Thursday, March 28, 2024
Homeપયગામ'મન'ની નહિં "અમન"ની વાત

‘મન’ની નહિં “અમન”ની વાત

બકરીઈદના ત્રીજા દિવસે એક કાર્યક્રમમાં જવાનું થયું.  જેમાં બિનમુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર હતા. પહેલા સરસ મજાનું જમવાનું થયું ત્યારબાદ ઓચિંતા જ વિચારોની આપલે કરવાનું થયું. મિત્રો અને સાથીઓના સારા વિચારો સાંભળીને આનંદ થયું. વર્તમાન પરિસ્થિતિ પર પણ લોકો એ પોતાના મંતવ્યો આપ્યા. લોકો એ દિલ ખોલીને મનની વાતો કરી. થોડી વાર માટે મને લાગ્યું કે હું કોઈ બીજા ભારતમાં છું. અહીં કોઈ મનભેદની વાત નથી, કોઈ ઝગડા નથી. કોઈ ખેચતાણ નથી, કોઈ સ્વાર્થ કે કોઈ રાજનીતિ નથી, બધા હળીમળીને એક જ થાળમાં જમી રહ્યા છે. મારો હૃદય મોરલાની જેમ ઝૂમી ઝૂમીને કહી રહ્યો હતો કે આ જ સાચો ભાત્રુભાવ છે. જેને ભારતની ભૂમિ શોધી રહી છે. કોમી સૌહાર્દ માટે આ પ્રકારની નાનીનાની મીટીંગ મોટા પ્રમાણમાં થવી જોઈએ. બીજાની માન મર્યાદાનું આદર કરવું અને પોતાની આસ્થા, માન્યતા કે મંતવ્ય બીજા ઉપર બળપૂર્વક ન થોપવા. ભૌતિક વિકાસ ઓછું થાય તો ચાલે, પરંતુ આ વિચારના વીજનું વટવૃક્ષ બનવું સમાજ હિતમાં છે ત્યારે સામાજિક  અને ધાર્મિક સદ્ભાવના સ્થાપિત થઈ શકે છે.

આ વાસ્તવિકતા છે કે માત્ર ચર્ચા, પરિસંવાદો અને રેલીઓ થકી કોમી સોહાર્દનું વાતાવરણ નહીં બને, આવા માધ્યમો દ્વારા જાગૃતિ તો આવી શકે છે પરંતુ આવા પ્રયાસો પૂરતા નથી. વિવિધ સંપ્રદાય અને ધર્મોના લોકો એકબીજાથી બિલકુલ અલગ થઈ ગયા છે, ત્યારે સ્ત્રીઓ અને બાળકો બીજા ધર્મ-જાતિના માનનારાઓથી બિલકુલ અજાણ છે, આ દૂરીને ખત્મ કરવા કૌટુંબિક સંબંધો ગાઢ બનાવવા જોઈએ.

વિચારોના રસથાળમાં ઘણા વિચારો આવ્યા કે દલિત મુસ્લિમોને એક પ્લેટફોર્મ પર આવવું જોઈએ. માનવ ગરિમા માટે એક થવું જોઈએ. વર્તમાન ફાસીવાદી સરકારને બોધ મળવો જોઈએ. સામાજિક અને આર્થિક ક્ષેત્રે હળીમળીને કલ્યાણના કાર્યો કરવા જોઈએ, ધર્મ જાતિના વાડા વગર એકબીજાને મદદ કરવા આગળ આવવું જોઈએ. આપણા મૂળ દુશ્મનોને ઓળખવા જોઈએ, મુસલમાનોએ દલિતોને ભણાવ્યા છે પરંતુ આજે તેમનું સ્તર ખૂબજ નીચું જતું રહ્યું છે. વગેરે વગેરે.

એક ભાઈનું મંતવ્ય હતું કે સત્તાથી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. તેના માટે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ. વિચારમાં દમ છે. સમગ્ર ભલાઈ બુરાઈની જડ શાસન વ્યવસ્થા જ છે. તેની ધુરા સારા લોકોના હાથમાં હોય તો સમાજમાં સારા મુલ્યો વિકાસ પામે છે અને ન્યાય પ્રણાલી પક્ષપાતમુક્ત બને છે. પરંતુ માનવીય ઇતિહાસમાં આદર્શ શાસન વ્યવસ્થાના નિર્માણ માટે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે. રામરાજ્યની વાતો પણ થાય છે અને સ્વરાજની વાતો પણ થાય છે. રાજાશાહીને પણ લોકો અજમાવી ચુક્યા છે ને તાનાશાહી પણ નિષ્ફળ નીવડી છે. નાઝીવાદે પણ વિનાશ વહોર્યું છે અને મુડીવાદે પણ શોષણ કર્યું છે. સામ્યવાદ પણ ન્યાય અને શાંતિની સ્થાપનામાં સફળ થયો નથી. હવે લોકશાહીની આડમાં ટોળાશાહીના કડવા પરિણામો જનતા ભોગવી રહી છે. આપણે ‘મન’ની નહિં અમનની વાત કરવાની છે જેના થકી ભારતીય ચમનનું નિર્માણ થાય.

ચર્ચા વિચારણાના અંતે મને પણ પોતાના મંતવ્યો આપવાની તક મળી. મે બકરાઈદના સંદર્ભમાં અમુક વાતો મૂકી. રાજનીતિ વાસ્તવમાં સામાજિક ઉતક્રાંતિનું નામ છે. સામાજિક વ્યવસ્થાનું એકમ વ્યક્તિ છે અને વિચારોના પાયા ઉપર સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થા નિર્માણ પામે છે. પરિવર્તનનું મૂળ વ્યક્તિ અને તેના વિચાર છે. જ્યાં સુધી વિચારોમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી કોઈ પરિવર્તન ન આવી શકે. સત્તાધીશો ન બદલવાથી કોઈ મોટો ફેર પડવાનો નથી. રેલગાડી જવાની દિશા દિલ્હી તરફ હોય અને તમે મુંબઈ તરફ લઈ જવા માંગતા હોવ તો માત્ર ડ્રાઈવર બદલવાથી કામ નહીં ચાલે, દિશા બદલવી પડશે.

સમાજમાં આર્થિક તથા સામાજિક  સમાનતા તથા ન્યાયની સ્થાપના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા આંદોલનો થઈ ગયા છે, તેમાંના ઘણા સફળ પણ થયા પરંતુ ૧૦૦ ટકા નહીં. દા.ત. અબ્રાહમ લિંકન અને નેલશન મંડેલાએ ચળવળ ચલાવી પરંતુ કાળા ગોરાની સમસ્યા આજે પણ ઉભી છે. ગાંધીજી વર્ણવ્યવસ્થામાં તો માનતા હતા, પરંતુ અસ્પૃશ્યતાના વિરોધી હતા અને તેને નાબૂદ કરવા માટે પ્રયત્નો પણ કર્યા. પરંતુ આજે પણ આપણે ભારતમાં સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ. દલિત ભાઈઓ પર જે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે તેનાથી આપ સહુ વાકેફ જ છો. આપણા દેશના કેટલા રાજ્યોમાં કથિત નિમ્ન કક્ષાના લોકોએ સરકાર બનાવી છે, દેશના પ્રમુખ પણ થયા છે, સ્વયં મુસલમાનોમાંથી પણ દેશના પ્રમુખ પદે બિરાજ્યા છે. પરંતુ પરિસ્થિતિ જેમની તેમ બનેલી છે. ભૌતિક સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાથી જુલમ અત્યાચાર બંદ થવાનું નથી. ન જ ન્યાયની સ્થાપના અને દરેક ક્ષેત્રમાં સમાનતા સંભવ છે.

એક સફળ મોડેલ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું જે એક વાર નહીં અનેક વાર સફળ થયો છે. જે મોડેલ ઇશ્વરના દૂતો અને પયગંબરોએ પ્રસ્તુત કર્યો હતો. આદમ અ.સ.થી લઈને મુહમ્મદ સ.અ.વ. સુધીનો ઇતિહાસ તેનો સાક્ષી છે. ઇબ્રાહીમ અ.સ. જે નગરમાં પેદા થયા ત્યાં પણ જુલ્મ, અત્યાચાર, શોષણ અને અન્યાયનો પવન ફૂંકાતો હતો. અંધવિશ્વાસ તેની પરાકાષ્ટાએ હતું. રાજાશાહી હતી જેને ધર્મ કે ધાર્મિક લોકોનું પીઠબળ હતું અને એક ખાસ વર્ગ હતો જે સત્તા સ્થાને હતો. આ જ પ્રકારની વ્યવસ્થાઓ હતી જેની આડમાં લોકોને ગુલામ બનાવીને રાખવામાં આવતા અને જુલમ આચરવામાં આવતું. કાલ માર્કસે એટલે જ ધર્મને અફીણ કહ્યું હતું. ઇબ્રાહીમ અ.સ.એ સત્તાધારીઓને સીધો પડકાર ફેકવાને બદલે આ વ્યવસ્થાના મૂળમાં ગયા અને જોયું કે તેના મૂળમાં બહુદેવવાદ છે. આપે પોતાની બુદ્ધિ દોડાવીને જોયું કે લોકો જે સૂર્યની, ચંદ્રની કે નક્ષત્રોની પાલનહાર માનીને પૂજા ઉપાસના કરે છે તે ઇશ્વર કેવી રીતે હોઈ શકે!!! આ બધા તો સમય સાથે અસ્ત થઈ જાય છે અને આ મૂર્તિઓ જે લોકોએ પોતાના હાથોથી બનાવી છે, જેઓ ન કંઈ બોલે છે કે ન સાંભળે કે ન જુએ છે. તેઓ કેવી રીતે ઉપાસ્ય હોઈ શકે. જેઓ પોતે પોતાની સુરક્ષા ન કરી શકતી હોય તેઓ ઇન્સાનોની સુરક્ષા કેવીરીતે કરી શકે છે. વાસ્તવમાં સાચો પાલનહાર તે જ છે જે સર્વ સૃષ્ટિનું સર્જનહાર છે, તે જ સાચો ઉપાસ્ય છે.

ઇબ્રાહીમ અ.સ.એ એકેશ્વરવાદનું પ્રચાર-પ્રસાર (એક અલ્લાહ તરફ બોલાવવાનું કાર્ય) શરૃ કર્યો. આપના પિતા એક મોટા પુરોહિત હતા અને રાજા સાથે પણ ઘનિષ્ટ સંબંધો હતા. તેઓ ઇચ્છતા હોત તો તેમને સર્વ પ્રકારની સુખ સામગ્રી મળી શકી હોત. પરંતુ તેમણે બધી વસ્તુઓનું ત્યાગ કર્યું. તેમની કોમે તેમને શહેર છોડવા મજબૂર કર્યા. તેઓ એકલા સત્ય અને એક ઇશ્વરના પ્રચાર ખાતર બધા કષ્ટો વેઠીને આરબના એવા રણપ્રદેશમાં પહોંચ્યા જ્યાં કોઈ પ્રકારની સુવિધા ન હતી, ન ખાવા માટે અનાજ, ન પીવા માટે પાણી, ન માથું ઢાકવા માટે છત, ન કોઈ પ્રાણી ન પક્ષી. અલ્લાહે આદેશ કર્યો કે અહીં તમારે રોકાવવાનું છે. કોઈ લાઈફ સપોર્ટ સીસ્ટમ જેવું કશું ન હોવા છતાં આપ તૈયાર થઈ ગયા. પછી અલ્લાહે કહ્યું કે તમારી પત્ની અને નાનકડા પુત્રને (ઘણા વર્ષોની પ્રાર્થના પછી વૃદ્ધાવસ્થામાં આ પુત્ર જન્મ્યો હતો) છોડી પ્રચાર-પ્રસાર અર્થે નીકળી જાઓ. પત્ની પણ અલ્લાહનો આદેશ માની એકલા રહેવા તૈયાર થયા. વર્ષો પછી જ્યારે પુત્ર (ઇસ્માઈલ અ.સ.) કિશોરાવસ્થાએ પહોંચ્યા તો અલ્લાહે તેમને તેમની કુર્બાની આપવાનું સ્વપ્નમાં કહ્યું. આપે કુરબાનીનો હુકમ સમજી ઊંટની કુરબાની આપી. આ રીતે ત્રણ દિવસ સ્વપ્ન આવ્યું અને આપ પશુઓની કુર્બાની આપતા રહ્યા. પછી આપે વિચાર્યું કે અલ્લાહ પશુની નહીં મારા પુત્રની કુર્બાની ઇચ્છે છે. એટલે આપે પુત્ર સાથે ચર્ચા કરી. પુત્રનું સંસ્કાર સિંચન સારૃં થયું હતું. અલ્લાહનો આદેશ સમજી એ પણ કુર્બાન થવા તૈયાર થઈ ગયા. ઇબ્રાહીમ અ.સ. આંખે પાટો બાંધી તેમના પુત્રને કુર્બાન કરવા ગયા. અલ્લાહે તરત એક ઘેટો મોકલી ઇસ્માઈલ સ.અ.ને બચાવી દીધા. વાસ્તવમાં અલ્લાહ ઇબ્રાહીમ અ.સ.ની પરિક્ષા લેવા માગતો હતો કે અત્યાર સુધી તેમણે મારી પ્રસન્નતા ખાતર બધું જ કુર્બાન કર્યું છે. શું એ મારી પ્રસન્નતા માટે પોતાનો વ્હાલસોયો અને વૃદ્ધાવસ્થાનું એક માત્ર સહારોને પણ કુર્બાન કરી શકે છે કે નહીં અને આપ તેમાં સફળ થયા. આ જ તે સ્થાન છે. જ્યાં કા’બાનું નિર્માણ કરવામાં આવ્યું, અને આ જ તે જગ્યા છે જ્યાં અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ. પેદા થયા. આ રણ પ્રદેશને આપે શાંતિનું નગર બનાવ્યું. જેની સોગંધ કુઆર્નમાં ખાવામાં આવી છે. જેથી આ શહેર દુનિયાનો સૌથી વધુ વિકસિત, શાંતિમય, ન્યાયશીલ નગર છે. આ શહેર એક રણપ્રદેશ હોવા છતાં ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી. દુનિયાની દરેક પ્રકારની વસ્તુઓ, ફળો બારેમાસ ત્યાં મળી આવે છે. ટુંકમાં કહી શકાય કે ઇબ્રાહીમ અ.સ.એ એક એવા શહેરની સ્થાપના કરી જ્યાં સંપૂર્ણ પણે શાંતિ છે. અને તેનો આધાર તૌહીદ (એકેશ્વરવાદ)ના વિચારને બનાવ્યો. અને આ વિચાર મુજબ સમાજની રચના માટે સતત સંઘર્ષ કર્યું ને ત્યાગ અને બલિદાનો આપ્યા.

આપના પછી પણ ઘણા પયગંબરો એ આ જ વિચાર ઉપર સામાજિક અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કર્યું. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ પણ માત્ર ૨૩ વર્ષના ટુંકા ગાળામાં બર્બર, અશિક્ષિત, જુલ્મી કોમમાં જે ક્રાંતિકારી પરિવર્તન આંણ્યા તેનો દાખલો ઇતિહાસમાં જડતો નથી. તેનો આધાર પણ તોહીદ હતો. ઇબ્રાહીમ અ.સ.ના જીવનમંત્રમાં મૂળ તૌહીદ અને ઉત્તરદાયિત્વને આપવામાં આવ્યું હતું. તૌહીદ માત્ર અલ્લાહને એક માનવાનું નામ નથી બલ્કે તેની સાથે સંપૂર્ણ પણે નિસંકોચ તેના આદેશોના પાલન કરવાનું નામ છે અને તેના પાલનમાં આવતી આજમાઈશોનું દૃઢતા અને ધૈર્ય સાથે મુકાબલો કરવાનું નામ કુર્બાની છે.

ઇબ્રાહીમ અ.સ.ના જીવનથી આ સંદેશ મળે છે કે ન્યાય અને શાંતિની સ્થાપના માટે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જેનો આધાર તોહીદ હોય. વ્યક્તિ પરિવર્તન વગર સામાજિક, આર્થિક કે રાજનૈતિક પરિવર્તન શેખચિલ્લીનું સ્વપ્ન છે. વ્યક્તિ નિર્માણ અને વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે લોકો સામે તથા ઇન્સાનોના પાલનહાર સામે ઉત્તરદાયિત્વની ભાવના જરૂરી છે. અને આ સ્વપ્ન ઘરમાં બેસી રહેવાથી પૂર્ણ થઈ શકે નહીં, તેના માટે સતત કુર્બાનીઓ આપવી પડશે. જેની શરૃઆત પોતાની અયોગ્ય ઇચ્છાઓને કુર્બાન કરી સંયમ કેળવવાથી થશે. *

email:sahmed.yuva@gmail.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments