Friday, December 13, 2024
Homeપયગામમેરા તો પયગામ મુહબ્બત હૈ જહાં તક પહોંચે : શકીલઅહમદ

મેરા તો પયગામ મુહબ્બત હૈ જહાં તક પહોંચે : શકીલઅહમદ

જમાઅતે ઇસ્લામી હિંદ આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે એક અભિયાન “શાંતિ અને માનવતા અભિયાન” મનાવવા જઈ રહી છે. આ સંદર્ભે ગુજરાત પ્રદેશના અમીર શકીલ અહમદ રાજપૂત સાથે વાર્તાલાપ કરવામાં આવ્યું જે અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્ન: આખા વિશ્વના પરિપ્રેક્ષ્યમાં આપ ભારતને ક્યાં જુઓ છો? દેશની વર્તમાન પરિસ્થિતિ વિષે આપ શું કહેશો?

ઉત્તર  :    આપણે જે દેશમાં રહીએ છીએ તેની વિશેષતા જ વિવિધતામાં એકતાની છે. જ્યાં વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો શાંતિ અને પોતાની આગવી ઓળખ સાથે જીવી રહ્યા છે. આપણો દેશ બહુ સાંસ્કૃતિક, બહુ ભાષીય અને બહુ ધર્મી છે. દુનિયાના બધા જ ધર્મોનો આ દેશે સ્વીકાર કર્યો છે. આવી વિશેષતા વિશ્વના બીજા કોઈ દેશની નથી. આ જ પરિસ્થિતિએ આપણા દેશને સમગ્ર વિશ્વમાં સંમાન અને ગૌરવ અપાવ્યું છે.

પ્રશ્ન : શું આપણા દેશના બંધારણમાં વિશેષતા જોઈ શકાય છે કે પછી એકતા તે માત્ર સામાજિક સ્તરે છે?

ઉત્તરઃ સામાજિક અખંડતાનો તો આપણે અનુભવ કરી શકીએ છીએ, પરંતુ આ વિશેષતાને આપણા બંધારણે મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આપણા દેશમાં લોકશાહી છે અને બંધારણ ધર્મ નિરપેક્ષ છે. બહુમતી હોય કે લઘુમતી દરેક નાગરિકને આપણા બંધારણે સમાન અધિકાર આપ્યા છે.

પ્રશ્ન : તો પછી તમે જણાવશો કે અવારનવાર આપણા દેશમાં અણબનાવો કેમ બનતા રહે છે?

ઉત્તરઃ લોકશાહીની કેટલીક વિશેષતા છે અને તેની કેટલીક મર્યાદા પણ છે. અહીં ૩૧ ટકા વોટ મેળવીને પણ સરકાર બનાવી શકાય છે અને ૬૯ ટકા લોકોનું કોઈ વજન રહેતું નથી. સરકારની લોકશાહીના ટોળાશાહીમાં પરિવર્તિત થવાના ચાન્સ પણ રહે છે. અને આવું થાય તો લઘુમતિઓના હક્કોનું હનન કરવામાં આવે છે. કોઈ પણ દેશના લોકતંત્રને ત્યારે જ મજબૂત કહી શકાય જેમાં ન માત્ર લઘુમતી બલ્કે છેવાડાની વ્યક્તિના હક્કો સચવાતા હોય.

પ્રશ્ન : એવું લાગી રહ્યું છે કે આજે આપણાં દેશમાં લોકશાહીની આડમાં ટોળાશાહી ફૂલી ફાલી રહી છે?

ઉત્તર : તમારી વાત સાચી છે. સામાન્ય માણસ એવો જ અનુભવ કરી રહ્યો છે.

પ્રશ્ન : તેના માટે શું રાજકારણ જવાબદાર છે તમે શું માનો છો?

ઉત્તર : રાજકારણ પણ એક કારણ છે. બીજા કારણો પણ હોઈ શકે છે પરંતુ એક મુખ્ય કારણ લોકોની માનસિકતા છે. કોઈ પણ વ્યવસ્થા લોકો વડે ચાલે છે. જો તેમના માનસમાં કોઈ ધર્મ, સંપ્રદાય કે જાતિ વિષે ગેરસમજો અને પક્ષપાત હોય તો સમસ્યા ઉભી થાય છે. આજે  બે સમાજો વચ્ચે દૂરીઓ ઊભી થઈ રહી છે.

પ્રશ્ન : આપણા દેશને નુકસાન પહોંચાડનારા મુખ્ય તત્વો કોણ છે?

ઉત્તર : કોમવાદી અને ફાસીવાદી બળો આપણા સમાજની અખંડતા અને દેશની વિશેષતાને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા  છે.

પ્રશ્ન : એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જમાઅતે ઇસ્લામી હિંદ રાષ્ટ્રીય સ્તરે એક અભિયાન ચલાવવા જઈ રહી છે?

ઉત્તર : હા, વાત સાચી છે. મર્કઝ જમાઅતે ઇસ્લામી હિંદે આવતા મહિને ૨૧મી ઓગસ્ટથી ૪ સેપ્ટેમ્બર ૨૦૧૬ સુધી (૧૫ દિવસીય) “શાંતિ અને માનવતા અભિયાન” ચલાવવાનો નિર્ણય લીધો છે.

પ્રશ્ન : ૨૦૧૭ સુધી કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવવાની છે. શું જમાઅત તેનાથી કોઈ રાજનૈતિક લાભ મેળવવા માંગે છે?]

ઉત્તર : ના, કદાપિ નહીં. અમુક રાજ્યોમાં નજીકના સમયમાં ચૂંટણીઓ છે અને કેટલાક રાજ્યોમાં આવતા વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે. પરંતુ જમાઅત કોઈ પોલીટીકલ પાર્ટી નથી અને ન જ કોઇ વિશેષ પાર્ટી માટે કાર્ય કરે છે. તે ધાર્મિક, સામાજિક, સંગઠન છે. જે સમાજમાં ભાઈચારા, કોમી એખલાસ, શાંતિ અને માનવીય મૂલ્યો આધારિત સમાજના નિર્માણ માટે કાર્યરત્ છે. આપણા દેશની વિશેષતા “શાંતિ અને અહિંસા”ની પુનઃસ્થાપના માટે આ અભિયાન ખેડાવવાનું છે.

પ્રશ્ન : તમે કીધું કે સામાજિક અખંડતા આપણા દેશની ઓળખ છે, તો પછી અભિયાન ચલાવવા પાછળનું શું કારણ છે?

ઉત્તર : પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં દિન-પ્રતિદિન જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે. તો ન માત્ર તે, દેશના સમજુ નાગરિકો પણ મહસૂસ કરી રહ્યા છે કે દેશનો સ્થિર સામાજિક ઢાંચો ભાંગી રહ્યો છે. કોમી પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. અમુક પરિબળો છે જેમની રાજનૈતિક વિજય અને ખમવું કોમી તફાવત ઉપર આધારિત છે. તેના કારણે જ કેટલાક રાજ્યોમાં અણબનાવો વધી રહ્યા છે. હવે મોટા રમખાણો ન થતા નાના સ્તરે દંગાની ઘટનાઓ વધી રહી છે. બલ્કે દંગાની જગ્યાએ હુમલાઓ કહેવું વધારે યોગ્ય છે.

પ્રશ્ન : અસહિષ્ણુતા અને હિંસાની ઘટનાઓ વધવાની વાતના તમારી પાસે કોઈ પ્રમાણ છે?

ઉત્તરઃ સવારને સવાર સાબિત કરવા માટે કોઈ પ્રમાણની જરૃર નથી. એ એવું સત્ય છે જે નરી આંખે જોઈ શકાય. દરેક સામાન્ય જન એવું અનુભવી રહ્યું છે. છતાં તમને કહું કે લોકસભામાં ગૃહમંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા મુજબ ગત વર્ષ (૨૦૧૫માં) કોમવાદી હિંસામાં ૧૭ ટકાની વૃદ્ધિ થઈ છે. માત્ર એક વર્ષમાં ૭૫૧ ઘટનાઓ નોંધવામાં આવી છે. તેમાંના ૮૭ ટકા ઘટનાઓ જે રાજ્યોમાં થઈ છે તેમાં આપણો ગુજરાત પણ સામેલ છે. દાદરીમાં અખ્લાકથી લઈને ઊના (ગુજરાત)ના ૪ દલિતો પર થયેલ અત્યાચાર સુધી ઘણી બધી ઘટનાઓ છે. વિવિધ રાજ્યોમાં ધાક-ધમકીના કિસ્સાઓ, કોમવાદી કટાક્ષ અને હિંસા વધી રહી છે.

પ્રશ્ન : વધી રહેલા આવા અણબનાવો પાછળ શા કારણો હોઈ શકે?

ઉત્તરઃ તેની પાછળ ઘૃણાસ્પદ પ્રવચનો, સંગઠિત આંદોલનો, સમાચારમાં છપાતા લેખો, અમુક સમુદાય પ્રત્યે કેટલાક મીડિયાની દ્વેષપૂર્ણ નીતિ વિગેરે કારણો છે. સમયાંતરે ઘડી કાઢેલા વિવિધ વિષયો જેવા કે લવ જિહાદ, બેટી બચાવો બહુ લાવો, ગૌ-માતા, રાષ્ટ્રવાદ, આતંકવાદ, જનસંખ્યા, મુસ્લિમ મુક્ત ભારત વિગેરેના નામે કરવામાં આવતા લાગણીશીલ અને દ્વેષપૂર્ણ નિવેદનો તથા પ્રવચનો જવાબદાર છે. સમાજને ‘આપણાવાળો’ અને ‘તમારાવાળો’માં વિભાજિત કરવાના પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે, જે આપણા દેશ માટે ખૂબ જ દુઃખની બાબત છે. દેશનો બૌદ્ધિક વર્ગ, સિવિલ સોસાયટી અને સામાજિક કાર્યકરો દેશની વર્તમાન પરિસ્થિતિ જોઈ ખૂબ ચિંતિત છે. આવા અણબનાવો રોકવા માટે એક પત્ર દેશના વૈજ્ઞાાનિક વર્ગ દ્વારા માનનીય પ્રણવ મુખર્જીને આપ્યું હતું.

પ્રશ્ન : વર્ષોથી વિવિધ ધર્મોસંપ્રદાયોના લોકો સાથે રહી રહ્યા છે. પછી કોમવાદી વાતાવરણનું નિર્માણ કેમ થઈ રહ્યું છે સમજાતું નથી?

ઉત્તર : દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાય, જાતિ, ભાષાના લોકોનું અસ્તિત્વ છે. પરંતુ સામાજિક સ્તરે તેઓે હવે સાથે રહી રહ્યા નથી. કોમી વિસ્તારો ઊભા થઈ રહ્યા છે. લોકોનેે એક બીજા સાથે વાદ-સંવાદ કરવાના અવસરો મળતા નથી, જેથી ગેરસમજો અને અફવાઓ સરળતાથી લોકમાનસમાં પોતાની જગ્યા બનાવી લે છે. પછી ક્રિયા-પ્રતિક્રિયાની શ્રૃંખ્લાઓ દ્વારા ભયંકર પરિસ્થિતિનું ઉદ્ભવ થાય છે. જ્યાં મિશ્ર વસ્તી છે ત્યાં આવી પરિસ્થિતિ જોવા મળતી નથી.

પ્રશ્ન : શું દેશની વર્તમાન પરિસ્થિતિ માટે તમે મીડિયાને પણ જવાબદાર માનો છો?

ઉત્તર : હા, બિલ્કુલ. મીડિયાનો એક વર્ગ છે જે સમાજમાં અગ્નિ જવાળાનું કાર્ય કરી રહ્યું છે. બેજવાબદારી ભર્યા વલણના કારણે વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જે કંઈ આપણને દર્શાવવામાં આવે આપણે તો તેને સાચું માની લઈએ છીએ છે. જ્યારે કે વાસ્તવિકતા જુદી હોઈ શકે છે, અને હોય પણ છે. મીડિયાની સ્વતંત્રતા બાકી રહે તેવી રીતે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ.

પ્રશ્ન : જે પ્રકારનું ઝનૂની કોમવાદ જોવામાં આવી રહ્યું છે તેનાથી આપણા દેશને શું નુકસાન થઈ શકે છે?

ઉત્તરઃ ઝનૂન માણસને બેલગામ કરી દે છે. તે કાનૂન-વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લે છે. આવી પરિસ્થિતિ ન માત્ર જે તે સરકારને બલ્કે દેશને પણ કમજોર કરે છે. આવી માનસિકતાના લોકો હિંસા આચરવાથી પણ ચૂકતા નથી. ઇતિહાસ જોઈ લો આવી પરિસ્થિતિના કારણે ઘણા ગૃહ યુદ્ધના ભોગ પણ બન્યા છે. દેશ બાંધવોને એ સમજવાની જરૃર છે કે કાનૂનની સર્વોપરિતા હોવી જોઈએ અને કાયદાને પોતાના હાથમાં લેવાના ચીલાનો મુકાબલો હળીમળીને કરવો જોઈએ. માની લઈએ કે કોઈ વ્યક્તિ કાનૂનનું ઉલંઘન કરે છે તો તેના માટે કાનૂની માર્ગ અપનાવવા જોઈએ. હિંસાને ક્રૂરતા આચરવાથી સમાજમાં અશાંતિ પેદા થાય છે. સામાજિક માળખું વેરવિખેર થાય છે. દેશના અર્થતંત્રને પણ નુકસાન થાય છે. કેટલાક નિર્દોષો પણ તેમાં હોમાઈ જાય છે. કોઈ પણ ધર્મ-જાતિની વ્યક્તિની હત્યા થાય તે આખરે દેશના એક સન્માનીય અને પ્રતિષ્ઠિત નાગરિકની હત્યા છે.

પ્રશ્નઃ સ્થિતિનું નિરાકરણ કેવી રીતે કરી શકાય?

ઉત્તરઃ મારો ખ્યાલ છે કે દરેક સ્તરે વિવિધ ધર્મો, સંપ્રદાયો અને સંસ્કૃતિના લોકો વચ્ચે મોટા પાયે ચર્ચા અને સંવાદ થવા જોઈએ. ન માત્ર બોદ્ધિકો વચ્ચે બલ્કે સામાજિક સ્તરે અને મહોલ્લા અને વોર્ડના સ્તરે પણ અવાર-નવાર મળતા રહેવાના કાર્યક્રમો થવા જોઈએ. નફરતભરી પરિસ્થિતિ માત્ર મુસ્લિમો માટે ખરાબ છે એવું નથી, દલિતો અને આદિવાસીઓ પણ તેના ભોગ બની રહ્યા છે. બલ્કે સમગ્ર દેશ માટે ખતરનાક છે. તેથી આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા તમામ ફિર્કાના આગેવાનોને કાર્યકરો, શિક્ષિતગણ, ધાર્મિક ગુરુઓ, લેખકો વિગેરેએ આગળ આવવું જોઈએ. સ્થાનીય સ્તરના સદ્ભાવના મંચ કે એકતા મંચ પ્રકારના ફોરમ બનવા જોઈએ. ધાર્મિક આગેવાનોએ પણ એક મંચ પર આવવું જોઈએ.

પ્રશ્નઃ નાગરિક સ્વતંત્રતા અને હિંસા વિષે ઇસ્લામનું શિક્ષણ શું છે? તેના ઉપર પ્રકાશ પાડશો?

ઉત્તરઃ ઇસ્લામ વિચાર અને આચરણની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. તેમાં કોઈ જબરદસ્તી નથી અને હિંસા તથા અસહિષ્ણુતાનો વિરોધી છે. ઇસ્લામની વિચારધારા મુજબ આ સંસાર એક પરીક્ષા ખંડ છે. અહીં દરેક વ્યક્તિની પરીક્ષા છે. ઇસ્લામ એક નિર્દોષ વ્યક્તિની હત્યાને સમગ્ર માનવતાની હત્યા કહે છે. તે ભલાઈના કામોમાં સહભાગી થવાની અને જુલ્મ તથા અત્યાચાર સામે ઊભા થઈ ન્યાયની ધ્વજવાહક બનવાનું શિક્ષણ આપે છે.

પ્રશ્નઃ અભિયાન હેઠળ તમે ગુજરાતમાં કયા કયા કાર્યક્રમો કરવાના છો? તેની ઝાંખી આપશો?

ઉત્તરઃ અમારું ધ્યેય મોટાપાયે લોકો સુધી પહોંચવાનું છે. મોટા મોટા કાર્યક્રમો કરવાની જગ્યાએ ગ્રાઉન્ડ લેવલે સામાન્યજનને મળવાનો છે. આ અભિયાન માટે સાહિત્ય પણ તૈયાર કરવામાં આવશે. કવિ સંમેલન, શાળા-કોલેજો અને જેલખાનામાં લેકચર્ચ, પ્રેસ કોન્ફ્રન્સ વગેરે કરવામાં આવશે.

પ્રશ્નઃ શું એકલા હાથે જમાઅત અભિયાન ચલાવશે કે બીજા લોકોને પણ સાથે રાખશે?

ઉત્તરઃ જમાઅતની નીતિ રહી છે કે તે ભલાઈ અને કલ્યાણના કામોમાં સહયોગ કરે છે અને લે પણ છે. અમે દરેક  વર્ગ સમુદાય અને ધર્મના લોકો પાસે, ધાર્મિક આગેવાનો પાસે, સામાજિક કાર્યકરો પાસે, સિવિલ સોસાયટી અને બોદ્ધિકો પાસે જઈશું અને તેમને પણ સાથે લઈશું. યુવાનો અને મહિલાઓને પણ સાથે લઈશું. દેશમાં શાંતિ અને માનવતાનું પુનઃ સંગ્રહ આપણા સહુની સહિયારી જવાબદારી છે. અમારંુ લક્ષ્ય છે કે વોર્ડ અને પંચાયત સ્તરે નાના નાના સદ્ભાવના મંચો બની જાય, જેથી આ કાર્ય માત્ર અભિયાન સુધી સીમિત ન રહે બલ્કે નિરંતર ચાલતો રહે.

અમન વ ઉખુવત અદ્લ વ ઉખુવત વહદત કા પ્રચાર કરો

ઇન્સાનો કી ઇસ નગરીમેં ઇન્સાનો સે પ્યાર કરો

પ્રશ્નઃ અંતે યુવાસાથીના વાચકોને તમે શું સંદેશ આપશો?

ઉત્તરઃ દરેક ધર્મના લોકો વચ્ચે મોકળા મન સાથે ચર્ચા વિચારણા થવી જોઈએ. એક બીજાની ધાર્મિક માન મર્યાદાનું આદર થવું જોઈએ. આપણને માનવી અને નૈતિક મૂલ્યોની પાબંદી કરવી જોઈએ. બંધારણે જે હક્કો તેના નાગરિકોને આપ્યા છે તેનું હનન ન થાય તેની કાળજી લેવી જોઈએ. કોઈપણ કીંમતે સમાજની શાંતિ ન દહોડાય તેનું ખ્યાલ રાખવું જોઈએ. તો જ આપણો દેશ મજબૂત અને સશકત બની શકે છે.

ઉનકા જો કામ હે વો અહલે સિયાસત જાને

મેરા તો પેગામ મુહબ્બત હે જહાં તક પહુંચે

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments