Saturday, July 27, 2024
Homeમનોમથંનઉત્તર પ્રદેશ વિધાનસભા ૨૦૨૨નું ચૂંટણી ચક્કર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ૨૦૨૨નું ચૂંટણી ચક્કર

૨૦૦૧માં મોદીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યા ત્યારથી જ તેમણે ચૂંટણી જંગ લડવાની તૈયારી આરંભી દીધી હતી. ૨૦૦૨માં આવી રહેલ ચૂંટણીની જે તૈયારી તેઓએ ગોધરાકાંડ થકી કરી તે એક ઇતિહાસ છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી પણ તે અવિરત ચાલી રહી છે. સત્તાનું સુકાન સંભાળ્યા પછી સરકારની જવાબદારી ભલે ઓછી-વત્તી ચાલતી રહે, પરંતુ તેમનો ચૂંટણી જ્વર ક્યારેય પણ રોકાતો નથી. કાર્યકર્તાઓ, પક્ષ, પ્રધાનમંડળ અને ખુદ પોતે સતત કાળજીથી પૂરા આયોજન સાથે ચૂંટણીલક્ષી પ્રવૃત્તિમાં કાર્યરત્‌ રહે છે. જ્યાં જીત્યા હોય ત્યાં વધુ મોટી જીત મેળવવા અથવા સત્તા કોઈ પણ રીતે ટકાવી રાખવા અને જ્યાં સત્તાથી દૂર હોય ત્યાં જલ્દીથી સત્તા મેળવવા તેઓ સતત સોગઠીઓ ગોઠવતા રહે છે.

૨૦૨૨ના આ વર્ષે યોજાનાર પાંચ રાજ્યો, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આની તૈયારી પુરજાેશમાં ચાલી જ રહી છે અને વેગ પણ પકડી રહી છે. આ પાંચ રાજ્યોમાં, ઉત્તર પ્રદેશ એટલું બધું મહત્વનું રાજ્ય છે કે બીજા રાજ્યોની ચર્ચા અને સમીક્ષા ખૂબ જ ઓછી થાય છે, જ્યારે કે ઉત્તરપ્રદેશની આસપાસ પૂરા દેશનું રાજકીય વાતાવરણ ચકરાવો લેતું રહે છે. અને તેનું કારણ પણ બહુ જ સ્પષ્ટ છે. આપણે બહુ શરૂથી સાંભળતા રહ્યા છીએ કે વડાપ્રધાન બનવાનો દિલ્હીનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ જાય છે. સંકીર્ણ રાષ્ટ્રવાદના પ્રહરી મોદી સાહેબે આ બાબતે આગોતરી કાળજી લઈ ૨૦૧૪માં વડોદરાની સાથે વારાણસીની પણ ઉમેદવારી નોંધાવી અને વારાણસીની સીટ જાળવી રાખી તે ચાલ આ વિચારની દ્યોતક છે. ૫૪૩ સભ્યોની લોકસભામાં ઉત્તર પ્રદેશના ભાગે ૮૦ સંસદ સભ્યો આવે છે અને ૧૪ માંથી ૯ વડાપ્રધાન ત્યાંથી ચૂંટાયેલા છે. હાલ જે માહોલ ચાલી રહ્યો છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં મોદી અને યુપીમાં યોગીની આગેવાની હેઠળ રામ કાર્ડ એટલે કે હિંદુ કાર્ડ રમવા જઈ રહી છે. અયોધ્યા પછી કાશી મંદિરને ભવ્ય પ્રવાસન પોઇન્ટ બનાવવાનો મનસૂબો જાહેર કર્યો છે. સાથેસાથે મથુરા કૃષ્ણ જન્મ ભૂમિને પણ ભવ્યતા અર્પી ઉત્તરપ્રદેશમાં ધાર્મિક સર્કિટ બનાવી લોકોને ધાર્મિક નશામાં સતત ગ્રસ્ત રાખવાનું પાકું આયોજન છે. કિસાન આંદોલનથી માંડ છુટકારો મેળવી હવે પ્રજાનું ધ્યાન ભ્રમિત કરવા આના સિવાય બીજાે કોઈ ચારો પણ નથી. આરએસએસ અને બીજેપી આ વાત બહુ સારી રીતે જાણે છે અને એટલે જ ચાલાકીથી મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી પોતાનો એજન્ડા સેટ કરે છે. હાલની ભારતીય રાજકારણની જે તાસીર છે તેમાં આ વાત ધ્યાને લેવી રહી કે એજન્ડા આરએસએસ સેટ કરે છે અને બધા રાજકીય પક્ષો તેના ખુલાસામાં અથવા તેની આગળ પાછળ ચાલે છે. મીડિયા, ખાસ કરીને ગોદી મીડિયા આ પીપૂડી એટલી જાેરથી અને વારંવાર વગાડે છે કે સામાન્ય પ્રજા તેની આસપાસ જ વિચારતી રહે છે અને પ્રવર્તમાન સરકારની ભૂલોને વિસારે પાડી દે છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધાર્મિક પ્રવાસન લોલીપોપ આનું તાજું ઉદાહરણ છે. એક તરફ તેઓ શ્રી રામાયણ એક્સપ્રેસ નામે હિંદુ મતદાતાઓને રીઝવવા વિશિષ્ટ રેલ સફરનું આયોજન કરે છે તો બીજી તરફ પોતાની બિનસાંપ્રદાયિક છબી બનાવી રાખવા સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી, વાઘા સરહદ, મથુરા, વૃંદાવન, નાસિક, અજમેર વિગેરે સ્થળોની યાત્રા કરાવે છે. ટૂંકમાં કોઇ પણ રાજકીય પક્ષ પોતાને અતિ ધાર્મિક બતાવવાની કોઈ તક ચૂકતા નથી. કેજરીવાલે પોતાના ચૂંટણી મિશનની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવાની જાહેરાત સાથે જ કરી, કારણ કે એ જાણે છે કે ગુજરાતમાં ભગવાન કૃષ્ણ ઘણાં જ લોકપ્રિય છે.

દિલ્હી, બિહાર અને વેસ્ટ બેંગાલ તથા અન્ય રાજ્યોની છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં આજ હિન્દુકાર્ડ રમી જાેર શોરથી પ્રચાર કરી એવું વાતાવરણ ઊભુ કરવામાં આવેલ કે ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી બે તૃતિયાંશ બહુમતીથી આ ચૂંટણી જીતવાની છે. ચૂંટણીના સર્વેક્ષણો એ રીતે ગોઠવવામાં આવે છે કે આ પ્રચારને પુષ્ટિ મળતી રહે છે. સામાન્ય પ્રજાજન, ખાસ કરીને અચોક્કસ મતદાતાઓ- ફ્લોટિંગ વોટર્સ આ હલ્લાબોલથી અંજાઈને સરકારી વાજિંત્રોના ઘોંઘાટમાં ફરીથી બીજેપીને વોટ આપી દે છે. કેજરીવાલ, તેજસ્વી યાદવ, મમતા બેનર્જી અને બીજા અનેક પ્રાદેશિક પક્ષોએ જબરજસ્ત લડત આપી અને સરકારો પણ બનાવી, પરંતુ બીજેપીનો જંગ મરણિયો હોય છે, તે સ્વીકારવું રહ્યું. છેલ્લે મમતા બેનરજીએ બંગાળમાં જે સપાટો બોલાવ્યો તેનાથી ભાજપ સાચે જ સ્તબ્ધ છે અને કોમવાદી કાર્ડ રમવું જાેખમી છે તે સમજાયું છે.તેમ છતાં હિન્દુત્વનો કોઈ વિકલ્પ નથી તે આરએસએસ અને મોદીથી લઈ યોગી અને નીચેનો કાર્યકર્તા સૌ સમજે છે અને તેના વળગણથી વિમુખ પણ નથી થઈ શકતા. હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં મંડીની લોકસભાની અને ત્રણ વિધાનસભાની સીટો કોંગ્રેસે જે રીતે જીતી લીધી તેનાથી સોપો પડી ગયો છે.ત્યાંના મુખ્યમંત્રી ઠાકુરે હિંમતથી ઠીકરું કેન્દ્ર સરકાર ઉપર ફોડયું છે અને હાઈકમાન્ડે તેને મૌન રહી સૂચક રીતે અવગણ્યું છે. યોગી સરકારના કોવિડ મહામારીના પ્રસંગે છબરડાઓ તથા બિન આવડતથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી અને સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી, તે તાજાેજ ભૂતકાળ છે. આ દીવા જેવી હકીકતને અવગણી મોદીએ યોગીની પીઠ થાબડી અને કોરોના મહામારી દરમિયાન તેમનું હેન્ડલિંગ ઉદાહરણીય જણાવ્યું. અદ્દલ નોટબંધીના ફાયદા ગણાવતા હતા તે તર્જ ઉપર જ. પ્રજાની યાદશક્તિ ટૂંકી હોય છે, તે ભૂતકાળને જલ્દી વિસરી જાય છે અને તાજા મુદ્દા ઉપર જ મીડિયા દ્વારા આક્રમણ કરી તેને ભ્રમિત કરવાના કારસા ગોઠવાતા રહે છે. મોદી પોતાની જીદ ઉપર અડી રહેવા માટે પ્રખ્યાત છે. લોકસભામાં આટલી મોટી બહુમતી હોવાથી તેઓ એક તરફી ર્નિણય લઇ કાયદાઓ બનાવી બહુમતીના નામે પ્રજા ઉપર સીધા ઠોકી દે છે અને ભારે પ્રચાર હેઠળ વિરોધ પક્ષો કે વિરોધીઓનો સુર દબાવી દે છે. જાે કે કિસાન આંદોલને મોદી સરકારની હવા કાઢી નાંખી છે અને તેમના અહંકારને ચકનાચૂર કરી નાખ્યો છે. યુપીની ચૂંટણીની હારના ભયથી જ તેઓને આ પીછેહઠ કરવી પડી છે. કિસાનોની બધી જ માંગણીઓ સ્વીકારી લેવી પડી છે તે મોદીનો જિદ્દી ઇતિહાસ જાેતાં આશ્ચર્યજનક છે. કિસાનો ઉપર જીપ ચલાવી કચડીને મારી નાખવાના બનાવને SIT દ્વારા કાવતરું જાહેર કરાયા બાદ રાજયકક્ષાના દબંગ ગૃહપ્રધાન અજય મિશ્રા ટેનીને હજુ ભલે પડતા નથી મૂક્યા, પણ તેમની હકાલપટ્ટી ગમે ત્યારે નક્કી જ છે.

હાલ તો જ્ઞાતિ સમીકરણમાં બ્રાહ્મણ વોટબેંક જાળવવા તેઓને કદાચ પાણીચું આપવામાં મોદી ઉતાવળ કરવાના મૂડમાં નથી.

હવે એ જ જૂના મુદ્દા ઉપર પાછા ફરીએ અને જાેઈએ કે શું આ વખતે પણ બીજેપીનું રામ કાર્ડ પ્રજા ઉપર એ જ જાદુ પાથરી શકશે? આજની પરિસ્થિતિમાં આ મુદ્દાએ પોતાની ચમક ગુમાવી દીધી છે, તે નોંધવું રહ્યું. ગોદી મીડિયાની સામે હવે સોશિયલ મીડિયા સ્વરૂપે મજબૂત રીતે પોતાની વાત મૂકી રહ્યું છે. આ કૌભાંડ બાબતે કોંગ્રેસ પણ કાગારોળ મચાવી રહી છે અને હવે મોદીનો જાદુ પણ ખાસ તો ઓસરી રહ્યો છે. આ બાબતની ગંધ યોગી આદિત્યનાથને પણ આવી ગઈ છે અને તેથી જ તેઓ પણ રામ કાર્ડની રાડારાડ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રામ કાર્ડ ની અસર પ્રજાના માનસપટ ઉપરથી ઓસરી રહી છે રામ મંદિર જમીન અધિગ્રહણ કૌભાંડની માહિતી નરેન્દ્ર મોદીને નીચાજાેણું કરવા સારું જ યોગી ધડા દ્વારા ફેલાવાઈ રહી છે. ટૂંકમાં બેરોજગારી, મોંઘવારી,ભ્રષ્ટાચાર કે પછી યોગીની ગૂંચવાડાભરી સરકાર ચલાવવાની તરકીબથી પ્રજા ભલે વાજ આવી ગઈ હોય પરંતુ ચૂંટણીનો મુદ્દો તો હિંદુ મુસલમાન જ રહે છે અને તે જ RSS અને BJPને અપેક્ષિત છે.એન્ટી ઇન્કમબન્સી ફક્ત યોગી સામે નથી પણ કદાચ મોદી સામે પણ છે તેથી લડાઈ બહુ ભારે છે.

હવે, સામે પક્ષે વિરોધપક્ષની પરિસ્થિતિ જાેઈએ તો અસદુદ્દીન ઉવૈસીને મેદાનમાં ઉતારી મુસ્લિમ વોટમાં તોડફોડ કરી અને દલિતોમાં માયાવતીની BSP દ્વારા બિનસાંપ્રદાયિક મતોમાં ભંગાણ પાડવાની ચાલ BJP દ્વારા સફળ રીતે ગોઠવાઈ રહી છે. ઉવૈસી ભલે બધી વાત સાચી કરતા હોય અને સારી રીતે વર્તતા હોય તો પણ તેમની એન્ટ્રી સીધી ભાજપના જ ફાયદામાં છે, તેમાં કોઈ શંકા નથી. માયાવતીએ ભલે ચમક ગુમાવી દીધી છે,પણ તે ઘણી નાજુક જગ્યા ઉપર ભાજપને સીધો ફાયદો કરાવશે, તેમાં કોઈ શંકા નથી.

કોંગ્રેસમાં પ્રાણ પૂરવા પ્રિયંકા ગાંધી વાડરા, ભાઈ રાહુલના સહયોગથી મચી પડી છે. મહિલાઓને ૪૦ ટકા બેઠક આપવાની જાહેરાત કરી તહેલકો મચાવી દીધો છે. કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી ખોવાયેલ સ્થાન પરત મેળવવા એડીચોટીનું જાેર તેમણે લગાવી દીધું છે, તેમાં કોઈ બેમત નથી.

આ પરિસ્થિતિમાં સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ જુસ્સાથી આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ કે BSP ભલે સાથે નથી પણ કાકા શિવપાલ યાદવ સમેત બીજા ૭ પક્ષ જાેડે તેઓએ ગઠબંધન પણ કરી લીધું છે.તેમની રેલીઓમાં પ્રચંડ માનવમહેરામણ ઉમટી પડે છે તે જાેઈ સાચે જ ઉત્તરપ્રદેશ સત્તા ફેરબદલનો પોતાનો અભિગમ આ વખતે પણ જાળવી રાખશે તેવું આકલન નિરીક્ષકો કરી રહ્યા છે.

સી વોટર તથા અન્યો દ્વારા વખતોવખત લેવાતા સર્વેક્ષણોમાં પણ BJP સતત પાછળ પડી રહ્યો છે અને બહુમતી ખોવાની નજીક સરકી રહ્યો છે. આ તેમના માટે ખતરાની ઘંટડી છે અને એટલે જ મોદી કોઈ ચાન્સ લેવા નથી માંગતા. અલબત્ત BJPનો જેટલા ટકા મત હિસ્સો ઘટી રહ્યો છે અને સમાજવાદી પક્ષનો જેટલો વધી રહ્યો છે તે શું પરિણામ બદલી શકશે? કિસાન કાયદા રદ કરી મોટી ઘાત ટાળી દીધી છે તેમ તેઓ માને છે. પણ શું કિસાનો તેમને માફ કરી દેશે? તેમના ઉપર વિશ્વાસ મૂકી શું મત આપવા તૈયાર થશે ? આ છે યક્ષ પ્રશ્ન.

આજકાલ ઓમિક્રોન વાઇરસને લઈ કોરોના દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઘરઆંગણે સતત નવા કેસ નોંધાઈ રહ્યા છે. રસીના ૨ ડોઝ લીધા હોય તેમને પણ આ નથી બક્ષતો. આ પરિસ્થિતિમાં અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણી પાછી ઠેલવાની અને રેલીઓ ન કરી પ્રચાર બીજા માધ્યમોથી કરવાની અપીલ કરી છે. વડાપ્રધાને પણ તાકીદની બેઠક બોલાવી તાજું આંકલન કરી રાજ્યોને સતર્ક રહેવા તાકીદ કરી દીધી છે ત્યારે શું ચૂંટણી સમયસર યોજાશે કે પાછી ઠેલાશે તે હવે જાેવું રહ્યું..


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments