Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસઅલ્લાહના પથ પર...

અલ્લાહના પથ પર…

પ્રસિદ્ધ ઇસ્લામી ઇતિહાસકાર ઇબ્ને ઇશ્હાકનું વર્ણન છે કે આસીમ બિન ઉમર બિન કતાદા કહે છે કે અમારા ત્યાં એક અજાણ્યો વ્યક્તિ હતો જેનું નામ કુઝમાન હતું. આ વ્યક્તિ ખૂબજ તાકત અને શક્તિ ધરાવતો હતો, લડવૈયો હતો. અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ. જ્યારે તેનું વર્ણન કરતા તો ફરમાવતાં, “આ વ્યક્તિ નર્કવાળાઓમાંથી છે.”

ઉહદના યુદ્ધમાં કુઝમાન જબરદસ્ત યુદ્ધ લડયો. કહેવાય છે કે મુસલમાનો તરફથી પ્રથમ તીર તેણે જ ચલાવ્યુ હતું. પહેલાં તેણે તીરોથી મક્કાના કુરૈશ વાળાઓ પર સખત હુમલો કર્યો અને પછી તલવારબાજીના એવા પરાક્રમ બતાવ્યા કે મક્કાનું લશ્કર ભયભીત થઈ ઉઠ્યું. તેમના ઉપર તેનો રોફ બેસી ગયો. પ્રસિદ્ધ સિરતકાર ઇબ્ને કશીરે વર્ણન કર્યું છે કે ઉહદના યુદ્ધમાં કુઝમાન ખરાબ રીતે ઘાયલ થયો. તેને ઉઠાવીને મદીનામાં તેના ઘરે લઈ જવામાં આવ્યો. મુસલમાનો તેની તબીયત જોવા આવવા લાગ્યા અને તેને ખુશખબરી સંભળાવવા લાગ્યા. તેણે લોકોથી પૂછ્યું કે મને કઈ વાતની ખુશખબર આપવામાં આવી રહી છે? મેં તો મારી કોમનો બદલો લેવા માટે યુદ્ધ લડ્યું હતું કે જેથી તેઓ આપણી જમીનમાં ઘુસીને તેને તહસ નહસ ન કરી નાંખે. જ્યારે કુઝમાનના જખ્મની પીડા ખૂબ જ વધી ગઈ અને સહન ન થવાની સ્થિતિ આવી ગઈ તો તેણે પોતે પોતાની કોણીથી નીચેની લોહીની નસ કાપી નાંખી જે કારણે અઢળક લોહી વહી નીકળ્યું ત્યાં સુધી કે તેનું મૃત્યુ થઈ ગયું.

આ બનાવથી એક પરિણામ એ સામે આવ્યું કે જિહાદ અને યુદ્ધ, સદકાત કે દાન અથવા દાવત કે તબ્લીગ અને દીનનો પ્રચાર કે પ્રસાર જેવા ઉચ્ચ કામો પણ સંપૂર્ણ નિખાલસતાપૂર્વક માત્ર અલ્લાહ કાજે જ ન હોય તો તદ્દન નિરર્થક અને મુલ્યહીન બની જાય છે.

સહાબા કિરામ (અલ્લાહના રસૂલના સાથીઓ) રદી.એ અલ્લાહના રસુલ સ.અ.વ.થી પૂછ્યું કે હે અલ્લાહના રસૂલ! એક વ્યક્તિ યુદ્ધમાંથી ધન મેળવવાની લાલસાએ યુદ્ધ કરે છે, એક વ્યક્તિ કિર્તી મેળવવા યુદ્ધ લડે છે અને એક વ્યક્તિ એટલા માટે યુદ્ધ લડે છે કે તેનો મોભો ઉચ્ચ થઈ જાય તો તેમનામાંથી કયો વ્યક્તિ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરે છે? અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ઉત્તર આપ્યો, “જે વ્યક્તિ એ નિયત સાથે લડશે કે અલ્લાહના કલ્માનો બોલ બુલંદ થઈ જાય તે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનારો છે.”

આ જ ઉહદના યુદ્ધનો એક બનાવ છે. એક વ્યક્તિ અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે આવ્યો. પૂછ્યું, હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! જન્નત ક્યાં છે? કહ્યું, ઉહદ પર્વતની પેલે પાર… પણ જવું પડશે આ યુદ્ધના સમરાંગણમાં થઈને … તે વ્યક્તિ ખજૂર ખાઈ રહ્યો હતો, ખજૂર ફેંકી દીધી યુદ્ધ મેદાનમાં સામેલ થઈ ગયો. અલ્લાહના માર્ગમાં લડતા લડતા શહીદ થઈ ગયો અને પામ્યો જન્નત…

એટલે દીનના દાઈ-આમંત્રકો અને ઉદ્ઘોષકોએ જાણી લેવું જોઈએ કે તેઓ જે કામ પણ કરે અલ્લાહની પ્રસન્નતા માટે જ કરે અને તેના દીનનેે પ્રભુત્વ અપાવીને તેની સ્થાપનાની ગરજ સાથે કરે જેથી તેમને આલોક અને પરલોક બંનેની સફળતા અને સમૃદ્ધિ મળે. આ સ્થિતિમાં તેમની તમામ કુર્બાનીઓ, બલિદાનો અને સંઘર્ષ તેમની સફળતા અને ઉચ્ચતાનો પ્રવેશમાર્ગ સાબિત થશે. નહીંતર પછી તેમનો તે જ અંજામ થશે જે કુઝમાનનો થયો. એ વાતથી બચવું જોઈએ કે તેમનું જીવનધ્યેય અને તેમના તમામ ભોગ-બલિદાનો અને સંઘર્ષ માત્ર દુનિયા પ્રાપ્ત કરવા માટે જ હોય – કેમકે પછી આવા લોકો લડયા પછી પણ કુઝમાન જેવું જ પરિણામ ભોગવે છે.  /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments