Thursday, September 12, 2024
Homeમનોમથંનકોરોના મહામારી વચ્ચે દેશમાં રાજકારણની રમત

કોરોના મહામારી વચ્ચે દેશમાં રાજકારણની રમત

કોરોના મહામારીએ દેશમાં માઝા મુકી છે. કેસોની સંખ્યા દરરોજ નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. હાલમાં દર્દીઓની સંખ્યા ૧૨ લાખને આંબી ગઈ છે. અમેરિકા અને બ્રાઝીલ પછી ભારત ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝીલમાં કોરોના કેસોની સંખ્યા અનુક્રમે ૪૧ લાખ અને ૨૨ લાખ છે. બેફામ વધતા કેસો વચ્ચે દેશની તમામ મેડીકલ રીસર્ચ સંસ્થાઓ કોરોનાની વેકસીન વિકસાવવાના અને સફળ પરીક્ષણ કરવાના પ્રયત્નો કરી રહી છે. છતાં હાલના તબક્કે સંપૂર્ણ કહી શકાય તેવી કોઈ સફળતા મળેલ નથી. સીરમ ઇન્સ્ટીટ્યૂટ પૂણે દ્વારા તૈયાર કરવામાં આવેલ વેકસીનના પરીક્ષણ દર્શાવે છે કે ડિસેમ્બર સુધી વેકસીન બજારમાં વેચાતી મળશે. તેની અંદાજીત કીંમત ૧૦૦૦ રૂ. જેટલી હશે પરંતુ ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાની પરિસ્થિતિ કેવી ભયાવહ રહેશે તે હાલના તબક્કે કહી શકાય તેમ નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાને કાબૂમાં રાખવા જે કંઈ પણ પગલાં લેવામાં આવ્યા તેમાં કોઈ સફળતા મળી નથી. દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. દેશમાં ગરીબી અને બેરોજગારીની પરિસ્થિતિ પહેલાથી જ ખરાબ હતી તે આયોજન વગરના લોકડાઉનના કારણે વધારે ખરાબ થઈ ગઈ. ૧લી જૂનથી શરૂ થયેલ અનલોકની પ્રક્રિયા દરમ્યાન ઉત્પાદન, વેચાણ અને સેવાઓના સર્જનમાં ખૂબ મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. બજારમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ છે. રોકડ પ્રવાહ તદ્દન ધીમી ગતિએ પરિવહન કરી રહ્યું છે. દેશનો વિકાસ દર ખૂબ નીચે પહોંચી ગયો છે, જેની ચિંતા કરવાને બદલે ભાજપ રાજકારણની રમતમાં વ્યસ્ત છે.

સી.એ.એ. અને એન.આર.સી.નો વિરોધ કરી રહેલા જામીઆના વિદ્યાર્થીઓ, શાહીન બાગની બહેનો અને કર્મશીલોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં સરકારની નીતિનો વિરોધ કરવો એ લોકશાહીમાં નાગરિકોનો અધિકાર છે, નહીં કે દેશ વિરોધી પ્રવૃત્તિ. તેમ છતાં તેમને દેશ વિરોધી કાયદા અંતર્ગત દબાવવામાં અને સળીયા પાછળ ધકેલી દેવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. કોરોનાની આડમાં સરકાર તેમની વિરુદ્ધના તમામ વિરોધીઓનો ખાત્મો કરી રહી છે. ડાૅ. કફીલ, શરજીલ ઈમામ, શરજીલ ઉસ્માની, શફુરા જર્ગર જેવા અનેક કર્મશીલો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. જે જુસ્સા અને સન્માન સાથે સી.એ.એ. અને એન.આર.સી.નો વિરોધ દેશનો પ્રબુદ્ધ વર્ગ કરી રહ્યો હતો તે જાેતાં સરકાર દ્વારા આચરવામાં આવતા તમામ પ્રકારના દમનને સહન કરી આ વર્ગ આ કાળા કાયદાને નાબૂદ કરવામાં સફળતા જરૂર મેળવશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સરકાર ગુંડા રાજને પોષી રહી છે. ગુંડા રાજના પાયાના મૂળમાં આમ નાગરિકો હોય કે સ્વંય પોલીસ તંત્ર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હોય, તે રાજ્યની તંદુરસ્તી માટે ખૂબ જ હાનીકારક છે. ઉત્તરપ્રદેશ રાજ્યના નેતાઓ અને વ્યવસ્થા તંત્રના અધિકારીઓે ચોક્કસ વિકાસ દૂબેને દબંગ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી છે. જ્યારે કાયદાના રક્ષકો જ કાયદાની એસી-તેસી કરે તો કાયદો ક્યાં કાયદામાં રહેવાનો છે? એટલે જ વિકાસ દૂબેએ ૮ પોલીસ કર્મીઓને મારી નાંખ્યા. વળતા પ્રહાર રૂપે વિકાસ દૂબેને પોલીસ તંત્ર દ્વારા રસ્તામાં મારી નાખવામાં આવ્યા. વિકાસ દૂબે ઉત્તરપ્રદેશ અને ભારત દેશના વિકાસની ચાડી ખાતો ચહેરો છે. વિકાસ દૂબેની હત્યા સાથે વિકાસની અને કાયદાની હત્યા થઈ છે. જે લોકો વિકાસ દૂબેની હત્યાને વાજબી ઠેરવી રહ્યા છે તેઓએ ચોક્કસ વિકાસ દૂબે દ્વારા કરવામાં આવેલ પોલીસકર્મીઓની હત્યાને પણ વાજબી ઠેરવવું પડે! કારણકે પોલીસકર્મીઓ પર હથિયાર ઉપાડવાની હિંમત પેદા કરવામાં પોલીસકર્મીઓનો જ હાથ છે. આવી હિંમત રાખનારા ઉત્તરપ્રદેશમાં અને દેશના અન્ય ભાગોમાં ઘણા દબંગો છે, જે પોલીસ અને રાજકારણીઓની મીલી-ભગતને આભારી છે.

રાજકારણનો જાેરદાર ઉદાહરણ પુરૂં પાડતા ભાજપ સરકારે માર્ચમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારને ઉથલાવી જબરદસ્ત ‘સફળતા’ મેળવી હતી. આમ સફળતાના આ દોરને આગળ વધારતા રાજસ્થાન સરકારને પણ ઉથલાવવાની પૂરતી કોશિશ કરવામાં આવી. ધારાસભ્યોની ખરીદી કરવામાં માહેર ભાજપાએ રાજસ્થાનમાં ખરીદી તો કરી પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પોતાના ધારાસભ્યો પર ચાંપતી નજર હતી તેથી સરકાર સંપૂર્ણ રીતે અસ્થિર થતા અટકી ગઈ. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેમ વેચાઈ ગયા તેમ સચિન પાયલટ પણ લગભગ વેચાયલા જ હતા. પરંતુ છેલ્લા સમયે ભાજપની બાજી બગડી ગઈ.

ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન સ્ક્રીપ્ટ પ્રમાણે બિલ્કુલ પરફેક્ટ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીના અત્યંત નિકટના વિશ્વાસુ જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ બંનેમાંથી જ્યોતિ તો ભાજપમાં ઓલવાઈ ગયા છે. એટલે તે તો હવે કોંગ્રેસમાં રહ્યા જ નથી અને સચિન પાયલટનો રટણ છે કે પોતે ભાજપમાં નહીં જાેડાય પરંતુ હકીકત આ છે કે સચિન ભાજપમાં નજીકના ભવિષ્યમાં જાેડાશે અને કદાચ નહીં પણ જાેડાય તો પણ તેની છબી એટલી હદે ખરડાઈ ગઈ છે કે તે હવે ભાજપ સિવાય કોઈ પાર્ટીને લાયક નથી રહ્યો. એટલે રાહુલ ગાંધીના બંને લેફ્ટ અને રાઈટ ખભા કપાઈ ચૂક્યા છે. અને રાહુલ ગાંધીથી કંઈ ઉકળે તેવું લાગતું પણ નથી. કેમ કે ૬ વર્ષના ભાજપના સદંતર નિષ્ફળ રીપોર્ટ કાર્ડ પાસે હોવા છતાં જાેઈએ તેટલા દમ સાથે કોંગ્રેસ વિરોધ નોંધાવી શકવામાં કમજાેર સાબિત થઈ છે. આ સમયે જે તક કોંગ્રેસને સાંપડેલ હતી તે તકનો પૂરતો લાભ જાે કોંગ્રેસે પૂરી નિખાલસતા સાથે લીધો હોત તો મોદી સરકાર ક્યારની એ ભાંગી પડત. પરંતુ કોંગ્રેસનો સૂર્ય અસ્તતાને આરે છે.

દિલ્હી રમખાણો પછી અરવિંદ કેજરીવાલનો સાચો ચહેરો સામે આવ્યો. તેઓ દિલ્હી રમખાણો મામલે ન્યાયની વાત કરી શકવામાં નિષ્ફળ ગયા. કેજરીવાલમાં બંધારણની આત્મા અને તેના અસ્તિત્વને જીવંત રાખવામાં કેટલાક અંશો દેખાતા હતા પરંતુ તેઓ પણ ભાજપની ગંદી રાજરમત સામે ઝૂકી ગયા તેમનો ધ્યેય બંધારણને નહીં પરંતુ તેમની સત્તા ટકાવી રાખવાનો છે. રાજસ્થાન સરકારમાં ચાલી રહેલ ગઢમથલ વિશે બોલતાં કેજરીવાલે કોંગ્રેસને જ જવાબદાર ઠેરવી આડકતરી રીતે ભાજપને ખુશ કરવાનો ભાજપ તરફી પ્રયાસ કર્યો છે.

ભારતીય મુસ્લિમો, હિંદુઓ અને વંચિતોના વર્ગને કેજરી પાસે ઘણી આશાઓ હતી, પરંતુ કોમવાદી ધ્રુવીકરણના પરિણામો જાેઈ કેજરીવાલ સમજી ચૂક્યા છે કે તેમણે પણ કોમવાદી રાજકારણના રસ્તે ચાલવા પડશે. લોકશાહી, ન્યાય, એકતા, બંધુતા અને સમાન અધિકાર જેવા શબ્દો માત્ર બંધારણની શોભા છે તેનો ઉપયોગ પોતાની સત્તા લાવવા, ટકાવવા અને બીજાની ઉથલાવવા માટે કરવાનો હોય છે.

ભાજપની નજર પશ્ચિમ બંગાળને પણ ચૂંટણી જીત્યા વગર ચાંઉ કરી જવાની છે પરંતુ મમતા સારી લડત આપી રહી છે.

ભારતમાં એવા રાજકારણની જરૂર છે જે ફાસીવાદી તત્ત્વોને જેર કરી શકે અને બંધારણની આત્મા અને તેમાં દર્શાવેલ મૂલ્યોને સરકારી ખાતાઓમાં પુનઃસ્થાપિત કરી શકે. દેશને બરબાદી તરફ દોરી જનારા રાજકારણીઓ અને ગુંડાઓ કેવી રીતે દૂર થશે તે યક્ષ પ્રશ્નનો યુવાઓએ ઉપાય કરવાની જરૂર છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments