Sunday, September 8, 2024
Homeમાર્ગદર્શનકુર્આન અને હદીસ

કુર્આન અને હદીસ

રમઝાન સંદેશ – 5

કુર્આન ઈશ્વરનો અંતિમ સંદેશો છે. તે ઇસ્લામી શિક્ષણ અને કાયદાનો પાયાનો સ્ત્રોત છે. કુઆર્ન માણસના વ્યક્તિગત અને સામુહિક જીવનને આવરી લે છે. તેનો વિષય માનવ છે.આસ્થા અને તેની પવિત્રતા, નીતિશાસ્ત્ર, માણસજાતનો ઇતિહાસ, ઇબાદત (પ્રાર્થના), જ્ઞાન, ડહાપણ, ઈશ્વર અને માણસનો સંબંધ, અને  માણસના બીજા માનવી સાથેના સંબંધો. કુઆર્નના શિક્ષણ દ્વારા સામાજિક ન્યાય, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કાયદાનું ઘડતર (Legislation) તેની ફિલસૂફી (Jurisprudence) અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધોરૂપી મજબૂત ઇમારતો ચણી શકાય એમ છે.

કુર્આન જેમ જેમ અવતરિત થતું રહ્યું તેમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ. સાહેબની દેખરેખ હેઠળ, તેમના જીવન દરમિયાન તેમના અનુયાયીઓએ આ કુઆર્ન મોઢે કરી લીધું હતું, અને લખી પણ લીધું હતું. એટલે કુઆર્નનું સમગ્ર લખાણ (Complete text) અને તેની પૂરેપૂરી માહિતી આજે પણ અરબી ભાષામાં જેમની તેમ મળી શકે છે. જગતની અનેક ભાષાઓમાં તેના અનુવાદો ઉપલબ્ધ છે.

મુહમ્મદ સ.અ.વ. સાહેબના શિક્ષણના ઉદ્‌ગારો, ઉક્તિઓ, અને કહેવતો જેમને હદીષ કહેવામાં આવે છે. તે તેમનાં અનુયાયીઓએ જતનપૂર્વક સાચવ્યાં છે. હદીષની મદદથી કુઆર્નની આયતો અને તેમનાં શિક્ષણને વિસ્તારપૂર્વક સમજાવી શકાય છે.

ઇબાદતનો ઇસ્લામી વિચાર

ઇસ્લામ ધર્મ માત્ર ક્રિયાકાંડ સુધી સીમિત નથી. તે આશય અને કાર્ય ઉપર ભાર મૂકે છે. ઈશ્વરની ઇબાદત કરવી એટલે જીવનની દરેક બાબતમાં ઈશ્વરને ઓળખવો, તેને પ્રેમ કરવો, અને તેના કાયદાનો અમલ કરવો. જીવનની દરેક બાબતમાં ભલાઈનો આગ્રહ રાખવો

કુઆર્ન કહે છે

“તમે તમારાં મુખોને પૂર્વ તરફ કે પશ્ચિમ તરફ ફેરવો તેનું નામ ભલાઈ કે સદ્‌કાર્ય (Righteousness) નથી. તે માણસ ભલો છે જે ઈશ્વરમાં અને કયામતના અંતિમ ન્યાયના દિવસમાં અને દેવદૂતોમાં અને ધર્મગ્રંથોમાં અને પયગમ્બરોમાં માને છે, અને પોતાની મિલકત ઈશ્વરના પ્રેમને ખાતર ખર્ચ કરે છે.” (કુર્આન ૨ઃ૧૭૭)

ઇસ્લામી જીવનપદ્ધતિ

ઇસ્લામ બધા માણસો માટે, અને જીવનના બધા ક્ષેત્રો માટે, એક ચોક્કસ પ્રકારની દોરવણી કે શિક્ષણ આપે છે. તેની દોરવણી રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક પ્રકારની હોય છે. કુઆર્ન માણસને તેના ધરતી ઉપરના જીવનના હેતુ અંગે યાદ આપે છે. તેને તે પોતાની ફરજો અને જવાબદારીઓની પણ યાદ આપે છે, એટલું જ નહિ પણ તેનાં સગાંવહાલાં, તેનો સમાજ અને માનવબંધુઓ અને ઈશ્વર સાથેના તેના સંબંધને પણ તાજા કરી આપે છે. ધાર્મિક (Religious) અને બિન-ધાર્મિક (Secular) એવા મનુષ્ય જીવનનાં બે જુદા વિભાગો ઇસ્લામમાં નથી. મનુષ્યના રૂપમાં તેઓ એકરૂપ થયેલાં છે.


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments