Sunday, October 6, 2024
Homeકેમ્પસ વોઇસગુજકોટોક કાયદો તે પોલીસ રાજ લાવવાની કવાયત સમાન

ગુજકોટોક કાયદો તે પોલીસ રાજ લાવવાની કવાયત સમાન

૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમના (GUJCTOC) બીલને પસાર કરવામાં આવ્યું અને હવે તે કાયદો બને તેના માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીની વાર છે. આ સમાચાર પછી ગુજરાતભરમાં અને દેશભરમાં માનવ અધિકારની રક્ષા કરવા માટેના કાર્યશીલો અને સંસ્થાઓ આ કાયદામાં સૂચિત કરવામાં આવેલા ગંભીર અને વાંધાજનક પ્રાવધાનો માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જન ચેતના જગાવવા અને રાષ્ટ્રપતિ સમક્ષ બીલના વિરોધ સારુ મજબૂત પક્ષ રજૂ કરવા છેલ્લા બે ત્રણ સપ્તાહથી સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ કાયદાને સમજવાના હેતુસર અને તેના સંભવિત માઠા પરિણામો લોકો સમક્ષ લાવવા યુવાસાથી દ્વારા એક ચર્ચાગોષ્ઠીનું આયોજન અમદાવાદના સુફ્ફા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં ગુજરાત હાઈકોર્ટના વરીષ્ઠ વકીલો એસ.એચ.ઐયર, એલ.આર.પઠાણ, જન સંઘર્ષ મંચના શમશાદ પઠાણ અને એસોસીએશન ફોર પ્રોટેકશન ઓફ સિવીલ રાઈટ્સ (APCR)ના રાષ્ટ્રીય સચિવ ડૉ. શકીલ એહમદ શામેલરહ્યા હતા.

એડવોકેટ ઐયરે જણાવ્યું હતું કે આ કાયદામાં જે અલગઅલગ ગુનાઓને એક છત્ર નીચે લાવવાની કોશિશ કરવામાં આવી છે તે ભૂલ ભરેલી છે. આતંકવાદ અને આર્થિક ફાયદાઓ માટે આચરવામાં આવતા સંગઠિત ગુનાઓને એક શ્રેણીમાં રાખવું ભૂલભરેલુ છે. ભારતીય કાનૂન વ્યવસ્થામાં આ પ્રકારના તમામ ગુનાઓ માટે પહેલાથી જ મજબૂત કાયદાઓ મોજૂદ છે અને આ નવો કાયદો માત્ર પોલીસતંત્રને બેફામ અને કોઈ પણ વિપરીત અવાજને દબાવી દેવા માટે સરકારી સાધન હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

શમશાદ પઠાણે આ કાયદામાં સૂચવેલા ત્રણ પ્રાવધાનોને ખૂબ જ વાંધાજનક ગણાવ્યા હતા.પ્રથમ એ કે પોલીસ સમક્ષ આપેલી જુબાનીને પુરાવો ગણી લેવામાં આવે તે માત્ર અમાનવીય જ નથી પરંતુ ભારતમાં પ્રવર્તમાન કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર્સ(CrPC)ની સંપૂર્ણ અવગણના સમાન છે. દેશભરમાં અને વિશેષ કરીને ગુજરાતમાં પોલીસતંત્ર પહેલાથી જ બેજવાબદાર કૃત્યો અને નકલી એન્કાઉન્ટરો માટે વગોવાયલું છે ત્યાં આ કાયદો તેમને વધૂ બેજવાબદાર બનાવશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. બીજુ ઇલેકટ્રોનીક સંદેશાવ્યવહારના રેકોર્ડીંગ્ઝને પુરાવા તરીકે કબૂલ કરવાના પ્રાવધાનના કારણે પોલીસતંત્ર પાસે આમ જનતાના ફોન ટેપીંગ અને તેમના સંદેશાવ્યવહારને આંતરવાના જે અધિકારો પ્રાપ્ત થશે તેના કારણે સામાન્ય જનતાની આઝાદી અને તેમના અંગત જીવનમાં બિનજરૂરી દખલ વધશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્રીજો વાંધો તેમણે ચાર્જશીટ મૂકવા માટેની મુદ્દતને ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ સુધી લંબાવવાની કવાયતોને પણ પોલીસતંત્રની કમજોરી પર ઢાંકપિછોણા સમાન ગણાવી હતી. આ ઉપરાંત કાયદો સખત છે કે લોકસુરક્ષાના નામે અખબારોમાં અમૂક સમાચારો પર પાબંદી, ગુનામાં સંડોવાયેલ વ્યક્તિ સાથે સામાન્ય સંબંધો ધરાવતી વ્યક્તિ સામે પગલાં લેવાશે તે વિચાર જ ખૂબ ભયજનક છે તેવું તેમણે જમાવ્યું હતું.

એડવોકેટ એલ.આર.પઠાણે કાયદાને બિનજરૂરી ગણાવતા જણાવ્યું હતું કે ખરાબ અને ગુનેગાર લોકો સામે મજબૂત કાયદાનો ઉપયોગ કરવા માટે કોઈ પણ શાણી વ્યક્તિ વિરોધ કરે નહીં પરંતુ જ્યારે અમૂક ચોક્કસ સમૂદાયના લોકો અથવા ઉપેક્ષિત લોકોમાં ભય ફેલાવવા માટે કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે તે બાબત રાષ્ટ્ર માટે અત્યંત ગંભીર ગણાય. સાવ ક્ષુલ્લક ગણી શકાય તેવા ગુનાઓને અને માત્ર પોલીસને આશંકા થાય તેવા કારણો ધરીને તદ્દન નિર્દોષ લોકો સામે આ કાયદાનો ઉપયોગ થાય તેવો ભય તેમણે વ્યક્ત કર્યો હતો.

ડૉ. શકીલ એહમદે આ કાયદાને પોલીસરાજ લાવવાની કવાયત સમાન ગણાવ્યો હતો.તેમણે અંગ્રેજો વિરૂદ્ધના આઝાદી આંદોલનને ટાંકતા જણાવ્યું હતું કે તે સંગ્રામમાં દેશભક્ત લોકોએ પોતાની જાનોની કુર્બાની એ સારુ આપી હતી કે લોકોને પરાધીનતામાંથી મુકતી અપાવીને સ્વાધીનતા અર્પી શકાય. આજનો સમય પણ એક એવી જ પરાધીનતાનો થઈ ગયો છે જેમાં હવે અંગ્રોજોની ગુલામી નથી પરંતુ જનતાને પોતાની ગુલામ બનાવી રાખનાર મથતી સરકાર સામે છે. શાસન ન્યાય થકી કરી શકાય અથવા જુલ્મ કરીને તેને બાકી રખાય. આજની સરકારો ન્યાય કરવામાં માનતી નથી અને તેથી જ જનતાને ધાકધમકાવીને રાખી શકે તે માટે આ પ્રકારના કાયદાઓ ઘડે છે. જો કાયદો બનાવનારા અને તેને લાગુ કરનારાઓ જ કાયદા સામે જવાબદાર ન રહે તો તે ભયજનક બાબત છે તેવું તેમણે જણાવ્યું હતું. આ કાયદાઓ થકી જો કોઈ નિર્દોષો સામે કાર્યવાહી થાય તો તેની કોઈ જ જવાબદારી પોલીસ અથવા સરકારની ન બને તે પ્રકારની આ કાયદાની જોગવાઈઓ સામે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

એડવોકેટ ઐયરે જણાવ્યું હતું કે આમ જનતાને આ કાયદા વિશે બહુ જાણકારી નથી અને તેમના સમક્ષ મજબૂત દલીલો સાથે રજૂઆત થવી જોઈએ કે આ કાયદાનો વિરોધ કેમ જરૂરી છે. તેમણે જન આંદોલન ચાલૂ રાખવા આહ્વાન કર્યું હતું કે સતત પ્રયત્નો ચાલૂ રાખવાથી આ કાયદા પર રોક લગાવી શકાય તેમ છે. તેમણે પોટાને આવો જ એક કાળો કાયદો ગણાવ્યો હતો અને તેની સામે સતત લડત આપી હોવાના કારણે કઈ રીતે તે કાયદો રોકી શકાયો હતો તેની પણ ચર્ચા કરી હતી. ડૉ. શકીલ એહમદે ઉમેર્યું હતું કે જે રીતે ટાડા અને પોટાનો સફળ વિરોધ કરવામાં આવ્યો હતો તેવો યુ.એ.પી.એ. કાયદાનો વિરોધ ન થયો અને હવે સરકારોની આવા અમાનવીય કાયદાઓ લાવવા માટેની હિંમત ખુલતી જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન અને લાલકીલા પર ત્રિરંગો લહેરાયો તેમાં બસો વર્ષો નીકળી ગયા હતા. આમ સરકાર સામેનો વિરોધ કોઈ નાનકડી મુદ્દતના વિરોધથી નહી પરંતુ સતત લડત કરવાથી જ થશે તેવું તેમણે જણાવ્યું હતું. આવા કાળા કાયદાઓમાં માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસનો ઇતિહાસ પણ ઘણો જ ખરાબ રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું. શમશાદ પઠાણે કોંગ્રેસ પક્ષની ટીકા કરતા જણાવ્યું હતું કે જે રીતે તેઓએ વિધાનસભામાં કાયદા વિરુદ્ધ દલીલ કરવાને બદલે વોક આઉટ કરી લીધું તે જવાબદાર વિરોધપક્ષને છાજે તેવું જરાપણ નહતું. જનતા પોતાના પ્રતિનિધીઓને એટલા માટે નથી ચૂંટતી કે સરકારની તાનાશાહી વિરુદ્ધ તે ચૂપ રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષના ભરોસે બેસ્યા વગર જનતાએ પોતે જ લોક આંદોલન શરૃ કરવું જોઈએ. તેમણે છેલ્લા બે ત્રણ સપ્તાહોમાં જે સિવિલ સોસાયટીના સદસ્યોએ આ બીલ વિરૂદ્ધ કામગીરી આદરી તેની પણ વિસ્તૃત રૃપરેખા આપી હતી. તેઓએ ડૉ. આંબેડકર સાહેબના જન્મદિવસ નિમિત્તે સફાઈ કર્મચારીઓ સાથે મળીને જે જનચેતના માટે પ્રયાસો કર્યા હતા તેની પણ માહિતી આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ સમક્ષ પાંચ લાખ સહીઓ એકઠી કરીને રજૂઆત કરવાની યોજના અંગે પણ માહિતી આપી હતી.

તમામ ઉપસ્થિતોએ આ કાળા કાયદાનો સંપૂર્ણ પ્રતિકાર કરવાનો સંકલ્પ કરીને ચર્ચાગોષ્ઠીનું સમાપન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments