Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસફળ થઈ ગયો તે, જેણે તેને વિકસિત કર્યો

સફળ થઈ ગયો તે, જેણે તેને વિકસિત કર્યો

લેખક : તબાના નૂરી

આપણા જીવનમાં આવનારા ઉતાર-ચઢાવ પણ એટલા જ સ્વભાવિક છે, જેટલું કે ઋતુઓનું બદલાવવું, છોડ અને વૃક્ષોનું કરમાવવું અને ફરીથી તેમના પર નવી કૂંપળો ફૂટવી.. જે વ્યક્તિ આ પ્રક્રિયાને સહજતાથી સ્વીકારે છે, એ સુખ-દુઃખ બન્ને સ્થિતિઓમાં સંતુલિત અને સકારાત્મક રહે છે, પરંતુ કેટલાક લોકો આવી મુશ્કેલીઓથી બહુ જલ્દી ગભરાઈ જાય છે. તેમનું મનોબળ કમજોર પડવા લાગે છે. વિધાતાએ આપણ સૌને પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવાની શક્તિ સમાન રૂપે આપી છે. પરંતુ કેટલાક લોકો પોતાના અંતર્મનની આ તાકતને ઓળખી નથી શકતા, અને આવા જ લોકો માર્ગમાં આવનારી નાની નાની અડચણોથી બહુ જલ્દી હતપ્રભ થઈ જાય છે.

જો આપણે સારા વિચારો સાથે જીવવાનું શીખી જઈએ તો ખરાબ પરિસ્થિતિઓ આપમેળે ખતમ થઈ જશે. આવા લોકો દરેક સ્થિતિમાં શાંત અને સંયમિત રહે છે. પોતાના મનને દરેક સ્થિતિમાં સંયમિત રાખવું મનુષ્ય માટે સૌથી મોટો પડકાર છે. આ ખરૂં છે કે માનવ-મન ખૂબ જ ચંચલ છે. આની ગતિ વીજળી કરતાં પણ વધુ તીવ્ર છે. સામાન્ય બોલચાલની ભાષામાં જ્યારે આપણે મનોબળ વધારવાની વાત કરીએ છીએ તો આપણે તેના શાબ્દિક અર્થને ગ્રહણ કરવો ન જોઈએ. મનોબળ વધારવાનો વાસ્તવિક કે ખરો અર્થ આપણા-પોતાના બુદ્ધિ-વિવેકને બળવાન બનાવવાથી છે. મનને જો કોઈ કાબૂમાં રાખી શકે છે તો એ છે બુદ્ધિ. મનમાં અલગ અલગ ભાવનાઓ ઉદ્ભવે છે. કેટલીક સારી તો કેટલીક બૂરી.

ભય, ક્રોધ અને ચિંતા વિગેરે ખરાબ ભાવનાઓ છે. પ્રેમ, સેવા, ઇશપરાયણતા, દાન અને ર્નિભયતા સારી ભાવનાઓ છે, જે હંમેશાં સદ્‌બુદ્ધિથી જ આવે છે. આના માટે સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે મનના દુર્ગુણોને દૂર કરી સારા ગુણોને કેવી રીતે પેદા કરવામાં આવે? ઘર-ગૃહસ્થી, વ્યાપાર કે કાર્યાલયમાં કેટલીય વખત મનુષ્યનું મનોબળ કમજોર પડી જાય છે. બીકના લીધે તે પોતાના જીવનના એ લક્ષ્ય સુધી નથી પહોંચી શકતો, જ્યાં પહોંચવું તેનો ઉદ્દેશ્ય હતો.

જે ક્ષણે તમારા સદ્‌ગૂણોની વૃદ્ધિ થશે, તમે મોટામાં મોટા સંકટો સામે ઝઝૂમવા સક્ષમ થઈ જશો, પરંતુ આના માટે વ્યક્તિના મનમાં ધૈર્યનું હોવું બહુ જરૂરી છે. જ્ઞાન એક સાધના છે, જેને જીવન-પર્યંત એવી જ રીતે અંગીકાર કરવી પડે છે જેવી રીતે સ્વસ્થ શરીર પામવા માટે આપણે નિયમિત વ્યાયામ તથા અન્ય ગતિવિધિઓને અપનાવીએ છીએ. ખરૂં તો આ છે કે કમજોર મનોબળ બાહ્ય મુશ્કેલીઓથી પણ વધુ હાનિકારક હોય છે. જરા પોતાના ભૂતકાળમાં ડોકિયું કરીને જુઓ કે અગાઉ પણ જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી તો શું તમે એ સમસ્યામાંથી ઉગર્યા નથી? પાછલા કેટલાક વર્ષોમાં આવનારા દુઃખોને તો તમે યાદ રાખો છો પરંતુ અગણિત-અસંખ્ય સુખોને ભુલાવી દો છો.

આજે આપણા જીવનમાં જે પણ થઈ રહ્યું છે, એ થોડાક દિવસો પછી ભૂતકાળનો ભાગ બની જશે. આથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે આ જ વિચારવું જોઈએ કે આજે આપણી સાથે જે પણ થઈ રહ્યું છે તેમાં પણ ભવિષ્ય માટે કોઈ ને કોઈ ભલાઈ જ છૂપી હશે.

આત્મસન્માન સાથે જીવવાની કળા આપણી બુદ્ધિને પ્રબળ બનાવે છે. ખરાબમાં ખરાબ સમયમાં પણ તમે બીજાઓથી દયા પામવાની આશા ક્યારેય ન રાખશો. આપણા સૌનો ઈશ્વર પણ એક જ છે. જેવી રીતે કોઈ પણ વસ્તુ અંગે મંથન કરવાથી તેમાં રહેલ હાનિકારક તત્ત્વ વિષની જેમ બહાર નીકળી આવે છે, ઠીક એવી જ રીતે પોતાના મનમાં રહેલ ભાવનાઓ પર મંથન કર્યા બાદ તેનામાંથી કેટલીક નકારાત્મક વાતો પણ બહાર નીકળી આવે છે, જે મનુષ્યનું મનોબળ કમજોર કરી શકે છે. ચાહે ઘર-પરિવાર હોય કે પછી કાર્યાલય, દરેક જગ્યાએ પોતાની જવાબદારીઓ અને સંબંધોનો નિર્વાહ કરતાં આપણા મનમાં હંમેશાં આ જ ભાવનાઓ હોવી જોઈએ કે આ હું પોતે નથી કરી રહ્યો, બલ્કે પ્રકૃતિએ મને આ કાર્ય માટે બનાવ્યો છે. કર્મ જ્યારે પાલનહાર ઈશ્વરે માટે કરવામાં આવશે તો મનોબળ કેવી રીતે ઘટશે? આનાથી વિરુદ્ધ જ્યારે ફકત વ્યક્તિગત સ્વાર્થ માટે જ કર્મ કરવામાં આવશે તો મનોબળ કેવી રીતે વધશે?

વ્યક્તિના મનમાં છુપાયેલ શક્તિને જગાવવા માટે ઈશપરાયણતાના આદર્શનું તેજ જાેઈએ. મનુષ્ય પોતાની શક્તિનો પૂરો ઉપયોગ નથી કરતો, આ અનુભવ-સિદ્ધ વાત છે, અને આ પણ સત્ય છે કે કોઈ પણ મનુષ્ય જેટલું સમજે છે, તેનાથી ઘણી વધારે શક્તિ તેનામાં હોય છે. મનુષ્યની અંદર શક્તિનો અખૂટ ભંડાર રહેલ છે, પરંતુ પોતાની જાતથી પૂરૂં કામ લેવાનું ઘણા લોકોને આવડતું નથી. રણપ્રદેશના પેટાળમાં પાણીનો ભંડાર ભરેલો હોય, પરંતુ જમીનમાં નળ નાખીને પાણીને ઉપર લાવવામાં ન આવે તો રણપ્રદેશ રણપ્રદેશ જ રહેશે. આત્મ-શક્તિ વિષે પવિત્ર ગ્રંથ કુઆર્ને ઘણી સરસ વાત કહી છે, જેનો ઉલ્લેખ કરવો અહીં યોગ્ય લેખાશેઃ

“અને મનુષ્યના આત્માના અને તે હસ્તીના સોગંદ જેણે તેને ઠીકઠાક કર્યો પછી તેની બૂરાઈ અને તેની પરહેજગારી (સંયમ) તેના હૃદયમાં નાખી દીધી, ખરેખર સફળ થઈ ગયો તે જેણે આત્માને વિશુદ્ધ અને વિકસિત કર્યો, અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો. (સૂરઃશમ્સ, આયતો-૭ થી ૧૦)
કોઈ પણ કાર્યની સફળતાનું માપદંડ એ કાર્યના મૂળમાં રહેલ પ્રેરકબળ છે અને મનુષ્યના વ્યક્તિત્વનું માપદંડ તેનું જીવન-ધ્યેય છે. તમારૂં જીવન-ધ્યેય તમારી યાત્રાની દિશા નિશ્ચિત કરશે અને જે તમને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા અને શક્તિ આપશે, દુઃખમાં સહનશીલતા અને સુખમાં વિવેક સુઝાડશે. જીવનમાં સફળતા અપાવશે, તમારૂં જીવન-ધ્યેય તમને પ્રેરિત કરનાર બળ છે.

આ જીવન એક એવી રણભૂમિ છે, જ્યાં પ્રતિદિન યુદ્ધ થઈ રહ્યું છે. બાહ્ય યુદ્ધમાં તો અસલ શત્રુઓની જાણ હોય છે, પરંતુ આ યુદ્ધમાં તો અસલ શત્રુ આપણું મન જ છે. હવે પ્રશ્ન આ ઉદ્ભવે છે કે આવા યુદ્ધમાં આપણે જીતીએ કેવી રીતે? આના માટે આપણે આપણા અંતઃકરણ સાથે પણ એવું જ વર્તન કરવું પડશે જેવી રીતે બાહ્ય યુદ્ધ માટે આપણે ખુદને શસ્ત્રોથી સજજ કરીએ છીએ. એવી જ રીતે મનની ભીતર ચાલનારા યુદ્ધમાં આપણને ઈશપરાયણતાનું કવચ પહેરવું પડશે. ફકત ઈશપરાયણતા જ આપણને આ યુદ્ધમાં વિજય અપાવી શકે છે. આમાં ફકત આપણું મનોબળ વધશે એટલું જ નહીં, બલ્કે આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર પણ હંમેશાં માટે દૂર થઈ જશે. સત્ય, જ્ઞાન અને ઈશપરાયણતાથી જ આપણે જીવનનું સાચું સુખ હાંસલ કરી શકીએ છીએ. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments