Thursday, October 10, 2024
Homeપયગામઈદુલ-ફિત્ર : ઇનસાનની સહાનુભૂતિ અને ભાઈચારાનો તહેવાર

ઈદુલ-ફિત્ર : ઇનસાનની સહાનુભૂતિ અને ભાઈચારાનો તહેવાર

ઇસ્લામમાં બે જ તહેવાર છે. ઈદુલ ફિત્ર અને ઈદુલ અઝહા. ઈદુલ ફીત્રનો તહેવાર રમઝાન માસના રોઝા પૂરા થવા પર અર્થાત્ શવવાલ માસનો ચાંદ દેખાતા જ આગલા દિવસે મનાવવામાં આવે છે. રમઝાનના પૂરા માસની સખત ઇબાદત સફળ રીતે પૂર્ણ કરી લીધા પછી આ દિવસ એ ઈશ્વરની આભારવિધિ માટે, એની મહાનતા વર્ણવા, એની આગળ સજદા (ઝુકવા) કરવા અને એનાથી દુઆઓ માંગવાનો દિવસ છે. હદીસ મુજબ ઈદુલ ફિત્રનો દિવસ પૂરા એક માસની ઈબાદત ના ઇનામનો દિવસ છે.

પૂરો એક માસ જેવી રીતે સવાર થી સાંજ સુધી ભૂખ અને પ્યાસને સહન કરી, પોતાની ખોટી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખ્યું, આંખ, કાન અને જીભને ખોટા ઉપયોગથી બચાવી રાખ્યા, ઈશ્વરના આદેશ મુજબ ખરા સમય પર ખાવું-પીવું બંધ કરવું અને શરૃ કરવું, રાત્રે લાંબી નમાઝો માટે ઈશ્વરની સન્મુખ ઊભા રહ્યા અને એના કલામ એટલે ર્કુઆનને સાંભળ્યું. આ બધું એટલા માટે હતુ કે આપણા અંદર ઇશભય, ઈશ્વર ઉપર સંયમ (તકવા), અને પ્રેમ પેદા થાય તથા એક અનુશાસનના મુજબ જીવન જીવવાનો તરીકો શીખી શકીએ.

આ ઈદ ખરા અર્થમાં ત્યારે જ ઈદ કહેવાશે જ્યારે આ એક માસમાં સખત પ્રશિક્ષણ થી જે કંઈ પણ આપણે કમાવ્યુ છે એને સમગ્ર જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. નહિતર આ એક માસની ઇબાદત ફક્ત ભૂખ અને પ્યાસ અને રાત જાગવાથી વધારે કશું  જ નથી અને ઈશ્વરને આની કોઈ જરૃર પણ નથી.

ઇસ્લામના આ બધા તહેવારોમાં એક વાતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, એ છે ગરીબો, યતિમો અને જરૂરતમંદોને પોતાની સાથે ખુશીઓમાં સામેલ કરવા. ઈદુલ ફિત્રના અવસર પર એક વિશેષ પ્રકારનું દાન જેને સદકતુલ ફિત્ર કહેવામાં આવે છે, તેને અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ દાન ફક્ત એ માલદારો ઉપર જ અનિવાર્ય નથી જે જકાત આપતા હોય, પરંતુ દરેક એ વ્યક્તિ ઉપર છે જે આપવાની હેસિયત ધરાવતો હોય.

આ દાન પ્રતિ વ્યક્તિ ઓછામાં ઓછું બે કિલો ઘઉંની કિંમતના બરાબર તો ફરજીયાત છે, આના વિશે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે ઇદગાહ જતા પહેલા તેને તેના હકદારો સુધી પહોંચાડી આપવામાં આવે. જો કે વધુ સારું તો એ છે કે ઈદના અમુક દિવસ પહેલા ગરીબોનો આ હક એમના સુધી પહોંચાડવામાં આવે. સદકતુલ ફિત્રની અનિવાર્યતા એટલા માટે છે કે આપણા ગરીબ ભાઈ બહેન પણ ઈદની ખુશીઓમાં શામેલ થઈ શકે, એ દિવસે સારું ખાઈ શકે અને સારું પહેરી શકે.

હદીસ અનુસાર સદકતુલ ફિત્ર આપણા એક માસના રોઝા અને બીજી ઈબાદતોમાં જે ખામી રહી ગઈ હોય એને પૂરું કરવાનું એક માધ્યમ છે. ઇસ્લામમાં આને ઘણું મહત્વપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સદકતુલ ફિત્ર આપવામાં નહી આવે અર્થાત્ ગરીબોને એમનો હક પહોંચાડવામાં નહી આવે ત્યાં સુધી અલ્લાહને ત્યાં રોઝા અને ઈબાદત કબૂલ નથી થતા.

ઈદુલ ફિત્રના દિવસે સવારે સૂરજ નીકળ્યા પછી લોકો તૈયાર થઇને પોતાની હૈસિયત અનુસાર સારા સારા કપડા પહેરીને, ખુશ્બુ લગાવી થોડો નાસ્તો (મીઠી સેવય્યું, ખજૂર, ખીર, વગેરે) કરીને ઇદગાહ તરફ રવાના થાય છે. ઇદગાહ જતી વખતે પણ અને આવતી વખતે પણ ઈશ્વરની કીર્તિ, એની પ્રશંસા બયાન કરવામાં આવે છે. પૂરા રસ્તા ઉપર જે શબ્દ વર્ણવવામાં આવે છે તેનો અનુવાદ છે –

અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, એના સિવાય કોઈ ઉપાસનાને લાયક નથી, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે.

ઇદગાહ જતા-આવતા દરેક શહેરમાં લાખો લોકો ની જબાન ઉપર આ જ શબ્દ હોય છે, મતલબ આ ધરતી પર કોઈને પોતાની મોટાઈ દેખાડવા અથવા કાયમ કરવાનો અધિકાર નથી. મોટાઈ ફક્ત એ માલિક માટે અને દરેકે દરેક વ્યક્તિ પોતાનામાં બરાબર છે. ખાનદાન અથવા વંશ ના પ્રમાણે કોઈ મોટું કે નાનુ નથી, ઊંચો કે નીચો, સવર્ણ કે અછૂત નથી.

ઈદગાહમાં તમામ લોકો એક ઈમામના પાછળ ઊભા રહીને બે રકાત નમાઝ અદા કરે છે, આ નમાઝમાં પણ અને નમાઝ પછી ઇમામ દ્વારા આપવામાં આવતું પ્રવચન (ખૂતબો) માં પણ ઈશ્વરની પ્રશંસા અને મહાનતાને વારંવાર યાદ કરવામાં આવે છે. નમાઝ માં જે પહેલા ઇદગાહ પહોંચે છે તે આગળની એક હરોળમાં સ્થાન મેળવે છે અને મોડેથી આવનાર ભલે તે ગમે તેવી મોટી વ્યક્તિ હોય ત્યાં જ ઊભો રહી જાય છે, જ્યાં એને સ્થાન મળે છે. નાના-મોટા નો ભેદ સમાપ્ત થઇ જાય છે અને આનાથી એ સંદેશ આપવામાં આવે છે કે સમગ્ર જીવનમાં આને અપનાવવામાં આવે. શાયર એ ખૂબ જ સુંદર શબ્દોમાં આ વાતને આમ વર્ણવી છે કે –

એક હી સફ મે ખડે હો ગયે મહેમૂદ વ અયાઝ,
ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ

મતલબ એના દરબારમાં પહોંચીને ગુલામ અને માલિક બધા સમાન થઇ જાય છે. એ જ સર્વેનો માલિક છે અને બીજા બધા એના બંદા છે.

નમાઝ પછી ઇમામ સાહેબ ઇદગાહમાં હાજર તમામ લોકોને પ્રવચન (ખૂતબા) આપે છે મતલબ માર્ગદર્શન, સંદેશ અને પરિસ્થિતિ અનુસાર દેશ અને સમાજથી જોડાયેલી સમસ્યાઓ અને એના નિવારણના વિશે ર્કુઆન અને હદીસ ની રોશની મા રહનુમાઈ અને અંતમાં બધા મળીને પોતાના માટે, બીજાઓ માટે, દેશ અને સમાજ તેમજ તમામ ઇન્સાનોની ભલાઈ માટે દુઆઓ માંગવામાં આવે છે અને પછી ગળે ભેટીને એક બીજાને મુબારકબાદી આપવામાં આવે છે અને આ સિલસિલો દિવસભર ચાલુ રહે છે. ઈશ્વરની પ્રાર્થના છે કે ઈદુલ ફિત્ર નો આ તહેવાર આપણા બધાની ખુશીઓ અને ઈશ્વરની રહેમતો લાવે, દેશમાં અમન, શાંતિ અને સમૃદ્ધિ લાવે. આમીન. */

લે. મુહમ્મદ સલીમ એન્જીનીયર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments