Wednesday, June 12, 2024
Homeપયગામપયગમ્બર મુહમ્મદ સલ્લ. ભારતના પરિપેક્ષ્યમાં

પયગમ્બર મુહમ્મદ સલ્લ. ભારતના પરિપેક્ષ્યમાં

રબિઉલ અવ્વલ અરબીનો તે મહિનો છે જેમાં જગતગુરૃ અને કૃપાળુ પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. આ અવસરને તકરૃપે લઇ ગુજરાતની પ્રખ્યાત ‘ગુજરાત વિદ્યાપીઠ’ની પ્રાર્થના સભામાં ‘પયગમ્બર મુહમ્મદ સલ્લ. ભારતના પરિપેક્ષ્યમાં’ વિષય ઉપર વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાસાથીના વાંચકોના લાભ માટે તેના કેટલાક અંશો અહિં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.

તે પરમ કૃપાળુ ઇશ્વરના નામથી જે સમગ્ર સૃષ્ટિનો સર્જક, પાલનહાર અને હાકેમ છે. પ્રશંસા તેના માટે જ છે જેમણે મનુષ્ય જાતિના માર્ગદર્શન માટે પયગમ્બરો અને ઇશદૂતોની પરંપરા શરૃ કરી. મુહમ્મદ પયગમ્બર સલ્લ. ઇસ્લામ ધર્મના સ્થાપક કે પ્રથમ પયગમ્બર ન હતા બલ્કિ તે ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હતા. જેની શરૃઆત અલ્લાહે પ્રથમ વ્યક્તિ આદમ અલૈ.થી કરી હતી. મુહમ્મદ સલ્લ.ની વિશેષતા એ છે કે તેઓ તેમના પહેલાના પયગમ્બર અને ગ્રંથોની ખરાઇ કરનારા અને પ્રાચીન ગ્રંથો જેમકે તૌરાત (યહૂદીઓનો ધર્મ ગ્રંથ) અને બાઇબલે કરેલ ભવિષ્યવાણીઓના સાર્થક હતા. બલ્કે ભારતીય ધર્મ ગ્રંથો ભવિષ્ય પુરાણ અને વેદ વગેરેમાં નરાશંક અને કલ્કિઅવતારના રૃપમાં જે પવિત્ર વ્યક્તિ વિશે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તેના મુજબ પણ તે પવિત્ર વ્યક્તિ પયગમ્બર મુહમ્મદ સલ્લ. હોય તેવું સ્પષ્ટ રૃપે લાગે છે.

આપણો પ્રિય દેશ ભારતમાં આજે વિવિધ પ્રકારની સમસ્યાઓએ માઝા મૂકી છે. તેના ઉકેલ માટે વિદ્ધાનો અને જે તે વિભાગના નિષ્ણાંતો મથી રહ્યા છે. કાયદા કાનૂન બનાવી રહ્યા છે. કાયદામાં સુધારણા કરી રહ્યા છે. પરંતુ યોગ્ય પરિણામ મળી રહ્યું નથી. આવી પરિસ્થિતિમાં પયગમ્બર મુહમ્મદ સલ્લ.નું શિક્ષણ ઉપર વિચાર મનન કરવાનું વિચારવું જોઇએ.

પયગમ્બર મુહમ્મદ સલ્લ. સંપૂર્ણ ક્રાંતિ (વ્યક્તિથી લઇને રાજનૈતિક સ્તર સુધી)નો જે પાયો રાખ્યો, જેનો આધાર-બિંદુ એકેશ્વરવાદ હતો. આમ જોવા જઇએ તો લગભગ બધા જ ધર્મોમાં એક ઇશ્વરની કલ્પના જોવા મળે છે. પરંતુ તે સીમિત દાયરામાં રહે છે. તે નિરંજન, નિરાકાર, સર્જનહાર અને પાલનહાર, કષ્ટ ભંજક તથા સ્વામી છે. એટલા સુધી તો લોકો શ્રદ્ધા ધરાવે છે પરંતુ ક્યાંક તે એકેશ્વર સાથે બીજી ઘણી બધી મૂર્તિઓને પૂજ્ય બનાવી લેવામાં આવી છે અને ક્યાંક ઇશ્વરને સમાજથી અળગો કરી દેવામાં આવ્યો છે. ક્રિયાકાંડ અને કર્મકાંડો સુધી તેમને સીમિત કરી દેવામાં આવ્યો છે. હઝરત મુહમ્મદ સલ્લ. એ વિશુદ્ધ એકેશ્વરવાદનો પરિચય કરાવતા જણાવ્યું કે તે કૃપાળુ ઇશ્વર માત્ર પૂજ્ય અને ઉપાસ્ય જ નથી બલ્કે આપણો માર્ગદર્શક અને વિદ્યેયક પણ છે. જે મનુષ્ય જીવનના સમગ્ર પાસાંમાં માર્ગદર્શન કરે છે.

આ જ એકેશ્વરવાદના આધાર ઉપર આપ સલ્લ.એ સમાનતાની વાત કરી. જ્યારે બધા જ મનુષ્યોનો જન્મદાતા એક જ ઇશ્વર છે. તો પછી મનુષ્ય-મનુષ્ય વચ્ચે કોઇ પણ પ્રકારે ભેદભાવ કે ઊંચનીચ યોગ્ય નથી. મુહમ્મદ સલ્લ.એ કહ્યું કે સમગ્ર માનવજાતિ એક જ માતા પિતાની સંતાન છે. કોઇ કાળાને ગોરા પર, કોઇ આરબને બિન આરબ પર કોઇ શ્રેષ્ઠતા પ્રદાન નથી અને આ રીતે આપ સલ્લ.એ તે સમયમાં જોવા મળતા રંગ ભેદ, ભાષાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ, કોમવાદ વગેરેને મૂળથી ઉખેડી ફેંક્યા અને પરિવાર સમા એક સમાજની રચના કરી. આમ તો ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ “વસુધૈવ કુટુંમ્બકમ”ની જે શિક્ષા આપવામાં આવી છે. પરંતુ તેની છત્રછાયામાં વર્ણ વ્યવસ્થા પણ ફૂલી ફાલી છે. આજે પણ આપણા સમાજમાં છૂતછાત અને ઊંચનીચ જોવા મળે છે. ગામડાઓમાં આ સમસ્યા વધારે છે. પરંતુ શહેરો પણ તેનાથી બાકાત નથી. કહેવાતી નીચી જાતિની કોઇ વ્યક્તિ ઉંચી જાતિની સોસાયટીમાં ઘર ખરીદી શકતી નથી. ભલે તે ગમે તેટલી ભણેલી ગણેલી હોય. તેના ઘણા ઉદાહરણો મારી પાસે છે. આઝાદીના ૬૫ વર્ષો વિત્યા છતાં તેમને સામાજિક દરજ્જો મળી શક્યો નથી. એક રિપોર્ટ મુજબ એસ.સી. અને એસ.ટી. વિરૂદ્ધ જે ગુના નોંધાયા છેે. તેની સંખ્યા ૩૯૫૭૭ છે. જ્યારે ઇસ્લામે આસ્થાના આધારે આ સમસ્યાને જળમૂળથી નાબૂદ કરી નાંખી.

એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદ વ અયાઝ
ન કોઇ બંદા રહા ન કોઇ બંદા નવાઝ

સ્ત્રી અધિકારો :

સ્ત્રીઓનું પણ માનવીય અસ્તિત્વ છે અને પુરૃષોની જેમ તેમને પણ સમતુલિત અને સમાન અધિકારો મળવા જોઇએ. જે યુગમાં આપ સલ્લ.નો જન્મ થયો. તે સમય સ્ત્રીઓને વારસામાં હક નહોતો મળતો. બાળકીઓને જીવતી દાટી દેવામાં આવતી. તેમની સાથે થતો ગુલામની જેમ વ્યવહાર થતું. ભારતમાં પણ નીચી જાતિની સ્ત્રીઓને તેમના સ્તન ઢાંકવાની પરવાનગી ન હતી. તેમને દૂધપીતિ કરી દેવા કે ઓશિકા વડે મોઢું દબાવી મારી દેવામાં આવતી. વિધવાને અશુભ સમજવામાં આવતી અને તે નિસહાય થઇ સતિ થવા મજબૂર થતી. કેટલાક સ્ત્રીઓમાં ‘આત્મા’ જ નથી. તેવું માનતા અને કેટલાક સ્ત્રીને ‘શેતાન’નું રૃપ કહેતા વગેરે. આવી ઘણી બધી સમસ્યાઓ હતી. આજેય આપણા દેશમાં સ્ત્રીઓ સાથે જે વ્યવહાર થઇ રહ્યો છે તે જોઇ વાંચી શકાય છે. એન.સી.આર.બી.ના રિપોર્ટ મુજબ ગત વર્ષમાં સ્ત્રી સંબંધિત જે ગુનાઓ નોંધાયા તેની સંખ્યા આસરે ૨.૪૪ લાખ છે. દરેક ૨૯ મીનિટમાં એક બળાત્કાર, ૭૭ મીનિટમાં એક દહેજ હત્યા થાય છે. ૭૦% જેવા ડોમેસ્ટીક હિંસા નોધાય છે. ૧૦ મીલિયન ભ્રુણ હત્યા થઇ છે. જેના લીધે ભારતમાં સ્ત્રી પુરૃષ અનુપાતમાં ધરખમ ફરક જોવા મળી રહ્યો છે. જે અમુક વિસ્તારમાં તો ૧૦૦ પુરૃષ સાથે ૮૮.૩ સ્ત્રી સુધી પહોંચી ગયુ છે. યૌન શૌષણ, છેડછાડના બનાવો વધી રહ્યા છે.

હઝરત મુહમ્મદ સલ્લ.એ કહ્યું કે જે વ્યક્તિ ત્રણ અથવા બે દિકરીઓની સારી સાર સંભાળ રાખે. તેમને સારા સંસ્કાર શિખવાડે અને પછી સારી જગ્યાએ તેમના લગ્ન કરે તે સ્વર્ગમાં મારી સાથે એવી રીતે હશે (આપે પોતાની બે આંગળી ભેગી કરીને બતાવી) તેમના અનુયાયી (સહાબી)માંથી એક વ્યક્તિએ કહ્યું કે જો કોઇ આપ સલ્લ.થી એક બાળકી વિશે પ્રશ્ન કરતો તો તેને પણ આપ આ જ વાત કહેતા. કુઆર્ન કહે છે કે અલ્લાહ ક્યામતના રોજ જીવિત દાટી દીધેલ બાળકીને પૂછશે કે તે કયા અપરાધમાં મારી નાખવામાં આવી હતી. અને વિધવા લગ્નની સમસ્યા દૂર કરી સ્ત્રીઓને જીવવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો. તેમને શિક્ષણ આપવાનું ફરજ કર્યું. વારસામાં તેમને અધિકાર આપ્યા. તથા સ્ત્રીઓને સામાજીક, આર્થિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક પગભરતા અને સશક્તિકરણ કર્યું. આધ્યાત્મની ઉચ્ચ શિખરે પહોંચવા માટે આજેય સ્ત્રીને અડચણરૃપ સમજવામાં આવે છે. તેથી જ આવા લોકો બ્રહ્માચાર્ય અને સન્યાસને પસંદ કરે છે જ્યારે કે આપ સલ્લ.એ ઇમાનની પરિપૂર્ણતા માટે તેમને સહયોગી કરાર દીધી છે. આપે ફરમાવ્યું, “નિકાહ (લગ્ન) ઇમાનની પરિપૂર્ણતા છે.” અને કહ્યું, જે નિકાહ ન કરે તે અમારામાંથી નથી. સમાજમાંથી દૂષણોને ખત્મ કરવા પરદા વ્યવસ્થા, નજરો નીચી રાખવા અને વિચારોને સ્વચ્છ રાખવાનું શિક્ષણ આપ્યું. દીકરી, પત્નિ, બહેન અને માતાના રૃપમાં આદર કરતા શિખવાડયું. આપે કહ્યું, “સ્ત્રીઓ વિશે અલ્લાહથી ડરતા રહેજો.” લાખો કરોડો રૃપિયાના ખર્ચા , જાહેરાતો હોવા છતાં આપણી સરકારનું બેટી બચાવો આંદોલન સફળ થતું નથી.

શરાબ (દારૃ):

દારૃના નુકસાનોથી કોણ વાકેફ નથી. દારૃબંધી માટે સરકાર પણ ઘણા પ્રયત્નો કરે છે. (એ જુદી વાત છે કે અનાજને સડાવી દારૃ બનાવતી કંપનીઓને બંધ બારણે વેચવાની મંજરી આપવામાં આવે છે.) ભારતમાં જ નહિ સમગ્ર દુનિયામાં દારૃ જીવનની જરૃરયાત બની ગયું હોય તેવું લાગે છે. ૧૯૧૯માં અમેરિકામાં દારૃબંધી હતી પરંતુ ત્યારબાદ આંદોલન થયા, પ્રદર્શનો થયા અને ૧૯૩૩માં તેની પરવાનગી આપી દેવામાં આવી. ગુજરાતમાં પણ ભલે ગાંધીજીના નામે દારૃબંધી હોય પરંતુ દરેક વિસ્તારમાં દારૃ સરળતાથી મળી આવે છે. મોટી મોટી હોટલોને દારૃ પિરસ્વા લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ સરકાર તેની નૈતિક જવાબદારી સમજીને દારૃ મુક્તિ, ખુશાલ પરિવારની જાહેરાતો કરતી ફરે છે. જેમાં રાજ્ય સરકારની તિજોરીના કરોડો રૃપિયાનો નિરર્થક વ્યય થાય છે. આરબો પણ દારૃને બહુ પ્રેમ કરતા હતા. ૨૦૦થી વધારે પ્રકારની દારૃની વેરાયટી હતી. તેમના ઘરોના મટકામાં પાણીની જેમ ભરીને રાખતા હતા. એવા રસિયા કે મહેમાન આવે તો તેમને પણ દારૃ પિરસવામાં આવતું. પરંતુ જ્યારે મુહમ્મદ સલ્લ.એ અલ્લાહનું ફરમાન સાંભળાવ્યુ કે દારૃ હરામ (અવૈધ) કરી દેવામાં આવી છે તો લોકોએ તરત ત્યજી દીધી. તેમના હોઠોથી પ્યાલા હટાવી લીધા. ગાળામાં આંગળી નાંખીને કાઢી દીધી અને માટલાઓ ફોડી દીધા. સંપૂર્ણ પણે સમાજ દારૃમુક્ત થાય તે માટે આપે કહ્યું દારૃનું ઉત્પાદન, તેને વેચવું, તેની હેરાફેરી કરવી, તેના વિશેના હિસાબો લખવા (ઉત્પાદન અને તેનાથી સંલગ્ન બધી વસ્તુઓ) બંધુ હરામ છે. દારૃડિયા માટે સજા નિયુક્ત કરવામાં આવી અને જોતજોતામાં સમગ્ર મદીના દારૃમુક્ત થઇ ગયુ અને કોઇ રૃપિયાનો પણ ખર્ચ કરવોના પડ્યો.

ભ્રષ્ટાચાર :

ભ્રષ્ટાચાર એ માત્ર રૃપિયા પૈસાની અનૈતિક લેવડ દેવડ કે લાંચ રૃશ્વતનું નામ નથી. પદ અને સત્તાના દુરૃપયોગ અને ભાવ વધારા માટે માલનો સંગ્રહ કરવાનું નામ પણ છે. ભારતની આઝાદી સમયે જીપ કૌંભાડથી લઇને અત્યાર સુધી ઘણા બધા આપણી સામે આવી ચુક્યા છે. પટાવાળાથી લઇને મંત્રી સુધી અને કલાર્કથી લઇને ઉચ્ચ અધિકારી સુધી મોટા ભાગે આ દુષ્ટાચારમાં સંડોવાયેલા છે. બલ્કે મોરારજી દેસાઇના શબ્દોમાં ભ્રષ્ટાચાર આપણી સંસ્કૃતિનું ભાગ બની ગયું છે. સામાન્ય વ્યક્તિને તેના જાઇઝ અધિકાર પણ લાંચરૃશ્વત વગર નથી મળતા. આપ સલ્લ.એ જે સમાજની રચના કરી હતી તેમાં ઇમાનદારી આંખે ઉડીને વડગે તેવી હતી. આપ સલ્લ.એ કહ્યું શાસક સમાજ સેવક હોય છે અને આપે કહ્યું એવી વ્યક્તિને સત્તા સોંપવામાં આવે જે સિદ્ધાંતવાદી, સંયમી અને સદાચારી હોય. આપ સલ્લ.એ શિક્ષણ આપ્યું કે સરકારી ધન જનતાની અમાનત (થાપણા) છે જે વ્યક્તિગત કાર્યો માટે કે તમારામાં દરેક વ્યક્તિ ઉત્તરદાયી છે અને તેનાથી (ક્યામનના દિવસે) તેના આધીન લોકો વિશે પ્રશ્ન કરવામાં આવશે. શાસકથી પ્રજા વિશે અને પુરૃષથી તેના પરિવાર વિશે પુછપરછમાં કરવામાં આવશે. અને આપ સલ્લ.ના શિક્ષણના પરિણામ સ્વરૃપ જે શાસન વ્યવસ્થાની રચના થઇ તે આવતી દુનિયા માટે ઉદાહરણરૃપ છે.

અર્થ વ્યવસ્થા :

આજે આપણા દેશની આર્થિક નીતિઓના કારણે મોટી સમસ્યા ઉભી થઇ છે. ધનિક વધુ ધનિક થઇ રહ્યો છે અને ગરીબ વધુ નાદાર બની રહ્યો છે. દેશની ૮૦% જનતા ૨૦% સંસાધનો સાથે જીવન નિર્વાહ કરવા મજબૂર છે. ધનિક અને ગરીબ વચ્ચે વધતુ જતુ અંતરનું મુખ્ય કારણ વ્યાજ છે. ગરીબ વ્યક્તિ મજબૂરીમાં ફરજ લે છે અને વ્યાજના જાળમાં એકવાર સપડાઇ જાય તો તેની સ્થાવર મિલ્કતો પણ વેચવાની વારી આવે છે અને છેલ્લે આત્મહત્યા સિવાય તેને કોઇ વિકલ્પ દેખાતો નથી. આપ સલ્લ.એ ઝકાતને ફરજીયાત કર્યું કે જેથી ધનિક લોકોથી માલ લઇ ગરીબ લોકોને આપી શકાય. આપ સલ્લ.એ વ્યાજ વગર ઋણ આપવાની તથા લેણદારને સરળતા આપવાનું શિક્ષણ આપ્યું. સંકટના સમયે તેનાથી લાભ કમાવવાને બદલે દયાભાવ સાથે વ્યવહાર કરવાની વાત કરી. બંજર જમીનને ફળદ્રુપ તેમજ નાણાંનો વ્યય ન કરવાની શિખામણ આપી. ધનને ઇશ્વરની નિકટતા પ્રાપ્ત કરવાનું સાધન બતાવ્યું. અને તેના માટે દાન આપવા તેમજ જરૂરતમંદો અને નિઃસહાય લોકો પર ખર્ચ કરવાને પ્રોત્સાહન આપ્યું.

પર્યાવરણ :

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી. ઔદ્યોગિકરણની બેલગામ પ્રગતિએ માનવતાને જે ભેટ આપી છે. તેમાની એક ‘પર્યાવરણીય સંકટ’ છે. જેનો સમગ્ર શ્રેય કુદરતી સંસાધનોના વ્યયના કારણે સૃષ્ટિની સમતુલા ખોરવાઇ ગઇ છે. ક્લાઇમેટ ચેન્જ, વાયુ પ્રદુષણ, ઓઝોન (સુરક્ષા કવચ)માં છિદ્ર, ઊર્જા અને કુદરતી સંસાધનોની કટોકટી વગેરે જેવી સમસ્યાઓ ઉભી થઇ છે. પર્વતો અને ખાણોનું અસંતુલિત ખનન, પ્રાકૃતિક સંસાધનોનું દહન જંગલોની કપાઇ વગેરેના કારણે ગ્લોબલ વોર્મિંગનો રાક્ષસ માનવસૃષ્ટિને ભરખી જવા ઉભો છે. પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લ.એ કહ્યું સાદગી શ્રદ્ધાનો એક ભાગ છે. નિરૃદેશ્ય પ્રાણીઓનો શિકાર ન કરો. ગૌચરોનો ઉપજાઉ બનાવવાના પ્રયત્નો કરો, પાણીનો બગાડ ન કરો, વૃક્ષો રોપો, વગેરે. મલ્ટી નેશનલ કંપનીઓ જે રીતે આજે કુદરતી સંસાધનો પર પોતાના કબજા જમાવી જઇ રહી છે તેને રોકતા ફરમાવ્યું, ‘બધા જ મુસલમાનો ત્રણ વસ્તુઓમાં સમાનરૃપે ભાગીદાર છે, ઘાસ, પાણી અને આગ.’ (અબૂદાઉદ) ‘જે કોઇ બંજર જમીનને લીલુછમ કરશે તેને પુણ્ય મળશે.’ (અહમદ) ‘તમે વહેતા દરિયા પાસે હોવ તોય પાણીનું વ્યય ન કરો’ (અહમદ) ‘એવી રીતે જીવન વ્યતિત કરો કે જાણે તમે એક મુસાફિર છો.’ (તિર્મીઝી). વગેરે. આપ સલ્લ.એ લોકોને ઇશ્વરનો સંદેશ આપતા કહ્યું, “આકાશને તેણે ઊંચું કર્યો અને તુલા સ્થાપિત કરી દીધી. તેનો તદાકો એ છે કે તમે તુલામાં વિક્ષેપ ન રાખો.” (સૂરઃરહમાન-૭,૮)

ન્યાય :

ન્યાય દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણા દેશમાં ન્યાય મેળવવો એક સ્વપ્ન બની રહ્યું છે. આપણા દેશના ન્યાયીધીશમાં પણ કેટલાંક ભ્રષ્ટ છે. તે બાબત આપ સૌ જાણે છો. ન્યાય પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ છે. વધુમાં ખૂબજ મોધી પણ. કેદીઓની સાથે થર્ડ ડિગ્રી વ્યવહાર કરવામાં આવે છે. ન્યાય પ્રણાલીઓ ઉપર એક પ્રકારનું રાજનૈતિક દખલ હોય છે. વકીલોની મોંઘી ફીના કારણે વંચિત અને પીડીત લોકો ન્યાયલયમાં લડત લડી શકતા નથી. નિષ્ણાંત વકીલ તેને માનવામાં આવે છે જે ખોટા કેસને સાચો સાબિત કરવાની આવડત રાખતો હોય. આવી બધી જ સમસ્યાઓના કારણે ઘણા લોકો કહે છે, ન્યાય આંધળો હોય છે. આપ સલ્લ. એ જે શિક્ષણ આપ્યું છે તે ખુબજ પ્રભાવકારી છે. આપે સ્વતંત્ર ન્યાયલયોનું નિર્માણ કર્યું. સત્ય અને ન્યાયના સાક્ષી બનવાનો આદેશ આપ્યો. ન્યાય પ્રક્રિયાને ખુબ જ સસ્તી, સરળ અને ટુંકી બનાવી હતી. કોઇ પણ વ્યક્તિ કોઇ માધ્યમ વગર પોતાનો પક્ષ રાખી શકતો હતો. કોઇ વ્યક્તિ કે જાતિને વિશેષ અધિકાર પ્રાપ્ત ન હતા અને ન્યાયાલયો સંપૂર્ણ પણે રાજનૈતિક દબાણથી સ્વંતંત્ર હતા.

મૂડીવાદ :

આજે મૂડીવાદી લોકોએ માનવીની પ્રાકૃતિક જાતિય જરૂરત અને નબળાઇને અઢળક નાણા કમાાવવાનું સ્ત્રોત બનાવ્યું છે. પોર્નોગ્રાફી, અશ્લીલ જાહેરાતો, નગ્ન ચિત્ર, બ્લુય ફિલ્મો, બ્યુટી કોન્ટેસ્ટ, જાતીય રીતે દિશાહીન કરવા માટે નોેવેલ અને સાહિત્ય તૈયાર કરવા અને સમાજમાં ફેલાવવામાં આવી રહ્યો છે. કૂમળીવયના બાળકોને સેક્સ એજ્યુકેશનની વાતો કરે છે. ક્યારેક સમલૈગિંકતા અને લિવ ઇનને કાયદેસરતા આપવાની માંગો ઉઠાવવામાં આવે છે. વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને ખપાવવા માટે માર્કેટ ઉભી કરવામાં આવે છે. પછી નાણાં કમાવવામાં આવે છે. તેઓ નૈતિકતાથી પર અને લાગણીહીન હોય છે. મુહમ્મદ સલ્લ. એ એક બીજાને પ્રેમ અને સહકાર આપવાનું શિક્ષણ આપ્યું. દયા અને કરૃણા જેવા ગુણોનું સીંચન કર્યું. અશ્લીલતાના બધા માર્ગો બંધ કરવામાં આવ્યા. દરેક વ્યક્તિમાં ઇશ્વર સામે ઉત્તરદાયિત્વની ભાવના દૃઢપણે વિકસીત કરવામાં આવી.
ભારતીય સમાજના પરિપેક્ષ્યમાં વિષય હેઠળ આ ટુંકા વકતવ્યમાં અમુક ચીજોનું સમાવેશ કરવામાં આવ્યું છે. આપણા સમાજની જે સમસ્યાઓ છે તે અને તે પ્રકારની સમસ્યા એ સમાજમાં પણ જોવા મળતી હતી. જેમાં આપ સલ્લ.નો જન્મ થયો હતો. આપ સલ્લ.એ એકેશ્વરવાદ, ઇશદુતત્વ અને પરલોક પર શ્રદ્ધાના બીજ રોપ્યા અન તેના આધારે જે સમાજની રચના કરી તે ક્યામત સુધી આવનારી માનવ સૃષ્ટિ માટે દાખલારૃપ છે. જેમનું શિક્ષણ અજ્ઞાની અને અસભ્ય આરબોને સભ્ય, વિદ્વાન, દયાળુ અને દુનિયાનું નેતૃત્વ કરવાવાળુ બનાવી શકે. બકરીઓ ચારનારાને દેશ વ્યવસ્થા ચલાવવાનું શીખવાડી શકે શું તે આપણા ભારતીય સમાજના પ્રશ્નો ન ઉકેલી શકે? આ બાબતે આપણને વિચાર કરવો રહ્યો. હા, એક બાબત આપણને સમજી લેવી જોઇએ જેનો ખુલાસો કરવો હું યોગ્ય સમજુ છું. એ છે કે મુહમ્મદ સલ્લ.ની તાલીમ અથવા ઇસ્લામનું શિક્ષણ શું છે તે જાણવું હોય તો મુસ્લિમ સમાજને ન જોતા તેમાં કેટલીક કમજોરીઓ દાખલ થઇ ગઇ છે. પરંતુ તે આપ સલ્લ.નું જીવન ચરિત્ર, તેમની વાણી વચનો અને કુઆર્નના સ્વરૃપમાં આપણી પાસે શુદ્ધ સ્વરૃપે મોજૂદ છે. મારી મુસલમાનોથી પણ નમ્ર વિનંતી છે કે તેઓ હઝરત મુહમ્મદ સલ્લ.થી પ્રેમનો દાવો કરે છે તો તેની સાબિતી આ છે કે તેઓ તેમના શિક્ષણ મુજબ આચરણ કરી દુનિયા માટે દાખલારૃપ બને.

Email : sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments