મહાનતાની ઉંબરે, મહાપુરૃષોના પગલે
“હમ ગુલામાને મુહમ્મદ હૈં ઉજાલોં કે સફીર
હમને હર દૌૈર મેં ઝુલમત સે બગાવત કી હે”
જન્મથી પુખ્ત ઉમર સુધી:
મુહમ્મદ કાસિમ નાનોત્વી રહ. નો જન્મ નાનોત્તર જિલ્લાના સહાનરનપુરના એક આદરણીય સિદ્દીકી ખાનદાનમાં જાન્યુઅરી-૧૮૩૩માં થયો. બાળપણમાંથી જ સ્મરણ શક્તિ અને બુધ્ધિ પ્રતિભાના સદ્ગુણોરૃપી ફુલો ખિલવા લાગ્યા. અક્ષરજ્ઞાાન પછી ટુંક સમયમાં જ કુઆર્ન શરીફ પુરૃ કર્યું. દરેક હુનર ના માલિક હતા.ભલે સ્વભાવમાં ખુબજ ગંભીરતા હતી અને મોટા ભાગે વધારે સમય લખવા વાંચવામાં પસાર કરતા હતા, તેમ છતા શારીરિક કસરતી, રમત-ગમતોથી અભિરૃચિ ધરાવતા હતા. મુખ્યત્વે નિશાનબાજી માટે તેમનો કોઇ વડયો સમવડયો નહતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં રહીને જ પ્રાપ્ત કર્યું. પછી દેવબંદ અને સહારનપુરના પ્રખ્યાત આલીમોના શાગિર્દ બન્યા. ૧૨ વર્ષની આયુમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અરેબિક કોલેજ દિલ્હીમાં એડમીશન લીધું. એ જ અરસામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અરેબિક કોલેજોમાં નવો અભ્યાસક્રમ લાગુ કરી દિધો. જેના અંતર્ગત હવે અરબી શિખવા વાળા પણ ભુગોળ, જ્યોમેટરી,એલજિબ્રા, ફિલોસોફી, ઇતિહાસ,સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિષયો શિખવાનું ફરજિયાત બની ગયું.પરંતુ મુહમ્મદ કાસિમ જરા પણ નાસીપાસ થયા નહી. તેમણે આવા અસ્પૃશ્ય વિષયના પુસ્તકો પ્રાપ્ત કર્યા. અને ઘરે બેઠા બેઠા જ પોતાના જાતઅધ્યયન દ્વારા સંપુર્ણ અભ્યાક્રમ પુર્ણ કરી દિધો. આ બાબતે જ્યારે તેમના સહવિદ્યાર્થીઓને અને પ્રાધ્યાપકોને જાણ થઇ તો કોઇને પણ વિશ્વાસ અવ્યો નહી. જ્યારે તે પોતાના દાવા ઉપર અટલ રહ્યા, તો તેમના પ્રાધ્યાપકો અને મિત્રોએ તેમની આ ડિંગને ઝુુઠી પાડવા માટે તેમને પ્રશ્નો પુછવાનું ચાલુ કર્યું. સહેલા અને અઘરા પ્રશ્નોના સાચા જવાબો આપીને તેમણે સૌના મોઢા સીવી દિધા અને આ રીતે આખી યુનિવર્સિટીમાં તેમની સ્મરણશક્તિ અને વિદ્વતાની ચર્ચાઓ થવા લાગી. આપે કોઇ કારણસર અરેબિક કોલેજની વાર્ષિક પરીક્ષા આપી ન હતી. આમ આપે ડિગ્રી લીધા વગર જ ૧૭ વર્ષની ઉંમરે કાયદેસર ઉચ્ચ શિક્ષણમાં પારંગત થઇ ગયા. વિદ્યાભ્યાસથી નિવૃત્ત થયા પછી આ દિલ્હીના ‘મુત્બે અહેમદી’માં લેખન શુધ્ધિનું કાર્ય કરવા લાગ્યા. તેમને તાલીમી વર્તુળોમાં ખૂબ સ્વીકૃતિ મળી.
કાસિમ નાનોત્વી હજુ ૨૫-૨૬ વર્ષના યુવાન જ હતા કે ૧૮૫૭નો બળવો ફાટી નીકળ્યો. આ બળવામાં (જેમના નેતૃત્વમાં આલીમોએ આગળ પડતો ભાગ લીધો હતો.) કાસિમ નાનોત્વીએ જોશભેર ભાગ લીધો અને મુજાહીદોથી ખબે-ખબા મિલાવીને ફિરંગીઓ ઉપર તલવારો વરસાવી. એક પ્રસંગ એવો પણ આવ્યો કે બળવાન આગેવાનો ગભરાઇ રહ્યા હતા કે શું અગ્રેજોની હાર શક્ય પણ છે કે નહી? તેઓ પોતાની નિઃશસ્ત્ર સામગ્રીના રોંદડા રડી રહ્યા હતા. ત્યારે મૌલાના નાનોત્વીએ ઉભા થઇને કહ્યું, “શું આપણે બદ્રના સહાબાઓથી ઓછા છીએ?” આ એક વાક્યએ બધી જ ગભરામણ દૂર કરી દિધી. અને આલીમોના નેતૃત્વમાં મુસલમાનોએ સંપુર્ણ દિલો જાનથી બળવામાં ભાગ લીધો. બળવાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાની ચોલીને હલાવી નાંખી પરંતુ દેશ ઉપર બ્રિટિશરોનું આધિપત્ય અને કબજો દરેક રીતે કાયમ રહ્યો. બળવાના વાવાઝોડાને ગમે તે રીતે કચડવાનો અગ્રેંજોએ નિશ્વ કરી લિધો. આ કાર્યવાહીમાં મૌલાના નાનોત્વીના નામનું પણ વોરંટ જારી કરવામાં આવ્યું. બે વખત તો એવું બન્યું કે પોલીસ બિલકુલ સામે આવીને ઉભી રહી પરંતુ તેમની ધારણામાં મૌલાનાની છબી અતિશય સ્થુળ કાય અને ફાંદવાળા શરીરના બુઝુર્ગની હતી. એટલે તેઓ દુબળા પાતળા શરીર વાળા અને સાદા પોશાકવાળા નાનોત્વીને ઓળખી શક્યા જ નહીં. અને આ રીતે તેમની જાન છુટી. ૧૮૬૦માં મૌલાનાએ હજ્જની સઆદત પ્રાપ્ત કરી. પાછા આવ્યા પછી એક પછી એક મેરઠના ઘણાબધા વિસ્તારોમાં સેવાઓ બજાવી.
અસલ કામગીરી:
હજરત નાનોત્વીનું જીવંત કારનામું જે ન ફક્ત બ્રિટીશની ખતરનાક હુકુમતના વાતાવરણમાં ઇસ્લામને જીવંત રાખવા અને મુસ્લિમ ઉમ્મત માટે સંજીવની બન્યું બલ્કે આજ દિન સુધી તેની ઉષ્ણતાથી ન જાણે કેટલા બધા હૃદયો ઇસ્લામના સત્ય પ્રકાશથી લાભાન્વિત થયા છે. તે કારનામું છે દારૃલઉલુમ દેવબંદની સ્થાપના. દારૃલ ઉલુમ દેવબંદની સ્થાપનાથી લઇને સઇને તેને મજબૂત બનાવવાનું સ્વપ્ન મૌલાનાએ ન ફક્ત સેવ્યું પરંતુ તે સ્વપ્નને ફળીભુત કરવા માટે કોઇ કસર બાકી રખી નહીં.આજે પણ તે હિંદુસ્તાનનો સૌથી મોટો દિની મદરસો છે. તેમણે ફક્ત આ એક મદ્રસાથી જ સંતોષ માનીને બેસી રહેવાને બદલે આખા હિંદુસ્તાનમાં મોગલ સલત્નતના પતન પછી સૌપ્રથમ મદ્રસાઓની જાળ બિછાવી દિધી. જેથી એવી હસ્તિઓ પેદા થાય જે આધુનિક વિચારધારા અને ખતરાઓને ઇસ્લામની રોશનીમાં દૃઢતાપુર્વક સામનો કરી શકે. એમાં સહારનપુર, મુરાદાબાદ,દાનાપુર, અમેઠી અને બરેલીના મદરેસાઓ નોંધપાત્ર છે.
આ તે સમય હતો જ્યારે સ્પેનના ઇતિહાસને હિંદુસ્તાનમાં પણ દોહરાવવાનો હતો. ખ્રિસ્તી મિશનરી હુકુમતની મદદથી દીનને નાબૂદ કરવા માટે તત્પર હતા. ઉમ્મત બરબાદીની ખાઇને કિનારે ઉભી હતી. પરંતુ હઝરત નાનોત્વીએ તે જમાનામાં મદ્રસાઓને દિનના કિલ્લાનું સ્વરૃપ આપીને અંગ્રેજોના નાપાક ઇરાદાઓ ઉપર પાણી ફેરવી દિધું.
હિંમતે મર્દાઃ
તે જમાનામાં ઇસ્લામ ઉપર ચારો તરફથી આક્રમણો થઇ રહ્યા હતા. અલ્લાહ તેના પયગંબર અને દીને ઇસ્લામના શિક્ષણ પ્રત્યે નિત નવા વાંધાઓ કરવામાં આવી રહ્યા હતા. આથી મુસ્લિમ ઉમ્મતને હતાશાની લાગણીઓથી મુક્તિ અપાવવાનો એક માત્ર રસ્તો આ હતો કે આ વિરોધોનો મોં-તોડ જવાબ આપવામાં આવે. મૌલાના કાસિમ નાનોત્વી રહ. એ આ મોરચા પર પણ પોતાની સેવા બખુબી પ્રદાન કરી. તે દિવસોમાં ખ્રિસ્તી પાદરીઓે મુનાજરા આયોજીત કરીને પોતાની જાહોજલાલ અને દબ-દબાની ઝુઠી શાન દ્વારા મુસલમાનોના મોઢા બંધ કરીને સામાન્ય મુસલમાનોમાં ઇસાઇયતની તબ્લિગ કરી રહ્યા હતા. આવા જ એક મોટા મુનાજરામાં (૧૮૭૬-૭૭) શાહજહાંપુરમાં મૌલાના ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયા હતા. તેમાં ઇસાઇ પાદરીઓની ખોખલી દલીલોની હવા કાઢી નાખી. ઇસા અલૈ.ને નબી સબિત કર્યો. ત્રણ ખુદાઓના અકીદાની પોલ ખોલી નાંખી. વર્તમાન બાઇબલમાં ફેરફારને ને સાબિત કર્યું. ઇસ્લામની સત્યતા અલ્લાહનું સ્વામીત્વ (એકેશ્વરવાદ) દ્રષ્ટાંતો દ્વારા હૃદયસ્થ કરાવ્યું. અહીં સુધી કે મોટા-મોટા પાદરીઓને મુનાજરાને અધવચ્ચે થી જ છોડીને ભાગવું પડયું. પંડિત દયાનંદ સરસ્વતીએ પણ ઇસ્લામ અને કુઆર્ન વિશે સામાન્યજનોમાં ઝેર ફેલાવતા હતા. મૌલાના કાસિમ નાનોત્વીએ તેમને ઘણી વખત આમંત્રણ આપ્યું કે આવો જાહેરમાં વાદવિવાદ થઇ જાય. પરંતુ દયાનંદ સરસ્વતીએ સ્વીકાર ન કર્યો. લાચારીવશ મૌલાના નાનોત્વી રહ. એક વખત નહીં બબ્બે વખત રૃરકી અને મેરઠમાં (જ્યાં તેમણે જાહેરમાં જહેર ફેલાવીને મુસીબત ઉભી કરી દિધી હતી). તેમની સામે આવી ગયા કે આવો જાહેરમાં નહીં તો આપણે બે જ જણ ચર્ચા કરી લઇએ. પરંતુ પંડીતજી બંને વખત રાતોરાત શહેર છોડીને પલાયન થઇ ગયા. પંડિતજીના વાંધાઓને એકત્ર કરીને મૌલાના કાસિમ રહ. એ તેમના જવાબો સંપાદિત કરાવ્યા અને આખા હિંદુસ્તાનમાં દાયાનંદના પ્રોપેગંડાની હવા ઉખેડી નાંખી.
ઇસ્લામના રક્ષણ માટે જ નહીં પરંતુ મુસલમાનોની સુધારણાના મેદાનમાં પણ મૌલાના કાસિમ નાનોત્વી રહ.એ બહુ જ અમુલ્ય સેવાઓ પ્રદાન કરી છે. આપ સામાન્ય અર્થમાં એક સુધારક જ ન હતા પરંતુ પોતાની જાતમાં સંપુર્ણ સર્વાંગ સુધારવાદનું પ્રતિક હતા. દ્રષ્ટાંત તરીકે – હિંદુઓના દેખા-દેખી મુસલમાનોમાં પણ વિધવાઓના પુનર્લગ્નને નઠારૃં સમજવામાં આવતું હતું. મૌલાના નાનોત્વી રહ. આ રિવાજને પોતાના વાર્તાલાપમાં અને પ્રવચનોમાં ભલુ-બૂરુ કહેવા ઉપર જ સંતોષ બનીને બેસી ન રહ્યા પરંતુ પોતાની ઘરની બહેનના પુનર્લગ્ન કરાવીને આ વિવાદને અમલી રીતે નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો.
અંતિમ યાત્રા:
આપની અસંખ્ય લખાણોનો સંગ્રહ અને રીસાલો છપાઇ ચુક્યા છે. આર્યસમાજના વાંધાઓના જવાબો પર આધારીત આપની કિતાબ”તબ્હર ઇલ્મી ઔર મુન્તકી” એ સર્વોત્તમ દલીલ છે. આપના કારનામાઓના કારણે ‘હુજ્જતુલ ઇસ્લામ’ નો ઉપનામ પ્રાપ્ત કરનાર મૌલાના મુહમ્મદ કાસિમ નાનોત્વી રહ.એ એપ્રિલ ૧૮૭૯માં ફક્ત ૪૯ વર્ષની ઉંમરે અજલના આમંત્રણને લબ્બૈક કહ્યું. અલ્લાહતઆલા આપને શ્રેષ્ઠ અજ્રથી નવાજે અને તેમના જાનશીનોને મસ્લકી પક્ષપાતથી મુક્ત થઇને તેમના નકશે કદમ પર ચાલવાની તૌફીક નસીબ ફરમાવે.