Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસંસ્થા પરિચયદરેક વ્યક્તિ સમાજ માટે રોજના ૩ થી ૪ કલાક ફાળવે : એડવોકેટ...

દરેક વ્યક્તિ સમાજ માટે રોજના ૩ થી ૪ કલાક ફાળવે : એડવોકેટ સુહૈલ તિરમીઝી

આ અંકમાં સંસ્થા પરિચયમાં પ્રસિદ્ધ ગુજરાતી દૈનિક ગુજરાત ટુડેના ટ્રસ્ટી મંડળના સભ્ય એડવોકેટ સુહૈલ તિરમીઝી સાથે થયેલ વિશેષ મુલાકાતના કેટલાક અંશો.

પ્રઃ ગુજરાત ટુડે અખબારની શરૃઆત કયા સંજોગોમાં થઈ તે જણાવશો?
ઉ : સન ૧૯૮૫માં ગુજરાત ખાતે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા અને સ્થાનિક અખબારોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. આવા વાતાવરણમાં એક મુસ્લિમ રિક્ષાચાલકે પોતાની વર્ધીના અમૂક હિંદુ વિદ્યાર્થીઓને આશરો આપવા માટે પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતુ અખબારોએ તેમના વિરુદ્ધ સમાચાર છાપ્યા અને એવી વાતો ફેલાવી જાણે તે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન પહોંચાડવાની દાનત ધરાવે છે. મામલાની તપાસ કરતા ખબર પડી કે તે રિક્ષાચાલકે બહાદુરીપૂર્વક તેમને રક્ષણ આપ્યુ હતુ અને મામલો શાંત ન પડે ત્યાં સુધી તે બાળકોને તેમના ઘરે રાખવું જ હિતાવહ હતું. બાળકોના વાલીઓએ પણ તેમના સાહસને બિરદાવ્યા હતા. અહીં સુધી કે વરીષ્ઠ વકીલ ગિરીશ પટેલે તેના વતી એફીડેવિટ આપવાની પણ તૈયારી દર્શાવી હતી. આ સમયે તે લાગણી વહેતી થઈ કે તટસ્થ અખબાર તે સમયની ખૂબ મોટી જરૃર છે. આ ભાવનાઓ સાથે ભાઈખાન ભાઈ બલૂચ, સિરાજુદ્દીન તિરમીઝી અને આગળ જતા એહમદ હુસૈન કાપડીયા જેવા આગેવાનોએ આગળ આવીને લોકહિત સાર્વજનિક ટ્રસ્ટની બુનિયાદ નાખી. શરૃઆતથી જ તે પોલીસી રાખવામાં આવી કે અખબાર કોઈપણ રાજકીય સંગઠન પર આધાર નહીં રાખે અને પોતાની કાર્યપ્રણાલી અરાજકીય રાખશે. અખબારના પ્રકાશન સાથે ટ્રસ્ટ શૈક્ષણિક ઉત્થાન માટે અને આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓ આપશે. શરૃઆતમાં ભાઈખાન ભાઈ સાહેબે આ કામ માટે પોતાના પાખવાડીક અખબાર મોમીન ગુજરાતને રજૂ કર્યું હતું. પરંતુ દૈનિક અખબાર વગર ધાર્યું કામ કરવું મુશ્કેલ જણાતા ગુજરાત ટુડેની સ્થાપના કરવામાં આવી અને અલ્લાહના ફઝલથી જુલાઈ ૧૯૯૧માં પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો.

પ્રઃ ગુજરાત ટુડેની ૨૫ વર્ષોની યાત્રાને કઈ રીતે મૂલવશો?

ઉઃ આ ૨૫ વર્ષોમાં ગુજરાત ટુડેનો પ્રયત્ન રહ્યો છે કે તેવા લોકોને વાચા આપવી જેમની મુખ્યધારામાં અવગણના થઈ રહી છે. આ યાત્રા દરમિયાન અમોએ તટસ્થતાપૂર્વક અને નિડર થઈને ઘણાં મુદ્દાઓ ઉઠાવ્યા છે. સત્તાનો અને સરકારોનો દુરુપયોગ કરનાર પરિબળોને અમે બેનકાબ કર્યા છે. કોમવાદના ઝેરથી લોકો વચ્ચે ખાઈ ખોદવાના પ્રયાસો નિરર્થક બનાવવાના પ્રયત્નો કર્ર્યા છે. મુસલમાનો, બીજા લઘુમતિઓ અને પીડિત સમાજો પર થતા અત્યાચારના અહેવાલો રજૂ કર્યા છે. અમારી આ નિષ્ઠા અને તટસ્થતાને જોઈને ફકત મુસલમાનો જ નહીં પરંતુ હિંદુ સમાજમાં પણ અમારા સારા એવા વાચકો અમારી સાથે જોડાયા છે. થોડા સમય પહેલા આ બાબતની કલ્પના કરવી મુશ્કેલ હતી પરંતુ આજે અમારા અખબારનું બંડલ નેહરુનગર જેવા વિસ્તારોમાં પણ પહોંચે છે.

પ્રઃ અખબારનું સંચાલન કરવામાં અને તેની ગુણવત્તા જાળવી રાખવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

ઉઃ અમારા માટે એક મોટો પડકાર તો આર્થિક સંસાધનો માટે સતત સંઘર્ષ કરવા બાબતનો છે. અમારા વાંચકને સમાચારો ભરેલું એક અખબાર છપાવીને તેમના સુધી પહોંચાડવા માટે લગભગ ૧૫ થી ૨૦ રુપયાનો ખર્ચ આવે છે. આમાં વાચક દ્વારા અમને ચાર રુપયા મળે છે. બાકી ખર્ચ પૂરા કરવા માટે પૂરતી જાહેરાતો મળી શકતી નથી. અમારા શુભચિંતકો પર અમારો ખૂબ મોટો આધાર રાખવો પડે છે. જ્યારે ગ્રાહકો વધારવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે નાના શહેરો અને ગ્રામિણ ક્ષેત્રે તો સારો એવો પ્રતિભાવ મળે છે પરંતુ મોટા શહેરોમાં સામાન્ય રીતે ઉદાસીનતા જ જોવા મળે છે.

બીજો મોટો પડકાર અમારા માટે સારા પત્રકારો, અનુવાદકો, સામાજિક વૈજ્ઞાાનિકો અને લેખકોનો અભાવ જણાય છે. પોતાની સામાજિક જવાબદારી સમજીને ઘણાં લોકો આગળ આવે અને અમારા આ સામાજિક મિશન માટે અમને મદદરૃપ થાય તે બાબતને અમને સતત ઝંખના હોય છે.

પ્રઃ આ પ્રશ્નના ઉકેલ માટે એસ.આઈ.ઓ. જેવું વિદ્યાર્થી સંગઠન અને યુવાસાથી કઈ રીતે મદદરૃપ નીવડી શકે છે?

ઉઃ એસ.આઈ.ઓ. વિદ્યાર્થીઓ વચ્ચે કામ કરે છે અને તેમાં ઘણાં લોકોને પ્રાયોગિક અનુભવની જરૃર પડતી હોય છે. એસ.આઈ.ઓ. અને ગુજરાત ટુડે મળીને ટુંકા ગાળાના ઇન્ટર્નશીપ કાર્યક્રમો તૈયાર કરી શકે જેમાં વિદ્યાર્થીઓને અનુભવ મળે અને ગુજરાત ટુડેને તેમની મહેનત અને જુસ્સાને સમાજ ઉપયોગી કાર્યમાં લગાડવાની તકો મળે.

આ જ રીતે આપણે ત્યાં હવે છોકરીઓમાં શિક્ષણ પ્રત્યે સભાનતા વધી છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઘણી બધી સમાજની દીકરીઓ એવી છે જેઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને પોતાના ઘરેથી જ કંઈ સમાજ ઉપયોગી સેવાઓ આપવા તત્પર હોય છે. યુવાસાથીનું અને એસ.આઈ.ઓ. આવી વિદ્યાર્થિનીઓ અને ગુજરાત ટુડે વચ્ચે બ્રિજની ભૂમિકા ભજવી શકે છે.

પ્રઃ મુસ્લિમ સમાજમાં ઘણાં નિઃસ્વાર્થ લોકો છે જેઓ સમાજ માટે સંસ્થાઓનું નિર્માણ કરવા સતત પ્રયોજન કરતા હોય છે. સંસ્થાઓની સ્થાપના અંગે તમારો શું અભિપ્રાય છે?

ઉઃ મુસ્લિમ સમાજમાં હજુ પણ એકંદરે મસ્જિદો અને મદારીસો શરૃ કરવા માટે તો લાગણીઓ જણાય છે પરંતુ શિક્ષણ, આરોગ્ય, મીડિયા અને વ્યવસાય જેવા મેદાનો માટે ઉદાસીનતા વર્તાય છે. જરૃર છે કે મુસલમાનો જરૃરથી મસ્જીદો અને મદરસાનું નિર્માણ કરે પરંતુ તેમના વ્યાપ પહોળો કરે. મસ્જીદોને કમ્યુનીટી ડેવલપમેન્ટના કેન્દ્રો બનાવવામાં આવે. એક જ સંકુલ લોકો માટે ઇબાદતનું, શિક્ષણનું, તાલીમનું અને વિકાસનું સર્વવ્યાપી કેન્દ્ર બને. આમ કરવાથી મર્યાદીત સંસાધનો વડે મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકાય.

પ્રઃ અત્યારે જે દેશની રાજકીય પરિસ્થિતિ છે તેને તમે કઈ રીતે જુઓ છો?

ઉઃ આપણા દેશમાં એક વર્ગ હંમેશાથી ફાસીવાદી વિચારો ધરાવતો હતો પરંતુ પોતાના વિચારોની અભિવ્યક્ત કરવામાં તેઓ સાવધ રહેતા હતા પરંતુ કેન્દ્રમાં સરકાર બદલાતા આવા તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે. ખૂબ શિક્ષીત કહી શકાય તેવા લોકો પણ નિર્લજ્જપણે પોતાના વિચારો વ્યક્ત કરવા થઈ થયા છે. સરકાર પણ સ્પષ્ટપણે પોતાના સમીકરણોમાં લઘુમતિઓ માટે કંઈ વિચારવામાં કોઈ લાભ નથી જોઈ રહી. અત્યારની સરકાર માત્ર લઘુમતિઓનું ધ્રુવીકરણ કરી પોતાનું રાજકારણ ચલાવી રહી છે. આવા સમયે તટસ્થ વાત કહેનારને ભયભીત કરવામાં આવી રહ્યા છે. કલબુર્ગી અને પનસરેના હત્યાઓ આ બાબતોનો પુરાવો છે કે અસહિષ્ણુંતાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. આવા સમયે કોમવાદી વિચારોને જાકારો આપવા કોમી એકતા માટે પ્રયત્નશીલ અને સેક્યુલર વિચારો ધરાવતા લોકોને પ્રોત્સાહન આપીને જ આવી શકાય. મુસલમાનોએ પણ ધ્રુવીકરણ સામે ધ્રુવીકરણનો માર્ગ ક્યારેય અપનાવવો ન જોઈએ. શક્ય છે એ.આઈ.એમ.એમ અને તેમના અસદુદ્દીન ઔવેસીની વાતો મુસલમાનોને અપીલ કરતી જણાય પરંતુ આ વિચારધારા મુસલમાનો માટે વધુ નુકસાનકારક છે. ધારી લો કે ઔવેસીની જેમ મુસ્લિમો બીજા અમુક લોકોને ચૂંટી લે તો પણ તેઓની સંખ્યા અપૂરતી હશે અને તેઓ નારા સિવાય બીજુ કંઈ વિશેષ મુસ્લિમ સમુદાયને નહીં આપી શકે. આ રાષ્ટ્રમાં મુસલમાનો માટે બિનસાંપ્રદાયિક વિચારો ધરાવતા પક્ષો જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

પ્રઃ યુવાસાથીના વાચક મિત્રો માટે તમારો શું સંદેશ છે?

ઉઃ મારો સંદેશ એટલો જ છે કે લોકો સમાજ માટે લાગણીઓ અને ઉત્સાહની ભાવનાઓ પોતાનામાં બળવાન કરે. કોઈ પણ નિરાશાવાદને પોતાની નજીક આવવા ન દે અને ક્રિયાત્મક કામો કરે. સમાજ માટે નિઃસ્વાર્થભાવે પોતાની આવડત મુજબ અને પોતાના મનગમત મેદાનોમાં રોજ ત્રણ થી ચાર કલાક ફાળવે. જો કોમમાં આ જઝબો પેદા થશે તો તે બધી ફરિયાદો જેમકે આપણાં ત્યાં કામ કરવાની વ્યવસાયિક અને વૈજ્ઞાાનિક ઢબોને અભાવ જોવા મળે છે તે ગાયબ થઈ જશે. કામ કરવા માટેનું વળતર માત્ર અલ્લાહથી અપેક્ષિત રાખવું જોઈએ. લોકો પાસેથી અપેક્ષઆ રાખવામાં આવશે તો માત્ર નિરાશા જ હાથ લાગશે. બીજી મારી અપી આપણા ધાર્મિક આગેવાનોને છે કે તેઓ સમાજને રચનાત્મક કામો તરફ વાળે. આજે પણ સમાજમાં તેમનું વિશેષ સ્થાન છે અને તેમની અવગણના કરવામાં નથી આવતી. તેઓની વિશેષ જવાબદારી છે કે સમાજને મજબૂત નેતૃત્વ આપે અને તેમને બંને દુનિયામાં સફળતા માટે તૈયાર કરે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments