એક વ્યક્તિ તરીકે મનુષ્યને પોતાના રૃટીન કામ અથવા વ્યસ્તતામાંથી ઉગરવા માટે કોઈ એવા સાધનની જરૃર પડે છે જેનાથી તે રીફ્રેશ થઈ શકે. દરરોજ એક સરખું કામ કરવાથી વ્યક્તિ કંટાળો અનુભવે છે. માટે બજારમાં ઉપલબ્ધ સાધનો પૈકી વ્યક્તિ પોતાની પસંદ અનુસાર એવા સાધનની પસંદગી કરે છે કે જેના દ્વારા તે મનોરંજીત થાય, તેને કોઈ અલગ અહેસાસ થાય, કે તેને કોઈ બીજી દુનિયામાં લઈ જાય. સૌથી ઝડપી અને સસ્તુ સાધન જેને ક્યારેક હાંસલ પણ કરવું પડતુ નથી તે આપમેળે મળી જાય છે અને તે છે ગીત-સંગીત.
ગીત-સંગીત મનોરંજનના સાધન તરીકે એટલા પ્રચલિત બન્યા છે કે દરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે તેમાં ગરકાવ છે. તેમાં એક એવો જાદુ છે જે વ્યક્તિને કોઈ બીજી જ દુનિયામાં લઈ જાય છે. અને ક્યારેક તો તે આસપાસના માહોલથી પણ તદ્દન અજાણ બની જાય છે અને ક્યારેક તે પોતાના અસ્તિત્વને પણ ભુલાવી બેસે છે. બસમાં, ટ્રેનમાં, રસ્તા પર ચાલતા યુવાનોના કાનમાં હેન્ડ્સફ્રી હોય છે જ જે તેમને એકલામાં હોવા છતાં એકલા ન હોવાનો અહેસાસ કરાવે છે. ફેકટરીમાં, હોટલોમાં, ગાડીઓમાં ગીત-સંગીતની રમઝટ બોલાતી જ હોય છે. મનોરંજનના સાધન તરીકે ગીત-સંગીતની સ્વિકૃતિ આગળ વધીને ટેવ બની ગઈ છે. કદાચ એમ કહેવું ખોટું નહીં હોય કે લોકોને ગીત-સંગીતનું વ્યસન થઈ ગયું છે. એક ટેલર માસ્ટરને હંમેશા રેડીયો સાંભળતા જોયા તો મે પૂછયું કે રેડીયો સાંભળ્યા વગર કામ નહીં થાય? તો હંસવા લાગ્યા અને કહ્યું કે, રેડીયો સાંભળ્યા વગર એક ટાંકોએ નહીં મરાય… રેડીયો વગર તો બધુ સુનુ સુનુ લાગે છે.!
મનોરંજનની એક બીજી દુનિયા છે ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ. આ ત્રણેય સાધનોએ મનોરંજન ક્રાંતિ લાવી છે તેમ કહેવુ ખોટું નથી. ટીવી આવ્યું તે પહેલા લોકો થિયેટર નાટકો અને ફિલ્મોથી મનોરંજનની ભુખ સંતોષતા. ૮૦ના દાયકામાં ટીવી અને કોમ્પ્યુટર આવ્યા પછી લોકો ઘેર બેઠાબેઠા ટીવી પર ફિલ્મ અને નાટકો જોવા લાગ્યા. બાળકોના મનોરંજન માટે કાર્ટુન અને એનીમેશનનો દોર શરૃ થયો અને મોબાઈલના આગમનથી નવયુવાનો માટે હવે સોશ્યલ મીડિયા એ મનોરંજન હાંસલ કરવાનો નવો માધ્યમ બન્યો છે. મોબાઈલ ક્રાંતિ થયા પછી મનોરંજનને લગતી તમામ સામગ્રી લગભગ એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે. ગીત-સંગીત, ફિલ્મો, નાટકો, કાર્ટૂન, એનીમેશન ગેમ, સોશ્યલ મીડિયા વગેરે તમામ વસ્તુઓનો સમાવેશ મોબાઈલમાં થઈ જાય છે.
મનોરંજનના આ સાધનો અને તેના ઉપયોગથી વ્યક્તિમાં તેની અસરો જોવા મળે છે. ગીત-સંગીતનો વ્યસની ધીરગંભીર ઓછો હોય છે. ફિલ્મો અને નાટકોનો બંધાણી વાતચીતમાં તેના ડાયલોગનો પ્રયોગ કરતો જોવા મળે છે. ગેમ, કાર્ટુન, એનીમેશન અને સોશ્યલ મીડિયાનો રોગી એકલો રહેવાનું વધુ પસંદ કરે છે. એકંદરે વ્યક્તિ ‘Unsocial’ થઈ જાય છે.
મનોરંજનના સાધનોને પ્રચલિત કરવા પાછળ ઘણા કારણો છે. તેમાંનું મુખ્ય કારણ છે નફો કમાવવાનું. હોલિવૂડ, બોલીવૂડ, ટેલીવૂડ અને પ્રાદેશીક સ્તરે ચાલતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ ધમધમી રહી છે. જે કરોડો રૃપિયા કમાવે છે. આ ઇન્ડસ્ટ્રીઝ પાસે કોઈ નૈતિક કે અનૈતિક ધારાધોરણો નથી કે તેઓ સમાજને શું પીરસશે? લોકોની માગના બહાના હેઠળ અત્યંત નિચલા સ્તરની કથા, કોમેડી, સેક્સ, રોમાન્સ વગેરે બધુ જ બનાવી નાખે છે. દુનિયામાં સારી પ્રકૃતિવાળા લોકો ઓછા હોવાથી અને શેતાની પ્રકૃતિવાળા લોકો વધારે હોવાથી ફિલ્મો અને નાટકોના રચીતાઓ સફળ થઇ જાય છે.
બીજું કારણ છે, આવનારી પેઢીને ગાફેલ, બિનજવાબદાર, અનૈતિક અને અસામાજીક બનાવવાનો. દુનિયાભરની સત્તાઓના જુઠાણા, ભ્રષ્ટાચાર અન અન્યાય સામે કોઈ વિચારનારૃ, પોકારનારૃ બચે નહીં તેવા ઉદ્દેશ્ય સાથે મનોરંજન મીડિયા સત્તાઓની કઠપુતળીની માફક કાર્યરત્ છે અને સફળ થઈ રહી છે. સત્તાઓના ભ્રષ્ટાચાર અને અન્યાયને યુવાવર્ગ જ પડકારી શકે છે. પરંતુ પડકારવાની ક્ષમતા ક્યાંથી આવશે જ્યારે તેમને મનોરંજનની દુનિયામં ઓતપ્રોત કરી નાખવામાં આવશે! તેમને ભૌતિકવાદના કુંડાળામાં બાંધી દેવામાં આવશે! તેમને નાચવા-ગાવા, મોજમસ્તી અને આભાષી દુનિયા (Virtual World)માં સમાવી દેવામાં આવશે! સત્તાઓ એવું જ ઇચ્છે છે કે યુવાવર્ગ પોતાના જીવનને માણવા અને મન મુકીને જીવી લેવામાં એટલો મદ્મસ્ત થઈ જાય કે તેને સંબંધો, સમાજ અને રાજનીતિ બિલુકલ નિરસ અન કંટાળાજનક લાગવા લાગે.
સત્તાઓની આ માનસિકતા નવી નથી પરંતુ વર્ષો જુની છે. જેનું વર્ણન કુઆર્નમાં કરવામાં આવ્યું છે. ફિરઔનને જ્યારે મૂસા અલૈ. સામે કોઈ ઠોસ દલીલ ન મળી તો તેણે લોકોને રીઝવવા જાદુગરો બોલાવ્યા અને ખેલ તમાશા વડે લોકોનો ધ્યાન તેમની દા’વત તરફથી ખેંચવાનો પ્રયાસ કર્યો. (સૂરઃતાહા-૫૮). એવી જ રીતે જ્યારે મક્કાવાસીઓ મુહમ્મદ સ.અ.વ.ની દા’વતને સમજી ગયા કે મુહમ્મદ સ.અ.વ. લોકોને એક અલ્લાહની દા’વત આપી રહ્યા છે તો જે માર્ગ તેમણે અપનાવ્યો તે અલ્લાહ સૂરઃલુકમાનમાં વર્ણવે છે. “અને મનુષ્યોમાંથી જ કોઈ એવો પણ છે જે મનમોહક વાર્તાઓ ખરીદી લાવે છે જેથી લોકોને અલ્લાહના માર્ગથી જ્ઞાાન વગર પથભ્રષ્ટ કરી દે અને આ માર્ગ પર આવવાના આમંત્રણને મજાકમાં ઉડાવી દે. આવા લોકો માટે સખત અપમાનજનક યાતના છે.”
આ આયતની તફસીરમાં એમ જણાવવામાં આવ્યું છે કે મક્કાના નજર બિન હારિસ નામના રઈસે ઈરાકથી નાચગાન કરનારી સ્ત્રીઓ અને નાટકો બતાડનારી મંડળીઓ અને નવલકથા સંભળાવનારી સ્ત્રીઓ લઈ આવ્યો હતો કે જેથી લોકો એમાં જ રચ્યા પચ્યા રહે અને મુહમ્મદ સ.અ.વ.ની ધીર-ગંભીર દલીલો અને સમાજના સળગતા પ્રશ્નો વિશે વિચારી જ ન શકે. આમ મનોરંજનની આડમાં લોકોને સત્ય, ન્યાય, નૈતિકતા, ગંભીરતાથી દૂર રાખવામાં આવતું રહ્યું છે.
હવે પ્રશ્ન આ ઉપસ્થિત થાય છે કે કયા મનોરંજનના સાધનનો ઉપયોગ કરવો કે જેથી મનોરંજનની જરૂરીયાત પૂર્ણ કરી શકાય. આનો જવાબ છે મનોરંજનની જરૂરીયાત વ્યક્તિને એટલી જ છે જેટલી લોટમાં નમકની હોય છે. જરૂરીયાત કરતા વધારે નમક જેમ સ્વાદને બગાડી નાંખે છે એવી જ રીતે જરૂરીયાત કરતા વધારે મનોરંજન વ્યક્તિની પ્રકૃતિને બગાડી નાંખે છે. એટલે બજારમાં પર્યાપ્ત મનોરંજનના સાધનો પૈકી નૈતિકતા સામાજિકતા અને લજ્જાની સરહદો ન ઓળંગે તેવા સાધનની પસંદગી કરી શકાય છે. જેમકે નૈતિકતા અને સામાજીક પ્રશ્નો પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મો, વાર્તાઓ, ગીતો વગેરે. મનોરંજન હાંસલ કરવાનો એક વિસરાઈ ગયેલું સાધન રમત છે. તે ઇન્ડોર અને આઉટડોર બન્ને હોઈ શકે છે. તેને પુનર્જીવીત કરવું જોઈએ. મોબાઈલ અને ઇન્ટરનેટ આવી જવાના કારણે રમત બિલકુલ ભુલાઈ ગઈ છે. મનોરંજન પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને અસકારક માધ્યમ તમારા મિત્રો છે, પત્નિ, બાળકો અને ઘરના બીજા સભ્યો છે અને નજીકના સંબંધીઓ છે તેને અજમાવી જોજો. *