Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસશું મલ્ટિમીડિયા પુસ્તક વાંચનનો વિકલ્પ બની શકે?

શું મલ્ટિમીડિયા પુસ્તક વાંચનનો વિકલ્પ બની શકે?

લેખક: સચિન અરોરા
sachin@sachinarora.in

જ્યારથી મલ્ટિમીડિયાએ પોતાનો પગ પેસારો કર્યો છે ત્યારથી આ ચર્ચા સામાન્ય થઈ ગઈ છે કે શીખવા માટે વિડિયો ફાયદાકારક છે કે નુકસાનકારક? શું વિડિયો “વાંચન”નો બીજો વિકલ્પ બની શકે છે કે નહી! આ બધા સવાલોના વ્યવહારુ સમાધાનનો એક પ્રયાસ..

વાંચવું એક સક્રિય કામ છે, અને જોવું અસક્રિય. કોઈ પણ વ્યક્તિને એક પુસ્તક વાંચતી વખતે, વિડિયો જોવાની તુલનામાં એકલતાની જરૂર પડે છે. આથી વાંચનની ક્રિયા ધીમે થાય છે. આ ધીમાપણું જ વધુ માહિતી એકત્રિત કરવાનું કારણ બને છે.

કેટલાક અધ્યયનો દર્શાવે છે કે માહિતીઓ એકત્રિત કરવામાં જેટલો વધુ સમય લાગશે, વ્યક્તિનું મગજ એટલી જ વધુ માહિતી જાળવી રાખશે. તેની તુલનામાં વિડિયો જોવું એવું છે કે જેમ ચમચીથી તમને સૂચનાઓ પીરસવામાં આવી રહી છે. જ્યાં તમને શીખવા માટે વધુ પ્રયાસો નથી કરવા પડતા. વિડિઓઝની તુલનામાં પુસ્તકો વધુ સચોટ, વધુ સાવચેત અને ઓબ્જેક્ટીવ (વસ્તુનિષ્ઠ) માનવામાં આવે છે.

બીજી તરફ, વિડિઓઝ સમય કાર્યક્ષમ અને વધુ અનુકૂળ વિકલ્પ છે. તમે એક વીડિયો એકદમ ઝડપથી જોઈ શકો છો અને ખૂબ જ થોડા સમયમાં ખૂબ જ વધુ માહિતી ગ્રહણ કરી શકો છો. મનુષ્યનું મગજ વસ્તુઓનું ચિત્રકરણ જોવું પસંદ કરે છે અને વીડિયો તમારા માટે તે કામ કરી આપે છે. જટિલ વસ્તુઓને જલ્દી અને સરળતાથી શીખવામાં વિડિયોની ભૂમિકા અગત્યની છે. પુસ્તકો તે કામ નથી કરી શકતા.

તમને ક્યારે વિડિયો જોવાના બદલે ફક્ત પુસ્તકો વાંચવી જોઈએ :-

જ્યારે તમે લાંબા સમય સુધી શીખવા અને જાળવવા માંગતા હો, ત્યારે તમારે પુસ્તક પસંદ કરવું જોઈએ. પુસ્તકોનું વાંચન તમારી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરે છે. આ એક એવો અનુભવ છે જેનો એહસાસ તમને ત્વરિત થતો નથી. કોઈ પણ પુસ્તકથી કોઈ પણ કોન્સેપ્ટનું અધ્યયન કરવું અને સમજવું મુશ્કેલ કામ છે, પરંતુ કેમ કે આ જટિલ કાર્ય છે અને સમય લે છે, આ પ્રોસેસ દ્વારા સમજવામાં આવેલ કોન્સેપ્ટ લાંબા સમય સુધી તમારા મગજના રૂમમાં જળવાઇ રહે છે.

જ્યારે તમે તમારી સાહિત્યિક કુશળતા વિકસાવવા માંગતા હો, ત્યારે પુસ્તકો પસંદ કરો. પુસ્તક વાંચનથી તમારા શબ્દભંડોળ, વ્યાકરણ અને વાંચનની કુશળતા વૃદ્ધિ પામે છે. સમય જતાં તમારી વાંચનની ગતિ પણ સતત વિકસિત થતી જશે. પરંતુ બીજી તરફ વિડિયોમાં આ સમસ્યા છે કે તમે તેની જોવાની ગતિ ક્યારેય પણ વધારી નથી શકતા. તમે સેંકડો કે હજારો વિડિયો જુઓ, ગતિ એટલીની એટલી જ રહેશે. પરંતુ પુસ્તક જેમ જેમ વાંચશો, ગતિ પોતાની રીતે વધતી જશે.

પુસ્તકોમાં વસ્તુઓને શોધવા અને તારવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. તમે ટેબલ ઓફ કન્ટેન્ટ અને અનુક્રમણિકાનો ઉપયોગ કરીને પોતાની ઈચ્છા પ્રમાણેના વિષય પર જઈ શકો છો. પરંતુ તમે વીડિયોમાં આ સુવિધાનો ફાયદો ઉઠાવી નથી શકતા.

જો તમે વિસ્તૃતિકરણ ઈચ્છતા હોવ તો પુસ્તકો આ બાબતમાં ફાયદાકારક રહે છે. આ વિસ્તૃતિકરણને તમે પોતે પારખી શકો છો અને તમે પોતે કલ્પના પણ કરી શકો છો. જ્યારે કે વીડિયોમાં તમે કોઈ કથાકારના દ્રષ્ટિકોણથી જ જુઓ છો. તમે જાતે તમારી કલ્પનાનો ઉપયોગ ઓછો કરો છો. પરંતુ કોઈ નિવેદન કરવાવાળાની દ્રષ્ટીએ વસ્તુઓને સમજવા શીખવાનો દ્રષ્ટિકોણ શીખવા માટે લાભદાયક હોતો નથી.

જ્યારે તમે તમારી પોતાની ગતિએ શીખવા માંગો છો, ત્યારે પુસ્તક વાંચન વધુ યોગ્ય રહે છે. તમે પુસ્તક વાંચતા સમયે પોતાની ગતિ ઓછી કે વધુ કરી શકો છો. આને કોઈ વીજળી, બેટરી કે ઇન્ટરનેટની જરૂરત નથી પડતી.

તમારે ક્યારે વિડિયો જોવા જોઈએ:

તાત્કાલિક મનોરંજન માટે વિડિયો ઉત્તમ વિકલ્પ છે. પુસ્તકો પણ મનોરંજન આપે છે પરંતુ એટલું નહીં જેટલું વીડિયોમાં હોય છે. કાલ્પનિક દ્રશ્યોની સાથે એક કથાનું વર્ણન, તેને વધુ રસપ્રદ બનાવી દે છે. જે પુસ્તકો મૂવીના રૂપમાં રજૂ કરવામાં આવી ચુક્યા છે, વાસ્તવમા તેને મુવીના રૂપમાં જોવું જ વધુ રસપ્રદ અને આકર્ષક હોય છે. વિડિઓઝ જુઓ જે તમને લાગે કે તે ફક્ત મનોરંજન માટે છે અને તમે તેનાથી કોઈ મોટા પાઠની અપેક્ષા નથી કરી રહ્યા.

વિડિયો એ સમયે જોવો જોઈએ જ્યારે કોઈ જટિલ વિષય પર ફક્ત પ્રાથમિક જાણકારી કે ઇન્ટ્રોડકશન પ્રાપ્ત કરવા માંગો છો જે તમારા માટે અજાણ્યા છે. તમને ખબર છે કે પુસ્તકો દ્વારા આને સમજવામાં ખૂબ જ સમય લાગશે, તેવા સંજોગોમાં વિડિયો અત્યંત ઉપયોગી નીવડી શકે.

જ્યારે તમારી પાસે પૈસા ન હોય તો વિડિયો પસંદ કરો. કારણ કે ઘણા માહિતી સભર વિડિયો નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

જ્યારે તમારી પાસે સમયનો અભાવ હોય તો વિડિયો પસંદ કરો. કોઈ પણ વિષયને યોગ્ય રીતે શીખવા માટે તમારે વિગતો પર સખત મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ ચુસ્ત સમયમર્યાદાના કિસ્સામાં, વિડિઓઝ પુસ્તકો કરતા વધુ સારી રીતે કાર્ય કરે છે.

વાંચવા અને જોવાનો સંયુક્ત વિકલ્પ :-

જો તમે હજુ પણ મૂંઝવણમાં છો કે વાંચવું જોઈએ કે વિડિયો જોવો જોઈએ, તો તમે બંનેનો સંયુક્ત વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમને એક પુસ્તક વાંચવામાં મુશ્કેલી પડે છે તો તે પુસ્તકનો એક વિડિયો ઈન્ટ્રોડકશન ફાયદાકારક હોય શકે છે. હું હંમેશા આવી જ રીતે કરું છું. જ્યારે પણ હું કોઈ પુસ્તક, ખાસ કરીને એક નોવેલ વાંચું છું તો આ પ્રયાસ કરું છું કે તે નોવેલ પર આધારિત કોઈ ફિલ્મ શોધું અને તેનું ટ્રેલર જોઈ લઉં. તેનાથી નોવેલ વિશે એક પ્રાથમિક જાણકારી મળી જશે. ફક્ત કોઈ ટ્રેલર જોવાથી સ્ટોરીનો સસ્પેન્સ પણ ખતમ નહી થાય બલ્કે આ વાંચનને વધુ આકર્ષક અને રસપ્રદ બનાવી દેશે.

નિષ્કર્ષ અને સલાહ :

આપણે આપણા પાસે ઉપલબ્ધ માહિતીના ભંડારથી ઘેરાયેલા છીએ જ્યાં બધું જાણવું આપણા માટે શક્ય નથી. કોઈ પણ વસ્તુના ઊંડાણમાં ઉતરવા માટે વાંચવું અત્યંત જરૂરી છે. જેના વગર કોઈ ઉપાય જ નથી. એટલા માટે વિડિયોનો ઉપયોગ ફક્ત તત્કાલીન કે ઓછી ઉપયોગી માહિતીની સમજ માટે કરી શકીએ છીએ. વિડિઓઝ અને વાંચનના સંઘર્ષમાં, જો તમે લાંબા ગાળે તમારી જાતને વિકસાવવા ઇચ્છતા હોવ અને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષયોમાં ગુણવત્તા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યાં છો, તો પુસ્તકો વાંચો. વાંચન સારો એવો સમય માંગી લે છે. આથી કોઇ વ્યર્થ સામગ્રી‌ વાંચવામાં પોતાનો સમય ન બગાડો. નિષ્કર્ષમા હું એ સલાહ આપીશ કે વિડિયોઝ જોવા અને વાંચનના મિશ્રિત વિકલ્પને પસંદ કરો. પરંતુ વિષયની ઊંડાણપૂર્ણ સમજ કેળવવા પુસ્તક વાંચનનો કોઇ વિકલ્પ નથી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments