યુવાસાથીના વાંચકો માટે આ અંકથી ‘સંસ્થા પરિચય’ નામની નવી કોલમ શરૃ કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતભરમાં કાર્યરત સંસ્થાઓ કે જેઓ શૈક્ષણિક, સામાજીક કે આર્થિક સ્તરે મુસ્લિમ ઉમ્મતને ફાયદો પહોંચાડી રહી છે. તેમના સ્થાપક કે પ્રમુખ કે ટ્રસ્ટી સાથે ઇન્ટરવ્યુ દ્વારા સંસ્થાનો પરિચય પ્રસ્તુત કરવામાં આવશે.
આ અંકમાં એસોસીએશન ઓફ મુસ્લિમ એન્ટરપ્રિન્યોર્સના સ્થાપક અબરાર અલી સૈયદ સાથે યુવાસાથી સંપાદક મંડળે વાર્તાલાપ કર્યો જેના અંશો અહીં પ્રસ્તુત છે.
પ્ર. આપનો ટુંક પરિચય અને શૈક્ષણિક સફર શું છે?
ઉ. મારું નામ અબરાર અલી સૈયદ છે. હું શરૃઆતથી ભણવામાં તેજસ્વી હતો. ૧૯૯૫માં જ્યારે મેં ધો. ૧૦ની પરીક્ષા આપી હતી ત્યારે મે ગણિતમાં ૧૦૦માં થી ૧૦૦ ગુણ મેળવ્યા હતા જે બદલ રાજ્ય સરકારે મને એવોર્ડ પણ એનાયત કર્યો હતો. પછી મે એલ.ડી. એન્જી. કોલેજમાંથી ‘ઇન્સ્ટયુમેનટેશન એન્ડ કંટ્રોલ’માં એન્જીનિયરીંગ કરી. પછી ઓએનજીસીમાં કામ કર્યું. હું ‘કેટ’ના વિદ્યાર્થીઓને કોચીંગ પણ આપતો હતો. કોચીંગ આપતા આપતા મેંે કેટની તૈયારી કરી અને કેટમાં સારો સ્કોર આવ્યો અને આઈ.આઈ.એમ. અહમદાબાદમાં મને એડમીશન મળ્યું. અત્યારે આઈ.આઈ.એમ. અહમદાબાદથી મેનેજમેન્ટમાં પી.એચ.ડી કરી રહ્યો છું.
પ્ર. આપ એસોસીએશન ઓફ મુસ્લિમ એન્ટરપ્રિન્યોર્સ ચલાવો છો, આ એસોસીએશન શું કામ કરે છે અને તેની સ્થાપના માટે કઈ વસ્તુએ તમને પ્રેરીત કર્યા?
ઉ. ૨૦૧૨માં આઈ.આઈ.એમ.માં ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો એક કોર્ષ હતો. આ પી.એચ.ડી. લેવલનો કોર્ષ છે. જેમાં પેપર પ્રેઝેન્ટ કરવામાં આવે છે. મારો રીસર્ચનો મુદ્દો હતો કે વાઈબ્રન્ટ સમિટ થાય છે તેમાં નાની મોટી કંપનીઓ જેને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝ કહેવામાં આવે છે તેને ફાયદો કરે છે કે નહીં. વાઈબ્રન્ટ સમિટ જે કંપની ઓર્ગનાઈઝ્ડ કરે છે તેની પાસેથી મેંે ડેટા મેળવ્યો. તે ડેટા એ શરતે આપવામાં આવ્યો હતો કે હું તેમને પેપર સબમિટ કરૃં.
પછી મેં પેપર સબમિટ કર્યું જે તેમને ખૂબ પસંદ આવ્યું. મારા કામથી પ્રભાવિત થઈને તેમણે મને કન્સલ્ટન્ટ તરીકે હાયર કર્યાે. કન્સલ્ટન્ટ તરીકે મે ૧૫૦૦૦ એસ.એમ.ઇ.નો સર્વે કર્યો. જેમાં એસ.એમ.ઈ. ને લગતી મેનેજમેન્ટ સ્કીલ્સ, સ્ટ્રેટજી, ગવર્નમેન્ટ ઇન્સનટીવ અને સબસીડીનો અભાવ હતો. તેમની પાસે પૈસા હતા પરંતુ આઈડિયાઝ ન હતા. ૧૫૦૦૦ એસ.એમ.ઈ. માંથી માત્ર બે-ત્રણ કંપનીએ સરકારની સ્કીમથી ફાયદો પ્રાપ્ત કર્યો હતો! તેનાથી મને અંદાજ આવ્યો કે મુસ્લિમ સમાજમાં મોટાભાગે લોકો ધંધા-રોજગાર સાથે સંકળાયેલા છે. તો તેમને તેમના ધંધામાં આગળ ધપાવવા માટે જરૂરી સુચનાઓ પુરી પાડવામાં આવે, આઈડિયાઝ આપવામાં આવે. આમ મેં આ એસોસીએશન શરૃ કરી કે જેથી મુસ્લિમોમાં જેઓે નાની ફેકટરીઓ ચલાવે છે, કંપની ચલાવે છે કે કારખાનુ ચલાવે છે તેમને માર્કેટીંગમાં, એચ.આર.માં, ઓપરેશન્સમાં મદદ કરવામાં આવે. તેમને સરકારની જુદીજુદી ઇન્સનટીવ સ્કીમની જાણકારી આપવામાં આવે કે જેથી તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે.
પ્ર. આ એસોસીએશનમાં કઈ રીતે જોડાઈ શકાય?
ઉ. એસોસીએશનમાં જોડાવવા માટે અમારા ફેસબુકના પેજ “એસોસીએશન ઓફ મુસ્લિમ એન્ટરપ્રિન્યોર્સ” પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી શકો છો. અમારૃં એસોસીએશન બિલકુલ ફ્રી છે કોઈ ફી નથી. મીટીંગ અટેન્ડ કરવાની પણ કોઈ ફી નથી. આ મહિને અમારી વેબસાઈટ લોન્ચ થવાની છે. જેમાં પ્રોફાઈલ બનાવવાની રહેશે જેના દ્વારા આપ બીજા લોકો સાથે જોડાઈ શકશો.
પ્ર. આપની આ કોશિશમાં ઉમ્મત તરફથી કેવો પ્રતિભાવ સાંપડી રહ્યો છે?
ઉ. ખૂબ સારો પ્રતિભાવો મળ્યો. અમારા ફેસબુક પેજ પર ૪૦૦૦ થી વધારે લોકો જોડાયા છે. આ લોકોમાં આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., જે.એમ.આઈ., હાવર્ડના વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રોફેસરો જોડાયેલા છે. અને ધંધાદારીઓ જેઓ ભારત, યુકે, યુએસ, વગેરે દેશો સાથે સંબંધ ધરાવે છે.
પ્ર. મુસ્લિમોને ધંધા માટે સહાય પૂરી પાડવા માટે કોઈ આરક્ષણ છે?
ઉ. મિનિસ્ટ્રી ઓફ માઈનોરીટી અફેર્સ છે જે માઈનોરીટીને લોન આપે છે. પરંતુ મને નથી લાગતુ કે મુસ્લિમોને આરક્ષણની જરૃર છે. મુસ્લિમો પાસે કૌશલ્ય છે. તેમના કૌશલ્યના બળે તેઓ ફાયદો હાંસલ કરી શકે છે. દા.ત. ભરતકામ કે હેન્ડીક્રાફ્ટમાં મુસ્લિમોને ખૂબ આવડત છે અને મોનોપોલી છે. પરંતુ તેમને જાણકારી નથી મળતી. તેમને ધંધાને કઈ રીતે વધારવો અને કઈ રીતે વિકાસ કરવો તેની આવડત નથી તેથી ધંધો સીમિત થઈ જાય છે.
અમારો ફેમીલી કુક છે. મેં તેને આઈ.આઈ.એમ.માં ભોજન બનાવવાનું કહ્યું. તેણે બનાવ્યું અને તેને બહુ પસંદ કરવામાં આવ્યું. મેં તેમને કહ્યું કે તમે કેટરીંગ બિઝનેશમાં જાવ અને બીજી સેવાઓ ભોજનની સાથે આપો. પરંતુ તેઓ ધ્યાન નથી આપતા જેમ ચાલે છે તેમ ચાલવા દેવાનું વલણ ધરાવે છે પરંતુ હું કહું છું કે બીજા સાથે કામ કરવામાં કે મદદ માગવામાં કે સલાહને અનુસરવામાં સંકોચ ન થવો જોઈએ.
પ્ર. મુસ્લિમો કૌશલ્ય ધરાવતા હોવા છતાં આગળ નથી વધી રહ્યા તેના માટે કયા પરિબળો જવાબદાર છે?
ઉ. તેની પાછળ તેમનો સંકોચ, બીજાની સાથે કામ નહીં કરવાની જિદ, કોઈને નહીં પૂછવાની અકડાઈ જવાબદાર છે.
પ્ર. આવી માનસિકતા પાછળ મુસ્લિમોનું નીચુ શૈક્ષણિક સ્તર જવાબદાર છે?
ઉ. હા, કેટલાક અંશે. મુસ્લિમોએ પોતાના શિક્ષણને પોતાના ઘરના ધંધાને આગળ વધારવા માટે ઉપયોગ કરવો જોઈએ. એક કુટુંબમાં છોકરો ગ્રેજ્યુએટ થયા પછી કોઈ મોલમાં જોબ કરે છે. હું કહું છું તેના કરતા તે પોતાના ઘરના ધંધામાં ધ્યાન આપે તો વધારે સારૃં પરિણામ મળશે. એક માનસિકતા આ પણ છે કે ધંધામાં કોઈ બીજાને સાથે લઈશું તો ધંધો ખવાઈ જશે કે સ્પર્ધામાં આવી જશે. આ ખોટી માનસિકતામાંથી મુસ્લિમોને બહાર આવવું જોઈએ.
પ્ર. નવો ધંધો શરૃ કરવા ઇચ્છતા મુસ્લિમ યુવાનોએ કઈ રીતે શરૃઆત કરવી જોઈએ?
ઉ. તેમને માર્કેટ રીસર્ચ કરવું જોઈએ, ફિલ્ડ વર્ર્ક કરવું જોઈએ, ગ્રાહકની અપેક્ષાને ધ્યાનમાં લઈ નિર્ણય લેવો જોઈએ, કોલેજમાં હોય ત્યારથી મહેનત શરૃ કરી દેવી જોઇએ. કેટલાક લોકો મને કહે છે કે મારી પાસે કરોડો રૃપીયા છે તમે ધંધો કરો, કોઇ કહે છે કે કોઇ આઇડીયા આપો કે જેથી ધંધો કરી શકાય, તેમની વર્તણુંક એવીહોય છે કે પૈસા પણ મળી જાય અને આઇડિયા પણ મળી જાય અને આપણે શાંતિથી ધંધો કરવા માંડીએ. આવું શક્ય નથી. ધગસ ધરાવતા યુવાનોએે ખુબ મહેનત કરવાની જરૃર છે.
પ્ર. આપનું એસોસીએશન ઉમ્મત માટે ફાયદાકારક સાબિત થઇ રહ્યું છે?
ઉ. હા બિલકુલ. અમારી મીટીંગમાં એક અંકલ આવે છે જે કહે છે કે હું પ્રશ્ન લઇને આવું છું અને મીટીંગ દરમ્યાનની ચર્ચામાં જ મને જવાબો મળી જાય છે. મેં ફાયનાન્સથી સંબંધ ધરાવતી સલાહ લગભગ ૨૫ જેટલી કંપનીઓને આપી હતી. તેમનું કહેવું છે કે અમારી ૨૫ ટકા જેટલી નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવી ગયો. અમારી બે મીટીંગનો રીપોર્ટ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થઇ ચૂકયો છે. ફેસબુકના પેજ પર લોકો ફંડ, પાર્ટનર અને ટેકનોલોજી સંબંધિત પ્રશ્નો કરે છે અને તેમને ત્યાં જ જવાબ પણ મળી જાય છે અને સમસ્યાનો ઉકેલ પણ મળી જાય છે. કોઇ મોટો ફાયદો તો ન કરી શકાય પરંતુ ધીમે ધીમે આ ફાયદો વિસ્તર્તો જાય છે.
પ્ર. યુવાસાથીના વાંચકો માટે આપ શું સંદેશ આપશો?
ઉ. સંદેશ એટલો જ છે કે મુસ્લિમો એક બીજાને સાથ સહકાર આપે અને સાથે ચાલે. અલ્લાહના રસુલ સલ્લ. અને આપણા રહેબરે શીખવાડયું છે કે લોકોની મદદ કરો અને તેમને મદદરૃપ થાઓ, તેમનું જીવન લોકો સાથે અને લોકો માટે વિતયું છે. તેમના જીવનથી આપણે પ્રેરણા લેવી જોઇએ.