Thursday, March 28, 2024
Homeકેમ્પસ વોઇસપુસ્તકોની મૈત્રી

પુસ્તકોની મૈત્રી

(દિશા દર્શન)

જો નિરક્ષરતા અને અજ્ઞાનતા અભિશાપ છે, અંધકાર છે, તો આ શાપ અને અંધકારમાંથી નીકળવા માટેની ટોર્ચ છે પુસ્તકો. સભ્યતા અને સંસ્કૃતિની શરૃઆત થઈ અને માણસે જ્યારે લખવા વાંચવાની શરૃઆત કરી એ જગતના ઇતિહાસની સૌથી ક્રાંતિકારી ક્ષણ હતી લેખન અને વાચનની સાથે જ માનવજીવન અને સંસ્કૃતિની સુધારણાનાં દ્વાર ખુલી ગયા. જેમ જેમ માણસ લેખન અને વાચન કરતો ગયો તેમ તેમ નવા નવા વિચારો એના મગજમાં ઉધલાવવા લાગ્યા. આ નવીન વિચારોને સંગ્રહી આવનારી પેઢીઓ માટે મદદગાર બનાવનાર જે કોઈ પ્રથમ લેખક હોય એને માનવજાતની ઇજ્જતભરી સલામ છે. પેઢી દર પેઢી નવા નવા વિચારો પહેલા હસ્તપ્રતોના રૃપમાં અને ગુટેનબર્ગની છાપકામની શોધ પછી પુસ્તકોના રૃપમાં સચવાવવા લાગ્યા આવનારી પેઢીઓ એ લખાણોને વાંચી કશુંક અને પછી પ્રતિશોધો થવા લાગી. માનવજીવનના વિકાસમાં આ રીતે પુસ્તકોનો ફાળો અમૂલ્ય ગણી શકાય. પુસ્તકો વિશે આંદ્રે મોરવાના અમુલ્ય વિચારોને મમળાવો.

“પુસ્તકો એ બીજા માનવીઓના બીજી પ્રજાઓના અંતરમાં આપણને પ્રવેશ કરાવતાં દ્વાર છે… વીતેલા જમાનાઓ વિશે વાકેફ થવાનો એકમાત્ર રસ્તો પુસ્તકોનો છે અને જે માનવસમાજોની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે… કોઈપણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવા રહેવા દેતો જ નથી. એ વાંચ્યાને પરિણામે હંમેશા એ વધુ ઉન્નત માનવી બને છે. તેથી આપણી ક્ષિતિજોને વિશાળ બનાવનારાં, આપણી જાતને ભેદીને બહાર નીકળવામાં સહાય કરનારા આ સાધનો સહુ કોઈને માટે સુલભ બનાવવાં, તેના કરતાં વધુ મહત્વનું માનવજાત માટે બીજું કશું નથી. અને તેમ કરવાનો એકમાત્ર રસ્તો પુસ્તકાલયોનો છે… હું તો એટલે સુધી કહું કે કેળવણી એ બીજું કાંઇ નથી પણ પુસ્તકાલયના દ્વાર ખોલવાની ચાવી છે… જે નાગરિકને પોતાના કર્તવ્ય ઈમાનદારીથી બજાવવા હોય તેણે શાળા કોલેજમાંથી નીકળ્યા પછી પણ, જીવનભર શિક્ષણ મેળવતા રહેવાનું હોય છે. ઇતિહાસ તો આગેકૂચ કરતો રહે છે અને મનુષ્યને માટે નવી સમસ્યાઓ ખડી કરતો રહે છે. તેમાં એક યા બીજી બાબત વિશે નિર્ણય કેવી રીતે કરશું જો એ બધાં વિશે આપણે બરાબર વાકેફ નહિં હોઈએ તો? થોડાક દાયકાઓમાં જ મનુષ્યના જ્ઞાનમાં ક્રાંતિ થઈ ગઈ છે. આ પરિવર્તનો ઉપર જેમનાં સુખ-ચેનનો આધાર છે તે નરનારીઓને એ બધાંની સમજણ કોણ આપશે? પોતાનાં નિત્યનાં કાર્યો કરતા કરતાં પણ છેલ્લામાં છેલ્લી શોધો વિશે વાકેફ રહેવામાં એમને સહાય કોણ કરશે? પુસ્તકો બીજું કોઈ નહિ પણ પુસ્તકો જ.” (સાભાર-અરધી સદીની વાચન યાત્રા – ૧)

સાચી વાત. જીવનમાં પ્રગતિ કરવા માટે સારૃં વાચન આવશ્યક છે. મહાપુરૃષોની ટેવ હતી સારા પુસ્તકો વાંચવાની પુસ્તકોમાંથી જે જ્ઞાન અને ડહાપણ મળે છે એ પાનના ગલ્લે કે ચાની કિટલીએ બેસીને ગપ્પા મારવાથી મળતું નથી. ચાની કીટલીએ ચર્ચા કરતા કરતા મિત્રો વચ્ચે ઉગ્રતા વ્યાપી શકે છે. લડાઈ ઝઘડા થઈ શકે છે. મતભેદ થઈ શકે છે પરંતુ પુસ્તકો એટલા સારા મિત્રો હોય છે કે એ ક્યારેય સામે દલીલ કરતા નથી, ક્યારેય ઉગ્રરૃપ ધારણ કરતા નથી. ઊલટું તેઓ એવા ‘અહિંસક’ ગુરૃ જેવા હોય છે જે ફુટપટ્ટી કે સોટી વિના આપણને ભણાવે છે. ગુસ્સા કે બુમબરાડા વિના, પૈસાની તમન્ના રાખ્યા વિના શીખવાડે છે. આપણા અજ્ઞાન કે મુરખાઈ ઉપર ક્યારેય હસતા નથી અને આપણું અજ્ઞાન અને મુરખાઈ દૂર કરવામાં મદદ કરે છે. ગમે ત્યાં ગમે ત્યારે પણ. તેથી સારા મિત્રો પસંદ કરો એવી રીતે જ સારા પુસ્તકો પણ પસંદ કરવા જોઈએ. ખરાબ પુસ્તક જેવું ચોર બીજું કોઈ નથી એવી ઇટાલીયન કહેવત છે. કેટલાક લોકો દલીલ કરે છે કે ખરાબમાં ખરાબ પુસ્તકમાં પણ કોઈ એક તો સારી વાત હોવાની જ. હોઈ શકે પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે પુસ્તકોનો પ્રભાવ એટલો બધો હોય છે કે વાચકના ચારિત્ર્ય ઉપર પોતાની અસર છોડી જાય છે. રસ્કિનનું ‘અન ટુ ધી લાસ્ટ’ પુસ્તકે ગાંધીજીનું જીવન પરિવર્તન કરી નાખ્યું હતું અને એમાંથી ‘સર્વોદય’નો વિશાળ એમને ઉદ્ભવ્યો. એવી જ રીતે ડેલ કાર્નેગી કૃત ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લ્યુઅન્સ પીપલ’ નામક પુસ્તકે લાખો લોકોના જીવન બદલી નાખ્યાનું કહેવામાં આવે છે. આ લખનારને જાત અનુભવ છે કે એન્જિનીયરીંગમાં એડમીશન લીધાને બીજા જ દિવસે પિતાજીનું હૃદયરોગના હુમલામાં અવસાન થયું અને આખુ પ્રથમ વર્ષ ડીપ્રેશનમાં વીત્યું. એ પછી એક દિવસ અચાનક મોહમ્મદ માંકડનું પુસ્તક ‘કેલિડોસ્કોપ’ હાથમાં આવ્યું. બધા જ લેખો વાંચી લીધા પછી એક નવી જ આશાનો સંચાર થયો. જીવન પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યારે અનુભૂતિ થઈ કે એક પુસ્તકમાં કેટલી તાકત હોય છે. એ દિવસથી સારા પુસ્તકો વાંચવાનો શોખ લાગી ગયો જે આજદિન સુધી બરકરાર છે. ત્યારે અનુભૂતિ થઈ કે કોઈ વિદ્વાને કહેલું કેટલું સત્ય છે “પુસ્તકો સમયના સપાટ સમુદ્રમાં કે પ્રાચીન ઇજીપ્તના રાજાએ એના પુસ્તકાલયના પ્રવેશદ્વારે પુસ્તકો વિશે લખાવ્યું હતું “આત્માની ઔષધિઓ”.

ઔષધિ શરીરના રોગને મટાડે છે તો પુસ્તકો મનના રોગોને ભગાડવામાં મદદ કરે છે. જોકે જેમ કેટલીક ઔષધિઓ આડઅસર કરે છે અનેે રોગ વધુ વકરી જાય છે. એવી જ રીતે ખરાબ પુસ્તકો મન ઉપર નકારાત્મક અસર પણ કરી જ શકે છે. તેથી આવા પુસ્તકોથી બચવું જોઈએ. સારા પુસ્તકો વાંચી, સારૃ વિચારી, સારી ફિલ્મો જોઈ એક અસાધ્ય રોગમાંથી સાજા થનાર નોર્મન કઝીન્સની અહીંયા યાદ ન આવે તો જ નવાઈ. આ માણસેને એવી બિમારી લાગુ પડી હતી કે કોષો ખવાતા જતા હતા. દુનિયાના કોઈ ડૉક્ટર પાસે આ બિમારીનો ઇલાજ ન હતો. એ સમયે નોર્મન કઝીન્સે સારા પુસ્તકો વાંચવા માંડયા. સારી કોમેડી ફિલ્મો જોવા માંડી. મનને હકારાત્મકતાથી ભરી દીધું. સાથે સાથે વિટામીન સી પણ લેવા માંડયુ અને કેટલાક મહીના પછી જે ચમત્કાર થયો એ તબીબી વિજ્ઞાન માટે એક અજાયબી સમાન હતું. નોર્મન કઝીન્સે આ અસાધ્ય રોગ ઉપર કાબુ મેળવી લીધો હતો. એમણે પોતાના અનુભવ વિશે એક પુસ્તક પણ લખ્યું હતું. જેની સંક્ષિપ્ત આવૃત્તિ વડોદરાના યજ્ઞ પ્રકાશને કરેલ છે. વાંચવા જેવી પુસ્તિકા છે. નોર્મન કઝીન્સે પુસ્તકો વિશે લખ્યું હતું, “પ્રગતિ વિના વિચારો નહીં, પુસ્તક મારફત માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે; એક જ જિંદગીમાં અનેક અવતારો ભોગવી શકે છે.”

છેલ્લે પુરૃષોત્તમ માવળંકરના વિચારો સાથે લેખ પૂરો કરીએ, “વિચાર કરવામાં વાંચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું ય નથી. અનેક સ્ત્રી-પુરૃષો વાંચી નથી શકતા છતાં તેઓ વિચારી તો શકે જ છે. તેમ છતાં અંતઃપ્રેરણાથી વિચાર કરનારા એવા ઓછાં જ રહેવાના. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજણને વાંચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ… સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતા રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી-પુરૃષનો આજીવન છંદ બની રહો.” —– (મો. નં. ૯૬૨૪૦૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments