રમઝાન સંદેશ – 4
(૧) શ્રદ્ધાની જાહેરમાં કબૂલાત
અલ્લાહ સિવાય બીજું કોઈ ઉપાસ્ય નથી, તેની સાક્ષી પૂરવી અને હઝરત મુહમ્મદ સ.અ.વ.માનવજાત માટે અંતિમ રસૂલ કે સંદેશવાહક છે તેની પણ સાક્ષી પૂરવી.
(૨) નમાઝ કે પ્રાર્થના
નમાઝ અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધાને જીવંત રાખે છે અને તેને મજબૂત બનાવે છે. મુસલમાનોએ દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરવાની હોય છે. નમાઝ મુસલમાનને ઉચ્ચ પ્રકારના નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક જીવનની પ્રેરણા આપે છે. તેનાથી હૃદય શુદ્ધ બને છે અને માણસ ખોટા અને અશ્લીલ કૃત્યોથી દૂર રહે છે.
(૩) રમઝાન માસના રોજા કે ઉપવાસ
મુસ્લિમો રમઝાન માસમાં પરોઢથી સૂર્યાસ્ત સુધી ખાવા, પીવા અને કામેચ્છાની તૃપ્તિથી દૂર રહે છે, એટલું જ નહિ પણ અનિષ્ટ ઈરાદાઓ અને ઇચ્છાઓથી પણ અળગા રહે છે. રમઝાન માસના રોજા મુસ્લિમોને પ્રેમ, નિખાલસતા અને ભક્તિનાં પાઠ શીખવે છે. તેનાથી તેમનામાં સામાજિક ભાવના, ધૈર્ય, નિઃસ્વાર્થપણું અને ઇચ્છાશક્તિનો વિકાસ થાય છે.
(૪) ઝકાત
પોતાની વાર્ષિક કમાણીમાંથી થયેલ બચતનો ૨.૫% ભાગ ધાર્મિક અને સામાજિક ફરજ રૂપે સમાજના ગરીબોને આપવો. તેનાથી ધન લોભથી મુક્તિ મળે છે. વંચિતો પ્રત્યે ઉદારતા અને સહાનુભુતિ પેદા થાય છે.
(૫) મક્કાની હજ્જ
આર્થિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સંપન્ન હોય તો આ ફરજ દરેક મુસ્લિમે જીવનમાં એકવાર બજાવવાની હોય છે. ઈશપરાયણતા, સમાનતા અને બલિદાનની ભાવના પેદા કરે છે.
આ પાંચ પાયારૂપ ફરજો ઉપરાંત દરેકે દરેક કાર્ય જો ઈશ્વરની ઇચ્છાને પૂર્ણ કરવાની ભાવનાથી કરવામાં આવે તો તે કાર્ય પણ મુસલમાન માટે ઇબાદત(ભક્તિ) ગણવામાં આવે છે.
ઇસ્લામ અલ્લાહના એક હોવા ઉપર અને તેના સર્વસત્તાધીશ હોવા ઉપર ભાર મુકે છે. તેને કારણે માણસને બ્રહ્માંડની અર્થપૂર્ણતાનું અને તેમાં તેનાં પોતાના સ્થાનનું ભાન થાય છે. આ માન્યતા તેને બધા પ્રકારના ભય અને વહેમોથી મુક્ત કરે છે. અને આખી માણસ જાતને એક કુટુંબ તરીકે સ્વીકારવા તૈયાર કરે છે.
માણસની સ્વતંત્રતા
માણસ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. ઈશ્વરે તેને ઉચ્ચ પ્રકારની શક્તિઓ આપી હોવાથી તેની ઇચ્છા-શક્તિ, કાર્ય અને પસંદગીની બાબતમાં તે મુક્ત છે. ઈશ્વરે તેને સારો અને સાચો રસ્તો બતાવી દીધો છે, અને હઝરત મુહમ્મદ સ.અ.વ. સાહેબના જીવનના રૂપમાં તેની દૃષ્ટિ સમક્ષ એક સંપૂર્ણ આદર્શરૂપ વ્યક્તિના દૃષ્ટાંતને પણ મૂકી દેવામાં આવ્યું છે. માણસના જીવનની સફળતા અને મુક્તિ પણ તેમાં જ રહેલી છે.
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)