Thursday, September 12, 2024
Homeપયગામન્યાયની સ્થાપનામાં ધર્મની ભૂમિકા

ન્યાયની સ્થાપનામાં ધર્મની ભૂમિકા

આપણા દેશને સ્વતંત્ર થયો ૬૮ વર્ષ થઈ ગયા. આ સમયગાળા ઉપર એક દૃષ્ટિપાત કરતા આ હૃદયદ્રાવક સત્ય આપણી સમક્ષ આવશે કે આપણા પ્રિય દેશમાં વારંવાર એવું વાતાવરણ સર્જવામાં આવ્યું છે કે તમામ નાગરિકો અશાંતિના દરિયામાં ગરકાવ થઈ જાય છે. હિંસાનું તાંડવ થાય છે હજારો નાગરિકો તેમાં હોમાઈ જાય છે, લાખો ઘાયલ થઈ જાય છે, સ્ત્રીઆ વિધવા થઈ જાય છે, બાળકો અનાથ અને માતાઓ પોતાના વ્હાલાસોયા સપૂતોને ગુમાવી બેસે છે. સ્વતંત્રતા દિવસથી લઈને આ જ સુધી કોમી રમખાણો અને હુલ્લડોની લાંબી શ્રૃંખલા છે. આ તોફાનરૃપી જ્વાળાએ લાખો કુટુંબોને બરબાદ કરી નાખ્યા છે અને દેશના અર્થતંત્રને અબજો રૃપિયાનું નુકસાન સહન કરવુંં પડયું છે. આ પરિસ્થિતિ કોઈ ધર્મ વિશેષ માટે નથી પરંતુ આપણા તમામ નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

આ કડવી વાસ્તવિક્તા છે કે આ રમખાણોમાં લઘુમતિના એક વિશેષ સમુદાયને મોટુ નુકસાન થયુ છે. લઘુમતિની એક વ્યક્તિ તરીકે નહીં. પણ ભારતના એક જવાબદાર નાગરિક તરીકે લઘુમતિ બહુમતિના વાડા અને વહેંણીથી ઉપર ઉઠીને એ જોવું જોઈએ કે શાંતિ અને કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડનારા પરિબળો કયા છે અને આપણે કેવી રીતે આપણા પ્રિય દેશને શાંતિનું પારણું બનાવી શકીએ.

ધાર્મિક લોકો માટે ચિંતાનો વિષય

જેમકે આપણે જાણીએ છીએ કે આપણો દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓનું સુંદર મિશ્રણ છે. આ જ વિવિધતામાં એકતા તેની વિશેષતા છે. નાસ્તિકોની સંખ્યા આપણા દેશમાં નહિવત છે. મોટા ભાગે લોકો ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે અને કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલા છે. એમ કહી શકાય કે આશરે ભારતનો દરેક નાગરિક ધાર્મિક છે. હવે જ્યારે આપણા દેશમાં હુલ્લડો અને નરસંહાર થાય ત્યારે આપણા માટે ખુબજ શરમની વાત છે કારણ કે આપણા સૌનો સીધો સંબંધ ધર્મ સાથે છે. એટલે જ ઘણા ખરા લોકો એવા પેદા થયા છે જેઓ આ આરોપ મુકે છે કે ધર્મોના લીધે જ રમખાણો થાય છે. ધર્મ લોકોને ઝનૂની અને ઉન્માદી બનાવે છે અને ધર્મ જ નિર્દોષો ઉપર જુલ્મ અને અત્યાચારનું કારણ છે. તેમના આરોપમાં કેટલી વાસ્તવિકતા છે તે એક વાદ-વિવાદ અને ચર્ચાનો વિષય હોઈ શકે પરંતુ ધર્મોના અનુયાયીઓ માટે, દેશના વિચારશીલ અને ગંભીર લોકો માટે વિચારવાનો વિષય છે.

એક બાજુ આપણે માનીએ છીએ કે ધર્મ વ્યક્તિત્વનું નૈતિક સીંચન કરે છે. તેમનામાં વિનમ્રતા અને દયાભાવ ઉજાગર કરે છે. વ્યક્તિમાં સત્ય નિષ્ઠા અને ત્યાગ ભાવના પેદા કરે છે. ધર્મ લોકો કે સમાજને નિયંત્રિત કરવાનો ઘડી કાઢેલો કારસો નથી. બલ્કિ એ વ્યક્તિની જરૂરત છે, ત્યાંથી જ વ્યક્તિ જીવવાની કળા શીખે છે અને કરૃણાના બોધ ગ્રહણ કરે છે. ધર્મ જ વ્યક્તિને ઉન્નતિ તરફ લઈ જાય છે. ધર્મ વસુદવ કુટુમ્બકમનું શિક્ષણ આપે છે. ધર્મોમાં પશુઓ જ નહીં નાના-નાના જીવજંતુઓ પ્રત્યે પણ દયાભાવનાની વાત કહેવામાં આવી હોય તો તેની નજરમાં માનવીનું મહત્વ કેટલું હશે તે વિચારી શકાય.!!!

હવે આપણે ધર્મોનું શિક્ષણ જોઈએ અને બીજી બાજુ રમખાણોમાં શામેલ ધાર્મિક લોકોને જોઈએ. બંને વચ્ચે કોઈ સંબંધ બેસતો નથી. આવું કેમ થયું હશે તે તો વિચારવું જ રહ્યું. તેનું એક કારણ રાજકારણીઓ હોઈ શકે. મોટા ભાગે લોકો આવું કહેતા હોય છે આશ્ચર્યની વાત છે કે જે લોકો હુલ્લડો કરાવવામાં આગેવાની લેતા હોય અથવા શામેલ હોય તેમને ક્યારેય વ્યક્તિગત મળીને પુછીએ તો એમ જ કહેશે કે આવી ઘટનાઓ આપણા દેશ માટે કલંક રૃપ છે. આપણા બધાને તો હળીમળીને જ રહીવું જોઈએ. આ તો રાજકારણીઓ છે જેઓ પોતાના હિત સાધવા આવું કરાવે છે. આ નીર્યોે દંભ અને ગાંડપણ છે. જ્યારે આપણે જાણતા હોઈએ કે રાજનેતાઓ પોતાના રાજનૈતિક હિત સાધવા આવું કરાવે છે. હિંદુ-મુસ્લિમ કાર્ડ ખેલે છે કે જ્ઞાાતિવાદ ફેલાવે છે. તો આપણે જાણી જોઈને કેમ તેમના હાથાં બનીએ છીએ. આ મુર્ખામી નથી તો બીજુ શું છે. આપણો કોઈને કોઈ સ્વાર્થ તેમની સાથે જોડાયેલો હશે. અથવા કોઈ ધર્મ-જાતિ વિશે ઘૃણા અને નફરત આપણા માનસમાં ઘર કરી ગયેલી હશે. અથવા આપણેે બીજા ધર્મની વ્યક્તિને આપણો શત્રુ અથવા પોતાના માટે હાનિકારક સમજતા હોઈશું અથવા આપણેે શ્રેષ્ઠતાના નશામાં ચુર થઈ બીજા લોકોને પોતાના તાબા હેઠળ કરવા માગતા હોઈએ વગેરે ઘણાં કારણો હોઈ શકે છે.

ધર્મની છબિ બગડતી અટકાવીએ

આપણા દંભી ચરિત્રના કારણે ધર્મની છબિ બગડે છે પરિણામે સમજુ વ્યક્તિ ધર્મ પરથી શ્રદ્ધા ગુમાવવા લાગે છે. ધર્મની રક્ષા કરવા માટે ઉન્માદ પેદા કરવાની કે ધર્મ રક્ષા સમિતિઓ રચવાની જરૃર નથી. ધર્મની રક્ષા ધાર્મિકતા અપનાવીને જ કરી શકાય. સાચા અર્થમાં ધાર્મિક મુલ્યો મુજબ જીવન જીવો. ધર્મ જીવંત રહેશે. પરિસ્થિતિ આ છે કે આપણે ધાર્મિક નથી અને ધર્મ છોડવોે પણ નથી. આવી પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને ધાર્મિક સાબિત કરવા અધર્મ કરતા હોઈએ છીએ. જે રાજનેતાઓ પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઢાળ તરીકે ઉપયોગ કરતા હોય તેમની સામે મોરચો કાઢવાની જરૃર છે. પરંતુ આ કામ મુશ્કેલ છે. કેમ કે તેઓ જે કંઇ કરે છે તેમાં તેઓ પોતાનો નહીં લોકોનો સ્વાર્થ દર્શાવે છે અને બધા લોકો સ્વાર્થી છીએ.! પોતાના સ્વાર્થ માટે તેના પ્રપંચના ભાગ બની જઇએ છીએ. જ્યારે વાસ્તવિક્તા આ છે કે ધર્મ આપણને સ્વાર્થી નહીં જનહિતેચ્છુ બનાવે છે. જન કલ્યાણના કામ કરવા માટે પ્રેરે છે. બલ્કે ધર્મનો તો હેતુ જન કલ્યાણ છે. ધર્મ રૃપી શરીરમાં ખંજર ભોકવાનું કામ આપણે પોતે કરીએ છીએ અને પછી બદનામ ધર્મને કરીએ છે.

મને સમજાતું નથી કે બૌદ્ધ ધર્મ જેમાં અહિંસાને ખોટુ માનવામાં આવ્યું હોય તેઓ મ્યાનમારના મુસ્લિમોનું નરસંહાર કેવી રીતે કરી શકે. જે જૈન ધર્મમાં અહિંસા પરમો ધર્મનું શિક્ષણ આપવામાં આવ્યું હોય તે જીવ પ્રેમીઓ માનવવધ કેવી રીતે કરી શકે. જે ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ પ્રેમ પર આધારિત હોય તેઓ ઇરાક, અફઘાનિસ્તાનને ખંડર કેવી રીતે બનાવી શકે અને ઇસ્લામના નામે પોતે વિવિધ સંગઠનો રચી મધ્યપૂર્વમાં ખુનામરકી કેવી રીતે કરાવી શકો. જે લોકો અગ્નિની પુજા કરતા હોય તેઓ લોકોને અગ્નિમાં કેવી રીતે બાળી શકે જે ધર્મ દરેક જીવમાં પરમાત્માનો વાસ હોવાની માન્યતા ધરાવતો હોય તેઓ બળાત્કાર અને હત્યા કેવી રીતે કરાવી શકે. જે ધર્મ એક નિર્દોષ વ્યક્તિની હત્યાને સમગ્ર માનવજાતિની હત્યા કહેતો હોય તેનો અનુયાયી કોઈની જાન કેવી રીતે લઈ શકે! મારી શ્રદ્ધા જ સાચી બીજાની મિથ્યા આ વાત વ્યક્તિ કહી શકે પરંતુ તે પોતે જે માન્યતા ધરાવતા હોય તેના વિરુદ્ધ કર્મ કેવી રીતે કરી શકે!!!

તમને સમજાતુ હોય તો મારી મદદ કરશો. મને તો એટલું જ સમજાય છે કે બલ્કે વિશ્વાસ સાથે કહી શકું છું કે ધર્મ વ્યક્તિને સજ્જન, સંસ્કારી અને ચરિત્રવાન બનાવે છે અને આવી વ્યક્તિ ક્યારેય ઝઘડો કરતી નથી. દરેક સમાજમાં અસામાજીક તત્વો હોઈ શકે, દુર્જનો હોઈ શકે આવી વ્યક્તિઓ જ સમાજનું વાતાવરણ દુષિત કરે છે. ધાર્મિક વ્યક્તિઓને એક મંચ પર આવી આવા લોકોને નિયંત્રિત કરવાની જરૃર છે. આપણે યાદ રાખવું જોઈએ કે સજ્જનોની નિષ્ક્રીયતા જ દુર્જનોની શક્તિ છે.

નૈતિક શિક્ષણ દરેક ધર્મમાં આપવામાં આવ્યું છે. દ્વેષ, ઇર્ષા, ઘૃણા, લોભ, અહંકાર, સ્વાર્થ, ઝૂઠ, દગો વગેરે જેવા દુર્ગુણોથી મુક્તિ પામી પવિત્રતા, શાલીનતા, સત્યાચરણ, સદાચાર, સત્યનિષ્ઠા વગેરે જેવા ઉચ્ચ આદર્શો, લોકોના જાનમાલનું રક્ષણ આતિથ્ય, સત્કાર અને સાદાઈ જેવા સદ્ગુણોથી સંપન્ન થઈ નાનાઓ પ્રત્યે પ્રેમ, વડીલોનું સન્માન જરૂરત મંદોની મદદ, જનાધિકારોનું રક્ષણ, નિર્બળ અને દુખીઓની સહાય, ન્યાયપ્રિયતા વગેરે ધાર્મિક મુલ્યોને જીવંત કરવાની જરૃર છે. આ જ ધર્મોનું શિક્ષણ છે. આ જ મુલ્યોનું જતન કરવું જોઈએ તેમનું રક્ષણ ધર્મનું સાચું રક્ષણ છે. વાસ્તવમાં આ જ મુલ્યો દરેક ધર્મના પાયાના સિદ્ધાંતો છે. તેમના વગર ધર્મની કલ્પના અશક્ય છે.

આ વાત પણ સાચી છે કે ધર્મો વચ્ચે પણ કેટલાક મતભેદો છે. ઇશ્વર વિશેની કલ્પના હોય કે જન્મ મરણની માન્યતામાં પાયાનો તફાવત જોઇ શકાય છે. આ મતભેદ ગોણ નથી. તેમ છતાં સહઅસ્તિત્વ સાથે શાંતિપૂર્ણ રીતે જીવન ગુજારી શકાય. તેમાં કોઈ શંકા નથી.

શાંતિપૂર્ણ સમાજની રચના

જો આપણે વાસ્તવમાં આવા સમાજની રચના કરવા માગતા હોઈએ તો આપણે સાચા અર્થમાં ધાર્મિક થવું પડશે. ધર્મના મર્મને સમજવું પડશે આપણામાંના મોટાભાગે એવા છે જેઓ પૈતૃક રીતે ધાર્મિક છે પરંતુ ધર્મના ક-ખ-ગથી પણ વાકેફ નથી. આપણી પહેલી ફરજ છે કે આપણે ધર્મનું જ્ઞાાન હાંસલ કરીએ અને તેના ઉપર અમલ કરીએ. આ પણ એક કરૃણાંતિકા છે કે આપણે ત્યાં જ્ઞાાન ધરાવતા ઉપદેશકો મળી રહે છે પરંતુ આચરણથી ખાલી હોય છે.

બીજી વસ્તુ આ છે આપણે બીજા ધર્મો માટે સન્માનની ભાવના ઉભી કરવી પડશે. તેમની ધાર્મિક વિભૂતિઓ અને મહાન પુરૃષોની કદર કરવી પડશે. તેમના શિક્ષણની મશ્કરી ન કરવી. મતભેદોને હઠાગ્રહપૂર્વક ખતમ ન કરવા અને પોતાના ધર્મ કે સંસ્કૃતિને બીજા ઉપર લાદવા પ્રયત્ન ન કરવા કેમ કે ધર્મ પરાયણતા બીજાઓ ઉપર લાદી શકાય નહીં, તે સ્વયં સ્ફુરિત હોય છે. બળજબરી કરવી, ખોટી અયોગ્ય, અમાનવીય અને અધાર્મિક છે. બીજા ધર્મોને વાંચી સમજી શકાય, પ્રશ્નો પુછી શકાય, ચર્ચા કરી શકાય પરંતુ ગેરસમજો ઉભી કરવી જોઈએ નહીં.

ત્રીજી વસ્તુ, આસ્થા દરેક વ્યક્તિનો પાયાનો અધીકાર છે, બંધારણીય અધિકાર છે. તેના ઉપર તરાપ મારી શકાય નહીં. પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ મુકી નહિં તેમજ મરજી મુજબનું ધર્મ સ્વીકારવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં.

કોઈ ઘટના કે સમસ્યા ઉભી થઈ હોય તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તથ્યોને ઉલટફેર ન કરો. સમસ્યાને નિષ્ઠાથી ઉકેલવાની ભાવના હોવી જોઈએ, ન્યાયપૂર્વક ઉપાયો શોધવામાં આવે. સમસ્યાના નિરાકરણ માટે સદ્ભાવના મંચ ઉભા કરી શકાય. ધાર્મિક મોરચાની રચના પણ સમાજને એક રાખવામાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક ઘરમાં એકથી વધારે સ્વભાવના વ્યક્તિ રહી શકતા હોય તો દેશમાં એકથી વધારે ધર્મો એક સાથે પ્રેમપૂર્વક કેમ ન રહી શકે?!!

જો આપણે આપણા ચમનને અમનનું પ્રતિક બનાવવા નિખાલસ અને ગંભીર છીએ તો આપણે તેના માટે સક્રિય બનાવ પડશે. ભૌતિકવાદ અને સ્વાર્થપણાના આ યુગમાં ધર્મની સાચી અને વાસ્તવિક છબિ પ્રસ્થાપિત કરવી આપણા માટે પડકારજનક છે. પરંતુ વાચકોની ઉમંગ અને ત્યાગ ભાવના આ કામને સંભવ કરશે. આપણે ધાર્મિકતા અપનાવીએ, ધર્મની વાતોનું આદાન-પ્રદાન કરીએ, બીજાની માન મર્યાદાની સમજ કેળવીએ, ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ ઉભુ કરીએ, નફરત અને ઘૃણા ફેલાવતી તથા બે સમુદાયો વચ્ચે દુરી અને ગેરસમજ પેદા કરતી વસ્તુઓને નાબુદ કરીએ. ધાર્મિક શિક્ષણ મુજબ આખો જગત એક પરિવાર છે. આપણે આપણા દેશને એક પરિવારસમ બનાવી તેની સત્યતાને પુરવાર કરીએ. આ કાર્ય અસંભવ નથી પરંતુ દીર્ધકાલીન છે. એટલે ધૈર્ય સાથે આગળ વધવું પડશે.

વિવિધ ધર્મોમાં શાંતિથી રહેવા માટેનું શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાંથી માત્ર એક એક વાતનું ભાવાર્થ જોઈએઃ

યહુદી ધર્મ (હિબ્રુ બાઈબલ): “બુરાઈથી રોકાઈ જાવ અને ભલાઈ કરો, શાંતિ મેળવો અને આગળ ધપાવો.” (Psalm ૩૪ઃ૫)

ખ્રિસ્તી ધર્મ (ન્યુ ટેસ્ટામેન્ટ): “તમારા શત્રુને પ્રેમ કરો, જે તમારાથી દ્વેષભાવ રાખે તેની સાથે સારો વ્યવહાર કરો, જે તમને બદદુઆ આપે તેની સાથે ભલાઈ કરો, જે તમને ગાળ આપે તેના માટે પ્રાર્થના કરો.” (મેથ્યુ ૫ઃ૪૩-૪૮, લ્યુકે ૬ઃ૨૭-૨૮)

હિંદુ ધર્મ: “હે પ્રભુ, સ્વર્ગમાં વાતાવરણમાં અને દુનિયામાં શાંતિ રહે. પાણીમાં ઠંડક રહે, જડીબુટીઓમાં ઉપચારાત્મકતા રહે, અને વૃક્ષોમાંથી શાંતિના વિકિરણો ફેલાય. ગ્રહો અને તારાઓમાં સંવાદિતા રહે, અને અવિનાસી જ્ઞાાનમાં પુર્ણતા હોય. બ્રહ્માંણમાં રહેલ દરેક વસ્તુઓમાં શાંતિ વ્યાપે. દરેક સમયે દરેક જગ્યાએ શાંતિ ફેલાય. શાંતિના અહેસાસને હું મારા હૃદયમાં અનુભવ કરૃં.” (યજુર્વેદઃ૩૬-૧૭)

બૌદ્ધ ધર્મ: “ઘૃણાથી ઘૃણા મટી શકે નહીં પરંતુ પ્રેમથી. આ શાશ્વત નિયમ છે. તાકતથી બધા ધ્રુજે છે. બધાના જીવનને પ્રિય રાખો. પોતાની જેમ બીજાને ચાહો. ન હત્યા કરો ન હત્યાનું કારણ બનો. ” (ધમ્મવદ્ઃ૧૩૦)

ઇસ્લામ ધર્મ: “(રહમાન) અત્યંત કરુણામય અલ્લાહના (સાચા) બંદા તેઓ છે જેઓ ધરતી ઉપર નમ્રતાપૂર્વક ચાલે છે અને જાહિલ (અજ્ઞાાની) તેમના મોઢે લાગે તો કહી દે છે કે તમને સલામ.” (સૂરઃ ફુરકાન-૨૫ઃ૬૩), “અને જ્યારે તેમણે બેહૂદી વાત સાંભળી તો એમ કહી તેનાથી અલગ થઈ ગયા કે ”અમારા કર્મ અમારા માટે અને તમારા કર્મ તમારા માટે, તમને સલામ છે, અમે અજ્ઞાાનીઓ જેવી પદ્ધતિ અપનાવવા માગતા નથી.” (સૂરઃ કસસ-૨૮ઃ૫૫), “જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.” (સૂરઃ માઇદહ-૫ઃ૩૨).

પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ના કથનોનો ભાવાર્થ: “હું દયાનો પયગમ્બર છું. હું કૃપાનો પયગમ્બર છું.”, “જે દુનિયાના લોકો પર રહમ નથી કરતો અલ્લાહ તેની ઉપર રહમ નથી કરતો.” *

sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments