિ-રિવાજો, આબોહવા, આરોગ્ય અને તરુણાવસ્થા સાથે સંબંધિત છે. પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના સમાજોમાં નાની વયે છોકરીઓના લગ્ન થતા આવ્યા છે, અને વિવિધ ધાર્મિક ગ્રંથોમાં ન માત્ર તેની છૂટ અપાઈ છે, બલકે તેને પ્રાત્સાહન પણ આપવામાં આવ્યું છે, અને સવિશેષ હિન્દુ સમાજમાં તેની પ્રથા વધારે છે, અને ધર્મોના ધર્મગુરુઓએ પણ નાની વયમાં લગ્ન કરેલા છે.
(પ્રકાશિત: ઉર્દૂ દૈનિક ‘મુનસિફ’ની શુક્રવારની પૂર્તિ ‘મીનાર-એ-નૂર’, તા. ૧૦ જૂન, ૨૦૨૨ )