Thursday, October 10, 2024
Homeપયગામતદ્‌બીર અને તકદીર હકીકત અને તકાદો

તદ્‌બીર અને તકદીર હકીકત અને તકાદો

કોરોના COVID-19નું સંક્રમણ આખી દુનિયામાં ફેલાઈ ચૂકયું છે. આપણો દેશ અને રાજ્ય પણ તેના કેરથી બાકાત નથી. રોજેરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસ કઈ રીતે આવ્યો આ તો અત્યાર સુધી એક રહસ્ય જ છે, જાે કે માર્કેટમાં ઘણી બધી કોન્સ્પ્રેસી (કાવતરૂં) થીયરી ચાલી રહી છે. અત્યારે ચોક્કસપણે કંઇક કહેવું તે વહેલું ગણાશે. પરંતુ આ વાસ્તવિકતા છે કે સંસારમાં જે કંઈ મુસીબતો અને આપત્તિઓ આવે છે તેના પાછળ મોટા ભાગે માનવના કૃત્ય રહેલા હોય છે. અલ્લાહે સમગ્ર બ્રહ્માંડને એક કાયદાનું પાબંદ બનાવ્યું છે. અને માનવ સૃષ્ટિનું સૌથી મહ¥વનું સર્જન છે. જેમ વિવિધ સ્વરૂપના ભૌતિક પ્રદૂષણથી વાતાવરણીય સમસ્યાઓ ઊભી થાય છે તેવી જ રીતે કર્મો દૂષિત થવાથી માનવપ્રકૃતિના પ્રકોપનું ભોગ બને છે. ક્યારેક અજમાયશ માટે પણ કોઈ મુશ્કેલી આવે છે. આપદા માનવસર્જિત હોય કે કુદરતી માનવને તેને નાથવાના પ્રયત્નો સાથે સૃષ્ટિના સર્જકથી સંબંધ પણ સ્થાપવા જાઈએ. પ્રાર્થનાઓ પણ કરવી જોઈએ. અને પોતાના વર્તન-વ્યવહારની સમીક્ષા કરી તેની સુધારણા પણ કરવી જાઈએ. માનવ સંસારમાં સૌથી બુદ્ધિમાન અસ્તિત્વ છે, તેને ગમે તે કરવાની સંપૂણ સ્વતંત્રતા છે. પરંતુ જે ઇચ્છે તે કરી શકે એવો સર્વ શક્તિમાન નથી. તેનું જ્ઞાન અને શક્તિ સીમિત છે. તેના ભાગ્યમાં જે કંઈ લખ્યું છે તે તેના આગળ આવીને જ રહેશે. પ્રશ્ન ઉદ્‌ભવી શકે કે જયારે જે થવાનું છે તે થઈને જ રહેવાનું  હોય તો પછી પ્લાનિંગ શું કામની? આપણા કર્મો કેટલા જવાબદાર? અને કોઈ એમ સમજતું હોય કે બધું મનુષ્યના હાથમાં છે તો આ વાત પણ વધુ પડતી કહેવાય.

એક વાત સમજી લો. અલ્લાહે સૃષ્ટિને અમુક નીતિ નિયમોની પાબંદ બનાવી છે.પરંતુ તે પોતે આ કાયદાઓનો પાબંદ નથી. એ ઇચ્છે તો તે કાયદાઓથી  ઉપરવટ જઈ કોઈ ચમત્કાર સર્જી શકે છે. તેથી જ તેના માટે કહેવાયું છે કેઃ

 “ધરતી અને આકાશોના રાજ્યનો માલિક તે જ છે, જીવન પ્રદાન કરે છે અને મૃત્યુ આપે છે, અને તેને દરેક વસ્તુ પર સામર્થ્ય પ્રાપ્ત છે.” (સૂરઃ અલહદીદ-૨)

અલ્લાહ જે કંઈ ઇચ્છે છે, નષ્ટ કરી દે છે, અને જે વસ્તુને ઇચ્છે છે કાયમ રાખે છે. ઉમ્મુલ કિતાબ તેના પાસે છે. (સૂરઃરઅ્‌દ-૩૯)

તકદીર એટલે શું ?

તકદીર એટલે ભાગ્ય, યોજના કે અંદાજા. કુઆર્નમાં તકદીર શબ્દનું જે ભાવાર્થ કરવામાં આવ્યું છે. તેના અમુક ઉદાહરણો જોઈએ.

 “અમે દરેક વસ્તુ એક યોજના સાથે પેદા કરી છે.” (સૂરઃ કમર- ૪૯)

 “જેણે ભાગ્ય બનાવ્યું, પછી માર્ગ દેખાડયા.” (સૂરઃ આ’લા-૩),

 “જેણે દરેક વસ્તુને પેદા કરી પછી તેનો એક અંદાજ (ભાગ્ય) નિશ્ચિત કર્યો” (સૂરઃ ફુર્કાન-૨)

 “કોઈ વસ્તુ એવી નથી જેના ભંડારો અમારી પાસે ન હોય, અને જે વસ્તુને પણ અમે ઉતારીએ છીએ એક નિશ્ચિત માત્રામાં ઉતારીએ છીએ.”(સૂરઃ હિજ્ર-૨૧)

દુનિયામાં પણ આપણા સામે કોઈ બનાવ બને તો ઘણી વખત અમે કહીએ છીએ કે “મને ખબર હતી આ જ થવાનું છે”, “હું જાણતો હતો કે તું આ જ કરીશ”, “મને ખબર હતી કે આ જ પરિણામ આવશે”. આવા વાક્યો આપણે કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા હોઈએ કે કોઈ વસ્તુનું અનુભવ થઈ ગયેલ હોવ તો એક અનુમાનના આધારે આપણે આવી વાત કહીએ છીએ. જા કે ઘટના પાછળ કોઈ આપણું દબાણ ન હોતું. કોઈ વ્યક્તિને આપણે જાણતા હોઈએ તો તેના વિશે આપણે આવી ટિપ્પણી કરીએ છીએ. અલ્લાહ તો ન માત્ર માનવ બલ્કે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે; તો તેને તો જ્ઞાન હોવું જ જોઈએ. મનુષ્યનું જ્ઞાન સીમિત હોવાના કારણે તેનું અનુમાન ખોટું પડી શકે, પરંતુ ખુદા તો પોતે જ્ઞાનનો સાગર છે, તેનો અંદાજા ક્યારેય ખોટો ન પડે. પરંતુ તેનો અર્થ એ નથી કે અલ્લાહ તેનાથી આ કરાવી રહ્યો છે. વ્યક્તિ પાસે કોઈ સ્વતંત્રતા નથી.

તકદીર બે પ્રકારની છે. એક છે “તકદીરે મુબરમ” એટલે નિશ્ચિત ભાગ્ય. દા.ત. વ્યક્તિ ક્યાં પેદા થશે. કેટલી ઉંમર પામશે. ક્યાં સ્થાને મૃત્યુ પામશે વગેરે. બીજી છે “તકદીરે મુઅલ્લક ” એટલે જે નિશ્ચિત ન હોય, લટકાવેલી હોય. જે વસ્તુઓ નિશ્ચિત કરી દેવામાં આવી છે તેનો ભાગ બહુ ઓછો છે, અને તકદીર મુઅલ્લક માટે મનુષ્યને સ્વતંત્ર છોડવામાં આવ્યો છે. પરંતુ છેલ્લી સત્તા તો અલ્લાને જ પ્રાપ્ત છે. એક ઉદાહરણથી આ સમજી શકાય “આપણે કોઈ નોકરને કંઈક ખરીદવા માટે મોકલીએ તો તેને વસ્તુનું નામ, ગુણવત્તા અને માત્રા બતાવીને મોકલી દઈએ છીએ, તેને સ્વતંત્રતા છે કે ગમે ત્યાંથી જે તે ભાવમાં વસ્તુ ખરીદીને પોતાના માલિકને લાવી આપે. આ સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કરી કામ કરવામાં આવ્યું; પરંતુ માલિકને એ વસ્તુ ન ગમી તો તેને પાછી આપવા મોકલે. એટલે સ્વીકારવાની છેલ્લી સત્તા માલિક પાસે છે.”

પક્ષી ઊડી શકે આ તેની તકદીર છે, માછલી તરે છે આ તેની તકદીર છે, ગ્રહો, ઉપગ્રહો તેમની પરિધિમાં ભ્રમણ કરે છે આ તેમની તકદીર છે. તેમની પાસે કોઈ સ્વતંત્ર ઇચ્છા નથી, તેઓ પાબંદ છે. પરંતુ અલ્લાહ તઆલાએ મનુષ્યને પોતાનો ખલીફા (કાઇમ મકામ) બનાવીને મોકલ્યો છે. તેને આચાર-વિચારની આઝાદી પણ આપી છે. એ પોતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરી કાર્ય કરી શકે છે. અલ્લાહ તઆલાએ દુનિયાને એક નિયમની પાબંદ બનાવી છે અને તેના મુજબ પરિણામ મળતા રહશે. પરંતુ અલ્લાહની એક સ્કીમ છે કે જા કોઈ વ્યક્તિનું કાર્ય એની સ્કીમ અથવા વ્યૂહરચનાની વિરુદ્ધ હોય અથવા તેના માટે બીજું કઈ સારી વસ્તુ મૂકી હોય તો તે અમલના પરિણામ પણ એ બદલી શકે અથવા વ્યક્તિની સ્વતંત્રતા ઓછી કરી શકે તેની શક્તિ ધરાવે છે.અલ્લાહે પોતાના પયગંબરો વડે માનવને માર્ગ બતાવી દીધો. હવે એ મનુષ્યની બુદ્ધિ પર છોડ્‌યું છે કે તે અક્કલનો ઉપયોગ કરી ખુદાનો આજ્ઞાંકિત બને છે કે પછી તેની અવજ્ઞા કરે છે.

તકદીર કે પાબંદ જમાદાત વ નબાતાત, મો’મીન ફક્ત અહ્‌કામે ઇલાહી કા હૈ પાબંદ

તદબીર શું છે?

તદબીર એટલે આયોજન, યુક્તિ કે વ્યૂહ રચના. તક્દીર અલ્લાહ તરફથી કોઈ કર્મનું લખેલું પરિણામ છે.મનુષ્ય કઠપૂતળી નથી કે માત્ર રંગમંચનો કોઈ પાત્ર નથી. એને પોતના માટે નિર્ણયો કરવા માટે પૂર્ણ આઝાદી છે. તે કાર્ય કરવા માટે યોજના બનાવી શકે, ઇચ્છિત પરિણામ માટે કોઈ વ્યૂહ રચના એ યુક્તિ કરી શકે.દા.ત. મારે સવારે ૫ વાગેની ટ્રેન પકડવી છે તો માટે વહેલા ઊઠવા માટે જાતે પ્રયત્ન કરવા પડશે, વ્યવસ્થા કરવી પડશે. હું એમ ન કહી શકું કે ભાગ્યમાં હશે તો મળશે હું સવારે  શાંતિથી સ્ટેશન જઈશ. મારે કમાવવું છે તો હાથ પગ મારવા પડશે. જો કે મને ખબર નથી કે તેનું પરિણામ શું આવશે પરંતુ ભાગ્યના નામે હાથ પર હાથ ચઢાવી બેસી ન શકું.એટલે પોતાના ભાગમાં આવતા કામથી ગફલત કરવી એ તકદીર પર ઈમાન નથી બલ્કે મૂર્ખામી છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,“મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે એ કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે.” (સૂરઃ નજ્મ-૩૯)

એક હદીસનું ભાવાર્થ છે કે આપ સ.અ.વ.એ પોતાના સહાબાઓ રદિ.ને ફરમાવ્યું કે સ્વર્ગમાં જનારા અને નરકમાં જનારાનો નિર્ણય થઇ ગયો છે. આ સાંભળીને એક અનુયાયીએ કહ્યું તો પછી કર્મનો શો ફાયદો? અલ્લાહના નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે નહીં, તમે અમલ (કર્મ)ના પાબંદ છો કર્મ કરો. આજે ઘણા બધા લોકો તકદીર અને તદબીરના મામલામાં ખોટી ધારણા કરી બેઠા છે.

ખબર નહીં ક્યા નામ હૈ ઇસકા ખુદા ફરેબી યા ખુદ ફરેબી
અમલ સે ફારિગ હુવા મુસલમાન બના કે તકદીર કા બહાના

હાલમાં કોરોના મહામારીમાં આ વસ્તુનો અનુભવ થયો. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આ રોગની  રોકથામ માટે સાવચેતીના પગલા રૂપે કેટલાક સૂચનો આપવામાં આવ્યા કે લોકો ઘરમાં રહે, બહાર જવાનું થાય તો માસ્ક પહરે એકબીજાથી દૂર રહે, લોકડાઉનનું પાલન કરે, વગેરે વગેરે. પરંતુ ઘણા લોકો તેના પર પાલન ન’હોતા કરતા જોવા મળ્યા. તેમને સમજાવવામાં આવ્યું તો કેટલાક લોકોએ કહ્યું કે ભાગ્યમાં હશે તો થશે નહીં તો નહિ થાય. જો કે એ સૂચનોનું પાલન કરવું એ તદબીર હતી પરંતુ લોકોએ એ તદબીરને નેવે મૂકી તકદીરના બહાને સૂચનો પર અમલ ન કર્યું. લોકોને ખબર હોવી જોઈએ કે તદબીર એ તકદીરની વિરુદ્ધ નથી બલકે તેનો જ ભાગ છે. અલ્લાહે આગની તકદીરમાં જલાવવું લખ્યું છે. હવે તેનાથી બચવા માટે વ્યÂક્તએ તદબીર કરવી પડે, એ એમ કહીને આગમાં હાથ નહીં નાખી શકે કે ભાગ્યમાં હશે તો બળશે નહીં હોય તો કોઈ વસ્તુ બાળી ન શકે. તકદીર શ્રદ્ધાનો એક ભાગ છે. શ્રદ્ધા અને અંધ શ્રદ્ધામાં જે બારીક ફરક છે એ સમજ્યું પડશે.

ઈમાન તકદીર પર હોવો જોઈએ બુદ્ધિ પર નહીં

અમલની સ્વતંત્રતા છતાં ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, સારૂં આયોજન કરે છે. પરંતુ ઇચ્છિત પરિણામ મળતું નથી અથવા ધારેલી સફળતા મળતી નથી. ઘણા લોકો આપણી નજર સમક્ષ છે જેઓ સફળતા માટે ખૂબ મથે છે, ખંતપૂર્વક કામ કરે છે પરંતુ નિષ્ફળ થાય છે. એક રોગ માટે ઉપચાર છે. ૧૦ વ્યક્તિઓ તે રોગની ગોળીઓ ખાય તો તંદુરસ્તી મળે છે પરંતુ અગિયારમી વ્યક્તિ એવી છે જેને ગોળીઓ ખાધા પછી પણ મોત મળે છે. એટલે આપણે આપણી અક્કલનો ઉપયોગ કરી જે આયોજન કરી રહ્યા છીએ એ સંપૂર્ણપણે સફળ થશે એની કોઈ ગૅરંટી નથી. તેથી અક્કલ પર ઈમાન હોવાના બદલે અક્કલ આપનાર પર વિશ્વાસ હોવો જોઈએ.કેમકે સંપૂર્ણ સત્તા તેની જ  છે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છેઃ

તેમને કહો, ”અમને કદાપિ કોઈ (બૂરાઈ કે ભલાઈ) નથી પહોંચતી પરંતુ તે જે અલ્લાહે અમારા માટે લખી દીધી છે. અલ્લાહ જ અમારો માલિક છે, અને ઈમાનવાળાઓએ તેના જ ઉપર ભરોસો કરવો જોઈએ.” (સૂરઃ તોબા-૫૧)

તેથી જો પોતાની તદબીર મુજબ પરિણામ મળી જાય તો અલ્લાહનો આભાર વ્યક્ત કરે, અને જા તેના વિરુદ્ધ કઈક મળે તો સબ્ર કરે.

માનવીય તદબીર તકદીરે મુઅલ્લકનો ભાગ છે

મનુષ્ય સંપૂર્ણપણે સ્વતંત્ર છે પરંતુ તેને સૃષ્ટિમાં ગમે તે કરવાની આઝાદી નથી તેના માટે ઘણી પાબંદીઓ પણ છે. સ્વતંત્રતાના પોતાના વર્તુળનો પૂરેપરો ઉપયોગ કરવો જોઈએ પરંતુ જે પરિણામ મળે તેના ઉપર ખુશ રહેવું જોઈએ. કેમકે આપણે માત્ર આયોજન અને કર્મ સુધી સીમિત છીએ, તેના પરિણામ પર જોઈ શક્તિ કે સામર્થ્ય પ્રાપ્ત નથી. ઘણા લોકો એમ કહે છે કે દુઆથી તકદીર બદલી શકે છે. તો આપણી જવાબદારી છે કે આપણે દુઆ કરીએ પરંતુ આપણે આપણી તકદીરથી વાકેફ નથી, શુંહતું અને શું બદલ્યું તેને જાણવા માટે કોઈ સ્રોત આપણી પાસે નથી. દુઆના મામલામાં આ વાત યાદ રાખવી જોઈએ કે (અલ્લાહની પનાહ) અલ્લાહ આપણી નોકરી નથી કરી રહ્યો કે કોઈ વસ્તુ માગી અને તરત મળી જાય.કે આપણી ઇચ્છા કે ઇરાદા પ્રમાણે ફેસલો કરે. જે વસ્તુ એ સર્વ શક્તિમાન અલ્લાહના મનસૂબા મુજબ હશે તે મળશે. તેથી અલ્લાહની મરજીને પોતાની મરજી બનાવી લો. કોઈ પણ પડકારને પહોચી વળવા પોતાની બુદ્ધિનું ૧૦૦ ટકા ખર્ચ કરી નાખો એ આપણી તદબીર છે, પરંતુ એમાં દિલોની શાંતિ નથી. શાંતિ તો આપણને તદબીરની સ્વતંત્રતા આપનારા ખુદાની યાદમાં છે.

હર લહઝા હૈ કોમોં કે અમલ પર નઝર ઉસકી
બુર્રા સિફ્‌તે તેગે દો પેકર નઝર ઉસકી


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments