મૌલાના સૈયદ અબુલ આ‘લા મૌદૂદી રહ.નું વ્યક્તિત્વ મુસ્લિમ વિશ્વમાં પરિચયનો મોહતાજ નથી. મૌલાના ઇસ્લામી આંદોલનના પ્રથમ હરોળના નેતા, મહાન ચિંતક અને માર્ગદર્શક હતા. મૌલાનાનું સમગ્ર જીવન દીનની સર્વોપરિતામાં વપરાયું. આપે મિલ્લતનું ડગલે ને પગલે માર્ગદર્શન કર્યું અને સત્યમાર્ગમાં અસંખ્ય મુશ્કેલીઓ પણ સહન કરી. અત્રે પ્રસ્તુત લેખ રેડિયો ઉપર પ્રસારિત મૌલાનાના બાર ભાષણો પૈકીના એક ભાષણનો ગુજરાતી અનુવાદ છે, જે ૧૦ એપ્રિલ ૧૯૪૧ના રોજ પ્રસારિત થયું હતું. – તંત્રી
મુસ્લિમો હઝરત મુહમ્મદ સ.અ.વ.ને “સરવરે આલમ” કહે છે. એનું ગુજરાતી ભાષાંતર “જગત ગુરૃ” અને અંગ્રેજીમાં “Leader of the world” કહેવામાં આવે છે. દેખીતી રીતે આ ઘણું મોટું શીર્ષક છે, પરંતુ જે ઉચ્ચ વ્યક્તિને આ શીર્ષક આપવામાં આવ્યું છે, તેમનું કાર્ય ખરેખર એવું છે કે જગત ગુરૃ કહેવામાં અતિશયોક્તિ નથી બલ્કે ચોક્કસપણે સત્ય ગણાય.
જુઓ! કોઈ વ્યક્તિને જગત ગુરૃ કહેવા માટે સૌથી પહેલી શરત આ હોવી જોઈએ કે તે વ્યક્તિએ કોઈ ખાસ કોમ, જાતિ અથવા વર્ગની ભલાઈ માટે કાર્યો ન કર્યા હોય બલ્કે સમગ્ર વિશ્વના મનુષ્યો માટે કર્યા હોય. એક રાષ્ટ્રવાદી કે એક જાતિવાદી નેતાની આપ તે હેસિયતે જેટલી પણ ચાહો કદર કરી લો કે તેણે પોતાના સમાજની મોટી સેવા કરી, પરંતુ અગર જો આપ તેના દેશબાંધવો અથવા જાતિના નથી તો તે આપનો નેતા ક્યારેય બની શકતો નથી. જે વ્યક્તિની પ્રેમ ભાવના, સદ્ભાવના અને કાર્યકાળ બધું ચીન અથવા સ્પેન સુધી સીમિત હોય, એક ભારતીયને તેનાથી શું સંબંધ કે તે તેને પોતાનો નેતા માને. બલ્કે અગર જો તે પોતાની જાતિને બીજાઓથી શ્રેષ્ઠ ઠેરવતો હોય અને બીજાઓને નીચું દેખાડી પોતાની જાતિને ઉચ્ચ કરવા ઇચ્છતો હોય ત્યારે તો બીજી જાતિના લોકો ઊલ્ટું તેનાથી ઘૃણા કરવા પર મજબૂર થશે. બધી જાતિઓના લોકો કોઈ એક વ્યક્તિને પોતાનો નેતા ફકત તે જ રૃપમાં માની શકે છે જ્યારે કે તેની દૃષ્ટિમાં બધી જાતિઓ અને બધા જ માનવો સરખા હોય તે બધા માટે સદ્ભાવના ધરાવતો હોય અને પોતાની સદ્ભાવનામાં કોઈ પણ રીતે એકને બીજા ઉપર પ્રાધાન્ય ન અર્પે.
બીજી અગત્યની શરત, જે વિશ્વના નેતા હોવા માટે જરૂરી છે તે આ છે કે તેણે એવા નીતિ-નિયમો રજૂ કર્યા હોય, જે વિશ્વ માનવ સમાજનું માર્ગદર્શન કરતા હોય અને જેમાં માનવજીવનની તમામ અગત્યની સમસ્યાઓનું નિવારણ મૌજૂદ હોય. નેતાનો અર્થ જ માર્ગદર્શક છે. નેતાની જરૂરત જ એટલા માટે હોય છે કે તે કલ્યાણ અને શ્રેષ્ઠતાનો માર્ગ દેખાડે. તેથી વિશ્વ નેતા તે જ હોઈ શકે છે, જે સમસ્ત વિશ્વના માનવોને એક એવી રીત દેખાડે કે જેમાં બધાનું કલ્યાણ હોય.
ત્રીજી શરત, વિશ્વના નેતા હોવા માટે આ છે કે તેની નેતાગીરી કોઈ ખાસ યુગ માટે ન હોય બલ્કે દરેક યુગ અને દરેક પરિસ્થિતિમાં સરખી લાભદાયક, સમાન રીતે યોગ્ય અને સમાન રીતે અનુસરણને લાયક હોય. જે નેતાની નેતાગીરી એક યુગમાં લાભદાયી હોય અને બીજા યુગમાં નકામી હોય તેને વિશ્વનેતા કહી શકાય નહીં. વિશ્વનો નેતા તો તે જ છે કે જે જ્યાં સુધી દુનિયા કાયમ રહે તેની નેતાગીરી પણ લાભકારક રહે.
ચોથી અગત્યની શરત, આ છે કે તે ફકત નીતિઓ રજૂ કરવા પર જ સંતોષ માનતો ન હોય બલ્કે પોતાની રજૂ કરેલ નીતિઓને જીવનમાં અમલીકરણ કરીને દેખાડ્યું હોય અને તેના આધાર પર એક જાગૃત સમાજ પેદા કર્યો હોય. નેતા હોવા માટે જરૂરી છે કે માણસ પોતાની નીતિઓને અમલમાં લાવી દેખાડે.
આવો! હવે આપણે જોઈએ કે આ ચારેય શરતો તે વિભૂતિમાં ક્યાં સુધી જોવા મળે છે જેને આપણે ‘જગત ગુરૃ’ (સરવરે આલમ) કહીએ છીએ.
પ્રથમ શરતને લો, આપ હઝરત મુહમ્મદ સ.અ.વ.ના જીવનનો અધ્યયન કરશો તો પ્રથમ દૃષ્ટિએ અનુભૂતિ કરી લેશો કે આ કોઈ જાતિવાદી અથવા રાષ્ટ્રવાદીનું જીવન નથી બલ્કે એક માનવતા પ્રિય અને એક વૈશ્વિક વિચારધારા ધરાવનાર મનુષ્યનું પવિત્ર જીવન છે. તેમની દૃષ્ટિમાં બધા માનવો સરખા હતા. કોઈ કુટુંબ, કોઈ ખાસ વર્ગ, કોઈ વિશેષ કોમ, કોઈ વિશેષ વંશ અથવા કોઈ દેશના ખાસ હિતથી તેઓને કોઈ રુચિ ન હતી. ધનવાન અને નિર્ધન, ઊંચ અને નીચ, કાળા અને ગોરા, આરબ અને બિન આરબ, પશ્ચિમ અને પૂર્વ, સીરિયન અને આર્યન, બધાને તેઓ તે હેસિયતે જોતા હતા કે બધા જ એક જ માનવ વંશના લોકો છે. તેમની જીભથી જીવન પર્યંત એક શબ્દ અથવા એક વાક્ય પણ એવો ન નીકળ્યો, અને ન જ જીવન પર્યંત કોઈ એવું કાર્ય તેઓએ કર્યું કે જેનાથી આ શંકા થતી હોય કે તેમણે એક માનવીય વર્ગ વિશેષના લાભ માટે કાર્ય કર્યું હોય અને જે કોઈ વર્ગ વિશેષ માટે સંબંધિત હોય. આ જ કારણ છે કે તેમના જીવનમાં જ હબશી, ઈરાની, રૃમી, મિશ્રી અને ઇઝરાઈલી એવી રીતે તેમના કાર્યના સહભાગી બન્યા જેવી રીતે આરબ અને તેમના પછી ધરતીના દરેક ભાગમાં દરેક વંશ અને જાતિના તથા દેશના માનવોએ તેમને એવી રીતે પોતાનો નેતા સ્વીકાર કર્યા, જેવી રીતે પોતે તેમની કોમે. આ એવી નિખાલસ માનવતાનો જ ચમત્કાર તો છે કે જે આપ એક ભારતીયની જીભથી તે મહાન વ્યક્તિની પ્રશંસા સાંભળી રહ્યા છો, જે સૈકાઓ પહેલાં આરબમાં પેદા થયા હતાં.
બીજી અને ત્રીજી શરતને એક સાથે લો, હઝરત મુહમ્મદ સ.અ.વ.એ વિશેષ કોમો અને દેશોની હંગામી અને કાયમી સમસ્યાની ચર્ચામાં પોતાનો સમય વેડફ્યો નહીં બલ્કે પોતાની સમગ્ર શક્તિ વિશ્વમાં માનવતાની તે મોટી સમસ્યાના નિવારણ માટે ખપાવી. જેનાથી સમસ્ત માનવ સમાજની બધી જ નાની-મોટી સમસ્યા આપમેળે નિવારણ પામી લે છે. તે મોટી સમસ્યા શું છે? તે ફકત આ છેઃ
“બ્રહ્માંડની વ્યવસ્થા ખરેખર જે નિયમ પર આધારિત છે, માનવજીવનની વ્યવસ્થા પણ તે જ પ્રમાણે હોવી જોઈએ. કારણ કે માનવ આ બ્રહ્માંડનો એક અંશ છે અને અંશની હિલચાલ બ્રહ્માંડના સર્વની વિરુદ્ધ હોવી જ ખરાબીનું કારણ છે. ”
જો તમે આ વાતને જાણવા ઇચ્છો છો તો તેની સરળ રીત આ છે છે કે પોતાની નજરોને જરા પ્રયત્ન કરીને સમય અને સ્થાનની બંદિશોથી સ્વતંત્ર કરી લો અને સમગ્ર વિશ્વ ધરતી ઉપર એવી રીતે દૃષ્ટિપાત કરો કે શરૃઆતથી આ જ સુધી અને આવનાર અનંત યુગો સુધી વસનારા બધા જ માનવો એક જ ક્ષણે આપની સામે હોય. પછી જુઓ કે માનવીય જીવનની ખરાબીઓના જેટલા પ્રકારો ઉત્પન્ન થયા છે અથવા ઉત્પન્ન થવાની શક્યતાઓ છે તે બધાનું મૂળ શું છે અને શું હોઈ શકે છે? આ પ્રશ્ન પર આપ જેટલું ચિંતન કરશો, જેટલું સંશોધન અને તપાસ કરશો, નિવારણ આ જ નીકળશે કે ઃ
“માનવીનું અલ્લાહથી વિદ્રોહ કરવો બધા અપરાધોનું મૂળ છે.”
એટલા માટે કે અલ્લાહના વિદ્રોહી થઈને માનવો ફરજિયાત પણે બે પ્રકારમાંથી કોઈ એક જ પ્રકાર અપનાવે છે, અથવા તો તે પોતાને સ્વયં પોતાનું ખુદ મુખતિયાર અને ગેરજવાબદાર સમજીને મનમાની કાર્યવાહીઓ કરવા લાગે છે, અને આ વસ્તુ તેને અત્યાચારી બનાવી દે છે, અથવા તો પછી તે અલ્લાહ સિવાય બીજાઓના આદેશ સમક્ષ માથંુ નમાવી દે છે અને તેથી સંસારમાં ફસાદ અને બગાડના અસંખ્ય પ્રકારો ઉત્પન્ન થાય છે. હવે આ વિચારવાની વાત છે કે અલ્લાહથી બેપરવા થઈને આ ખરાબીઓ કેમ ઉત્પન્ન થાય છે? તેનો સીધો અને સ્પષ્ટ ઉત્તર આ છે કે આમ કરવું જો કે વાસ્તવિકતાની વિરુદ્ધ છે એટલા માટે તેનું પરિણામ ખોટું નીકળે છે. આ સમસ્ત બ્રહ્માંડ ખરેખર અલ્લાહની સલતનત છે. ધરતી, સૂર્ય, ચંદ્ર, હવા, પાણી, પ્રકાશ બધું જ અલ્લાહની મિલ્કત છે અને માનવ આ સલતનતમાં જન્મજાત બંદાની હેસિયત ધરાવે છે. આ સમગ્ર સલતનત જે વ્યવસ્થા પર ચાલી રહી છે અગર જો મનુષ્ય તેનો એક અંશ (ભાગ) હોવા છતાં તેનાથી વિપરીત વર્તન અખતયાર કરે તો નાછૂટકે તેનું આવું વર્તન વિનાશક પરિણામ જ ઉત્પન્ન કરશે. તેનું આ માનવું કે મારાથી ઉપર કોઈ સત્તાધીશ નથી, જેની સમક્ષ હું ઉત્તરદાયિત્વ ધરાવું છું, વાસ્તવિકતાની વિરુદ્ધ છે. એટલે જ્યારે તે ખુદમુખતિયાર બનીને ગેરજવાબદાર રીતે કાર્ય કરે છે અને પોતાના જીવનના સિદ્ધાંતો પોતે ઘડે છે ત્યારે પરિણામ ખોટું નીકળે છે. આવી રીતે તેનું અલ્લાહ સિવાય કોઈ અન્યને સત્તાધીશ માનવું અને તેનાથી ભય અથવા લાલચ રાખવી અને તેની આકાઈ સામે નતમષ્તક થઈ જવું પણ વાસ્તવિકતાની વિરુદ્ધ છે. કારણ કે વાસ્તવિક રૃપે આ સમસ્ત બ્રહ્માંડમાં અલ્લાહ સિવાય કોઈ પણ આ હેસિયત નથી ધરાવતો, તેથી તેનું પરિણામ પણ ખોટું જ નીકળે છે. સાચું પરિણામ પ્રાપ્ત થવાનો પ્રકાર તેના સિવાય કંઈ જ નથી કે ધરતી અને આકાશમાં, જે વાસ્તવિક સલતનત છે, મનુષ્ય તેની સામે નતમષ્તક થઈ જાય, પોતાનું અહંકાર અને અહંકારિતાને તેની આગળ સમર્પિત કરી દે. પોતાનું અનુસરણ અને બંદગીને તેના માટે જ વિશેષ કરી દે, અને પોતાનું જીવન-બંધારણ પોતે બનાવવા અથવા બીજાઓથી લેવા સિવાય ફકત અલ્લાહથી લે.
આ આધારભૂત સુધારણાનું સૂચન છે જે મુહમ્મદ સ.અ.વ.એ માનવ જીવન માટે પ્રસ્તુત કર્યું છે. આ પશ્ચિમ અને પૂર્વના બંધનથી મુક્ત છે. ધરતી પર જ્યાં જ્યાં માનવ વસવાટ છે ત્યાં ત્યાં આ જ એક સુધારણા સૂચન તેમના બગડેલ જીવનના કાળને દુરસ્ત કરી શકે છે અને આ ભૂતકાળ-ભવિષ્યકાળના બંધનથી પણ મુક્ત છે. દોઢ હજાર વર્ષ પહેલાં આ જેટલું સાચું-ખરૃં અને કારગર હતું એટલું જ આજે પણ છે, અને એટલું જ દસ હજાર વર્ષે પણ હશે. એટલે કે અનંત યુગ સુધી હશે.
હવે છેલ્લી શરત બાકી રહી જાય છે. આ ઐતિહાસિક હકીકત છે કે મુહમ્મદ સ.અ.વ.એ ફકત કાલ્પનિક ચિત્રણ રજૂ નથી કર્યું બલ્કે આ ચિત્રણમાં એક જાગૃત સમાજ પેદા કરીને દેખાડ્યું. તેઓએ ૨૩ વર્ષના ટૂંકા ગાળામાં લાખો માનવોને અલ્લાહની સલતનત આગળ અનુસરણીય નત્મષ્તક થવા પ્રેરિત કર્યા. આપ સ.અ.વ.એ મનુષ્યોને સ્વાર્થીપણાથી પણ મુક્તિ અપાવી અને અલ્લાહ સિવાય અન્ય ઉપાસ્યોની પૂજાથી પણ મુક્તિ અપાવી. પછી તેમને સંગઠિત કરીને શુદ્ધ ઈશ્વરીય બંદગી પર આધારિત એક નવી નૈતિક વ્યવસ્થા, નવી સાંસ્કૃતિક વ્યવસ્થા, નવી આર્થિક વ્યવસ્થા અને નવું સરકારી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કર્યું અને સમગ્ર વિશ્વ સમક્ષ આ વાતનું અમલી પ્રદર્શન પણ કરી દીધું કે જે સિદ્ધાંતો તેઓ રજૂ કરી રહ્યા છે, તેના પર કેવું જીવન બને છે, અને બીજા જીવન સિદ્ધાંતોના મુકાબલે તે કેટલા શ્રેષ્ઠ, પવિત્રતમ્ અને કેટલા નેક છે.
આ તે ઉપલબ્ધીઓ છે જેના આધાર પર અમો મુહમ્મદ સ.અ.વ.ને “જગત ગુરૃ” (સરવરે આલમ) કહીએ છીએ. તેમનું આ મહાન કાર્ય કોઈ ખાસ કોમ માટે ન હતું, બલ્કે સમગ્ર માનવો માટે હતું. આ માનવતાની સહિયારી મિલ્કત છે, જેના પર કોઈનો હક બીજાથી ઓછા-વત્તા પ્રમાણમાં નથી, જે ઇચ્છે આ મિલ્કતથી લાભ ઉઠાવે. હું નથી સમજતો કે આની વિરુદ્ધ કોઈને પક્ષપાત રાખવાનું કોઈ કારણ હોઈ શકે છે. / (અનુવાદ: શેખ મુહિયુદ્દીન)