Wednesday, April 17, 2024
Homeપયગામકુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ

કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ

દિલ્હીથી અહમદાબાદ આવી રહ્યો હતો. મારા કોચમાં એક દેશબંધુ પણ હતો. યાત્રાની મજા માણતા અમે ચર્ચા કરી રહ્યા હતા.  મેં સામેથી તેમને એક પ્રશ્ન કર્યો કે શું તમે ક્યારે અઝાન સાંભળી છે? એમણે ‘હા’માં જવાબ આપ્યો. મેં વળતો પ્રશ્ન કર્યો અઝાન શું છે તમને ખબર છે? એમણે કહ્યું કે, ના. ત્યારે મેં એમને સમજાતા કહ્યું કે ઘણાં બધા લોકો એમ સમજે છે કે મુસ્લિમો અલ્લાહને સંભળાવવા માટે મોટેથી અઝાન પોકારે છે. કબીરે કહ્યું છે,

કાંકર પાથર જોડ કર મસ્જીદ દિયા બનાઈ

તા ચઢ મુલ્લા બાંગ દે ક્યાં બેહરા હુવા ખુદાયે

હકીકતમાં આવું નથી. અઝાન વાસ્તવમાં મુસ્લિમોને સૂચિત કરવાની ક્રિયા છે કે નમાઝનો સમય થઈ ગયો, તેના માટે આવો.અલ્લાહ તો દિલના વિચારો પણ પારખી લે છે. તે તો કોઈ પણ કર્મ પાછળનો આશય પણ જાણે છે. તેને મનમાં પોકારો કે મોટેથી તેના માટે સમાન છે.  આટલું સાંભળતા આશ્ચર્ય સાથે સ્મિત કરતા તેણે કહ્યું અચ્છા, “મેં ભી યહી સમઝતા થા કે અલ્લાહ કો સુનાને કે લિયે ચિલ્લાતે હૈં. અચ્છા હુવા તુમને મેરી ગલતફહમી દૂર કર દી. મેં ભી સોચતા થા કે જૈસે હમ મંદિરમેં ભગવાનકો જગાનેકે લિયે ઘંટી બજાતે હૈં વૈસે હી મુસલમાન ભી અઝાન દે હૈં. કઈ બાર યે ખ્યાલ આયા કી ઈશ્વર તો અતિ સુક્ષ્મ ધ્વનિ ભી સુન સકતા હૈ તો ઇતના સબ કરનેકી જરૂરત કયા હૈ? લેકિન કિસીકો બુરા લગ જાયેગા ઇસ લિયે મેને કભી કિસી સે યે સવાલ નહીં કિયા.”

અઝાનને લઈને એક ભ્રમણા આ પણ જોવા મળે છે કે મુસલમાનો દરરોજ રાજા અકબરને યાદ કરે છે અને તેની મોટાઈને અલ્લાહ સાથે જોડી અલ્લાહુ અકબર કહે છે. આ આપણા દેશની મોટી ટ્રેજડી છે કે વર્ષોથી વિવિધ ધર્મોના લોકો એક બીજા સાથે રહે છે. કોઈને કોઈ રીતે એકબીજાને સાથે સંકળાયેલા છે, પરંતુ એકબીજાના ધર્મથી કેટલા અજાણ છે.!!! બલ્કે ગેરસમજો અને ભ્રમણાઓ છે. તેમાં પણ વિશેષ રૃપે ઇસ્લામ વિષે લોકોને સાચી જાણકારી નથી.

એક નાગરિક તરીકે આપણી જવાબદારી બને છે કે એકબીજાના ધર્મ, સંસ્કૃતિ અને મર્યાદા વિષે જાણીએ અને તેને માન આપીએ. આ જ રીતે એક કોમી સોહાર્દ પેદા થઈ શકે છે અને વિવિધ કોમો વચ્ચે ઉષ્માભર્યું પ્રેમ અને સહિષ્ણુતાનું વાતાવરણ ઉત્પન્ન થઈ શકે છે. ઇસ્લામ વિષેની ખોટી માન્યતાઓનું એક કારણ હું મુસ્લિમોને ગણું છું. કેમ કે તેમણે ક્યારે દેશબાંધોવોેને ઇસ્લામનો સાચો પરિચય કરાવ્યો નથી. મુસલમાનો જો એમ સમજતા હોય કે દુનિયાનો સૌથી સારો અને સાચો ધર્મ ઇસ્લામ છે તો તેના ઉપર અમલ કરવાની અને તેનો પરિચય કરાવવાની જવાબદારી પણ તેમની જ છે. જો તમે આવું ન કઈ શકતા હોવ તો દાવો કરવાનો કોઈ મતલબ નથી.

અઝાનની વાસ્તવિકતા :

અઝાનમાં જે બોલ બોલવામાં આવે છે તેમાં અલ્લાહની મહાનતા અને મોટાઈ, મુહમ્મદ સ.અ.વ.નો અલ્લાહનો દૂત હોવાની ઘોષણા તથા નમાઝ અને સફળતા તરફ બોલાવવાની વાત છે. અઝાનમાં આ વાતની સાક્ષી આપવામાં આવે છે કે ઈશ્વર એક છે તે સર્વોપરી અને સૌથી મહાન છે, અને તેના સિવાય કોઈ બીજો ઉપાસ્ય નથી. આ વસ્તુમાં ક્યાંય બે મત હોઈ ન શકે. દુનિયાભરના ધર્મોના માનનારાઓ પણ આ સચ્ચાઈનો એકરાર કરે છે કે સર્જનહાર અને પાલનહાર તો એક જ છે. હિંદુ શાસ્ત્રોમાં છેઃ “ઈશ્વર માત્ર એક છે બીજો કોઈ નથી, કોઈ નથી અને બિલકુલ નથી.”

આ સત્યનું ઉચ્ચારણ કેટલુ કર્ણપ્રિય છે. પર્વત પરથી ઝરણા પડવાના સુંદર પ્રાકૃતિક અવાજ તો એક જ હોય છે જેમ સ્થાન બદલવાથી કોઈ ફેર પડતું નથી, તેમ ભાવ પ્રકટ કરવાની ભાષા બદલવાથી કોઈ ફેર પડતું નથી.

અઝાનના બોલમાં અશહદુ અન્ના મુહમ્મદુર્રસુલુલ્લાહ ભાવાર્થ આ છે કે હઝરત મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના નબી પયગમ્બર છે, ઇસ્લામના સંસ્થાપક નથી. અહીં પણ એક ભ્રમણા જોવા મળે છે કે ઇસ્લામની શરૃઆત પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ કરી હતી. વાસ્તવમાં માનવીના માર્ગદર્શન માટે અલ્લાહે પોતાના સંદેશ વાહકો મોકલવાની વ્યવસ્થા કરેલ છે. હઝરત મુહમ્મદ સ.અ.વ. તે વ્યવસ્થાની અંતિમ કડી છે. અલ્લાહની યાદની સુંદર રીત નમાઝ છે. તેનાથી પોતાના સંબંધને સ્થાપિત કરવા નમાઝ માટે આવો કે જેથી નમાઝમાં અલ્લાહનો સંદેશ સાંભળી તેના ઉપર અમલ કરવાની શક્તિ મેળવી પોતાના જીવનને સફળ અને સાર્થક કરી શકો.

દિવસમાં પાંચ વાર આ રીમાઇન્ડર કરાવી એક મુસ્લિમ વ્યક્તિને એ સમજાવવામાં આવે છે કે જીવનની વ્યસ્તતામાં ન ખોવાઈ જાઓ પોતાના રબ સાથે નાતો જોડો કે જેથી પરલોકમાં સફળ થઈ શકો. સમગ્ર દુનિયામાં આજે ડિપ્રેશન તીવ્ર ગતિએ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અલ્લાહની યાદ જ મનને શાંત કરી શકે છે.

હાલમાં જ સોનુ નિગમે કહ્યું કે, “મુસ્લિમ નહીં હૂં ફિર ક્યું મસ્જિદ કી અઝાનસે જાગના પડતા હૈ, બંદ હો યે ગુંડાગર્દી”. તેણે એક નિવેદનમાં આ પણ કહ્યું કે મુહમ્મદ સ.અ.વ.એ જ્યારે ઇસ્લામની સ્થાપના કરી ત્યારે ઇલેકટ્રિકની શોધ ન હોતી થઈ લાઉડસ્પીકર ધર્મનો ભાગ નથી. પછી ખુલાસો આપતાં એમ પણ કહ્યું કે હું કોઈ ધર્મનો વિરોધી નથી લાઉડસ્પીકરનો વિરોધી છું.

તેના નિવેદનોનું પોસ્ટમાર્ટમ કરવામાં આવે તો ઘણું બધું કહી શકાય. જગરાતા (જાગરણની રાત્રી)માં ભજન ગાવાથી તેના કેરિયરની શરૃઆત થઈ છે, તેનો ગીત સંગીત પૂરો વ્યવસાય લાઉડસ્પીકર સાથે જ જોડાયેલો છે. ૫૦ વર્ષોમાં ક્યારેય તેને અઝાન ઘોંઘાટ ન હોતી લાગી, ૫-૭- કી.મી. દૂર મસ્જિદથી આવતી અઝાનનો અવાજ એ.સી. રૃમમાં પૂરાઈને સૂતા સોનુની ઊંઘ ખરાબ કરે છે.!!! બલ્કે તેને ધાર્મિક ગુંડાગર્દી લાગે છે, અને પાછળથી એક વ્યક્તિના તેના ઉપર ઇનામની ઘોષણા પછી ટાળ કરાવવી સૂચવે છે કે તે માનસિક રીતે પરેશાન છે. આજકાલ તે બેરોજગાર છે. આ વાત તો મીડિયામાં પ્રચલિત થઈ પરંતુ મને લાગે છે કે તે અંદરથી પરેશાન છે અને શાંતિની શોધમાં છે. કાશ! કોઈ વ્યક્તિ તેને મળે અને અઝાનની મહિમા તેને સમજાવે તો કદાચ શાંતિની તેની શોધ પૂર્ણ થઈ જાય.

બીજું, આ પાસું પણ ધ્યાન પર લેવો જેવું છે કે વ્યક્તિ જે કળાનો માહિર હોય તેના પ્રત્યે તેને ભારે પ્રેમ હોય છે. તેની છબી બગડતી જોઈ એ કણસી ઊઠે છે. અઝાનના શબ્દો કેટલા કર્ણપ્રિય છે, પરંતુ આપણા મુઅઝ્ઝિનોની અવાજમાં આટલી કર્ણપ્રિય છે ખરી!!! હવે બિલાલ રદિ. તો આવવાના નથી પરંતુ આપણે મસ્જિદમાં સારા મુઅઝ્ઝિનની નિમણૂંક પણ કરતા નથી. મુઅઝ્ઝિનનો અવાજ પણ સુંદર હોય તો કોઈ વ્યક્તિને ઘોંઘાટ ન લાગે સિવાય કે એના જેણે પક્ષપાતના ચશ્મા પહેર્યા હોય કે કોઈની દુશ્મનીમાં આંધળો થઈ ગયો હોય. બીજું, વાત ઘણી મસ્જિદો પર અઝાન સિવાય પણ લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે જે યોગ્ય નથી. ત્રીજી વાત જો કોઈ મસ્જિદ નજીક બિનમુસ્લિમ ભાઈઓ રહેતા હોય તો લાઉડસ્પીકરનો મોં એ બાજુ નહીં રાખવા. ઇસ્લામ કોઈને તકલીફ આપવાની તાલીમ નથી આપતું.

આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં એક પછી એક ઘણી મસ્જિદોથી અઝાનનો અવાજ આવે છે પરંતુ તેમાં કોઈ આકર્ષણ હોતું નથી. અઝાન પ્રત્યે આદર છે એટલે સાંભળી લઈએ છીએ. મારી મુસ્લિમ ભાઈઓને એક ગુજારિશ છે કે તેઓ પ્રતિક્રિયાત્મક વલણ ન અપનાવે બલ્કે રચનાત્મક વૃત્તિ સાથે કોઈ પણ સમસ્યાને ઇસ્લામનો સાચો પરિચય આપવાની તક સમજી બિનમુસ્લિમ ભાઈઓ પાસે જાય અને પોતાની ધાર્મિક જવાબદારી અદા કરે. ઇસ્લામનું શિક્ષણ છે કે બૂરાઈનો બદલો ભલાઈથી આપો…

કેન્દ્રમાં નવી સરકારના આવ્યા પછી આ રીતે નવા નવા મુદ્દાઓ આગામી ૨૦૧૯ની ચૂંટણી માટે વાતાવરણ ગરમ રાખવાના પ્રયત્નો કરવામાં આવતા રહેશે. ક્યારે સરકાર તરફથી તો ક્યારેક મંત્રીઓ તરફથી, ક્યારેક કટ્ટરવાદીઓ તરફથી તો ક્યારેક કહેવાતા પ્રગતિશીલ મુસ્લિમો તરફથી. નિગમની ટ્વિટ પછી શિવસેના સક્રિય થઈ ગઈ કે લાઉડસ્પીકર ઉપર અઝાન પ્રતિબંધિત થવી જોઈએ. જ્યાં જવાબ આપવાની જરૃર હોય ત્યાં યોગ્ય રીતે જવાબ આપી શકાય પરંતુ ભાવનાના દરિયામાં વહી દિશાહીન થવું નહીં. તેનાથી ઇસ્લામને ફાયદો ઓછો નુકસાન વધારે થશે.

અઝાનની બે મિનિટનો અવાજ કરતા એરોપ્લેન ગુજરવાનો અવાજ વધારે હોય છે. મોટા શહેરોની સડકો પર થતી પી…પી… અને ભોપું… ભોપું…નું પ્રદૂષણ વધારે હોય છે. અને ડી.જે.ની તાલે ગાતા ગીતનો અવાજ વધારે હોય છે. ઊંઘ બગાડનારા પરિબળો સામે પ્રતિબંધ કરવું હોવ તો પછી સૂર્ય સામે પણ કરશો એના કારણે દિવસ નીકળે છે અને લાખો લોકો ઊંઘથી ઊઠી જાય છે અને હા સવારે કુકડુક કૂ… કરતા મરઘા પર પણ બેન કરાવશો.

સમગ્ર ઘટનાનું પોસ્ટમાર્ટમ રિપોર્ટ સૂચવે છે કે સમસ્યા લાઉડસ્પીકર કે અઝાનની નથી બલ્કે ઇસ્લામોફોબિયા અને મુસ્લિમોને કોઈને કોઈ મુદ્દામાં ઉલઝાવી રાખવાની છે. સોનું તો મુખોટો છે હકીકતમાં “કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.”

************

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments