ડો. સલાહુદ્દીન ઐયુબ, નવી દિલ્હી
માનવ અધિકારોની દુહાઈ આપનારી સરકારોનો પર્દો ત્યારે પણ ચીરાઈ ગયો હતો કે જ્યારે ગાઝામાં ઈઝરાયલી આક્રમકતાના પરિણામો સમૂદ્ર કાંઠેથી ત્રણ બાળકોની લાશો મળી આવી હતી. આ માસૂમ બાળકો યુદ્ધની વિનાશકતાથી દૂર સમૂદ્ર કાંઠે ખેલના મેદાનની શોધમાં નીકળી આવ્યા હતા. ઇઝરાયલનું દરિંદા જેવું સૈન્ય પોતાના દુશ્મન કોમના બાળકોને પણ રમતાં જોઈ શક્યું ન હતું.
આજે સ્વયં મુસ્લિમ-જગતના શાસકોના જુલ્મ તથા અત્યાચારોનો ભોગ બનીને જ્યારે મુહાજિરીનની એક ટોળકી તુર્કીથી ગ્રીસની સમૂદ્રી યાત્રા ખેડવા પ્રયત્ન કરે છે અને યુરોપથી મદદ ન મળવાના પરિણામરૃપે એ કાફલાના એક બાળકની લાશ જ્યારે તુર્કીમાં સમૂદ્ર તટ પર મળે છે તો માનવતાનું ભવિષ્ય આપણને ફરીથી પોતાની માસૂમ નજરોથી ઘૂરવા લાગે છે.
સીરિયામાં છેલ્લા ૪ વર્ષોથી રકતની હોળી રમવામાં આવી રહી છે. સમગ્ર દેશના લોકો વર્ષોથી જુલ્મ કરી રહેલા શાસકથી કંટાળીને તેની સામે કમર બાંધીને ઊભા થઈ ગયા છે. અને એ જુલ્મી શાસક પોતાની યુદ્ધશક્તિઓ દ્વારા પોતાની પ્રજાને પણ કચડી રહ્યો છે અને પાડોશીઓને પણ મૂંગા બનાવી ચૂક્યો છે. અને લોકશાહીના ઠેકેદારોની આંખો ઉપર પણ પટ્ટીઓ બંધાઈ ગઈ છે.
વર્ષો વર્ષની યુદ્ધ-વિનાશક્તાઓથી કંટાળી જઈને ત્યાંની પ્રજા જ્યારે હિજરતનો માર્ગ અપનાવે છે તો તેમને આટલો વિશાળ જગત પણ ટૂંકો દેખાવા લાગે છે. હાજીઓને પાણી પીવડાવીને સસ્તો સવાબ કમાનારી સાઊદી સરકાર મુહાજિરોને પોતાના દેશમાં શરણ આપવાથી ઇન્કાર કરી દે છે. દુનિયાની સર્વોચ્ચ ઇમારતો નિર્માણ કરનાર સંયુક્ત આરબ અમીરાત પોતાનું મોઢું ફેરવી લે છે. ખુદા તરફથી નવાજાયેલ તેલના કુવાઓથી સમૃદ્ધ કતાર, કુવૈત અને બેહરીનની ધરતી ઉપર પગ મૂકવા માટે પણ આ ઈમાનવાળાઓ ગેર -લાયક ઠેરવવામાં આવે છે. હવે જો કોઈ માર્ગ બચે છે તો તે તુર્કીનો કે જે ૪૦ લાખમાંથી ૨૦ લાખનું પોતાની ધરતી ઉપર સ્વાગત કરે છે. અલબત્ત ત્યાં પણ એ ઉત્સાહ નથી દેખાતો જેની આશા રાખીને મુહાજિરો માઈલોનો પ્રવાસ ખેડે છે. બાકીના મુહાજિરીન લેબેનોન, ઇરાક, ઇજિપ્ત, જોર્ડન અને ઉત્તર આફ્રીકાના દેશોમાં પોતાના તંબૂ નાખી દે છે.
૪૦ લાખ લોકોની હિજરત છતાં આંતરરાષ્ટ્રીય મીડિયા, માનવાધિકારના સંગઠનો અને લોકશાહીના ધ્વજવાહકોના પેટનું પાણી પણ નથી હાલતું અને સીરિયાનો અત્યાચારી બાદશાહ દુનિયાની નાક પર બેસીને ઐય્યાશી કરતો દેખાય છે. આજે જ્યારે કેટલાક હજાર મુહાજિરો પોતાના પ્રાણ જોખમમાં નાખીને નાની નાની હોડીઓના આધારે યુરોપની દિશામાં જવાનો પ્રયાસ કરે છે તો યુરોપ એવો અકળાયેલો દેખાય છે કે જાણે માનવો નહીં વરૃઓ તેમની સીમાઓમાં ઘુસવા ચાહે છે. એક એક સીમામાંથી પસાર થવું મુહાજિરો માટે મુશ્કેલ થઈ જાય છે. અને મીડિયામાં એવો ઉહાપોહ મચાવવામાં આવે છે કે જાણે સીરિયાના તમામે તમામ મુહાજિરોનો સહારો માત્ર યુરોપમાં જ મૌજૂદ છે. જ્યારે કે યુએનએચસીઆર ના આંકડાઓ મુજબ અત્યાર સુધી ૪૦ લાખ લોકો સીરિયાથી હિજરત કરી ચૂકયા છે, તેમાંથી માત્ર ૩ લાખ મુહાજિરોએ યુરોપ પાસે સુરક્ષા માટે દરખાસ્ત કરી છે, જે હજી સુધી મંજૂર પણ નથી થઈ, અને આ નાનકડી સંખ્યાને સુરક્ષા પૂરી પાડવા માટે કોણ જાણે કેટલીય વખત યુરોપીય યુનિયનની બેઠકો યોજાઈ ચૂકી છે. અને યુરોપનો દરેક દેશ આનાથી પીછો છોડાવવા કે બચવા માટેના પ્રયત્નોમાં લાગેલો છે. અને ગમે તે રીતે પહોંચી ગયેલા મુસાફર મુહાજિરો યુરોપના રેલ્વે સ્ટેશનો અને સડકો પર નિરાધાર અને નિઃસહાય પડેલા છે. હંગેરીનો વડાપ્રધાન આ સંકટગ્રસ્તોનો અકીદાઓ ચકાસી રહ્યો છે. જર્મની, બ્રિટન અને બીજા કેટલાક દેેશો ઉપરાંત યુરોપના મોટાભાગના દેશો પોતે આશરો આપવાના બદલે બીજાઓને તૈયાર કરવામાં લાગી જાય છે. ખૈર! સમૂદ્રોના તટ પર પડેલી આ બાળકોની લાશો માનવતા ડૂબી મરી હોવાનું એલાન કરી રહી છે.
મુસીબતની આ પળોમાં સીરિયાના મુહાજિરોને આમથી તેમ ઠોકરો ખાતા જોઈને મનમાં આવે છે કે આ ઐતિહાસિક દેશના નિર્ભિક અને મહાનતાથી ભરેલ લોકોને છાતી સરસા ચાંપવામાં આવે. સીરિયા દેશનો આ ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ પ્રદેશ અને ધર્મના મુહાજિરોને હંમેશાં પોતાની ધરતી ઉપર ખૂબ જ ઉત્સાહ સાથે આવકાર્યા છે. ઇબ્રાહીમ પાશાના લશકરના પ્રકોપથી કંટાળીને જ્યારે ઇ.સ. ૧૮૩૯માં મુહાજિરોએ સીરિયાનો માર્ગ પકડયો તો સીરિયાએ તેમને ખભે બેસાડયા યુરોપના દેશ કોકેસસ ઉપર રૃસના યુદ્ધ હુમલાના પરિણામે મુહાજિરોએ ઇ.સ. ૧૮૬૦માં સીરિયાની ધરતી ઉપર શરણ લીધી. આર્મેનિયાના મુહાજિરોનું ઠેકાણું પણ સીરિયા જ બન્યું. જ્યારે ઇ.સ. ૧૯૧૪માં તેમણે પોતાના વતનથી નિરાધાર હોવાની સ્થિતિમાં હિજરત કરી. ઇઝરાયલના જુલ્મ તથા અત્યાચાર તેમજ યુદ્ધ-અપરાધોથી કંટાળી ઇ.સ. ૧૯૪૮માં ફલસ્તીનના મુહાજિરોનું પણ સીરિયાએ ખૂબ જ આગળ વધીને સ્વાગત કર્યું અને ઇ.સ. ૧૯૬૭માં ફરીથી જ્યારે અત્યાચારોથી કંટાળીને ફલસ્તીનના મુહાજિરોએ સીરિયાની દિશા લીધી તો સીરિયાના લોકોએ તેમને ખૂબ જ સન્માનપૂર્વક આવકાર્યા, અને પોતાની શક્તિથી વધુ તેમની મહેમાનગતિ કરી. ઇરાક અને કુવૈતના યુદ્ધના પરિણામે ઇ.સ. ૧૯૯૦માં કુવૈતથી જ્યારે લોકોએ વિનાશકતાઓના લીધે હિજરત કરી તો તે વખતે પણ સીરિયાના લોકો બન્ને હાથ લંબાવી તેમને આવકારતા દેખાયા. ઇ.સ. ૨૦૦૩માં જ્યારે અમેરિકાએ ઇરાક ઉપર હુમલો કર્યો તે ઇરાકના મજલુમ લોકોને પણ સીરિયાની ધરતી પર શરણ મળી. ઇ.સ. ૨૦૦૬ના ઇઝરાયલ અને લેબેનોન યુદ્ધના પરિણામે લેબેનોનની પ્રજાએ જ્યારે પોતાનો દેશ છોડયો તો તેમને પણ સીરિયાના રૃપમાં જ બીજું ઘર દેખાયું.
સીરિયાના ઇતિહાસમાં આ વાત સોનેરી અક્ષરોમાં લખાશે અને આવનારી પીઢીઓને આ મહાન હકીકત ઉપર ગર્વ હશે કે સીરિયાએ પોતાની સરહદો ક્યારેય પણ એ મુહાજિરો માટે બંધ નથી કરી કે જેમણે સુરક્ષા તથા સલામતીના હેતુથી સીરિયાની દિશા લીધી. સીરિયાનો આ પણ ઇતિહાસ રહ્યો છે કે તેણે આરબના નાગરિકો પાસેથી ક્યારેય વીઝાની માંગણી નથી કરી. પછી તે કાયમી વસવાટની દરખાસ્ત હોય કે પછી થોડા સમયના રોકાણની માંગણી હોય. આ પણ એક ભૂલી ન શકાય તેવી હકીકત છે કે મુહાજિરોના રહેઠાણ માટે સીરિયાએ ક્યારેય સરહદો ઉપર તંબૂઓ નથી બાંધ્યા, બલ્કે ઘરોના દરવાજા ખોલી દીધા. સડકો ખાલી કરી દીધી, અને શહેરોના નામ બદલી નાંખ્યા કે જેથી કરી મુહાજિરોને અજાણ્યાપણાનો અહેસાસ ન થાય.
આવો! હવે આ તથ્યો પણ ઇતિહાસને હવાલે કરી દેવામાં આવે કે જેથી આવનારી પેઢીઓ યાદ રાખે કે જ્યારે સીરિયાના લોકો ઉપર ખરાબ સમય આવ્યો અને તેમની વસાહતો નષ્ટ કરી દેવામાં આવી . સમગ્ર દેશ ધુમાડા, ધૂળ અને રાખને ભેંટ ચઢી ગયો અને સીરિયાના મજલૂમ અને મજબૂર લોકોએ પોતાના બાકી બચી ગયેલા બાળકો તથા મહિલાઓની સલામતી માટે હિજરતનો ઇરાદો કર્યો તો તેમના માટે તમામ સરહદો બંધ કરી દેવામાં આવી અને દુનિયાએ તેમના તરફથી મોઢુ ફેરવી લીધું.