Thursday, April 25, 2024
Homeબાળજગતનમાઝમાં ચોરી?

નમાઝમાં ચોરી?

ફાઇઝા બીજા ધોરણની વિદ્યાર્થિની છે. નમાઝો નિયમિત રીતે પઢે છે.

તો શું થયું કે બિચારી ક્યારેક ક્યારેક (એટલે કે મહિનામાં લગભગ ૨૮, ૨૯ દિવસ) ફજ્રની નમાઝમાં ઊઠી નથી શકતી. નાનકડી બાળકી જ તો છે હજી!

ઝુહરની નમાઝ? હવે બિચારી બે વાગ્યે તો શાળાએથી જ આવે છે. આવીને નહાયા, જમ્યા, રમ્યા, આરામ કર્યા અને એકાદ-બે કલાક ટી.વી. જોયા પછી એ “તરત” જ ઝુહરની નમાઝ પઢી લે છે.

ઝુહરની નમાઝ પઢીને થોડી વાર સૂઈ જાય છે. હવે આવામાં અસ્રની નમાઝની અદાયગીમાં નાનો સરખો વિલંબ તો થઇ જ શકે છે. આમ અસ્રની નમાઝ માટે વુઝુ કરતાં કરતાં મગરીબની અઝાન થઈ જાય તો આમાં આ નાનકડી બાળકીનો ભલા શો વાંક છે? અસ્ર અને મગરીબની નમાઝ એક સાથે જ ભલેથી! અને ક્યારેક ક્યારેક મગરીબની અઝાન વખતે અસ્ર અને તેના એકાદ કલાક બાદ મગરીબ. અરે ભાઈ સાથે સાથે આટલી બધી નમાઝો પઢીને બિચારી થાકી ન જાય?

પછી તો કામ જ કામ છે. વાંચવાનું, લખવાનું, હોમવર્ક, ખેલકૂદ, કાર્ટુન જોવા, સીરિયલ જોવી, નાની બહેનને સતાવવી, મોટા ભાઈ સાથે લડવું — આ બધું પણ તો જરૂરી છે. આટલા મહત્ત્વના કામોમાં વ્યસ્ત બાળકીને હવે જો તેની અમ્મી બૂમ પાડે છે કે “ચાલો, કુઆર્ન પઢી લો” તો ફાઈઝાનો ગુસ્સો કરવો અને રડવું વિ. બધું યોગ્ય જ છે. ભૂલ તો અમ્મીની છે. આ રીતે ક્યારેક તિલાવત થઈ શકે તો ઠીક છે, નહિંતર કોઈ શિકાયત નહીં. આ ઉલઝનોમાં જો ફાઈઝા ઇશાની નમાઝ રાત્રે ૧૨ વાગ્યે પઢે તો તેમાં માસૂમનો શો વાંક? અને જ્યારે ઈશાની નમાઝ ૧૨ વાગ્યે થાય અને ઊંઘવામાં રાતના દોઢ-બે તો વાગશે જ. આટલા મોઢેથી સૂઈને સવારે વ્હેલાં ઊઠવું કેવી રીતે શક્ય હશે! શાળાએ પણ તો જવાનું હોય છે!

શું તમે પણ ફાઇઝાની જેમ નમાઝ પઢો છો?

જો હા, તો પ્રશ્ન છે કે ઃ શું તમારે શાળાએ જવાથી કે કોઈ પણ અન્ય જરૂરી કામ કરવાથી નમાઝ માફ થઈ જાય છે? આ મહત્ત્વના સવાલનો સીધો સાદો જવાબ છે કે ઃ નથી થઈ જતી. એટલે સુધી કે કોઈ જો બીમાર પણ છે તો શરીઅતમાં હિદાયત છે કે તે બેસીને અને જો એ પણ શક્ય ન હોય તો સૂઈને ઇશારાઓથી પણ નમાઝ પઢે — પરંતુ પઢે જરૃર!!!

નમાઝ એ દરેક મુસલમાન ઉપર ફર્ઝ છે કે જેની ઉમર ૭ વર્ષથી વધુ હોય. ફર્ઝનો અર્થ છે કે એ જરૂરી છે અને ગમે તેમ તે અદા કરવી જોઈએ. અને આ કે જે કોઈ આમાં ઢીલ કરશે તે ગુનેગાર હશે. શેતાન જરૃર બહેકાવશે કે થોડુંક ટી.વી. જોઈ લો પછી નમાઝ પઢી લેજો; અથવા તો ચાલો પહેલાં રમી લઈએ, નમાઝમાં તો હજી ઘણો સમય બાકી છે. પરંતુ આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે દરેક નમાઝ તેના સમયે પઢી શેતાનને હરાવી દઈએ.

અલ્લાહતઆલાએ માનવી ઉપર બોજ નથી નાખ્યો. નમાઝ તેના સમય પર પઢવી પણ મુશ્કેલ નથી. નમાઝની અદાયગીમાં સમય જ કેટલો લાગે છે? દિવસભરમાં કોણ જાણે કેટલો સમય આમ જ ફાલતુમાં વીતી જાય છે. શું આપણે થોડોક સમય સારી રીતે નમાઝ અને કુઆર્ન પઢવા માટે નથી કાઢી શકતા? પરીક્ષા જો ૮ વાગ્યાથી હોય તો આપણામાંથી કોઈ પણ એટલો મૂર્ખ નથી કે ૯ અને૧૦ વાગ્યે પરીક્ષાખંડમાં પહોંચે. તો પછી આપણે નમાઝ અંગે શા માટે મૂર્ખ બનીએ છીએ?

આજે આપણી નમાઝોની હાલત આ છે કે ટી.વી. ચાલતું રહે છે. તેમાં ચિત્ર-વિચિત્ર કાર્યક્રમો આવતા રહે છે. આપણે એ જ કાર્યક્રમોને જોતાં રહીએ છીએ. એવામાં નમાઝનો સમય થઇ જાય છે. કાર્યક્રમ લાંબો થતો જાય છે. એક કાર્ટુન બાદ બીજો કાર્ટુન ; અને એક સીરિયલ બાદ બીજી સીરિયલ આવતી રહે છે. આવામાં જ્યારે અમ્મી ખૂબ જ બોલાવે છે કે નમાઝનો સમય પસાર થતો જઇ રહ્યો છે તો જાહેરાત આવતાં આપણે જા-નમાઝ ઉપર ઉછલ-કૂદ કરીને બે મિનિટમાં ફરીથી ટી.વી. સામે પહોંચી જઇએ છીએ.

ઝુહરની નમાઝ અસ્ર વખતે અને અસ્રની મગરીબ વખતે અદા કરનારા શું આ નથી વિચારતા કે મહેનત તો તેમણે પૂરી કરવી પડી રહી છે, પરંતુ પોતાની સુસ્તીના લીધે સવાબ પૂરો નથી મળી રહ્યો. શું નમાઝ કોઈ બોજો છે કે તેને જેમ તેમ કરીને ઉતારી નાખવામાં આવે અને કહી દેવામાં આવે કે ભાઈ અમારૃં કામ પુરૃં થઇ ગયું. એવી ઇબાદતનો ફાયદો જ શું કે જે રાજીખુશીથી કરવામાં ન આવે. અલ્લાહના નબી સ.અ.વ.એ ગફલત સાથે જલ્દી જલ્દી કે ઉતાવળે નમાઝ પઢવાને સૌથી ખરાબ પ્રકારની ચોરી ઠેરવી છે. જેને અલ્લાહના નબી સ.અ.વ. ચોર કહી દે, તમે પોતે વિચારો કે કયામતના દિવસે તેની શી હાલત હશે?

છેલ્લી વાત આ કહેવાની છે કે આપણે વાંચવા-ભણવા માટે પણ સમય કાઢવાનો છે, અને રમવા માટે પણ. સારૃં મનોરંજન પણ કરવાનું છે. પરંતુ ધ્યાન આપવાનું છે કે આમાંથી કોઈપણ વસ્તુ આપણને નમાઝથી ગાફેલ ન કરી દે.

અલ્લાહતઆલાથી દુઆ છે કે તે આપણા સહુને વધુ સારી રીતે ઇબાદત કરવાની અને વધુને વધુ સવાબ કમાવીને જન્નતમાં જવાની તૌફીક આપે. આમીન!!! *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments