Sunday, July 21, 2024
Homeકેમ્પસ વોઇસપરીક્ષાની તૈયારી

પરીક્ષાની તૈયારી

જેમ જેમ માર્ચ મહિનો નજીક આવે એમ દસમા અને બારમાના વિદ્યાર્થીઓની ચિંતા વધતી જાય છે. બોર્ડની પરીક્ષામાં શું લખીશ, કેવી રીતે લખીશ, બરાબર તો લખી શકીશને? સારા પર્સેન્ટાઈલ આવશે કે નહીં? આવી ચિંતા થાય એ સ્વાભાવિક છે કારણ કે આખા વર્ષની તૈયારીને માત્ર ત્રણ કલાકમાં અભિવ્યક્ત કરવાની હોય છે. થોડી ચિંતા થાય અને વિદ્યાર્થીઓ વધારે સારી તૈયારી કરવા માંડે તો એ પ્રેરણાત્મક બાબત છે. અભ્યાસ અને પરીક્ષાના હેતુ પણ સમજવા જોઈએ. કોઈપણ અભ્યાસ એક સપ્તાહ કે પખવાડિયામાં શીખી ન શકાય. શીખવું એક સળંગ અને સતત ચાલતી પ્રક્રિયા છે, જે ત્રણ-ચાર વર્ષની ઉંમરથી શરૃ થાય છે અને જીવંત પર્યંત ચાલુ રહે છે. ઇસ્લામે તો પારણાથી કબર સુધી જ્ઞાાન પ્રાપ્ત કરવાનું ફરજિયાત ઠેરવ્યું છે. અભ્યાસના મુખ્ય ત્રણ ઉદ્દેશ હોય છે. લાંબાગાળાના, મધ્યમગાળાના અને ટૂંકાગાળાના હેતુ.

લાંબાગાળાના હેતુઃ કેટલાક વિદ્યાર્થીઓ જાણે છે કે તેમના લાંબાગાળાના હેતુ શું છે; પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એનાથી અજાણ હોય છે. જો કે આનાથી શીખવાની પ્રક્રિયા ઉપર કોઈ ફરક પડતો નથી. લાંબાગાળાના હેતુમાં મુખ્ય ત્રણ બાબતો હોય છે. પ્રથમઃ અત્યારે અથવા પછી વિદ્યાર્થી નોકરી વ્યવસાય માટે સ્પર્ધા કરશે જ. જો બરાબર અભ્યાસ કર્યો હશે તો નોકરી કે કામધંધો શોધવામાં તકો વધી જશે. જેટલી યોગ્યતા વધારે એટલી તક વધારે. બીજું , અભ્યાસ તમારા જ્ઞાાન અને સમજદારીમાં વધારો કરે છે અને જીવનની સમસ્યાઓને સ્પષ્ટપણે ઉકેલવામાં મદદ કરે છે. ત્રીજું, અભ્યાસ એક અવર્ણનીય આનંદ આપે છે. જેઓ ગંભીર રીતે અભ્યાસ કરે છે તેઓ જાણે છે કે આ ડુંગળી જેવું છે એક એક પડ ખુલતું જાય એમ નવા નવા વિષયો અને રસો વિશે જાણવાની ઉત્કંઠા વધતી જાય છે. અને દરેક વખતે જ્ઞાાનમાં સમૃદ્ધ બનતા જાવ છો. જેમ જેમ તમે વધારે સમજો છો એમ આનંદ વધતો જાય છે.

મધ્યમગાળાના હેતુ – પરીક્ષાઃ આ સ્પર્ધાનો યુગ છે. તમારૃં ભવિષ્ય પણ આ પરીક્ષાઓ ઉપર નિર્ભર છે. એના માટે વાસ્તવિકરૃપે વિચારવું જોઈએ. ઘણા લોકો આપણી પરીક્ષા પદ્ધતિ તો શું આખી શિક્ષણ પદ્ધતિથી જ નારાજ છે. એમના મતે આ ‘ઉંદર દોડ’ (રેટરેસ)થી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થતો નથી. જો કે એવા લોકોને પૂછો કે તમારી પાસે શિક્ષણ માટે ક્રાંતિકારી યોજનાઓ છે તો મોઢું ફેરવી લેશે. આપણે માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે છેલ્લા ૭૦ વર્ષમાં શિક્ષણક્ષેત્રે કોઈ ક્રાંતિ થઈ નથી અને નજીકના ભવિષ્યમાં એવી કોઈ શક્યતા પણ નથી. એનો અર્થ એ કે પરીક્ષાઓ પખવાડિયામાં નાબૂદ થઈ જવાની નથી, તેથી એની તૈયારી કરવી આવશ્યક છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ શિક્ષણ પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ છે અને એવા કેટલાય ઉદાહરણો છે કે પરીક્ષાઓ આપ્યા વિના કે ભણ્યા વિના પણ ઘણાં લોકો જીવનમાં સફળ થઈ ચૂકયા છે. તો પણ જ્યાં સુધી કોઈ ક્રાંતિકારી પરિવર્તન ન થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે તો આ પરીક્ષાઓ જ છે જે ભવિષ્યના દ્વાર ઉઘાડી દે છે અથવા તો બંધ કરી દે છે.

પરીક્ષામાં પરિણામ શું આવે છે એ અલગ વાત છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ પરીક્ષા આપવાનો એક પડકાર પાર કરી શકયા અને એમાંથી મળતો સંતોષ અને આત્મવિશ્વાસ અવર્ણીનીય હોય છે.

ટૂંકાગાળાના કે તરતના હેતુઃ રોજબરોજનું હોમવર્ક કે એસાઈનમેન્ટ એ ટૂંકાગાળાના હેતુ કહી શકાય. આ હેતુ સફળતાથી પાર પડાય તો મધ્યમગાળાના હેતુ પણ સફળતાપૂર્વક પાર પડશે.

અભ્યાસ માટેના સ્થળઃ વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ કરે છે એ તો બરફની શિલા સમુદ્રની બહાર દેખાતી હોય છે એટલું જ હોય છે. ૯૦% જેમ સમુદ્રની અંદર હોય છે એવી જ રીતે ઊંડાણપૂર્વકનો અભ્યાસ શાળા છૂટયા પછી પણ કરવાનું રહે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ટયુશનમાં અને ઘરે અભ્યાસ કરીને આ કાર્ય પૂર્ણ કરી લે છે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના ઘરે અલગ અભ્યાસ ખંડની વ્યવસ્થા હોતી નથી. એવા વિદ્યાર્થીઓ સરકારી પુસ્તકાલયના રીડીંગરૃમમાં અભ્યાસ કરી શકે છે. અફસોસ આ વાતનો છે કે દરેક વાતમાં સૌથી આગળ હોવાનો દાવો કરવામાં આવે છે એવા ગતિશીલ ગુજરાતની મોટાભાગની સરકારી અને ખાનગી શાળાઓમાં પુસ્તકાલય અને અલગ વાચન ખંડ છે જ નહીં. લાખો રૃપિયા ડોનેશન લેતી અહમદાબાદની ખાનગી શાળાઓમાં પણ જો આ સ્થિતિ હોય તો બીજા શહેરો અને ગામડાઓમાં શું સ્થિતિ હશે એ સમજી શકાય એમ છે. ગરીબ વિદ્યાર્થીઓ જો નસીબદાર હોય અને એમની નજીકમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થા અલગથી વાચન ખંડ ધરાવતી હોય તો ભયો ભયો નહિતર સ્ટ્રીટ લાઈટની નીચે બેસીને વાંચવાનો વારો આવે છે. એકવીસમી સદીમાં પણ આપણી આ સ્થિતિ દુઃખદ છે. એની સામે આશ્વાસન લેવા જેવી વાત એ છે કે ઘણાં બધા લોકો આવી સ્ટ્રીટ લાઈટમાં વાંચીને મોટા અધિકારીઓ કે વેપારીઓ બની જીવનમાં સફળ થઈ  શકયા છે.

વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા બેસે ત્યારે ખલેલ ન પડે એ રીતે તૈયારી કરીને બેસવું જોઈએ. જરૂરી પાઠયપુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર, પાણીની બોતલ વગેરે લઈને બેસવું જોઈએ. વારે ઘડીએ ઊઠ-બેસ કરવાથી એકાગ્રતા ભંગ થાય છે. ફોન લઈને અભ્યાસ કરવા બેસવું ન જોઈએ. ફોન સૌથી મોટો ખલેલ પાડનાર ખલનાયક છે. હા, કોઈ મિત્રે વોટ્સએપ ઉપર કોઈ નોટ કે જરૂરી માહિતી મોકલી હોય એ જોઈ લેવામાં વાંધો નથી. કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ કરતાં કરતાં ગીત-સંગીત સાંભળવાનો શોખ હોય છે. આ રીત યોગ્ય નથી. કેટલાક ટીવી જોતાં જોતાં પણ અભ્યાસ કરે છે આનાથી અભ્યાસનો શું અર્થ સરતો હશે ખબર નહિં. આનાથી બચવું જોઈએ.

કયા સમયે અભ્યાસ કરવો એ પણ મહત્ત્વની બાબત છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સાંજે ટયુશનમાંથી આવી મોડી રાત સુધી વાંચે છે. આ રીતે વાંચવામાં વાંધો નથી પરંતુ સવારે મોડા ઊઠે છે. એનાથી સારી રીત આ છે કે જલ્દી ઊંઘી વહેલી સવારે ઊઠી યાદ કરવામાં આવે તો જલ્દી યાદ રહે છે. ઊંધ્યા પછી મગજ એકદમ સ્વસ્થ હોય છે. યાદ રાખવા માટે સારી ઊંઘ – લગભગ ૭ થી ૮ કલાક જરૂરી હોય છે. જે કાંઇ વાંચ્યું હોય એને સુષુપ્ત મનમાં – સ્મરણમાં ગોઠવવા માટે મગજને પૂરતો સમય આપવો જોઈએ.

કેટલા કલાક વાંચવું એ પણ મહત્ત્વનો પ્રશ્ન છે. કેટલો અભ્યાસ કરવો એ દરેક વિદ્યાર્થીના બુદ્ધિઆંક અને ગ્રહણશક્તિ ઉપર નિર્ભર કરે છે અને દરેક વિદ્યાર્થીએ પોતે જ નક્કી કરવું જોઈએ કે કેટલા કલાક અભ્યાસ કરવો. જેટલા કલાક પણ અભ્યાસ કરે સંપૂર્ણ એકાગ્રતા અને લગનપૂર્વક કરે એ આવશ્યક છે. કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓનું માનવું છે કે સળંગ ત્રણ ચાર કલાક અભ્યાસ કરવા કરતાં અડધા અડધા કલાકના સેશન વધારે ફાયદાકારક હોય છે. દરેક અડધા કલાક પછી ચાર-પાંચ મિનિટ આરામ લેવું જોઈએ. જેનાથી જે કાંઇ વાચ્યું એને યોગ્ય રીતે ગોઠવવા માટે મગજને સમય મળે અને એ વધારે લાંબા સમય સુધી યાદ રહી શકે.

અભ્યાસ કરવા માટે સમયનું આયોજન જરૂરી છે. શાળા કોલેજમાં તો ટાઈમટેબલ પ્રમાણે વર્તવાનું હોય છે પરંતુ એ સિવાયના સમય માટે યોગ્ય આયોજન કરવું જોઈએ. બની શકે તો રવિવારના દિવસે આરામ કરવું જોઈએ અથવા તો અડધો દિવસ અભ્યાસ કરી અડધો દિવસ મનોરંજન માટે રાખવો જોઈએ. યાદ રાખો કે દરેક સમયે વાંચ વાંચ કરવાથી તમે હોંેશિયાર નથી થઈ જતા. મનોરંજન અને રિલેકશેસન આપણી માનસિક જરૃરિયાત છે.

શીખવાના સ્ત્રોતઃ શાળા અને ટયુશન કલાસ શીખવા માટેના સૌથી મહત્ત્વના સ્ત્રોત છે પરંતુ આ જ એક માત્ર સ્ત્રોત નથી. આ ઉપરાંત બીજા પણ સ્ત્રોતો છે જ્યાંથી ઘણું બધું શીખવા મળે છે.

શિક્ષકોઃ શિક્ષકો કે ગુરૃઓ વિના જ્ઞાાન પ્રાપ્ત કરવું શક્ય નથી. એમની જરૃર  હંમેશાં રહેવાની. તેઓ વિષયના જ્ઞાાન અને સ્કીલ વિશે વધુ જાણે છે જે તમારે એમનાથી પ્રાપ્ત કરવાના છે. કોઈપણ પુસ્તક સાથે તમે માત્ર એક તરફી સંવાદ કરી શકો છો પરંતુ શિક્ષકો સાથે બે તરફી સંવાદ થાય છે. તેઓ અભ્યાસક્રમથી પરિચિત હોય છે અને વિષયની મુશ્કેલીઓથી પણ. તેઓ તમારી સમસ્યાઓને વધારે સારી રીતે નિવારી શકે છે. મોટાભાગના શિક્ષકો વિષય ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વભાવ અને મુશ્કેલીઓથી પણ પરિચિત હોય છે. એટલે તેઓ આવા વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા વધારે તત્પર હોય છે.

માતા-પિતાઃ બાળકોની સફળતા માટે માતા-પિતાથી વધારે રુચિ બીજા કોને હોઈ શકે? તેઓ પોતે જીવનમાં જે પ્રાપ્ત ન કરી શકયા તે પોતાની સંતાન પ્રાપ્ત કરે એવી ઇચ્છા રાખતા હોય છે. એ માટે કેટલાક માતા-પિતા ખૂબ કડકાઈથી બાળકો પાસેથી કામ લે છે (ઉદાહરણ – યુવરાજસિંઘ અને પહેલવાન ફોગટ બહેનો). એમાં કશું ખોટું પણ નથી. તેમણે પોતે જે નિષ્ફળતા કે અધૂરી સફળતાનો સ્વાદ ચાખ્યો હોય છે એનાથી બાળકોને બચાવવા માગે છે. તેઓ પોતે જે ન બની શકયા એ બાળકોને બનાવવા માગે છે. એ માટે બાળકોએ સામે પ્રતિક્રિયા આપવી પડે છે, અને બાળકો એમાં ધીમા પડે કે માતા-પિતાની અપેક્ષાપ્રમાણે ન વર્તે ત્યારે બંને વચ્ચે સંઘર્ષ થાય છે. ઘણી વખત બાળકના ગજા બહારની અપેક્ષા માતા-પિતા રાખતા હોય છે; પરંતુ આવા માતા-પિતાએ એ યાદ રાખવું જોઈએ કે દરેક બાળક જીનિયસ નથી હોતું અને જીવનમાં સફળ થવા માટે જીનિયસ હોવું જરૂરી પણ નથી. ઘણાં જીનિયસો નિષ્ફળતા અને ગરીબીના અંધકારમાં મૃત્યુ પામ્યા છે. બાળકોની ક્ષમતા મુજબ જ બોજો નાખવો જોઈએ. સામે બાળકોએ પણ માતા-પિતાની ભાવના સમજવી જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ મહેનત કરવી જ જોઈએ.

પાઠયપુસ્તકો: પાઠયપુસ્તકો શિક્ષકો પછી શીખવાના અગત્યના સ્ત્રોત છે. સૌ પ્રથમ પાઠયપુસ્તકો વાંચવા અને સમજવા જોઈએ. એ પછી જ બીજા સંદર્ભ ગ્રંથ કે ગાઈડ વગેરે જોવા જોઈએ. બની શકે તો પાછલા દસ વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો સોલ્વ કરવા જોઈએ, એનાથી કયા પ્રકારના અને કેવા પ્રશ્નો પૂછાય છે એની જાણ થશે.

બોર્ડના વિદ્યાર્થીઓ સાહિત્યના પુસ્તકો વાંચે એ યોગ્ય માનવામાં નથી આવતું. પરંતુ જેઓ બોર્ડની પરીક્ષા નથી આપી રહ્યા અથવા તો ઉચ્ચ અભ્યાસ કરે છે કે સ્નાતક થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમણે સાહિત્યના પુસ્તકો પણ વાંચવા જોઈએ. એમાંથી વ્યાકરણ, જોડણી, નિબંધ કેવી રીતે લખી શકાય, મોટા પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખાય એનો આઈડિયા મળશે. આ ઉપરાંત આવા લોકોએ અખબાર પણ વાંચવું જોઈએ. ટીવી ઉપર આવતા ડિબેટના કાર્યક્રમો કે સમાચારો પણ જોવા જોઈએ. પુસ્તકાલયની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

વાંચનઃ વિદ્યાર્થીઓ પાઠયપુસ્તક કે સંદર્ભ ગ્રંથોના વાંચન વિના અભ્યાસ પૂર્ણ કરી શકે નહીં. વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી પાઠ ન સમજાય ત્યાં સુધી વાંચવું જોઈએ. તો જ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપી શકાશે.

નોટ્સઃ વિદ્યાર્થીઓએ ક્લાસમાં નોટ્સ લખવાની ટેવ પાડવી જોઈએ. જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે એને જોઈ જવાથી ઘણું બધુંુ યાદ આવવા માંડશે.

રિવિઝનઃ પરીક્ષા નજીક આવે ત્યાં સુધી કોર્સ પૂરૃં થઈ ગયું હશે એવું માનવામાં આવે છે. એ પછી રિવિઝન શરૃ થાય છે. રિવિઝન ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે. વર્ષભરમાં વિદ્યાર્થીઓએ જે કંઇ અભ્યાસ કર્યાે એ રિવિઝન થકી ફરીથી યાદ કરવામાં આવે છે અને રિવિઝનમાં સરળતાથી યાદ રહી પણ જાય છે.

પેપર લેખનઃ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા પહોંચો ત્યારે બધી જ ચિંતાઓ બહાર છોડી દેવી. આત્મવિશ્વાસપૂર્વક ખંડમાં દાખલ થવું જોઈએ. પેપર આપવામાં આવે ત્યારે પ્રથમ પાંચ મિનિટમાં ઝડપથી પેપર જોઈ જવું જોઈએ. જે આવડતું હોય એનો ઉત્તર પહેલાં આપી દેવા જોઈએ. એમસીક્યુ પ્રકારના જવાબ માટે અલગથી ઉત્તરવહી આપવામાં આવે છે એમાં એ,બી,સી,ડી માં જે જવાબ સાચો હોય એમાં પેન્સિલથી વર્તુળને ડાર્ક કરવું જોઈએ. એક કરતાં વધારે વર્તુળ ડાર્ક કરશો તે એ જવાબ ગણવામાં આવશે નહીં.

લેખિત ઉત્તરો આપવાના હોય ત્યાં જેટલી મર્યાદામાં જવાબ આપવાનો હોય એટલામાં જ આપવો. સુવાચ્ય અક્ષરોએ મુદ્દાસર જવાબ લખવા જોઈએ. પ્રશ્નપત્ર લખાઈ ગયા પછી સમય પૂરો થવાની પાંચ-સાત મિનિટ પહેલાં ફરીથી ઉત્તરો જોઈ જવા જોઈએ. ક્યાંક કશુંક ખોટું હોય અથવા જવાબ યાદ આવે એ લખી લેવો જોઈએ.

દસમા અને બારમાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ – બેસ્ટ ઓફ લક. *

(મો. ૯૬૨૪૦૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments