“અપને ભી ખફા મુઝસે હૈં, બેગાને ભી નાખુશ
મેં ઝહેરે હલાહલ કો, કભી કહ ન સકા કંદ”
“સાંભળો ભાઇઓ ! અમે મહાત્માજી અને એ હિન્દુભાઇઓના જે તેમના નેતૃત્વમાં અમારી પરિસ્થિતિમાં ભાગીદાર બન્યા છે. તેમના અત્યંત આભારી છીએ પરંતુ આ યાદ રાખો મહાત્માજી અમારી સાથે ન પણ હોત, અથવા એમ કહો કે પેદા જ ન થયા હોત તો પણ હું આ જ કામ કરત, જે મેં કર્યું. અમારો ભરોસો મહાત્માજી પર નહી પરંતુ ખુદા ઉપર છે. અને દરેક હિન્દુ અને મુસલમાને ફક્ત ખુદા ઉપર જ ભરોસો કરવો જોઇએ. આપણા માટે જરૂરી છે કે ખુદાએ અર્પણ કરેલી બુદ્ધિથી આપણે કામ લઇએ અને પોતે વિચારીએ કે આપણા માટે શું યોગ્ય છે.હું તો કહું છું કે મુસલમાનો માટે યોગ્ય છે કે તે હિન્દુઓ સાથે ખભાથી ખભા મિલાવીને હિન્દુસ્તાનને આઝાદી અપાવે.”
હિન્દુઓ માટે આ ઉચિત છે કે તે મિસર, તુર્કી, પેલેસ્ટાઇન અને અરબસ્તાનના રહેવાસીઓને પોતાના ભાઇ સમજે અને તેમની આઝાદીને પોતાની આઝાદી અને તેમની ગુલામીને પોતાની ગુલામીથી સંબધિત સમજે. મુસલમાનોને હિન્દુસ્તાનની લડાઇ તો લડવાની છે સાથે સાથે ચતુર્મુખી લડાઇ પણ લડવાની છે.
કેટલાક લોકો છે જે કહે છે કે ધર્મને રાજકારણથી અલગ રાખો, આ લોકો ઇચ્છે છે કે ધર્મની સ્થિતિ દાંત અથવા દાંતણ જેવી બની જાય જેવું કે એક બીજાના દાંત અને દાંતણ સાથે બીજાને સંબંધ નથી હોતો. ધર્મ એક અંગત ચીજ બનીને રહી જાય અને સામાજિક જીવનમાં તેને કોઇ લેવા દેવા ન રહે પરંતુ આ જ લોકો છે જે પોતાના ધર્મના નામે મુસલામાનોને ખુદ તેમની પોતાની ગાય ઝુબહ કરવાથી પણ રોકવા માંગે છે.ધર્મ એ તો સંપૂર્ણ જિંદગીનું વિવરણ છે. અને જિંદગીના દરેક ક્ષેત્ર સાથે તેનો સંબંધ છે કર્નલ રીજોડે મને પાર્લામેન્ટમાં આમંત્રણ આપ્યું અમે ચા પી રહ્યા હતા તો તેમણે મને કહ્યું કે, “ભાઇ તમારૃ જે મન ચાહે તે કરો, પરંતુ તમારા ધર્મને અમારી પાર્લામેન્ટમાં ન લાવો.” મેં કહ્યું, “મારો ધર્મ આપની પાર્લામેન્ટમાં તો શું, પણ આપના વેશ્યાગૃહો અને દારૃના પીઠાઓ સુધી જશે અને તે દુષણોને દૂર કરશે.”
– મોલાના મુહમ્મદ અલી જોહર (રહ.)
જન્મ અને બાળપણ:
મુહમ્મદ અલી ૧૦ સપ્ટેમ્બર ૧૮૭૮ના રોજ રામપુરમાં જન્મયા હજુ બે વર્ષના જ હતા કે પિતાની છત્રછાયા માથા પરથી ઉઠી ગઇ અને કેળવણી તથા શિક્ષણની જવાબદારી માતા આબાદીના ખભા ઉપર આવી પડી, આ જ આબાદી બેગમ આગળ જતાં “બી અમ્મા” નામથી ઇતિહાસમાં પ્રખ્યાત થયા. ઘર પર જ એક મદ્રસાથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના પછી ૧૮૮૮માં રામપુરના મદ્રસાએ જદીદીયામાં પ્રવેશ મેળવ્યો પછી બરેલી ગયા. સાતમાં ક્લાસમાં જ હતા કે અલીગઢ આવી ગયા જ્યાંથી ૧૮૯૮માં ફર્સ્ટ ક્લાસ બી.એ. કર્યું. ગ્રેજ્યુએશન પછી ઉચ્ચ શિક્ષણ માટે ઓક્સફોર્ડ પણ ગયા પરંતુ અહીં કોઇ કારણસર સિવિલ સર્વિસની પરીક્ષામાં સફળ ન થઇ શક્યા આથી હિન્દુસ્તાન પરત આવીને રામપુરમાં જ ‘ઇન્સપેક્ટર્સ ઓફ સ્કુલ્સ‘ ની નોકરી સ્વીકારી લીધી. પંરતુ નિષ્ફળતાની પીડા તેમને ફરીથી ઓક્સફોર્ડ લઇ ગઇ જ્યાં લિંકન કોલેજથી તે મોડર્ન હિસ્ટરીમાં બી.એ. કરીને આવ્યા.
પરદેશથી પરત આવીને વડોદરા સ્ટેટમાં સર્વિસમાં જોડાઇ ગયા. આ સર્વિસ દરમ્યાન ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘માં લેખો લખવાનું શરૃ કર્યું. મૌલાનામાં નેતૃત્વ ગુણો ઠાંસી–ઠાંસીને ભરેલા હતા. આથી બરેલીના સમય થી જ તેમણે નીચની શ્રેણીના વિદ્યાર્થીઓની એક અંજુમન સ્થાપિત કરીને તેના પ્રમુખ તરીકેની ફરજોને અદા કરી. ઓક્ફોર્ડમાં પણ નોર્ધનના નામથી એક એસોસીએશનની રચના કરી. જ્યાં ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓને હલ કરવામાં આવતી હતી.આવીજ રીતે અલીગઢમાં રમતના મેદાનથી લઇને મુશાયરાનઓનું આધુનિકરણ સુધી દરેક ક્ષેત્રમાં જ્વલંત કામગીરી બજાવી. ભોપાલના બેગમ સાહેબા તેમના રાજ્યામાં ચીફ સેક્રેટરીનો હોદ્દો આપવાની ઇચ્છા દર્શાવી પરંતુ આપે ઇન્કાર કરી દીધો. કારણ કે તે કોમની સેવા કરવા માગતા હતા અને આ કાર્ય નોકરીમાં રહીને શક્ય નહોતું.
નિર્ભય કલમ:
મૌલાનામાં પત્રકારત્વના કીડા બાળપણથી જ કાર્યરત હતા. આથી ૧૯૦૪માં જ તેમણે ‘ગપ‘ નામથી એક પાક્ષિક શરૃ કર્યું હતુ. જો કે આ સિલસિલો વધુ દિવસો સુધી ચાલુ રહ્યો નહીં. મૌલાનાએ પત્રકારત્વના મેદાનમાં પધ્ધતિસર પગ અંગ્રેજીમાં મુક્યો. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા‘ ઉપરાંત આબેઝરૃદ અને ‘ઇન્ડિયન રીવ્યુ‘માં પણ મૌલાનાના અસંખ્ય લેખો પ્રસિધ્ધ થયા. ગંભીર વિષયો પર નીડરતાપુર્વક કલમ ચલાવવી અને તેની તમામ પાયાની સાબિતીઓ એકત્ર કરીને વાંચકો સમક્ષ પીરસ્વીએ તેમનો શોખ હતો. મૌલાના મુહમ્મદ અલી જોહર વિચારશીલ કુશળ શાયર પણ હતા. સરળ ભાષામાં મુશ્કેલમાં મુશ્કેલ તત્વજ્ઞાાનને કાવ્યના રૃપમાં ઉચ્ચ સ્તરેે વર્ણન કરવું એ તેમના અશઆરની ખાસિયત હતી. ઉદાહરણ તરીકે ફરમાવ્યું..
તૌહીદ તો યે હૈ કિ ખુદા હશ્રમેં કહ દે
યે બંદા દો આલમસે ખફા મેરે લીયે હૈ
ક્યા ડર હૈ જો હો સારી ખુદાઇભી મુખાલિફ
કાફી હૈ અગર એક ખુદા મેરે લીયે હૈ
મુહમ્મદ અલી જોહર આખી જિંદગી પર્યંત પોતાના અશઆરની વ્યાખ્યા બનીને રહ્યા. છેવટે નોકરી છોડીને આપ પધ્ધતિસર પત્રકારત્વમાં જોડાઇ ગયા. અને ૧૪ જાન્યુઆરી ૧૯૦૪ના રોજ ‘કૉમરેડ‘નો શુભાંરભ થયો. તેની લોકપ્રિયતાની આ સ્થિતી હતી કે કૉમરેડ વાંચવું એક સમયમાં એક ફૈશન તરીકે ગણાતું હતું. અંગ્રેજો સુધ્ધાં કૉમરેડની અંગ્રેજી ભાષા પર આશ્ચર્યચકિત થઇને માથુ હલાવતા હતા. આટલા ઉપર બસ ના કરતા મૌલાનાએ ૨૩ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ હમદર્દનો પ્રારંભ કર્યો અને ઉર્દુ પત્રકારિતાને એક નવી ઉંચાઇ પર લઇ ગયા. મુદ્રણ અંગેના ધોરણોની ખાસ ચિવટની સાથે સાથે આપ પત્રકારત્વના મિશ્રણના વિષયોમાં પણ બહુ જ ચિંતનશીલ હતા જેમકે ખુદ મૌૈલાના અબ્દુલમજીદ દેવબંદીના નામે એક પત્રમાં લખે છે “મારે પત્રકારત્વ નથી કરવું મારો ધ્યેય તબ્લીગનો છે” પરંતુ આ પત્રિકાઓની લોકપ્રિયતા મૌલાનાની નિડરતાથી ટીકા ટીપ્પણી અને હિંમતભર્યા લેખો સરકારની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગ્યા અને કેટલી વખત કોમરેડ અને હમદર્દ ઉપર પાબંદી લગાવવામાં આવી. ૧૯૨૮ સુધી બિનપધ્ધતિસર પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંબંધિત રહ્યા પછી મૌલાના મુહમ્મદ અલી જોહર સંપુર્ણપણે રાજકારણના ક્ષેત્રમાં પરોવાઇ ગયા.
પ્રવિણતા, રાજકારણ, નેતૃત્વ ઃ ૧૯૧૩માં કાનપુરની મસ્જિદનો એક ભાગ સરકારે શહીદ કરી દીધો, જેના વિરૃધ્ધમાં (સ્થાનિય અધિકારોની નિષ્કાળજી)ના કારણે મૌલાના મુહમ્મદ અલી જોહરે ઇંગલેન્ડની પાર્લમેન્ટમાં પંહોચીને વાંધો ઉઠાવ્યો અને તે ભાગનું ફરીથી બાંધકામ કરાવીને જંપ્યા. મૌલાના તેમની આવી કાર્યવાહીના કારણે ઘણી વખત જેલ પણ ગયા. પરંતુ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવેલ સમાધાન અને નિર્દોષમાં માટે દરેક પ્રયત્નોને તેમણે ધિક્કારપુર્વક કઠોર લગાવી દીધી.
ખિલાફત તેહરીકની સફળતા અને હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમની પરસ્પર એકતા માટેની મોટી ભુમિકા મૂરખ પણ ક્યારે નકારી નહીં શકે.ખિલાફત ભલે ગમે તેટલી અપ્રભાવિત કેમ ન હોય પરંતુ તેનું અસ્તિત્વ ઇસ્લામી દુનિયાની એક્તા માટેે અનહદ જરૂરી હતું. તેવી અટકળ તેમણે પહેલાંથી કરી દીધી હતી. ખિલાફતનો અંત બ્રિટીશ સામ્રાજ્યને અખાતના દેશો સુધી રહેવા દેત. આથી આ પ્રશ્ર પર તેમણે વિદ્યુત વેગી લહેર દોડાવી દીધી.અંગ્રેજોને પાઠ ભણાવવા મોટું અસહયોગ આંદોલન શરૃ કર્યું. મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક અને મોતીલાલ નહેરૃ જેવા મુખ્ય નેતાઓની સાથે મળીને લડત કરવા માટે એક સંગઠનની રચના કરી.આ જ ચળવળ આગળ જતાં અસહકારની લડતના રૃપમાં પરિવર્તિત થઇ.જેણે અંગ્રેજ શાસનની જડોને હલાવી હચમચાવી દીધા. સત્ય તો એ છે કે મુહમ્મદ અલી જોહર અને તેમના ભાઇ શૌકત અલીએ ગાંધીજીનું મહત્વ આખા હિન્દુસતાનમાં વધારી દીધું. મુહમ્મદ અલી ગાંધીજીની ચતુરાઇના પ્રશંસક હતા આથી તેમને આશા હતી કે ગાંધીજી ઇસ્લામ સ્વીકારી લેશે. તેમણે જ્વાહરલાલ નહેરૃને કહ્યું પણ હતું કે ગાંધીજીએ કુઆર્નનું અધ્યયન કર્યું છે. અને તે ઇસ્લામની સત્યતાનનો સ્વીકાર કરે છે. પંરતુ ફકત સ્વમાન અન રાજકીય કારણોસર તેને પ્રગટ નથી કરી શક્તા. મૌલાના મુહમ્મદ અલી જોહરના કોંગ્રેસમાં પ્રવેશ પહેલા અને તેમની ખિલાફત તેહરીક પહેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બની શકે છે કે ઇન્ડિયન રહી હશે પંરતુ નેશનલ તો કદાપિ નહોતી. કોંગ્રેસમાં ફક્ત કેટલાક સુખી, આરામી અને ઉચ્ચ વર્ગના લોકો હતા તેમનું કામ ફક્ત એટલુ જ હતું કે વર્ષમાં એક સ્થળે એકઠા થાય શાનાદાર પ્રવચન કરે ઠરાવ પસાર કરે અને પછી એક વર્ષ સુધી છુટ્ટી. ખિલાફત તેહરીક હિન્દુ મુસ્લિમ એકતા અને સ્વતંત્રતાના ઉમંગ અને રાષ્ટ્રીય જાગૃતિનું એવું વાતાવરણ ઉભું કર્યું કે અંગ્રેજો ૧૮૫૭ના જેવા સંભવિત વિપ્લવના સંદેહથી ચિંતિત થઇ ગયા. તેહરીકનો તમામ ખર્ચ ખિલાફતના ફંડમાંથી પુરો થતો હતો. અહીં સુધી કે ગાંધીજી અને બીજા હિન્દુઓના પ્રવાસોના ખર્ચા પણ ખિલાફતના ભંડોળમાંથી થતા હતા. મુહમ્મદ અલી જોહરને શ્રધ્ધા હતી કે મુસલમાન અભ્યાસ છોડી શકે છે પંરતુ ઇસ્લામ છોડી શક્તા નથી.એ.એમ.ઓ. કોલેજ (બાદમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી)ને બ્રિટિશ તરફથી મદદ મળતી હતી આથી આપે કોમના પૈસાથી દિલ્હીમાં ઓક્ટોબર ૧૯૨૦માં જામિઆ મિલ્લિયા ઇસ્લામિયાની સ્થાપનાની મુખ્ય જવાબદારી નિભાવી. જામિઆના હેતુ વિશે આપ કહે છે કે “તેનો પ્રાથમિક હેતુ આ છે કે હિન્દુસ્તાનના મુસલમાનોને સત્યપ્રેમી અને ખુદા પરસ્ત મુસલમાન બનાવવામાં આવે, અને બીજો હેતુ એ છે કે તેને વતન પ્રેમી અને શિક્ષિત હિન્દુસ્તાની બનાવવામાં આવે.”
મૌલાના મુહમ્મદ અલી જોહર ૧૪ ડિસેમ્બર ૧૯૨૧માં મદ્રાસમાં ગિરફતાર કરી દેવામાં આવ્યા. તેમણે ખિલાફત તેહરીક દરમ્યાન દરેક જગ્યાએ કહ્યું હતું કે અંગ્રેેજોની સેનામાં મુસલમાનોએ કામ કરવું હરામ છે. આના કારણે એમના ઉપર ફૌજમાં બળવો ઉત્પન્ન કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો અદાલતના યુધ્ધ ક્ષેત્રમાં તેમણે ખુબ જ શ્રેષ્ઠ બહાદુરી બતાવી મુકદ્દમા દરમિયાન જજ સમક્ષ તેમની વીરતા અને તર્કસભર બયાનો ખુબ જ લોકપ્રિય બન્યા તેમણે જજને સંબોધતા કહ્યું “જો ખુદાનો કાનૂન બ્રિટિશ કાનૂનથી ટકરાતો હશે તો હું ખુદાના કાનૂનનું પાલન કરીશ બ્રિટિશ સરકારના કાનૂનને માન્ય નહીં રાખીશ.” આમ અદાલતમાં નિડરતાથી પોતાના અપરાધ સ્વીકાર કરીને તેમણે ઇસ્લામના ગૌરવ અને કિર્દારની મજબૂતીનું એક બીજું પ્રમાણ(સાબીતી) પુરૃ પાડયું.તેમનો જ શેઅર છે.
હમકો ખુદ શૌકે શહાદત હૈ ગવાહી કૈસી?
ફૈસલા કર ભી ચુકો મુજરિમે ઇકરારી કા
આ અપરાધને સ્વીકાર કરનારને બે વર્ષની સજા થઇ. ઓગસ્ટ ૧૯૨૩માં આપ જેલમાંથી મુક્ત થયા.
મૌલાના મુહમ્મદ અલી ૧૯૨૩માં સર્વાનુમતે કોંગ્રેસના પ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા જવાહરલાલ નહેરૃ આપના સેક્રેટરી બન્યા. પંરતુ હવે દેશનું વાતાવરણ તદ્દન બદલાઇ ગયું હતું. ખિલાફત તેહરીક દરમિયાન જે હિન્દુ મુસ્લિમ એક્તા જોવામાં આવી હતી તે હવે પુરાણી વાર્તા બની ચુકી હતી. દરેક જગ્યાએ હિંદુ મુસ્લિમ તુફાનો થવા લાગ્યા હતા. સામાન્ય પ્રજામાં એક પ્રકારની નિરાશા જાગી ચુકી હતી. આ દરમ્યાન ડિસેમ્બર ૧૯૨૬માં સ્વામી શ્રદ્ધાનંદને ‘રંગીલા રસુલ‘ લખવા બદલ કોઇ મુસલમાને કતલ કરી દીધો. ઇસ્લામ પર ચારે તરફથી હુમલા થવા લાગ્યા કે આ જિહાદીઓનો ધર્મ છે તે તલવાર દ્વારા ફૈલાયલો છે અને બિનમુસ્લિમોને કત્લ કરવું એ જ એનો જિહાદ અને ઇબાદત છે. મુહમ્મદ અલી જોહરે જુમ્આના દિવસે જામિઆ મસ્જિદના મેમ્બર પરથી મુસલમાનોને લલકાર્યા કાશ! કોઇ મુસલમાન ઇસ્લામ વિરૃધ્ધ આ અપપ્રચાર (પ્રોપેગંડા) નો જવાબ સ્પષ્ટ દલીલો અને દૃષ્ટાંતો સાથે કલમ બધ્ધ કરે. અને દુનિયા સમક્ષ ઇસ્લામી દષ્ટિકોણ, જિહાદની હકીકત બયાન કરે .. મુહમ્મદ અલી જોહરની આ પુકાર વ્યર્થ ન ગઇ તેમનું ભાષણ સાંભનાર એક નવયુવાને આ મહાન કાર્યને પરિપુર્ણ કર્યું. ઇતિહાસ આ નવયુવાનને ‘મૌલાના મૌદુદીના‘ નામથી ઓળખે છે.
મૌલાના મુહમ્મદ અલી જોહર હિન્દુસ્તાની સ્વતંત્રતા માટે હિન્દુ મુસ્લિમ એક્તાને અનિવાર્ય સમજતા હતા. ૧૯૨૭ની શરૃઆતમાં હિન્દુ–મુસ્લિમ એક્તા માટે એક ઑસ પાર્ટી કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું. જે નિષ્ફળતા પર સમાપ્ત થઇ આ નિષ્ફળતાથી મૌલાના મુહમ્મદ અલીએ આ ઉપાય કર્યો કે મુસલમાનો કેટલીક વાતો પર પોતે એક મત થઇ જાય અને પછી આ વાતોને કોંગ્રેસ દ્વારા મંજૂર કરાવવામાં આવે અને આ રીતે એક્તાના હેતુને સફળ બનાવવામાં આવે. આના સંદર્ભમાં ૨૦ એપ્રિલ ૧૯૨૭ના દિવસે એક અધિવેશન આયોજીત કરવામાં આવ્યું આ અધિવેશનમાં જે સર્વાનુમતે પસાર થયા તેને મૌલાનાએ કોંગ્રેસ દ્વારા પણ મંજૂર કરાવી દિધા. અને આ રીતે તેમણે એક્તાના સ્વપ્નને ફળીભૂત બનાવી દિધું. જો આજ બુનિયાદ ઉપર દેશના રાજકારણની ગાડી આગળ ચલાવવામાં આવી હોત તો દેશના ભાગલાની દુખદાયક ઘટનાથી બચી શકાયું હોત. પરંતુ ખિલાફત તેહરીક સહયોગના અભાવે સમાપ્ત થઇ ગયા પછી હિન્દુ અને મુસલમાનો વચ્ચે જે ખાઇ ઉત્પન્ન થઇ (અથવા કરવામાં આવી) તે ખાઇ પાછી ક્યારેય પુરાઇ શકી નહીં અને વર્ગ–વિગ્રહનું કેન્સર ‘જેમ જેમ દવા કરી, તેમ તેમ રોગ વધતો ગયો‘ પ્રમાણે વધતું જ ગયું અને આજે તે પુર્ણસ્વરૃપે કેન્સર બની ચુક્યું છે. મૌલાના મુહમ્મદ અલી જોહર ઇચ્છતા હતા કે એક એવા બંધારણની રૃપરેખા તૈયાર કરવામાં આવે જેને બધા જ હિન્દુસ્તાનીઓ સ્વીકારે. જેમાં લોકશાહીની સ્થાપના જરૃર હોય, પરંતુ દરેક ધર્મ તેના કાનૂન (નિયમો) અને તેના હિતોનું રક્ષણ પણ કાનૂની હોય.
૧૯૨૮માં કોંગ્રેસે નહેરૃ રિપોર્ટ મંજૂર કરી દિધો તેમાં હિન્દુસ્તાન માટે સંપુર્ણ આઝાદીના બદલે રાજ્યોની સ્થિતિની માંગણી કરવામાં આવી હતી. મૌલાના મુહમ્મદ અલી જોહર નહેરૃ રિપોર્ટના વિરોધી હતા તે સંપુર્ણ આઝાદીથી ઓછી કોઇ પણ વાત સ્વીકારવા રાજી ન હોતા. એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે ખુદવંદ કરીમ અને અંગ્રેજ જાસૂસને હાજર સમજીને કહ્યું “મારું દિલ અને માનસ બહુ જ કોંગ્રેસી છે પરંતુ તેમ છતા હું ફરીથી કહું છું અને સૌ લોકો સમજી લે કે ઇસ્લામ એ પ્રાકૃતિક ધર્મ (દિને ફિતરત છે) અને જે તેનાથી હટી ગયો તે ભટકી ગયો, ઇસ્લામમાં કોઇને પણ મહત્વ આપવામાં આવતું નથી એ નહેરૃ રિપોર્ટ સાથે મતલબ નથી તે સારો હોય કે ખોટો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું અને આપ સારી રીતે સાંભળી લો કે હું અંગ્રજ શાસનને પસંદ નથી કરતો. હું કદાપિ એ વાતથી રાજી નથી કે હું અંગ્રેજોનો ગુલામ બનું કારણ કે આ ઇસ્લામથી વિરૃધ્ધ છે.”
કલકત્તામાં નહેરૃ રિપોર્ટ ઉપર ચર્ચા–વિચારણા કરવા માટે આયોજીત ઓલ પાર્ટી કન્વેન્શનમાં આપે હાજરી આપી અને ડોમિનિયન સ્ટેટ્સના વિરોધમાં ભાષણ કરતાં કહ્યું કે જે લોકો સંપુર્ણ આઝાદીના વિરોધી અને ડોમિનિયન સ્ટેટ્સ આઝાદીના સમર્થક છે તે દેશનો શૂરવીર પુત્ર નથી. પરંતુ ડરપોક છે. આના ઉપર એટલો બધો હંગામો થયો કે આપ ભાષણ પુરૃં કરી શક્યા નહીં અને બેસી જવું પડયું. કોંગ્રેસ અત્યાર સુધીમાં દેશ વ્યાપી સંસ્થા બની ચુકી હતી. હવે તેને મુહમ્મદઅલીની જરૂરત નહોતી. આમ ધીરે ધીરે તે કોંગ્રેસથી દૂર થતા ગયા. પરંતુ જે વાત તેમણે ડોમિનિયન સ્ટેટ્સના વિરોધમાં કહી હતી તે કોંગ્રેસને આગલા વર્ષે જ માનવી પડી અને નહેરૃ રિપોર્ટને રદ્દ કરી દેવામાં આવ્યો.
જિંદગી પર્યંતની લડાઇ :
જિંદગીભર મુહમ્મદઅલી પોતાનાઓથી, બીજાઓથી લડતા રહ્યા. ૧૯૨૪–૨૫માં જ્યારે હિજાઝમાં ઇબ્ને સઊદ અને શરીફુલ હુસૈન વચ્ચે યુધ્ધ શરૃ થઇ ગયું તો શરીફહુસૈનના અત્યાચારો અને ઇબ્ને સઊદના આ વાયદા પર કે હિજાઝને શરીફહુસૈનથી પવિત્ર કર્યા પછી તે એક શરઇ લોકશાહીની સ્થાપના કરશે, મૌલાનાએ ઇબ્ને સઊદને સાથ આપ્યો. આ તેમના માટે મોટી કસોટીનો સમય હતો કારણ કે તેમના પીરો મુર્શદ અબ્દુલબારી ફિરંગી મહલી ઇબ્ને સઊદના વિરોધી બની ગયા હતા. મૌલાનાએ પોતાના પીર મુર્શદની ઇઝ્ઝત અને માન મર્યાદામાં જરાપણ કમી કરી નહિં પરંતુ ઇબ્ને સઊદનો સાથ પણ છોડયો નહીં. પાછળથી જ્યારે ઇબ્ને સઊદે હિજાઝમાં પોતાની બાદશાહી સ્થાપિત કરી દિધી તો મૌલાના મુહમ્મદઅલીએ આ વચનભંગ માટે ખૂબ હંગામો મચાવી દિધા પરંતુ તેમના મિત્ર મૌલાના ઝફરઅલી ખાન જાહેરમાં ઇબ્ને સઊદના તરફેણમાં આગળ આવ્યા. મુર્શદ પછી હવે તેમને મિત્રથી લડાઇ લડવી પડી. ૧૯૨૬માં હજ્જના પ્રસંગે હિજાઝમાં જે મુતમરે ઇસ્લામીનું આયોજન કરવામાં આવ્યું તેમાં આપે હાજરી આપી અને હિજાઝમાં ઇબ્ને સઊદની બાદશાહીના બદલે એક શરઇ લોકશાહીની સ્થાપના માટે નીડરતાપુર્વક જોરદાર પ્રયત્નો કર્યા. સઊદી હુકુમતે હિજાઝમાં ઉપસ્થિત ઇસ્લામી ચિન્હોને મિટાવી દેવાની જે કાર્યવાહી કરી હતી. આપ તેના વિરોધમાં પણ જોરદાર વરસ્યા. એમની વાતોની જ્યારે તેના સત્તાધીશો ઉપર કોઇ અસર ન થઇ તો ઓગસ્ટમાં પાછા ફરી વખતે અંતિમ પ્રયત્નરૃપે ફરમાવ્યું, જો સઊદી હુકુમતના માણસો સિધા માર્ગ ઉપર ન આવે તો ઇસ્લામી જગતના મુસલમાનો હજ માટે ન જાય જેથી હુકુમત ઉપર માલી બોજ પડે અને તે દુનિયાના મુસલમાનોની ઇચ્છાઓની અવગણના ન કરે. મૌલાનાની આ ઉપાયને કેટલાક જુથોએ ઇસ્લામના બુનિયાદી અકીદામાં દખલગીરીરૃપ ગણાવ્યા અને તેમના વિરૃધ્ધ એક તુફાન ઉભું કરી દિધું. ૧૯૧૯માં આવો એક એક્ટ પાસ કરાવવા પ્રયત્નો તેજ થઇ ગયા જેના કારણે એક ખાસ ઉમરથી પહેલા લગ્ન પ્રતિબંધિત અને કાયદાના વિરૃધ્ધ ઠેરવવામાં આવત. હિન્દુઓ સાથે ઘણા જ ઘનિષ્ટ સંબંધો હતા પણ મુહમ્મદ અલી ખૂબ ખરૃં ખરૃં પણ સંભળાવતા હતા. આથી તેમણે આ બીલનો જોરદાર વિરોધ કર્યો અથવા ઓછામાં ઓછું મુસલમાનોને આમાંથી બાકાત રાખવાની વાત કરી. કારણ કે જેવી રીતે હરામને હલાલ કરી શકાતું નથી તેવી જ રીતે હલાલને હરામ પણ કરી શકાતું નથી. આના માટે લોર્ડ ઇરવીન સાથે તકરાર પણ થઇ.
આવી જ રીતે જમીયતે ઉલ્મા સંપુર્ણ રીતે કોંગ્રેસની સમર્થક બની ગઇ. મુહમ્મદઅલી જે જમિયતને રાજકારણમાં અને કોંગ્રેસની નજીક લાવનાર મુખ્ય હતા. તેમણે હવે કોંગ્રેસનો વિરોધ કર્યો. કારણ કે તેમને સ્પષ્ટ થઇ ગયું હતું કે હવે કોંગ્રેસના દૃષ્ટિકોણમાં મુસલમાનોના સંબંધે પરિવર્તન આવી રહ્યું છે.
સતત વ્યાકુળતાથી સંપુર્ણ આરામ સુધીઃ
આ સમય દરમિયાન મૌલાના જૌહરની તબિયત ઘણી જ લથડી ગઇ હતી. પરંતુ તબિયતમાં હજાર ખરાબીઓ હોવા છતાં મૌૈલાના નવેમ્બર ૧૯૩૦માં લંડનમાં આયોજીત ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે તૈયાર થઇ ગયા. ડાયાબિટીસના જુના દર્દી હતા. જે સમય ગોળમેજી પરિષદ જવા માટે તૈયાર થયા તે વખતે પગમાં ગેગ્રીન થઇ ગયું હતું. પગમાં સંવેદના સમાપ્ત થઇ ગઇ હતી. ગમે તે પ્રસંગ પગ કપાવવાનો પ્રસંગ ઉભો થઇ શક્તો હતો. આંખો પણ કમજોર થઇ ગઇ હતી. જૂન ૧૯૩૦માં શિમલાની હોસ્પિટલમાં દાખલ થયા પરંતુ લંડન જવાનો પ્રોગ્રામ સ્થગિત ન કર્યો. તેમની મુંબઇમાં જહાઝ પર સ્ટ્રેચર પર સુવડાવીને સારવાર કરાવવામાં આવી. ફાંસ પહોંચતા પહોંચતા તેમની હાલત એક દમ ખરાબ થઇ ગઇ તો પેરીસમાં ઉતારી લેવામાં આવ્યા. લોહીનું દબાણ વધી ગયું હતું અને શ્વાસોચ્છવાસમાં પણ તકલીફ પડવા લાગી. હાર્ટ,લિવર થી લઇને શરીરનું દરેકે દરેક તંત્ર અસ્ત વ્યસ્ત થવા લાગ્યું હતું. બીમારીઓની આ ભરમાર હોવા છતાં આપે પરિષદમાં હાજરી આપી અને બેઠા–બેઠા જ ભલે પણ લાંબુ–લચક ભાષણ કર્યું. તેમણે પોતાના ખાસ ઉમદા સ્વભાવમા શ્વેતાઓ સમક્ષ પોતાની બીમારીનું સવિસ્તાર વર્ણન કર્યું. અને જણાવ્યું કે આ બધી બીમારીઓ સહિત પોતે સાત હઝાર માઇલ દૂરથી જમીન અને સમુદ્રનો પ્રવાસ ખેડીને અને લોકોને આ આક્ષેપ પોતાના માથે વહેરીને આવેલ છે કે તે પોતાના દેશ સાથે દ્રોહ કરીને અંગ્રેજ હકુમત સાથે મળી જઇને કામ કરી રહ્યા છે. એમણે ભારપુર્વક જણાવ્યું કે હું શૈતાનની સાથે મળીને પણ કામ કરી શકું છું પરંતુ શરત એ કે તે ખુદાના માર્ગમાં કામ કરતો હોય.
આટલા બધા અવરોધો અને વિડંબણાઓ હોવા છતાં પણ તે અહીં સુધી શા માટે આવ્યા છે તેનું કારણ તેમણે ગર્જનાના રૃપમાં બતાવ્યું કે ‘આજે હું જે આશયથી અહીંયા આવ્યો છું તે એ છે કે હું મારા દેશમાં એ સ્થિતિમાં જ પાછો જઇ શકું છું કે જ્યારે મરા હાથમાં સ્વતંત્રતાનો આદેશ પત્ર હશે, નહિતર હું એક ગુલામ દેશમાં કદાપિ પાછો નહિં જઇશ.’
આપના પ્રવચનો અને પરિષદની બેઠકો ઉપરાંત પણ આપ ચૈનથી બેસી ન રહ્યા. પરંતુ સમસ્યાઓનો ઉકેલ પોતાનાથી બનતા પ્રયત્નોમાં લાગેલા રહ્યા. ક્યારેક ‘ટાઇમ્સ‘ના ફોરેન એડિટર સાથે ક્યરેક ‘સ્પેકટેટર‘ના એડીટર સાથે તો ક્યારેક હિંદના વજીર સાથે મળતા રહ્યા અને પોતાના દૃષ્ટિકોણને જાહેર કરતા રહ્યા ફક્ત વાતો જ કરનારા ન હતા પરંતુ અમલી પ્રયત્નો પ્રસ્તુત કરતા.
આ સમય દરમિયાન તબિયત વધારે બગડી ગઇ. ૨૩ ડિસેમ્બરે બેહોશીમાં સરી પડયા જે બે દિવસ સુધી લંબાઇ ગઇ એવું લાગવા માંડયું કે બસ હવે છેલ્લી ઘડીઓ આવી ગઇ છે પરંતુ ફરી અચાનક હોશ આવી ગયો. હોશ આવતાં જ એક અંગ્રેજ વજીર સાથે હિન્દુ–મુસ્લિમ સમસ્યાની નાજુક્તા પર વાતચીત કરવા ચાલ્યા ગયા પહેલી જાન્યુઆરી ૧૯૩૧ના રોજ અંતિમ શ્વાસ લીધો.
પેલેસ્ટાઇનના મુફ્તી–એ– આઝમ જનાબ અમીનુલ હુસૈનીએ વિનંતી કરી કે જમાનાની શ્રેષ્ઠ બુદ્ધીશાળી શખ્સિયતની દફનક્રિયા બૈતુલમુક્દ્દીસમાં કરવામાં આવે. આ થી બૈતુલમુકદ્દીસની સરજમીન જ તેમનું અંતિમ સુરક્ષિત સ્થાન બન્યું. ઇસ્લામી જગતના ખુણે–ખુણાથી લગભગ બે લાખ ઉપરંત વ્યક્તિઓ જનાઝાની નમાઝમાં હાજરી આપી. અલ્લાહતઆલા આ મુજાહીદની કબ્રને નૂરથી ભરી દે. જેમણે ગર્વભેર કહ્યું હતું
અક્લ કો હમને કિયા નઝરે જુનૂન
ઉમ્રભરમેં યહી દાનાઇ કી…
આમીન…