નવી દિલ્હી,
જાણીતા મિલ્લી અગ્રણી, પત્રકાર અને ઇસ્લામી સ્કોલર ડોકટર ઝફરુલ ઇસ્લામખાનને દિલ્હી લઘુમતી પંચના ચેરમેન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડોકટર ઝફરુલ ઇસ્લ્મખાનને પ્રમુખ અને ઇન્તિસાબિયા ગિલ તથા કર્તારસિંઘ કોચરને કમીશન-પંચના સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે. આ ત્રણ સભ્યોના બનેલ પંચની મુદ્દત ત્રણ વર્ષની હશે. મુખ્યમંત્રીએ લેફટનન્ટ ગવર્નર અનિલ બેજલની મંજૂરીથી પંચની નવરચના કરી છે.
ડોકટર ઝફરુલ ઇસ્લામખાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતના પ્રમુખ તરીકે વિશિષ્ટ સેવા બજાવી ચૂકયા છે. તેઓ પાક્ષિક અંગ્રેજી સામયિક ‘મિલ્લી ગેઝેટ’ના તંત્રી અને પ૦થી વધુ પુસ્તકોના લેખક છે. તેમણે જામિયા અઝરહર (અઝહર યુનિવર્સિટી) અને જામિયા કેરો (કેરો યુનિવર્સિટી)થી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને ઈ.સ.૧૯૬૮માં બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીથી ઇસ્લામમાં હિજરતના ભાવાર્થ ‘વિષય ઉપર પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
તેઓ દુનિયાની વિવિધ યુનિવર્સિટીઓમાં ચાવીરૃપ સંબોધન આપી ચૂકયા છે અને અરબી, અંગ્રેજી તેમજ ઉર્દૂ એમ ત્રણેય ભાષાઓ ઉપર તેમની પહોંચ હાસલ છે. આ ભાષાઓમાં તેમના લગભગ પ૦ પુસ્તકો કેરો, બૈરૃત, લંદન અને દિલ્હીથી પ્રકાશિત થઈ ચૂકેલ છે. અત્યંત ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતા ડોકટર ઝફરુલ ઇસ્લામખાન પોતાની નીડરતા અને હિંમતના લીધે ખૂબજ જાણીતા છે. તેમને રાષ્ટ્રીય તથા મિલ્લતના વર્તુળોમાં વિશેષ આદરની નજરે જોવામાં આવે છે. દિલ્હી લઘુમતી પંચના ચેરમેનના રૃપમાં તેમની કારકિર્દી દેશ તથા મિલ્લતના વિશાળ હિતમાં પુરવાર થશે.