Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસમહત્ત્વકાંક્ષા

મહત્ત્વકાંક્ષા

જીવનમાં મહત્ત્વકાંક્ષા – કોઈ મહત્તવનું કાર્ય કરવાની આશા કે ઇચ્છા – એટલી જ જરૂરી હોય છે જેટલું શ્વાસ લેવું. સામાન્ય માણસો સાદી સીધી રીતે જીવન વીતાવે છે પરંતુ અસામાન્ય માણસો મહત્ત્વકાંક્ષા લઈને જીવન વીતાવે છે. કારણકે એમને અસાધારણ સફળતા મેળવવી હોય છે. હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ચિંતક, લેખક અને પ્રકૃતિપ્રેમીએ એકવાર કહ્યું હતું, “જો માણસ હંમેશા આકાંક્ષા ન રાખે તો તે ઉન્નત (સફળ) થતો નથી.” સફળ થવા માટે કોઈ એક આકાંક્ષા પણ હોવી જરૂરી છે.

જે લોકો આકાંક્ષા લઈને જીવે છે એમનું ધ્યેય સ્પષ્ટ હોય છે. અને તેથી પોતાની મંઝિલ સુધી પહોંચવા માટેનો માર્ગ પણ એમના માટે સ્પષ્ટ હોય છે. બધી જ તકલીફો વેઠવી પડે છતાંય આવા લોકો પોતાની મંઝિલે પહોંચી જાય છે, અને ઇતિહાસ રચે છે. એક મહાપુરૃષના વાક્યને થોડુંક ફેરવીને કહેવું હોય તો એમ કહી શકાય કે સામાન્ય માણસો ઇતિહાસ વાંચે છે અને મહત્ત્વકાંક્ષા માણસો ઇતિહાસ રચે છે. ઇતિહાસના પૃષ્ઠો ઉપર આવા લોકોની ભરમાર છે. મહાન સિંકંદરથી લઈ, નેપોલિયન બોનાપાર્ટ, અબ્રાહમ લિંકન, લેનિન અને એડોલ્ફ હિટલરથી નરેન્દ્ર દામોદરદાસ મોદી સુધી.. કેટકેટલા નામ લેવા. આમાં કેટલાક ખરેખર મહાન છે તો કેટલાક વગોવાયેલાં છે. પણ મહત્ત્વકાંક્ષા સારા નરસાનો ભેદ કરતી નથી. જે એની આંગળી પકડે છે એને એ મંઝિલ ભણી દોરી જાય છે. મહાપુરૃષોનું જીવન ચરિત્ર વાંચવું જોઈએ જેથી એમને મળેલી સફળતા કેટલી મુશ્કેલ હતી એની અનુભૂતિ આપણને થાય અને આવા પુરૃષો પાસેથી જીવનના મહત્વના પદાર્થપાઠ શીખવા મળેે. એક મહાપુરૃષે કહ્યું હતું કે “જો મંે બાળપણમાં નેપોલિયનનું જીવન-ચરિત્ર વાંચ્યું હોત તો મારૃં જીવન જ બદલાઈ જાત. મારામાં જે કાંઇ વધારેમાં વધારે કરી શકવાની શક્તિ હતી તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાની મને આકાંક્ષા થઈ હોત.”

મહત્ત્વકાંક્ષા માણસો પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે મચી પડે છે અને એશઆરામ કે સુસ્તીને ધિક્કારતા થાય છે. તેથી જ આકાંક્ષાઓ માણસને ધરતી ઉપરથી ઉઠાડી ઊંચે આકાશમાં લઈ જાય છે.

આકાંક્ષાનો બીજો અર્થ છે આશા. આ આશા જ છે જે જીવનનું ચાલકબળ છે. માણસ ધનદોલત પ્રતિષ્ઠા બધું જ ગુમાવી દે પરંતુ આશા જીવંત હોય તો એણે કશું જ નથી ગુમાવ્યું, જે ગુમાવ્યું હશે એ પણ પાછું મેળવી લેશે પરંતુ જેણે આશા ગુમાવી દીધી એણે જાણે બધું જ ગુમાવી દીધું. આશા આકાશના એ તારાઓની જેમ હોય છે જે રાત્રિના અંધકારમાં પથ પ્રદર્શિત કરે છે. સ્વેટમાર્ડને કેટલી સરસ વાત કરી હતી. “આશા જ્યાં ખેંચે ત્યાં આપણે જઈએ, નહિં તો આપણે ધીરેધીરે નિરાશા સાથે સરકી પડીએ છીએં. તમારી સ્થિતિને ઊંચામાં ઊંચે શિખરે પહોંચાડવા હંમેશા પ્રયત્ન કરો. જીવનમાં ઊંચુ ધોરણ ઘણું અગત્યનું છે.”

મહત્ત્વકાંક્ષા હોવું એમ તો ઘણું સારૃં છે પરંતુ માણસ જ્યારે મર્યાદા ઓળંગી અતિમહત્તવકાંક્ષી બની જાય તો પણ ઘણા જોખમ ઊભા થાય છે. દરેક વસ્તુ મર્યાદામાં શોભે છે એમ મહત્ત્વકાંક્ષા પણ મર્યાદામાં હોય તો લાભકર્તા છે. પરંતુ મર્યાદા ઓળંગી દે તો માણસને નીતિનિયમો અને મૂલ્યો સાથે સમાધાન કરવું પડે છે.

જે દોરડા કે સીડી દ્વારા આપણે ઉપર ચડીએ એને ક્યારેય ન ભૂલવું જોઈએ. ઊપર ચઢવું કે ઉન્નત થવું એ તો સારી વાત છે પણ જે સીડી કે દોરડાથી ઉપર ચઢ્યા હોઈએ એને જ કાપી નાખીએ તો નીચે ઉતરવાની મજબૂરી આવે ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કેમકે ટોચ ઉપર મોટાભાગે હવામાન સારૃં નથી હોતું. નીચે કૂદકો મારવાનો સમય આવે તો હાથ પગ પણ ભાંગી શકે છે. પાયાની વાત આ છે કે જે શિક્ષકો અને ગુરૃઓ પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અથવા આપણી ઉન્નતિમાં જે લોકોએ આપણને મદદ કરી હોય, ભોગ આપ્યા હોય એમને વિસરવા ન જોઈએ.

મોટાભાગના મહત્ત્વકાંક્ષા લોકો આવા લોકોને ભૂલીને અપકાર કરતા નથી પરંતુ આજની આ દુનિયામાં ઘણા એવા પણ હોય છે જે પોતાને જ સૌથી ‘લાયક’ અને બીજા બધાને ‘નાલાયક’ માને છે. આવા લોકોમાં મહત્ત્વકાંક્ષાઓ તો બહુ મોટી હોય છે પરંતુ શક્તિઓ બહુ ઓછી હોય છે, તેથી આવા લોકો મૂલ્યો અને નીતિમત્તા સાથે સમાધાન કરવામાં ઉસ્તાદ હોય છે. એમની મહત્ત્વકાંક્ષાઓ એટલી મોટી હોય છે કે આ દુનિયા પણ એમને નાની લાગે છે. તેઓ પોતાને સૌથી હોશિયાર અને બીજા બધાને મૂર્ખ માને છે.

માણસ મોટી મહત્ત્વકાંક્ષાઓ ધરાવે એમાં કશું ખોટું નથી પરંતુ આ જ મહત્ત્વકાંક્ષાઓ જ્યારે બીજા લોકોને ‘યુઝ એન્ડ થ્રો’ની નીતિ પ્રમાણે કચરાપેટીમાં પધરાવી દે છે ત્યારે વાંધો આવે છે. આવા માણસો પોતાને મોટા સમજે છે પરંતુ તેઓ મનથી એટલા નાના હોય છે કે કોઈ એમનાથી ઉપર જવાનો પ્રયત્ન કરે તો તરત તેમને નીચે પાડી દે છે. આવા રતિભાર હૃદયવાળાઓનો નિયમ જ હોય છે કે આપણે ખરેખર મોટા ન હોઈએ તો કાંઇ વાંધો નહીં પણ બીજા લોકોને નાના ચિતરો. આપણી નાની વાતને મોટી બતાવો. આશ્ચર્ય તો આ વાતનું છે કે લોકો આ બધું સમજતા હોય છે છતાંય એમની માયાજાળમાં ફસાય છે.

ભૂપત વડોદરિયા સાહેબે એક જગ્યાએ લખ્યું હતું, “મહત્ત્વકાંક્ષાને સર્વોપરી ગણનારને કોઈ સ્પર્ધાના નિયમો લાગુ પડતા નથી. મહત્ત્વકાંક્ષા માણસ ‘હું મોટો છું’ તેવું સાબિત કરવા પોતાનું પેટ ફુલાવ્યા જ કરે છે, પણ પેલા બળદ અને દેડકાની વાતમાં દેડકાનું પેટ ફાટી જાય છે અને તે નાશ પામે છે તેવું મહત્ત્વકાંક્ષા માણસની બાબતમાં બનતું નથી.”

આવા લોકોનું પેટ ભલે ન ફાટે લોકો તો આવા દેડકાઓને ઓળખે જ છે, એ અલગ વાત છે કે સમય આવે ત્યારે ચપ્પલથી પણ ધોઈ નાખે છે. કુવાના દેડકા બનવા કરતાં આકાશના રાજા ગરૃડ બનવું પસંદ કરજો. ગરૃડને ખબર છે આકાશની વિશાળતાની, તેથી ગરૃડને પોતાની બુલંદી ઉપર ઘમંડ નથી હોતો.

મહત્ત્વકાંક્ષા બનજો, અતિ-મહત્ત્વકાંક્ષી નહીં.

(મો. ૯૬૨૪૦૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments