Tuesday, April 16, 2024
Homeપયગામઈદમિલનના સદ્ભાવના પ્રોગ્રામ

ઈદમિલનના સદ્ભાવના પ્રોગ્રામ

પવિત્ર માસ રમઝાનનો સૌથી મોટો દુન્યવી ફાયદો ઈદુલફિત્રનો તહેવાર છે. એક મહિનાની કઠિન ઇબાદત પછી એક દિવસ એવો આવે છે જે દિવસે આપણને ખુશી મનાવવાનો અને અલ્લાહનો આભાર માનવાનો મોકો મળે છે. આ ખુશીના અવસરને આપણે લોકોના દિલ જીતવા અને તેમના દિલમાં જગા બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ આપણે ઈદુલફિત્રના સપ્તાહને સદ્ભાવના સપ્તાહના રૃપે ન મનાવીએ? આવું કરવાથી આપણો માર્ગ સરળ બની શકે છે. આપણને અલ્લાહની પ્રસન્નતા પણ પ્રાપ્ત થઈ શકે છે અને દેશબાંધવોની નજરમાં આપણું સન્માન, ઇઝ્ઝત અને ગૌરવ પણ વધી શકે છે.

આજકાલ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાય બીજા માનવ સમૂહોની ઘૃણા ને નફરતનો સૌથી વધારે શિકાર છે. જેમને તમામ માનવોના રહેબર બનાવવામાં આવ્યા હતા. તેઓ જ ગુલામો કરતાં બદતર જીવન ગુજારવા વિવશ બની ગયા છે. જે લોકો ઇસ્લામની દા’વતના કામમાં અને ઇસ્લામી  ચળવળના મિશનને આગળ વધારવા પ્રયત્નશીલ છે તેમના કામમાં પણ આ કારણે અવરોધો ઊભા થઈ રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ મુસ્લિમ ઉમ્મતે પોતાના અસ્તિત્વના સાચા ધ્યેય અને કાર્યપદ્ધતિને જ છોડી દીધા છે. અને દુનિયાના બીજા લોકોની પાછળ ચાલવા મજબૂર થઈ ગઈ છે. મુસ્લિમ ઉમ્મત જો આજે નફરતનો શિકાર છે તો તે માટે તે પોતે જ જવાબદાર છે એટલા માટે આ નફરતને ખતમ કરવા માટે તેણે પોતે જ પ્રયત્નો કરવા પડશે.

નફરત ને ઘૃણા ફેલાવવી આસાન છે પરંતુ જેને મિટાવવી પણ મુશ્કેલ તો નથી જ. નિખાલસતાપૂર્વકના પ્રયત્નો કરવા પડે. ઘણી વખત એવા મોકા મળે છે કે આપણે નાની નાની સકારાત્મક કોશિશો કરીને વર્ષો જૂની દુશ્મની અને નફરતને મિટાવી શકીએ છીએ. સુખ અને દુઃખના એવા ઘણાં પ્રસંગો આવે છે. તહેવારોના મોકા આપે છે જેનો ઉપયોગ કરીને નફરતને મહોબ્બતમાં પરિવર્તિત કરી શકાય છે. રમઝાન જેવો મુબારક મહિનો અને ઈદના પ્રસંગનો સંદેશ દેશબાંધવોે સુધી પહોંચાડીને આપણે નફરત, દ્વેષ અને ઘૃણા જેવી બૂરાઈઓને સમાજમાંથી નષ્ટ કરી શકીએ છીએ. ઈદમિલનના સદ્ભાવના કાર્યક્રમ આ કામનું ખૂબ જ ઉમદા માધ્યમ છે.

રમઝાન અને ઈદુલફિત્રના અઢળક ફાયદાઓમાંથી એક ખૂબ મોટો ફાયદો એ પણ છે કે આપણે આ દરમ્યાન લોકોના વચ્ચે પ્રેમ, હમદર્દી, ભાઈચારા અને માનવ સેવા-સંવેદના જેવા ભલા કાર્યો અને ઇસ્લામી વિચારો ઉપદેશો અને પ્રવચનો દ્વારા ઇસ્લામ અને મુસલમાનો પ્રત્યે બિન મુસ્લિમ ભાઈઓના મનમાં રહેલ પૂર્વગ્રહો અને ગેર-સમજણોને દૂર કરી શકીએ છીએ!

સમાજમાં પ્રેમ, સ્નેહ, હમદર્દી, સદ્ભાવના, ભાઈચારો અને સહિષ્ણુતાનું વાતાવરણ બનાવવા માટે આનાથી સારી તક નથી હોઈ શકતી. દર વર્ષે રમઝાન મહિના દરમ્યાન અને ઈદના દિવસ તેમજ તે પછી સપ્તાહ સુધી ઈદમિલનના પ્રોગ્રામોને સદ્ભાવના પ્રોગ્રામના રૃપમાં મનાવવામાં આવે તો પછી અલગથી સદ્ભાવના અભિયાન ચલાવવાની જરૂરત નહીં રહે. પણ ઈદમિલનના આ સદ્ભાવના કાર્યક્રમો દરેક મોટા ગામો, ટાઉન અને નાના શહેરો તેમજ મોટા શહેરોમાં વિવિધ સ્થળોએ આયોજનબદ્ધ રીતે થવા જોઈએ જેમાં સમાજના દરેક કક્ષાના તેમજ દરેક સમૂહથી સંબંધિત દેશબાંધવો સામેલ થવા જોઈએ. ઈદમિલનના સદ્ભાવના પ્રોગ્રામ માનવ સંસ્કૃતિના અભિન્ન અંગ છે. નિઃશંક ઈદના ઇસ્લામી તહેવાર સમાજમાં ખુશીઓ ફેલાવવા, પાડોશીઓના સુખ-દુઃખમાં ભાગીદાર બનવા તથા લોકોમાં સમરસતા, સદ્ભાવના અને સૌહાર્દ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અને આ ખુશીનો પ્રભાવ ઇદમિલનના સદ્ભાવના કાર્યક્રમોમાં ખુલ્લેઆમ દેખાય છે. ઈદમિલનના સદ્ભાવના કાર્યક્રમો દ્વારા માનવ સંબંધો મજબૂત અને ગાઢ બને છે એટલે જ તેનું આટલું મહત્ત્વ આંકવામાં આવે છે.

ઈદનો અર્થ છે ખુશી. તહેવાર ખુશીના મોકા હોય છે. આમ પણ ભરતીય પરંપરામાં તહેવારોનું ખાસ મહત્ત્વ છે જેના થકી વિવિધ સમૂહોના લોકો એકબીજામાં સરળતાથી ભળી જાય છે. ઈદના તહેવાર ઇસ્લામી તહેવાર છે. એટલા માટે તેમની પ્રકૃતિ-પ્રભાવ-પરિણામ, ઉપલબ્ધિઓ અને લાભ ચિરસ્થાયી સાર્વભૌમિક અને વિશ્વવ્યાપી છે. જો કે લોકો તેને મુસ્લિમ સમુદાયનો તહેવાર માને છે અને દુનિયાના ખૂણે ખૂણામાં ફેલાયેલા મુસલમાનો ખૂબ અકીદત ને શ્રદ્ધા સાથે તેને મનાવે છે. આ ઇસ્લામી તહેવાર છે એટલે સમગ્ર વિશ્વના ઇસ્લામના અનુયાયી દ્વારા એક જ ઇસ્લામી પદ્ધતિથી મનાવવામાં આવે છે. એટલા માટે આજે પણ ઈદના તહેવારોનો પ્રભાવ, પરિણામ અને લાભ સમસ્ત માનવતાને સમાનરૃપે પહોંચે છે.

ઈદ મનાવવાનો જે ઇસ્લામી તરીકો છે તેમાં આપમેળે સદ્ભાવના કાર્યક્રમ અથવા સદ્ભાવના અભિયાન જેવો માહોલ બની જાય છે. પરંતુ  જ્યારે ખાસ રીતે સદ્ભાવના કાર્યક્રમના આયોજન થાય છે તો તેનો પ્રભાવ પણ દુરોગામી હોય છે. વાસ્તવમાં ઈદના અવસરે વિભિન્ન સંપ્રદાયો દ્વારા મનાવવામાં આવતા આ ઈદમિલનના સદ્ભાવના કાર્યક્રમ આપણા દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાની સંસ્કૃતિને મજબૂતી પ્રદાન કરે છે. જો તેને અધિક જાગૃતિ, સમજદારી અને કાર્યબદ્ધ તરીકાથી આયોજિત કરવામાં આવે તો નફરત, અલગતાવાદ, સાંપ્રદાયિક ફાસીવાદ અને આતંકવાદ ફેલાવનારી આપણા દેશના વિધ્વંશક અને વિખવાદી તત્વો અને શક્તિઓના પ્રયોજનને નિષ્ફળ બનાવી શકાય છે.

આ દિવસોમાં ફરીથી દેશમાં નફરતની લહેર ચલાવવામાં આવી રહી છે. અમુક લોકોના સ્વાર્થ અને હિત વિભિન્ન ધાર્મિક સંપ્રદાયો વચ્ચે નફરત અને વેરઝેર ફેલાવવાથી પૂરા થાય છે. તેમની રાજનીતિ, ધર્માંધતા અને સંસ્કૃતિનો આધાર એક માત્ર મુસ્લિમ દુશ્મની પર ટકેલો છે. આ સંગઠન પોતાના સ્વાર્થો માટે મુસલમાન અને ઇસ્લામ ધર્મની છબી બગાડે છે. તેમના સિદ્ધાંતોના અને રહેણીકરણી પર આંગળી ચીંધે છે. અને તેને બદનામ કરવા નિત નવા ષડ્યંત્રો કરે છે. બીજા ધર્મના લોકોને તેમની વિરુદ્ધ ભડકાવે છે. તેનાથી નફરતના જે માહૌલનું સર્જન થાય છે તેના ખૂબ ઘાતક પરિણામો આવે છે અને તેના ભોગ સમાજના ખાસ અને આમ બધા પ્રકારના લોકો બને છે.

મુસ્લિમ સમાજના પ્રબુદ્ધ, સમજદાર, ચિંતક લોકો, ધાર્મિક વિદ્વાનો-આલિમો, શાંતિ સલામતિના ચાહકો અને ઇસ્લામી ચળવળો અને જમાઅતોના કાર્યકરો જો ઇચ્છે તો રમઝાન અને ઈદુલફિત્રના તહેવાર પ્રસંગે સદ્ભાવના અભિયાન ચલાવીને નફરત અને વેરઝેર ફેલાવનારા અને વિવિધ સમૂહોના લોકોને લડાવનારાઓના મનસૂબા અને યુક્તિઓને નિષ્ફળ બનાવી શકે છે. એટલા માટે આપણા બધાની જવાબદારી છે કે આવા પ્રસંગોનો ફાયદો ઉઠાવીને દેશબાંધવો વચ્ચે શાંતિ, સૌહાર્દ, પ્રેમ હમદર્દી અને ભાઈચારાનું વાતાવરણ બનાવવાના તમામ પ્રયત્નો કરીએ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments