Wednesday, April 17, 2024
Homeપયગામભારતીય લોકશાહી માટે ભયસ્થાનો !!!

ભારતીય લોકશાહી માટે ભયસ્થાનો !!!

આજ કાલ આપણો દેશ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો  છે. આ કોઈ ઢકી છૂપી વાત નથી. સમાચાર પત્રો અને ઇલેકટ્રોનિક મીડિયા પર નજર રાખતા લોકો સારી રીતે વાકેફ છે. એક સમસ્યાની આગ ઠરતી નથી કે બીજી જન્મ લે છે અથવા એમ કહી શકાય કે એક સમસ્યાથી ધ્યાન હટાવવા બીજી સમસ્યા ઉઠાવવામાં આવે છે. ABVPના લફંગો નજીબને ધોળે દિવસે મારે છે અને કોઈ કાર્યવાહી થતી નથી. પછી તે રાત્રે લાપતા થઈ જાય છે. જેમની ઉપર શંકા છે તેમની યોગ્ય પૂછ-પરછ થતી નથી. આજે તેને ગુમ થયા દોઢ મહિનો થવા આવ્યો પરંતુ SITની રચના થઈ હોવા છતાં પોલીસ તેને શોધી શકી નથી. તેની માતા કે બહેન સરકારથી પોતાની માગણી માટે શાંતિપૂર્ણ દેખાવમાં જોડાય તો તેમને ઘસડીને લઈ જવામાં આવે છે. શું આ લોકશાહી દેશમાં કોઈ પોતાની વાત નથી મૂકી શકતો??? એક દેશ માટે આ ખૂબ જ દુઃખની વાત છે.

નિસાર મેં તેરી ગલિયોં પે એ વતન કે જહાં

ચલી હે રસ્મ ન કોઈ સર ઉઠા કર જિયે

હજી તેની સ્યાહી સુકાઈ ન હતી કે મિન્હાજની કસ્ટોડિયલ ડેથ સામે આવી જાય છે. કોઈ પણ વ્યક્તિને પકડી તેના ઉપર ખતરનાક આરોપો લગાવી જુલમ આચરવાનો માર્ગ કાઢવામાં આપણી પોલીસ તંત્રની ફાવટ છે. મીડિયા વડે પણ એવું વાતાવરણ બનાવી દેવામાં આવે છે કે ન્યાયપ્રિય લોકો પણ તેના હક માટે બોલતા અચકાય છે. પોલીસતંત્રમાં રિફોર્મની જરૃર અનુભવાઈ રહી છે. પોલીસ એટલે સુરક્ષા એમ કહેવામાં આવે છે પરંતુ આજે આખું સૂત્ર ઊંધું પડી ગયું છે. કોમવાદી માનસિકતા ધરાવતા લોકોની ભરતી ન થાય તેના માટે યોગ્ય પગલા લેવાવા જોઈએ. તંત્રને પણ વધુ પારદર્શક બનાવવાની જરૃર છે. પોલીસ કોઈ ધર્મ, સંપ્રદાય કે વિચારધારા કે પાર્ટી વિશેષની સલામતી માટે કે તેને વધુ દૃઢ કરવા માટે નથી બલ્કે દેશની આંતરિક વ્યવસ્થાને સુંદર બનાવવા માટે છે. કેદી નાનો હોય કે મોટો તેના પણ માનવ અધિકારો છે, જેની બાંહેધરી તંત્રને આપવી જોઈએ અને નીતિ નિયમોના ઉલ્લંઘન કરનારા અધિકારો પર સંવેધાનિક પગલા લેવા જોઈએ.

જાલિમ કા સાથ દે વો જાલિમ કે સાથ હૈ

કાતિલ કો જો ન ટોકે વો કાતિલ કે સાથ હૈ

ભોપાલ એન્કાઉન્ટર તો છેડાનું ઉદાહરણ છે. જે વાર્તા ઘડવામાં આવી છે તેનાથી જ સ્પષ્ટ દેખાઈ આવે છે કે બનાવટી હશે. જુદી જુદી બેરેકમાંથી એકી સાથે ભાગવું, ચમ્મચ અને પ્લેટથી રામશંકરની હત્યા કરવી, બેડ શીટ વડે ૩૦ ફૂટ ઊંચી દીવાલ કુદવી, કલાકો પછી પણ ૧૨ કિ.મિ.નું અંતર કાપવું, શહેરમાં ભાગવાના બદલે પહાડી પર જવું, અને જુદી જુદી દિશામાં જવાના બદલે એકી સાથે ભાગવું, પછી પોલીસ અધિકારીઓનું સામ સામે ફાયરિંગ થઈ હોવાનું બયાન છતાં કોઈ પોલીસ કર્મીને ન વાગવું. ત્રણ પોલીસવાળાને ઘાયલ દર્શાવવું છતાં વીડિયો મુજબ છરી બિલ્કુલ સાફ હોવી. બધા આરોપીઓનું સારા સૂટબૂટમાં હોવું જાણે જેલથી નહીં મોલથી ભાગ્યા હોય, પોલીસ અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ હોવું વગેરે. વાસ્તવમાં ઠંડા કલેજે કરેલ હત્યા છે. હવે આ તો તપાસ પછી સામે આવશે કે તે અથડામણ વાસ્તવિક હતી કે બનાવટી અને જો બનાવટી હોય તો તે માત્ર ૯  લોકોની હત્યા નથી. દેશના બંધારણ અને ન્યાયની હત્યા છે. જો આ ઘટના ફેક સાબિત થાય તો પૂર્વ ચીફ જસ્ટીસ કાત્જુની માંગણી મુજબ આ ષડયંત્રમાં સંડોવાયેલ દરેક અધિકારી અને રાજનેતાને સખ્ત સજા થવી જોઈએ.

પ્રશ્ન માત્ર આ ઘટનાનો નથી, તેનાથી ઉદ્ભવેલા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર ન આપવાનો છે. કોઈ પ્રશ્ન કરે તો તેને આતંકવાદી કે દેશ દ્રોહી કહેવામાં આવે છે. હું કે તમે કોઈ પણ આતંકવાદની પડખે નથી પરંતુ ન્યાયિક પ્રક્રિયા તો પૂર્ણ થવી જોઈએ. જે આરોપ છે તે સિદ્ધ થવું જોઈએ. આવી જ વ્યક્તિ અપરાધી હોય તો તેને જાહેરમાં ફાંસીના માંચડે ચડાવો. કોણ ઇન્કાર કરે છે. પ્રશ્ન કરવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને તે એટલા માટે ઊભા થાય છે કે આ ઘટનાથી પહેલાં પણ ઘણાં બધા એન્કાઉન્ટર ન્યાયાલય દ્વારા બનાવટી સાબિત થયા છે.

પોલીસ કાર્યવાહી પર પ્રશ્ન કરવામાં આવે તો કહેવામાં આવે છે કે પોલીસનું મનોબળ તૂૂટી જશે. એ લોકોના કહેવા માગુ છું કે સવાલ કરવાથી પોલીસનું મનોબળ નહીં ટુટે બલ્કે એ લોકોના તૂટશે કે જેઓ આ ઘટના પાછળના અસલી ચહેરા છે. અમને અમારા તંત્ર પર વિશ્વાસ છે પરંતુ ભૂતપૂર્વની ઘટના ઘણી બધી શંકાઓ ઊભી કરે છે. રમા શંકર યાદવની હત્યાની તપાસ કરવાની વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે તમે અમારી પોલીસ પર શંકા કરો છો. નહીં સાહેબ, અમે શંકા નથી કરતા પરંતુ ૩૮ વર્ષ પહેલાંની ઘટના યાદ અપાવું છું. એ ૫ મહિનાની બાલકી કિંજલના પિતા કે.પી.સિંહ જેઓ ગોંડાના ડીએસપી હતા તેમની હત્યા થઈ. મોટી થઈ એ કિંજલ આઈ.એ.એસ. બની પરંતુ ન્યાય મેળવવામાં ૩૫ વર્ષ લાગ્યા અને કોર્ટે ૧૮ પોલીસવાળાઓને દોષિત માની સજા ફરમાવી. તેઓ પણ કોઈ ષડ્યંત્રના ભોગ બન્યા હતા. એવું કંઈ જ આ ઘટનામાં તો નથીને??!! જવાબ સમય આપશે.

સરકાર તપાસ પંચ નીમીને, તટસ્થ તપાસ થાય અને વાસ્તવિકતા દેશવાસીઓની સામે આવવી જોઈએ. પરંતુ જે એન.આઈ.એ.ને તપાસ સોંપવામાં આવી છે તેણે ન્યાયના માપદંડ પૂર્ણ કરવા જોઈએ. માલેગાંવ વિસ્ફોટ જેવું ન થાય કે જેમાં કરકરેએ પ્રજ્ઞાા ઠાકુર અને કર્નલ પરોહિત જેવા લોકોને દોષિત માન્યા હતા પરંતુ સરકાર બદલાતા જ તપાસની દિશા પણ બદલાઈ ગઈ અને તેણે નરમ વલણ અપનાવ્યું. રોહિણી સાલિયાનનું નિવેદન આપણી સામે છે. તેમણે કહ્યું હતું કે મને ઉપરથી આદેશ છે કે આ કેસમાં નરમ વલણ અપનાવવામાં આવે. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે એન.આઈ.એ.નો શો રિપોર્ટ આવવાનો છે. અને તે અપરાધીઓને ક્લિનચીટ આપી હેંમત કરકરેને ‘શ્રદ્ધાંજલી’ આપવામાં આવી. અમે આશા રાખીએ કે વાસ્તવિકતા સામે આવશે અને સરકારથી નિવેદન છે કે આ એન્કાઉન્ટર ફેક છે તો સખત પગલા લેવા જોઈએ. ભૂતકાળના અન્ય તપાસ અહેવાલોની જેમ રદ્દીની ટોકરીમાં ન જતા રહે. શ્રી કમીશન રિપોર્ટનું પરિણામ આપની સામે છે.

આવી પરિસ્થિતિ જોઈને નિષ્ણાંતો કહી રહ્યા છે કે દેશની પરિસ્થિતિ ઇમરજન્સીથી પણ વધુ ખરાબ થઈ રહી છે. કાયદાનું શાસન એ માત્ર નારો બનીને રહી ગયુ છે. પરંતુ સરકાર સામે કોઈ પ્રશ્ન પૂછી શકાય નહીં. જો તમે પ્રયત્ન કરશો તો તમારા મોઢા સીવી દેવામાં આવશે અને ચેનલો પ્રતિબંધિત કરી દેવામાં આવશે. આ કેવી તાનાશાહી છે, આવી હિટલર શાહીને પ્રજાએ ચલાવી ન લેવી જોઈએ. આપણે પોતાના ઘરોમાં સુરક્ષિત રહીને એમ સમજી રહ્યા છીએ કે કોઈ સમસ્યા નથી. ‘આપણને શું’, ‘આપણે કેટલા’ના વિચારોથી બહાર આવો નહિતર મોઢું બંધ થઈ જશે.

અમુક લોકો એમ સમજે છે કે મુસલમાનોની સમસ્યા છે પરંતુ દલિતો અને આદિવાસીઓની સ્થિતિ પણ ખૂબ જ દયનીય છે. ઊનાની ઘટના એક માત્ર ઘટના નથી, દેશના વિવિધ ભાગોમાં તેમનું અપમાન, તેમની સ્ત્રીઓ સાથે બળાત્કાર તેમના હકોનું હનન થઈ રહ્યું છે. માત્ર બીફના બહાને અટાલીની છોકરીઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવે છે. આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ. ૨૧મી સદીમાં છીએ કે પાષાણયુગમાં. કોઈ વ્યક્તિ જો ગુનેગાર હોય તો પણ તેને સજા કરવાનો અધિકાર અદાલતને છે નહીં કે કોઈ વ્યક્તિ કે સમૂહને, જે લોકો કાયદા પોતાના હાથમાં લે છે તેનો અર્થ એ થયો કે તેમને ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ નથી.

આદિવાસીઓનું માલકન ગીરીમાં હત્યાઓ. તેમની જળ, જંગલ, જમીન કબ્જે કરી કોર્પોરેટ અને મૂડીવાદીઓને ભેટ કરવામાં આવી રહી છે કે તેઓ પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંઘન કરી પર્યાવરણ સાથે ભયંકર રમત રમે. જીવસૃષ્ટિ સામે ભય ઊભા કરે; પરંતુ તમે સરકારી નીતિઓનું વિરોધ કરશો તો તમે દેશદ્રોહી અને ‘પાકિસ્તાની’ ઠેરવાશો અને તેમની ચાપલૂસી કરશો તો દેશપ્રેમી અને દેશભક્ત. અરે હદ થઈ  ચલણી નોટો બંધ કરવામાં આવી છે સામાન્ય લોકોને થતી તકલીફની ચર્ચા કરો તો કહેવામાં આવે છે કે દેશની સેના ૧૯-૨૦ કલાક ઊભી રહે છે તમે દેશ માટે ઊભા નથી રહી શકતા. સરકારની વ્યવસ્થાની નિષ્ફળતાને આવી સંવેદનશીલ વાતો કરી છુપાવવામાં આવે છે. અને તમે લાઈનમાં ઊભા રહી બેંક કર્મચારીને પૂછો કે બેંક બંધ કરવાનો સમય ૮ વાગ્યાનો છે તો તમે કેમ ૪ વાગ્યે બંધ કરો છો તો તમને પાકિસ્તાનીનો બિરુદ આપવામાં આવે છે. અને તમે આ ચર્ચા કરો કે મોદી સરકારના આ નિર્ણયનો દેશની અર્થ વ્યવસ્થઆ પર શું ફેર પડશે તો પાકા દેશદ્રોહી. કેવી ઘેટાં જેવી ચાલ છે!!!

સરકાર કહે છે કે ચલણી નોટ બદલવાથી આતંકવાદ ખત્મ થઈ જશે. હું પ્રશ્ન કરૃં છું કે જો આતંકવાદીઓ ૫૦૦, ૧૦૦૦ની નોટો છાપી શકતા હોય તો શું ૨૦૦૦ની નોટ નહીં છાપી શકે???! અરે, એ તો જુઓ કે સામાન્ય જનને કેવી તકલીફ પડી રહી છે?  અત્યાર સુધી ૫૮ મૃત્યુ થઈ ચૂકી છે તેનો જવાબદાર કોણ? ધંધા કારોબાર ઠપ્પ થઈ ગયા, દેશને કેટલું નુકસાન થયુ હશે???! પોતાની મહેનતની કમાણીથી ટીપે-ટીપે જમા કરેલ રકમ મૂલ્યહીન થઈ જશે આમ આદમી એવા માનસિક તણાવમાં જીવી રહ્યા છે. મોટી માછલીઓ પર કોઈ પકડ નહીં. તેમના કર્જાઓ માફ કરવામાં આવી રહ્યા છે અને ગરીબ માણસ પર તરાપ મારવામાં આવી રહી છે. કેશ મની બ્લેક મની છે આ કેવો દુષ્પ્રચાર છે?! કેવો જુલ્મ છે!!! મધ્યમ વર્ગના લોકો પાસે જમા કરેલ એ આવક બ્લેક મની નથી બલ્કે તેમની બચત દર્શાવે છે. જેઓ વિરોધ કરી રહ્યા છે તેમની ઉપર કાળાધનનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. જે નોટો બંધ કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે એ નોટો શું નકલી છે? નહીં. આ નિર્ણય અર્થવ્યવસ્થામાં સુધારાના લીધએ કરવામાં આવ્યો છે કે મૂડીવાદીઓને થાપણો આપવા પૈસા ભેગા કરવા માટે!!! દેશમાં ૭૦ ટકાથી વધારે લોકો પાસે બેંક એકાઉન્ટ નથી. બિચારા એ લોકો શું કરશે? એક બાજુ રૃપિયાની કિંમત ઘટી રહી છે જે મોદી સરકારની આર્થિક નીતિની નિષ્ફળતા દર્શાવે છે. અમે પરિવર્તનના વિરોધી નથી પરંતુ તેના માટે પહેલા યોગ્ય પગલાં  લેવા જોઈતા હતા.

મિત્રો! નાગરિક અધિકારોની બહાલી માટે અને બંધારણની સુરક્ષા માટે આગળ આવવું પડશે. આજે મારો નંબર છે તો કાલે તમારો વારો આવશે. સાંપ કા બચ્ચા સપોલા હી હોતા હૈ. આજે બીજાને ડંસે છે તો કાલે તમનેય નહીં છોડે. ન્યાયની સ્થાપના માટે સંગઠિત થાવ.

અબ ખુલ કર કરો બાત

કે યે દૌર ઇશારો કિનાયાત નહી હૈ

ચુપ રહને સે છિન જાતા હૈ એજાઝે સુખન

ખામોશ રહને સે ભી ઝાલિમ કી મદદ હોતી હૈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments