Monday, June 24, 2024
Homeઓપન સ્પેસશું છે ‘ભગવા લવ ટ્રેપ'ની વાસ્તવિકતા?

શું છે ‘ભગવા લવ ટ્રેપ’ની વાસ્તવિકતા?

લે. શબીઉઝ્‌ઝમાં

અલ્લામા ઈકબાલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપેલા સંદેશમાં કહ્યું હતું કે –
તાઇર-એ-ઝેર-એ-દામ કે નાલે તો સુન ચુકે હો તુમ,
યે ભી સુનો કિ નાલા-એ-તાઇર-એ-બામ ઔર હૈ.

અર્થાત્ઃ તમે જાળમાં ફસાયેલા પક્ષીનો વિલાપ સાંભળ્યો છે, પણ છત પર પક્ષીનો વિલાપ પણ સાંભળો, જે અલગ છે.
આ શેરમાં ઇશારો એ છે કે તમારા નેતાઓ, પ્રચારકો અને સુધારકો બધા ગુલામીથી ઘેરાયેલા છે અને તેમનો પોકાર ગુલામીનો પોકાર છે. આઝાદ માણસના રુદન અને ગુલામના રુદનમાં ફરક છે. માનસિક ગુલામીમાં રાષ્ટ્રોની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. તેમની વિચારવાની અને સમસ્યાઓનો સામનો કરવાની રીત બદલાય છે. આ ગુલામ માનસિકતામાં ભયની સ્થિતિ છે જે ભારતીય મુસ્લિમોમાં ખૂબ જ ઊંડે સુધી જાેવા મળે છે. જ્યારે પણ આવો મુદ્દો આવે છે ત્યારે તેનું વિશ્લેષણ કરીને યોગ્ય ઉકેલ આપવાને બદલે લોકો રાઈનો પર્વત બનાવીને ભય ફેલાવવા લાગે છે.
મુસ્લિમ છોકરીઓના બિન-મુસ્લિમ છોકરાઓ સાથેના લગ્નને લઈને તાજેતરમાં થયેલો હોબાળો મુસ્લિમોના આ મનોવિજ્ઞાનને સમજવા માટે પૂરતો છે. સોશિયલ મીડિયા પર ઉગ્ર પોસ્ટ, શેરીઓમાં ‘મોરલ પોલીસિંગ’ માટે ઉત્સાહી યુવાનોની ટોળકીની તૈયારી, સમુદાયમાં જાગૃતિ લાવવા માટે શહેરભરમાં પોસ્ટરો, બેનરો અને હોર્ડિંગ્સ, સિમ્પોઝિયમ અને સેમિનારો, ખાસ ઇજતેમા, જુમ્આના પ્રવચન, મુસ્લિમ છોકરીઓના લગ્ન અને મુસ્લિમ છોકરીઓને બિન-મુસ્લિમ છોકરાઓ સાથે ફરતી હોવાનો પર્દાફાશ કરતા વીડિયો, આ બધી બાબતોએ મુસ્લિમ સમાજમાં નારાજગી પેદા કરી અને એવું લાગવા લાગ્યું કે ભારતીય મુસ્લિમો સામે સૌથી મોટો ભય અને સૌથી મોટો પડકાર આ ગંભીર સમસ્યા છે.
તે એક ભાવનાત્મક મુદ્દો બની ગયો કારણ કે તેને મુસ્લિમ છોકરીઓના ‘ઇર્તિદાદ’ (ધર્મત્યાગ) તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો વારંવાર ચર્ચાતો રહ્યો છે અને મુસ્લિમોમાં અસંતોષ પેદા કરી રહ્યો છે, પરંતુ આ વખતે તેનો આશરો લઈને ભારે અસંતોષ પેદા કર્યો છે. ભારતના મિશ્ર સમાજમાં ભૂતકાળમાં આવા લગ્નો થયા છે, પરંતુ આ વખતે એવું જણાય છે (અથવા કરવામાં આવ્યું હતું) કે સંઘ પરિવાર એક ષડ્‌યંત્ર હેઠળ આવા લગ્નો કરાવે છે, કારણ કે સંઘ પરિવારની પેટા સંસ્થાઓ હિન્દુ યુવાનોને આવું કરવા માટે ઉશ્કેરતી રહી છે. હિન્દુ જાગરણ મંચે તો ‘બહુ લાવો, બેટી બચાવો’ નામની ઝુંબેશ પણ શરૂ કરી હતી.
પરંતુ આ હંગામામાં અનેક સવાલો ઊભા થાય છે. આ લેખમાં તે પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પહેલો પ્રશ્ન એ છે કે શું આને ‘ઇર્તિદાદ’ (ધર્મત્યાગ) કહી શકાય? અલબત્ત, ઇસ્લામમાં બિન-મુસ્લિમ સાથે લગ્ન કરવું એ પાપ છે, પરંતુ આ આટલા કારણથી ઇસ્લામમાંથી ધર્મત્યાગી હોવાનું બનતું નથી, સિવાય કે તે ખુદાનો અસ્વીકાર કરે અથવા પોતાને ઇસ્લામ ધર્મ છોડી રહ્યો હોવાનું જાહેર ન કરે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે બિન-મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કરવા છતાં, છોકરીઓ માત્ર ખુદામાં ઈમાન જ નથી રાખતી બલ્કે ધાર્મિક વિધિઓનું પણ પાલન કરે છે. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની સાહેબ તેમના લેખ “આંતર-ધાર્મિક લગ્નની ઘટનાઓ અને તેના નિવારણ”માં સ્પષ્ટ લખે છે કે –
“મુસ્લિમ છોકરી માટે બિન-મુસ્લિમ છોકરા સાથે ભાગી જવું એ એક વાત છે અને તેના માટે ‘મુર્તદ’ (ધર્મત્યાગી) બનવું બીજી બાબત છે. બિન-મુસ્લિમ છોકરા સાથે ભાગી જવું એ ચોક્કસપણે એક મહાન પાપ છે, પરંતુ ‘ઇર્તિદાદ’ (ધર્મત્યાગ) એટલે મુસ્લિમ બન્યા પછી ‘કુફ્ર’ અપનાવવું બીજીવાત. ‘ઇર્તિદાદ’નો અર્થ એ છે કે તૌહીદ એટલે કે એકેશ્વરવાદમાં માનવું, પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.ને અલ્લાહના પૈગમ્બર અને અંતિમ પૈગમ્બર તરીકે, કુર્આન મજીદનો આકાશી ગ્રંથ હોવાનો અને આખિરતનો ઇનકાર કરે છે અને મૂર્તિઓને ખુદા માનવાનું શરૂ કરે છે. આ દૃષ્ટિકોણથી, ઘણી છોકરીઓ બિન-મુસ્લિમ છોકરાઓ સાથે જાય છે, તેઓ તેમની તાત્કાલિક લાગણીઓને કારણે આ ભૂલ કરે છે, પરંતુ તેઓ ઇસ્લામમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરતા નથી. તેમના હૃદયમાં ઇમાનની ચિંગારી દટાયેલી છે. મેં અંગત રીતે એવા કિસ્સાઓ જાેયા છે કે જ્યારે આંતર-ધર્મ લગ્ન કરનાર દંપતીને સમજાવવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમે અમારો ધર્મ બદલ્યો નથી, અમે બંનેએ નક્કી કર્યું છે કે અમે પોતપોતાના ધર્મને વળગી રહીશું, તેમની સાથે સંબંધો જાળવીશું. સંબંધિત પરિવારો વૈવાહિક સંબંધમાં રહેશે. તેમની આ વાત બિલકુલ અસ્વીકાર્ય છે અને શરિયતમાં ચોક્કસપણે મંજૂર નથી, પરંતુ એ પણ હકીકત છે કે આવા મુસ્લિમ છોકરા કે છોકરીને ગુનેગાર, ફાસિક અને ફાજિર કહી શકાય, પરંતુ તેઓને મુર્તદ ‘ધર્મત્યાગી’ ગણાવી શકાય નથી.”
બીજાે પ્રશ્ન ડેટા સાથે સંબંધિત છે. જે ડેટા રજૂ કરવામાં આવી રહ્યો છે તે શંકાસ્પદ છે. લાખોનો ડેટા આપવામાં આવી રહ્યો છે જ્યારે તેના માટે કોઈ અધિકૃત સ્ત્રોત નથી. આ ડેટા પરથી એવું લાગે છે કે મુસ્લિમ છોકરીઓ હિન્દુત્વવાદીઓ માટે એકદમ નરમ ચારો છે, અહીં તેમણે એક અભિયાન શરૂ કર્યું અને બીજી બાજુ મુસ્લિમ છોકરીઓ ‘ઇર્તિદાદ’નો શિકાર બની. ગ્રાઉન્ડ લેવલ પર પણ મુસ્લિમ છોકરાઓ દ્વારા હિંદુ છોકરીઓ સાથે લગ્ન કરવાના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ મુસ્લિમ છોકરીઓ હિંદુ છોકરાઓ સાથે લગ્ન કરે તેવા કિસ્સાઓ ભાગ્યે જ જાેવા મળે છે. તેમ છતાં કેટલાક આવા કિસ્સા શહેરોમાં જાેવા મળે છે, જેની સંખ્યા સો માં પણ હોઈ શકે છે, પરંતુ ગામડાઓ અને નાના શહેરોમાં આવા કિસ્સા ભાગ્યે જ જાેવા મળે છે. એટલા માટે આવા કિસ્સાઓને લાખોની સંખ્યામાં જણાવવા એ અતિશયોક્તિ સિવાય બીજું કંઈ નથી.
ત્રીજાે અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું આ હિન્દુત્વવાદીઓના ષડ્‌યંત્ર હેઠળ થઈ રહ્યું છે? એ વાત સાચી છે કે હિંદુત્વવાદીઓ સતત તેમના ભાષણોમાં હિંદુ યુવકોને મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને એવી શક્યતા છે કે કેટલાક લાગણીશીલ હિંદુ યુવકો આ ભાષણોથી પ્રભાવિત થઈને મુસ્લિમ યુવતીઓને લલચાવતા હશે, પરંતુ આવા કિસ્સા બહુ ઓછા છે. સામાન્ય રીતે, આવા કિસ્સાઓ વ્યવહારિક રીતે શક્ય નથી.
સૌ પ્રથમ, જે પ્રકારનો ખર્ચ કહેવામાં આવી રહ્યો છે કે સંઘના સંગઠનો હિંદુ છોકરાઓને રહેવા માટે ફ્લેટ, નોકરી અને અન્ય સુવિધાઓ આપી રહી છે, જે કેસોની સંખ્યા કહેવામાં આવી રહી છે, તેના માટે કરોડો રૂપિયાની જરૂર પડશે અને જેઓ સંઘને સમજે છે તેઓ જાણે છે કે સંઘ ક્યારેય આ કામ માટે આટલા પૈસા ખર્ચશે નહીં.
બીજી વાત એ છે કે હિંદુ સમાજ ખૂબ જ કટ્ટર અને જ્ઞાતિબંધુ સમાજ છે. તે પોતે પોતાના સમાજની (અન્ય જ્ઞાતિની) છોકરીઓને દત્તક લેતા નથી, તો શું આ સમાજ આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ છોકરીઓને માત્ર અમુક લાગણીશીલ ભાષણોને કારણે દત્તક લેશે, તે પણ દહેજ વગર? નફરતમાં મતદાન કરવું એ અલગ વાત છે, પરંતુ મુસ્લિમ છોકરીને વહુ બનાવીને પોતાના પરિવારનું બલિદાન આપવાનું કોઈ હિન્દુ ક્યારેય સ્વીકારશે નહીં, કારણ કે હિન્દુ સમાજ ફક્ત તેના રીતરિવાજાે અને સંસ્કૃતિથી ટકી રહે છે અને આ સંસ્કૃતિને આગામી પેઢીઓ સુધી પહોંચાડવાની જવાબદારી હિન્દુ મહિલાઓની છે. હિંદુ સમાજના ઘણા લોકોને એ પણ પસંદ નથી કે તેમના છોકરા-છોકરી મુસ્લિમો સાથે દોસ્તી કરે, તો તેઓ કેવી રીતે સહન કરશે કે મુસ્લિમ છોકરી તેમની વહુ બને?
પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા તાજેતરના આંતરધર્મી લગ્નો અંગેનો અભ્યાસ પણ પુષ્ટિ કરે છે કે હિંદુઓ આંતરધર્મી લગ્નોની તરફેણ કરતા નથી. બહુ ઓછા ભારતીયો કહે છે કે તેમણે એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે જે તેમના પોતાના કરતા અલગ ધર્મનું પાલન કરે છે. હકીકતમાં, લગભગ તમામ પરિણીત લોકો (૯૯ ટકા) જણાવે છે કે તેમના જીવનસાથી સમાન ધર્મ ધરાવે છે. સર્વેક્ષણમાં હિંદુ (૯૯%), મુસ્લિમો (૯૮%), ખ્રિસ્તીઓ (૯૫%), શીખ અને બૌદ્ધ (૯૭%)નો સમાવેશ થાય છે. આ જ સર્વેક્ષણમાં એ પણ બહાર આવ્યું છે કે મોટાભાગના ભારતીયો, ધર્મને ધ્યાનમાં લીધા વિના, આંતર-ધર્મ લગ્ન પસંદ નથી કરતા અને તેમને રોકવા માંગે છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતમાં તમામ ધર્મોના અનુયાયીઓ વચ્ચે આંતર-ધર્મીય લગ્નોની કુલ સંખ્યા માત્ર ૨% છે. તેથી જ આ મામલે હિંદુત્વના પ્રયાસોની બહુ અસર જાેવા મળતી નથી.
જાે કે હાલના કેસોની જમીની સ્તરે સમીક્ષા કરવામાં આવે તો હિન્દુત્વવાદીઓના કાવતરાને કારણે કોઈ ખાસ કેસ સામે આવતો નથી. એક વાત ચોક્કસપણે જાેવા મળે છે કે લગ્નો માત્ર સામાજિક પરિબળોને કારણે થતા હતા પરંતુ હિંદુત્વના ગુંડાઓએ વાતાવરણને ધ્રુવીકરણ કરવા માટે આ કિસ્સાઓ હાઇજેક કરીને તેમને કોમવાદી બનાવી દીધા અને હિન્દુ છોકરાઓના સમર્થનમાં ઊભા રહીને સંદેશો આપ્યો કે આ કિસ્સા હિન્દુત્વના પ્રયાસોને કારણે થઈ રહ્યા છે.
છેલ્લો પ્રશ્ન એ છે કે આંતરધર્મીય લગ્નોનાં કારણો શું છે? વ્યક્તિએ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરવાનું કારણ તેની સાથે પ્રેમ કરવો છે. મોટાભાગના લોકો તે પસંદ કરે છે જે તેમની પહોંચમાં હોય, પછી તે તેમની શાળા, કૉલેજ અથવા ઑફિસમાં હોય. એકવાર તેઓ પ્રેમમાં પડ્યા પછી, તેમની આગામી કુદરતી ક્રિયા લગ્ન કરવાનો છે. તેથી જ આ લગ્નોનું કારણ સામાન્ય રીતે સામાજિક પરિબળો હોય છે. બિન-મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કરતી મોટાભાગની છોકરીઓ શહેરોની છે, જ્યાં મુસ્લિમ છોકરીઓ ખુલ્લી સંસ્કૃતિને કારણે હિંદુ છોકરાઓને મળવાની શક્યતા વધારે છે. આમાંની મોટાભાગની છોકરીઓ એવી છે કે જેઓ માત્ર નામ માટે ઇસ્લામથી પરિચિત હતી. તેમની આસપાસનું વાતાવરણ કાં તો આધુનિક ઉદારવાદી વાતાવરણ હતું અથવા તો હિંદુ પ્રદેશમાં રહેવાને કારણે તેમના જીવનમાં હિંદુ રીતિ-રિવાજાે મોજૂદ હતા. આવી સ્થિતિમાં તેમની સાથે આવું કૃત્ય થાય એમાં નવાઈ નથી.
આ સમગ્ર બાબતને સમજવા માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્ત્રોત લગ્ન નોંધણી કચેરી છે. અમે મહારાષ્ટ્ર રાજ્યનો છેલ્લા એક મહિનાનો ડેટા ફક્ત કેસ સ્ટડી માટે લીધો હતો. કારણ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આ કેસોમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યો હોવાનું કહેવાય છે. આ ડેટા અનુસાર, મુસ્લિમ છોકરીઓએ ૪૦ કેસમાં બિન-મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા છે, જ્યારે બિન-મુસ્લિમ છોકરીઓએ ૫૨ કેસમાં મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. આ રીતે મુસ્લિમ છોકરાઓમાં બિન-મુસ્લિમ છોકરીઓ સાથે લવ મેરેજનું ચલણ વધુ જાેવા મળ્યું હતું, પરંતુ આ તમામ હોબાળામાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
આ ૪૦ કેસમાંથી ૨૭ કેસ માત્ર મુંબઈ, પૂણે અને થાણેના છે. અન્ય જિલ્લાઓમાં આવા કિસ્સાઓ નહિવત છે. શોલાપુર, અહેમદનગર, અમરાવતી, ઔરંગાબાદ, બીડ, સતારા અને રાયગઢ જિલ્લામાં માત્ર એક જ કેસ નોંધાયો હતો. ધુલે અને અકોલામાં શૂન્ય, પાલઘર અને નાગપુરમાં ત્રણ-ત્રણ કેસ હતા. આ ડેટા દર્શાવે છે કે આવા કેસો મોટા શહેરોમાં વધુ અને નાના સ્થળોએ ઓછા છે જે હિંદુત્વના કાવતરાને કારણે નહીં પરંતુ સામાજિક પરિબળોને કારણે છે.
અંતે, આ સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરવું જાેઈએ કે વાસ્તવિક લાભ કોને મળ્યો? સંઘ પરિવાર બે વસ્તુઓ ઇચ્છે છે – પ્રથમ, મુસ્લિમો પ્રત્યે હિન્દુઓમાં નફરત પેદા કરવી અને બીજું, મુસ્લિમોમાં સતત ભય અને ગભરાટ જાળવવો. આ મુદ્દાથી તેને આ બંને લાભો મળ્યા. એક તરફ જ્યાં તેઓ ‘લવ જેહાદ’ અને ‘બહુ લાવો, બેટી બચાવો’ જેવા નારા લગાવીને હિંદુઓમાં મુસ્લિમો પ્રત્યે નફરત ઊભી કરવામાં સફળ થયા, તો બીજી તરફ અતિ લાગણીશીલ મુસ્લિમો, વક્તાઓ અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટોએ નાના મુદ્દાને મોટી સમસ્યા બનાવીને મુસ્લિમોમાં ભય અને ગભરાટની સ્થિતિ ઊભી કરી. જાણ્યે-અજાણ્યે મુસ્લિમોએ એ જ કર્યું જે સંઘ પરિવાર કરવા માગતો હતો. આ બાબતમાં મુસ્લિમોએ જે સૌથી ખરાબ કામ કર્યું તે તેમની જ દીકરીઓને બદનામ કરવા અને તેમને ચર્ચાનો વિષય બનાવવાનું હતું. માત્ર અફવાઓના આધારે અને કોઈ નક્કર પુરાવા વિના થોડાક કિસ્સાઓને આધારે સમગ્ર મુસ્લિમ સમાજમાં મુસ્લિમ દીકરીઓ પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જાે કે, આ એ જ સિંહદિલ મહિલાઓ અને પુત્રીઓ છે જે શાહીન બાગમાં મોદી, યોગી અને શાહ જેવા સરમુખત્યારો સામે ઊભી હતી. •••
(લેખ સાભારઃ ‘રફીક-એ-મંઝિલ’, નવી દિલ્હી, જુલાઈ ૨૦૨૩)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments