Thursday, September 12, 2024
Homeમાર્ગદર્શનમાનવીય ભાઈચારો અને ઇસ્લામ

માનવીય ભાઈચારો અને ઇસ્લામ

રમઝાન સંદેશ – 6

દાનવીરતા, સહિષ્ણુતા અને પ્રેમ આનું નામ જ જીવન છે. જ્યાં કંજૂસાઈ, હૃદયની સંકૂચિતતા અને ધિક્કાર હોય ત્યાં જીવન રહેતું નથી. આપણી બધી આશાઓ જીવન સાથે સંબંધ ધરાવે છે. વ્યક્તિત્વના પૂર્ણ વિકાસનું રહસ્ય પણ ખરા અર્થમાં દાનવીરતા અને સહિષ્ણુતામાં જ સમાયેલું છે. આ એક એવી વાસ્તવિકતા છે, જેના પ્રત્યે સામાન્ય લોકો ઉદાસીનતા કે બેપરવાઈ દાખવે છે. પરંતુ આ જ કારણે તેઓ જીવનના સુખ-ચેનથી પણ વંચિત રહી જતાં હોય છે. ધર્મે હંમેશાં આ જ શિક્ષણ આપ્યું છે કે માણસે દરેક પ્રકારની સંકુચિત દૃષ્ટિ અને હૃદયની કૃપણતાથી બચવું જોઈએ. સાચું કહીએ તો ધર્મની આધારશિલા આપણી આવશ્યક્તાઓ અને કુદરતી ઇચ્છાઓ ઉપર જ રાખવામાં આવી છે. કુર્આન ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ઃ

“….. જે લોકો પોતાના મનનાં લોભ અને કંજૂસાઈથી બચતા રહે છે તેઓ જ સફળતા પામનારા છે.”

સંકુચિત દૃષ્ટિ અને મનની અસહિષ્ણુતાના કારણે માનવજીવન કટૂતા અને કંટકોથી ભરાઈ જાય છે. વધુમાં આ જ કારણે ઘણા બધા લોકો સત્ય પણ પામી શકતા નથી. ઇસ્લામ શીખવે છે કે બધા જ મનુષ્યો એક સમુદાય બનીને રહે, જેમ ઈશ્વરે બધાને એક જ સમૂહ (ગિરોહ) રૂપે પેદા કર્યા છે. કુર્આન કહે છે :

“બધા લોકો એક જ સમુદાય છે.”

કુર્આનમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે :

“હે લોકો, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીથી પેદા કર્યા છે. અને જાતિઓ અને ગોત્રોમાં તમારો વિસ્તાર વધાર્યો છે, જેથી તમે એકબીજાને ઓળખી શકો. વાસ્તવમાં ઈશ્વરની નજીક તે માણસ સૌથી વધારે પ્રતિષ્ઠિત છે જે તમારામાં સૌ કરતાં ઈશ્વરથી વધારે ડરે છે, ખરેખર અલ્લાહ બધું જ જાણે છે અને બધી ખબર રાખે છે.” (૪૯ઃ૧૩)

પ્રેમ

આપણે જાણીએ છીએ કે જીવન પોતાના ખરા સ્વરૂપે સહિષ્ણુતામાં પ્રગટ થાય છે. આપણને પરસ્પર જોડાયેલાં કે સંકળાયેલા રાખનાર વસ્તુ પ્રેમ છે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છેઃ“માણસ તેની સાથે જ હશે જેની સાથે તેને પ્રેમ હશે.” અને“મોમિન પ્રેમનો આગાર કે ઘર હોય છે.”

” ઇસ્લામના પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે :

“પોતાના ભાઈ સાથે હસીને વાત કરવી એ પણ તમારા માટે દાન છે.”

લોકકલ્યાણની ભાવના

પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના વચનો ઉપર મનન કરીએ :

“લોકો માટે તે જ પસંદ કરો જે તમે તમારા પોતાના માટે પસંદ કરો છો. આવું કરશો ત્યારે જ તમે મુસ્લિમ કહેવાશો.” (તિર્મિઝી)

“જેઓ લોકો ઉપર દયા રાખતા નથી તેમની ઉપર અલ્લાહ પણ દયા રાખતો નથી.” (અબૂદાઊદ, તિર્મિઝી)


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments