Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસન્યાય-વચનપાલન-ભલાઈ અને માફીની પરાકાષ્ઠા... એટલે શું?

ન્યાય-વચનપાલન-ભલાઈ અને માફીની પરાકાષ્ઠા… એટલે શું?

બે નવયુવાન ઇસ્લામના દ્વિતિય ખલીફા હઝરત ઉમર રદી.ની મહેફીલમાં દાખલ થતાં જ ત્યાં બેસેલા એક વ્યક્તિ સામે જઈ ઊભા થઈ ગયા અને તેના તરફ ઇશારો કરીને કહ્યું કે, “હે અમીરુલમોમેનીન! આ છે તે વ્યક્તિ જેણે અમારા બાપને કતલ કરી દીધો. હઝરત ઉમર રદી.એ તે વ્યક્તિને સંબોધિત કરતાં પૂછયું કે ખરેખર તમે આ યુવાનોના બાપને મારી નાંખ્યો છે?”

તે વ્યક્તિએ જવાબ આપ્યો; હે મુસલમાનોના સરદાર! આમનો બાપ પોતાના ઊંટ સમેત મારા ખેતરમાં દાખલ થઈ ગયો, મેં મનાઈ કરી અને રોકયો પણ તે રોકાયો નહીં તો મેં એક પથ્થર ઉઠાવીને દઈ માર્યો જે સીધો તેના માથામાં વાગ્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો. હઝરત ઉમર રદી.એ કહ્યું પછી તો તમારે કસાસ (હત્યા દંડ) આપવો પડશે અને તેની સજા તો મૃત્યુદંડ છે.

તેણે અરજ કરી, હે અમીરૃલ મોમેનીન! તેના નામથી જેની આજ્ઞાાથી આ ધરતી અને આકાશ કાયમ છે. મને રણમાં પાછા પોતાના પત્ની બાળકો પાસે જવાની અનુમતી આપો જેથી હું તેમને બતાવી આવું કે મને મૃત્યુ દંડ આપવામાં આવશે -તેમનો અલ્લાહ અને મારા સિવાય કોઈ આશ્રય નથી. હું પછી પાછો આવી જઈશ – હઝરત ઉમર રદી. ફરમાવે છે કે કોણ છે જે તારી જમાનત આપશે કે રણમાં જઈને તું પાછો આવીશ?

સભામાં ખામોશી છવાઈ જાય છે. કોઈ પણ એવી વ્યક્તિ ન હતી જે તેના નામ સુદ્ધાંથી વાકેફ હોય. ઘર અને કબીલાની વાત તો ઘણી દૂરની.  હવે તેના જામીન કોણ આપે? આ કંઇ દસ દિનાર ઉછીના આપવા, જમીનના ટૂકડા કે ઊંટના સોદાની વાત થોડી હતી?

ના, અહીં તો એક ગર્દનની જમાનત આપવાનો મામલો હતો જેને તલવારથી ઉડાવી  દેવામાં આવે છે. પછી એવું પણ કોઈ નથી જે અલ્લાહની શરીઅતના અમલી-કરણના મામલામાં ઉમર રદી.ના આદેશ સામે વાંધો ઉઠાવે… અથવા તે વ્યક્તિની ભલામણ કરવા ઊભો થઈ જાય? સભામાં હાજર તમામ લોકો ઉપર ખામોશી છવાઈ ગઈ… શું થઈ શકે? વિકટ પરિસ્થિતિ… ખુદ હઝરત ઉમર રદી. પણ ચિંતિત બની ગયા કેમકે આ માણસના સંજોગોએ બધાને વિમાસણમાં મૂકી દીધા હતા. પ્રશ્ન તેના પત્ની બાળકોનો હતો… શું તેને કતલ કરીને તેના બાળકોને ભૂખે મરી જવા છોડી દેવામાં આવે અથવા તેને જામીન વગર પાછો જવા દેવામાં આવે? કાયદો શું કરે!?

હઝરત ઉમર રદી. માંથુ નમાવીને ગમગીન બેઠા છે. પછી ગર્દન ઊંચી કરીને વિનંતીસભર નજરોથી નવયુવાનો તરફ જૂએ છે અને કહે છે, “માફ કરી દો આને… તેઓ જવાબ આપે છે, ના, અમીરૃલ મોમીનુન! જેણે અમારા બાપની હત્યા કરી, અમે તેને માફ કરી શકતા નથી. નવયુવાનો પોતાનો અંતિમ નિર્ણય વિના સંકોચે જણાવી દે છે.”

હઝરત ઉમર રદી. પછી ભેગા થયેલા લોકો તરફ જોઈને મોટા અવાજે પૂછે છે, હે લોકો! તમારામાં કોઈ છે જે આનો જામીન થઈ શકે?

હઝરત અબુઝર રદી. પોતાની સત્યનિષ્ઠાથી ભરપૂર વૃદ્ધાવસ્થા સાથે ઊભા થાય છે અને કહે છે, “હું આ વ્યક્તિની જમાનત આપું છું.” હઝરત ઉમર રદી. કહે છે, “અબુઝર તેણે હત્યા કરી છે,” “ભલેને કરી હોય” હું તેનો જામીન છું – અબુઝર રદી. પોતાનો અટલ નિર્ણય સંભળાવે છે.

હઝરત ઉમર રદી. ફરમાવે છે, “અબુઝર જોઈ લો, વિચારી લો… આ વ્યક્તિ જેને તમે ઓળખતા પણ નથી, જો ત્રણ દિવસમાં પાછો ન આવ્યો તો મારે તમારીથી જુદાઈનો પહાડ જેવો આઘાત સહન કરવા વિવશ બનવું પડશે.”

હઝરત અબુઝર રદી. પોતાના નિર્ણય ઉપર મકકમ … કહે છે, હે અમીરૃલમોમેનીન! પછી તો અલ્લાહ માલિક છે…

આમ મુસલમાનોના સરદારથી ત્રણ દિવસની છૂટ મેળવીને તે વ્યક્તિ વિદાય થાય છે. ત્રણ રાતો પછી અસરની નમાઝ પર્યાંત શહેરમાં લોકોને ભેગા થવાની ઘોષણા ગુંજી ઉઠે છે. નવયુવાનો પોતાના બાપનો બદલો લેવા બેચેન છે. લોકોનું ટોળું અલ્લાહની શરીઅતને લાગુ થતી જોવા ભેગા થયું છે. હઝરત અબુઝર રદી. પણ આવીને હઝરત ઉમર રદી. સમક્ષ બેસી જાય છે, “ક્યાં છે તે વ્યક્તિ? હઝરત ઉમર રદી. હઝરત અબુઝર રદી.થી પૂછે છે.”

“મને કંઇ જ ખબર નથી હે અમીરૃલમોમેનીન!” અબુઝર રદી. ટુંકો જવાબ આપવા સાથે આકાશ તરફ જોવાનું શરૃ કરી દે છે જ્યાં હવે સૂરજ ડૂબવાની તૈયારીમાં છે. મહેફિલમાં સન્નાટો છવાઈ ગયો છે અને ખુદા સિવાય કોઈને ખબર નથી કે આજે શું થવાનું છે – છેવટે સુર્યાસ્તની થોડીક જ ક્ષણો પહેલાં તે વ્યક્તિ દોડતો-હાંફતો-કાંપતો આવી પહોંચે છે…

હઝરત ઉમર રદી. તેનાથી સંબોધિત થઈને પુછે છે, “હે ભાઈ જો તુ પાછો ન આવતો તો અમે શું કરી શકવાના હતા – અહીં કોઈ ન તો તને ઓળખે છે, ન તારૃં ઘર કે ઠેકાણું જાણે છે ન એ ખબર છે તુ કયા વિસ્તારનો છે! પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, અમીરૃલમોમેનીન! અલ્લાહના સોગંધ, વાત આપની નથી તે પવિત્ર જાતની છે જે તમામ જાહેર અને છૂપાયેલાને જાણે છે, જોઈ લો, હું આવી ગયો છું પોતાના બાળકોને રણમાં એકલા ટળવળતા છોડીને જ્યાં ન તો વૃક્ષનો છાંયડો છે અને ન ક્યાંય પાણીનું નામોનિશાન… હું મૃત્યુદંડ માટે હાજર છું મને બસ માત્ર એટલો જ ડર હતો કે કોઈ એમ ન કહી દે કે હવે લોકોમાંથી વચનપાલનની પ્રતિબદ્ધતા જ નીકળી ગઈ છે….!!!”

હઝરત ઉમર રદી.એ હઝરત અબુઝર રદી. તરફ મોઢું ફેરવીને પૂછયું, તમે કયા આધારે આ વ્યક્તિની જમાનત આપી જેને તમે જાણતા પણ ન હતાં? હઝરત અબુઝર રદી.એ કહ્યું, હે મુસલમાનોના અમીર, મને એ વાતનો ડર હતો કે ક્યાક કોઈ એમ ન કહી દે કે હવે લોકોમાં ભલાઈ રહી જ નથી… હઝરત ઉમર રદી. એક ક્ષણ રોકાયા અને નવયુવાનોથી પૂછયું, બોલો, હવે તમે શું કહો છો? નવયુવાનોએ દુખી અને ગ્લાનીભર્યા સાદે આંખોમાં અશ્રુધારા સાથે કહ્યું, હે અમીરૃલમોમેનીન, અમે આ વ્યક્તિની સચ્ચાઈ અને વચનપાલનના કારણે તેને માફ કરી દઈએ છીએંે… અમને એ વાતનો ડર છે કે ક્યાંક કોઈ એમ ન કહી દે કે હવે લોકોમાંથી માફી અને દરગુજર કરવાની ભાવના જ મરી પરવારી છે…

વાંચક મિત્રો, આવા અદ્ભૂત પ્રસંગો વીતિ ગયેલા સમય સાથે વિદાય થઈ ગયા. આપણે પણ એ જ માનવ ઉપકારક સલ્લ.ના અનુયાયી હોવાનો દાવો કરીએ છીએ. જમાં હઝરત ઉમર રદી. અને હઝરત અબુઝર રદી. જેવા હજારો સદનસીબ લોકો શામેલ છે. પરંતુ તેઓમાં અને આપણામાં છેવટે આટલો બધો તફાવત કેમ પેદા થઈ ગયો છે? તેઓ પોતાના પ્રત્યેક નિર્ણય પહેલાં એ વાતનું ધ્યાન રાખતા હતા કે તેના ઉપર અલ્લાહની અને લોકોની પ્રતિક્રિયા શું હશે? આ જ કારણ છે કે આજે હિન્દુ – શીખ – ખ્રિસ્તી અને યહુદી સુદ્ધાં તમામ સમૂહો હઝરત ઉમર રદી.ના ન્યાયને દૃષ્ટાંતરૃપે રજૂ કરે છે. પરંતુ આપણે છીએ કે પોતાના જ નિર્દોષ ભાઈઓને જાહેરમાં મરતા જોઈ રહ્યા છીએ. હજારો નવયુવાનો જેલોમાં સબડી રહ્યા છે અને અદાલતો તેને ગુનેગાર ઠેરવી શકતી નથી છતાં વર્ષો સુધી જેલોમાં તેમના જીવન દુભર બની જાય છે. તેમની યુવાનીના કિમતી વર્ષો કોઈપણ વાંકગુના વગર વેડફાઈ જાય છે. જેના કારણે તેમના મન કડવા અને નફરતયુક્ત બની જાય છે.

આ કેવા પ્રકારની ન્યાય પ્રણાલી છે જેમાં કાર્યરત લોકોના શરીરમાં દીલ જેવું કંઇ જ નથી! ન તેમના પાસે અનુકંપા કે સંવેદના બાકી રહી છે… આપણા લોકો જેઓની જવાબદારી છે ન્યાય અને સમાનતા સ્થાપવાની, સુસજ્જ થઈ જાય ઇસ્લામ અને ઇસ્લામી વ્યક્તિઓથી ભરપૂર જીવનને જગત સામે મુકવા માટે… જ્યાં મામલાઓ અને વિવાદોનું નિરાકરણ હમદર્દી અને માફી ને દરગુજર દ્વારા સંભાળવાના બદલે બદલો અને વેરઝેર સાથે આગળ વધારવામાં આવે છે અને જેના નિરાકરણની કોઈ ઇચ્છા કે વ્યવસ્થા આ ન્યાય પ્રણાલીમાં બાકી રહી નથી. ન્યાયધીશ કે અદાલતો માત્ર મુક કાનૂન અને પુસ્તકો નામ નથી. તેમના પાસે પણ હૃદય હોય છે જેમાં રૃહ પણ હોવી જોઈએ. સંપૂર્ણ ન્યાય જે લોભ-લાલચ-સ્વાર્થથી પર હોય તે જ સમાજનું નવનિર્માણ અને તેને સ્વસ્થ  ને સ્વચ્છ રાખી શકે છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments