આધુનિક વિશ્વની સૌથી મોટી સમસ્યા એ છે કે મનુષ્ય વિશે જે મૂળભૂત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેની અવગણના કરવામાં આવી રહી છે. મનુષ્ય કોણ છે? તે ક્યાંથી આવ્યો? મૃત્ય શા માટે આવે છે? મૃત્યુ પછી શું થશે? આ બધા મૂળભૂત પ્રશ્નો છે જે ધીમે-ધીમે આપણા ધ્યાનમાંથી સરકી રહ્યા છે. એક તરફ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિએ માનવતા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, તો બીજી તરફ તેણે માણસને આ પ્રશ્નોથી ખૂબ જ દૂર કરી દીધો છે. રોજેરોજ સગવડતા માટે થઈ રહેલી નવી શોધો અને ઝડપથી વધી રહેલા ડિજિટલાઇઝેશનએ માનવીને અત્યંત વ્યસ્ત કરી દીધો છે. તેની એક નકારાત્મક અસર એ થઈ કે મનુષ્યને પોતાના વિશે વિચારવાની તક જ ન મળી. મનુષ્ય આખી દુનિયા ઉપર નજર રાખે છે પરંતુ પોતાના અંતરમાં મુસાફરી કરવાનો સમય તેની પાસે નથી. આ જ કારણ છે કે માણસ ધીમે ધીમે ભૌતિકવાદનો ગુલામ બની રહ્યો છે. તેની સાચી પ્રકૃતિ અને તેની અંદરનું આધ્યાત્મિક અને નૈતિક અસ્તિત્વ નાશ પામી રહ્યું છે. પરિણામે માનવીય પરેશાનીઓમાં નવી સમસ્યાઓનો ઉમેરો થઈ રહ્યો છે.
અમારી ચર્ચાનો સારાંશ એ છે કે મનુષ્યની સૌથી મોટી સમસ્યા તેના આધ્યાત્મિક અને નૈતિક અસ્તિત્વની મૂળ પ્રકૃતિ છે. જાે આમાં ખરાબી આવી જશે તો બધું હોવા છતાં વ્યક્તિ બેચેન રહે છે. તેનો સૌથી મૂળ પ્રશ્ન તેમની અને તેમના સર્જનહારની ઓળખનો છે. જાે તે ન હોય તો તે ખોટા રસ્તે ભટકતો રહેશે, તેની સૌથી મોટી ચિંતા તેના મૃત્યુ પછીની બાબતો છે, જાે તે અજાણ હશે તો મૃત્યુનો આઘાત સહન કરી શકશે નહીં અને મૃત્યુ પછી સંબંધિત બાબતો મુજબ અમલ કરી શકશે નહીં.
મુહમ્મદ ﷺએ મનુષ્યોને આ જ પ્રશ્નો વિશે માર્ગદર્શન આપ્યું છે. તેમના પર અવતરિત પુસ્તક કુર્આન અને આપ ﷺનું સમગ્ર જીવન-ચરિત્ર મનુષ્યના આ મૂળભૂત પ્રશ્નોને ખૂબ જ સ્પષ્ટ શૈલીમાં સંબોધે છે. સર્જનહારે મનુષ્યને પેદા કર્યો અને તેના માર્ગદર્શન માટે પયગમ્બરોની શ્રેણી શરૂ કરી. આદમ અલૈ.થી લઇને ઈસા અલૈ. સુધી જેટલા પયગમ્બરો આવ્યા છે તે તમામે માનવજાતને તેના સર્જનહારનો પરિચય કરાવ્યો છે અને એ મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા છે જેનો આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે. ઇસા અલૈ. પછી અલ્લાહ તઆલાએ ઇ.સ. ૫૭૦માં આરબ પ્રદેશના મક્કા શહેરમાં તેમનો છેલ્લો પયગમ્બર મોકલ્યો. આ તે સમય હતો જ્યારે સમગ્ર વિશ્વમાં પરિવહન સેવા શરૂ થઈ ગઇ હતી. ઈતિહાસ લખાવા લાગ્યો હતો. વ્યવસાયિક મુસાફરી દ્વારા સંદેશાવ્યવહારની સુવિધા સરળ બની ચૂકી હતી. એવામાં સર્જનહારનો આ ર્નિણય હતો કે દુનિયામાં ઈશદૂતત્ત્વની શ્રૃંખ્લા સમાપ્ત કરી દેવામાં આવે, પરંતુ માર્ગદર્શનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે. તેથી અલ્લાહના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ ﷺને અંતિમ આકાશીય પુસ્તક કુર્આન મજીદ એનાયત કરવામાં આવ્યું અને સમગ્ર વિશ્વમ માટે કિયામત સુધી મનુષ્યોના માર્ગદર્શનનો માધ્યમ ઠેરવવામાં આવ્યા.
એમાં કોઈ શંકા નથી કે મનુષ્ય એક સભાન અને સ્વતંત્ર સર્જન છે. તે વિચાર-વિમર્શ પણ કરે છે અને તેના મજબૂત ઇરાદાઓથી મોટા મોટા કાર્યો પણ. પરંતુ માનવ બુદ્ધિની સીમા હોય છે. તે માત્ર ભૌતિક (Physical) જગત સુધી સીમિત છે. અભૌતિક (Metaphysical) સંસાર સુધી તે પહોંચી શકતો નથી જ્યાં સુધી કે તેને જણાવવામાં ન આવે. તેથી, મૃત્યુ અને જીવન, ઇશ્વરીય ઓળખ, જન્નતની નેઅમતો અને જહન્નમની યાતનાઓ, ઇશ્વરીય ઇનામોને પાત્ર બનવા માટે અને તેની સજાથી બચવા માટે કયા માર્ગ અપનાવવામાં આવે આ બધા પ્રશ્નો અભૌતિક સંસારથી સંબંધ ધરાવે છે. તેથી મનુષ્યોને આ મામલાઓમાં વહીએ ઇલાહી (ઈશવાણી)ની જરૂર પડે છે.
પયગમ્બરો આ જ ઈશવાણી લઈને આવ્યા. તેમને તેના ઉપર પોતે અનુસરણ કર્યું અને સમગ્ર વિશ્વના મનુષ્યો સુધી પહોંચાડવા માટે અથાક સંઘર્ષ કર્યો. આ તે કાર્ય છે જે માનવતા ઉપર એક મહાન ઉપકાર છે. આ જ તે નિર્દેશ છે જેના માટે સમગ્ર સંસારને પયગમ્બર હઝરત મુહમ્મદ ﷺનું આજ્ઞાપાલન ફરજિયાત પણે કરવું જાેઈએ. કુર્આને આપ ﷺને માનવતા માટે કૃપા, આદર્શ અને નમૂનારૂપ કહ્યા છે, આપ ﷺએ આ માર્ગદર્શન મનુષ્યો સુધી પહોંચાડીને મોટો ઉપકાર કર્યો છે. જેને માનવસમાજ ક્યારે ભૂલાવી શકે નહીં. જે લોકો પોતાની અંતરાત્માની અવાજ સાંભળી સત્ય માર્ગ ઉપર ચાલવા માંગતા હોય તેમને પયગમ્બર હઝરત મુહમ્મદ ﷺને જાણવા અને સમજવા પડશે. કેમકે હવે દુનિયામાં મુહમ્મદ ﷺ જ એકમાત્ર અધિકૃત અને સંપૂર્ણ વ્યક્તિત્વ છે જે મનુષ્યોને ઇશ્વરીય અવતરણનો સાચો પરિચય કરાવી શકે છે.