પ્ર.: AIITAનો સંક્ષિપ્ત પરિચય અને ઉદ્દેશ્ય જણાવશો?
ઉ.: શિક્ષક સમાજને પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન કરી અને તેમનામાં રહેલ કૌશલ્યોને વિકસાવવા ઑલ ઇન્ડિયા આઈડિયલ ટીચર્સ એસોસિએશન (AIITA) એ પ્લેટફોર્મ પૂરૃં પાડે છે. આ એસોસિએશનની સ્થાપના ૧૯૯૨માં થઈ. AIITA કેટલાક ઉદ્દેશ્યો સાથે કામ કરે છે. જેવા કે,
૧. શૈક્ષણિક સંસ્થાનોમાં સારૃં શૈક્ષણિક અને નૈતિક વાતાવરણ ઊભું કરવું.
૨. શિક્ષણ વ્યવસ્થામાંથી અજ્ઞાનતાની અસરો દૂર કરવી અને ઇસ્લામી વિચારધારા (આદર્શ વિચારધારા)નો વિસ્તાર કરવો.
૩. શિક્ષકોની પોતાની જાત અને સામાજિક જીવનને મહત્તમઅંશે ઇસ્લામી શિક્ષા પ્રમાણે બનાવવું.
૪. વિદ્યાર્થીઓને વૈચારિક શિક્ષણ અને નૈતિક માર્ગદર્શન પૂરૃં પાડવું.
૫. શૈક્ષણિક નીતિઓ પર ધ્યાન રાખવું અને એ વાતનો પ્રયત્ન કરવો કે કોઈ બાબત કે જે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓના ધર્મ અને પરંપરાને ખોટી અસર ન કરે અને તેમને તેમના ધર્મ અને સંસ્કૃતિથી વિમુખ ન કરે.
૬. શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઇસ્લામ વિશે જે ગેરસમજ હોય તે દૂર કરવી.
૭. શિક્ષકોના હક માટે લડવું.
૮. સમાજ અને વિશેષ કરીને મુસલમાનોના શિક્ષણના વિકાસ માટે પ્રયત્નો કરવા.
હાલ અન્ય સંગઠનો જ્યારે માત્ર શિક્ષકોના હકની માંગ કરે છે ત્યારે AIITA શિક્ષકોના હક્કોની સુરક્ષા માટે પ્રયત્નો કરે છે. સાથે સાથે તેમને કર્તવ્ય તથા જવાબદારીનું ભાન પણ કરાવે છે. શિક્ષકોના હક અને જવાબદારીમાં સંતુલન કરનાર એક સંસ્થા છે. એ કોઈ જાતીય, સાંપ્રદાયિક કે સામુદાયિક સંસ્થા નથી.
પ્ર: AIITA હમણાં ક્યાં ક્યાં કાર્યરત્ છે?
ઉ: AIITA રાષ્ટ્રીય સ્તરે કુલ ૧૨ રાજ્યોમાં કાર્યરત્ છે, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, યુપી વેસ્ટ, તામિલનાડૂ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમબંગાળ. અને ગુજરાતમાં અહમદાબાદ, સૂરત, વડોદરા અને મોડાસા ખાતે કાર્ય કરે છે.
પ્ર: AIITAકયા કયા કાર્યો કરી રહી છે?
ઉ: * શિક્ષકોને તેની જવાબદારી પ્રત્યે સજાગ કરે છે અને પ્રોત્સાહિત કરે છે.
* AIITA શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરે છે. જરૃર પડે તો સંચાલન મંડળ, શિક્ષણઅધિકારી તેમજ સરકારી સ્તરે રજૂઆત કરે છે.
* શિક્ષકોના કૌશલ્યોને વિકસાવવા તાલીમી કાર્યક્રમોનું આયોજન કરે છે.
* નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરે છે.
* વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરે છે.
* વર્તમાન પ્રશ્નો તેમજ જ્ઞાનવર્ધન વિષયો પર સેમિનાર-સિમ્પોઝિયમનું આયોજન કરે છે.
* વાલીઓને શિક્ષણ પ્રત્યે સજાગ બનાવવા વાલી મીટીંગનું આયોજન કરે છે.
પ્ર: શિક્ષકોમાં વિદ્યાર્થીઓના વિકાસને લઈને જે ઉદાસીનતા જોવા મળે છે તેની પાછળ આપ કયા પરિબળોને જવાબદાર ગણો છો?
ઉ: શિક્ષકોમાં સેલ્ફ મોટીવેશનનો અભાવ જોવા મળે છે. સરકારી શાળાઓમાં પાંચ વર્ષના કરાર આધારિત શિક્ષકો તેમજ ખાનગી શાળાઓમાં કામ કરતા શિક્ષકોને પૂરતુ વેતન મળતું નથી. તે તેમની ઉદાસીનતાનું કારણ છે. આ ઉપરાત શિક્ષકોને શિક્ષણ ઉપરાંત ઘણી બધી સરકારી તેમજ અન્ય કામગીરીઓ સોંપવામાં આવે છે જેના કારણે શિક્ષક કાર્યબોજથી પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહી શકતો નથી. વર્તમાન શિક્ષણ પ્રથામાં ઘણીવાર વાસ્તવિક કાર્ય કરતાં કાગળિયું કામ વધુ હોય છે જે શિક્ષકોમાં ઉદાસીનતા પેદા કરે છે.
વર્તમાન સેમેસ્ટર પ્રથા પણ એક કારણ છે. અન્ય ઘણાં કારણો હોઈ શકે છે જે શૈક્ષણિક સંસ્થાની પરિસ્થિતિને કારણે ઉદ્ભવે છે. આજનો શિક્ષક પોતાની અસલ જવાબદારી (સમાજના ઘડવૈયા તરીકેની) ભૂલી ગયો છે અને માત્ર એક પગારદાર બન્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં મળતી અપૂરતી સુવિધાઓ અને અપૂરતો સહકાર પણ શિક્ષકની ઉદાસીનતાનું કારણ છે.
પ્ર: શિક્ષકોને આદર્શ શિક્ષક બનાવવા માટે સરકારની કોઈ ભૂમિકા છે? સરકાર કોઈ કાર્યક્રમો કરે છે?
ઉ: હા. સરકાર દ્વારા શિક્ષકો માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સરકારી સ્તરે પ્રયત્નો થતા હોય છે જે શિક્ષણનું સ્તર સુધરે અને આદર્શ શિક્ષકો તૈયાર થાય. પરંતુ આગળ કહ્યું તેમ શિક્ષકોમાં સેલ્ફ મોટીવેશનનો અભાવ જોવા મળે છે. સરકાર દ્વારા આયોજન કરવામાં આવતા તાલીમી કાર્યક્રમોમાં શિક્ષકો માત્ર હાજરી પુરાવવા જતા હોય તે પ્રકારનું વલણ જોવા મળતું હોય છે. શિક્ષણ વ્યવસ્થામાં અને સરકારી ખાતામાં રહેલી ખામીઓને કારણે સરકારે કરેલા પ્રયત્નોના જે ફળ મળવા જોઈએ તે મળી શકતા નથી.
પ્ર: ‘યુવાસાથી’ના શિક્ષક વાચકો માટે આપ શું સેદેશો પાઠવશો?
ઉ: ‘યુવાસાથી’ના શિક્ષક વાચકોને મારે એટલું કહેવું છે કે તેઓ પોતાનું સ્થાન (સમાજના ઘડવૈયા તરીકેનું) સમજે અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે. અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્તિના માર્ગમાં આગળ વધી નિષ્ઠાપૂર્વકનું પરિશ્રમ કરશે તો તે કદી એળે જશે નહીં. આપણને વર્ગ ખંડમાં મળેલા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે આપણી જવાબદારી છે; તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહેશે. *