Tuesday, December 10, 2024
Homeમાર્ગદર્શનરમઝાન, કુર્આન અને તકવા

રમઝાન, કુર્આન અને તકવા

રમઝાનુલ મુબારક કુર્આનનો મહિનો છે. “રમઝાન એ મહિનો છે, જેમાં કુર્આન અવતરિત કરવામાં આવ્યું, જે માનવ-જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ દેખાડનારૂં અને સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારૂં છે.” (સૂરઃબકરહ-૧૮૫) . આ મહિનામાં રોઝા રાખવા અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય “તકવા” અર્થાત્‌ સંયમ અને ઈશભયનો ગુણ પેદા કરવા છે. “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમારા માટે રોઝા ફરજિયાત કરી દેવામાં આવ્યા, જેવી રીતે તમારા ૫હેલાંના પયગંબરોના અનુયાયીઓ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા. તેનાથી આશા છે કે તમારામાં તકવા (સંયમ અને ઈશભય)નો ગુણ પેદા થશે.” (સૂરઃબકરહ-૧૮૩).

કુર્આનમજીદ અલ્લાહની વાણી છે. તે જીવનની એક વિશેષ યોજના આપે છે. એક શ્રદ્ધા વ્યવસ્થા (Belief System), મૂલ્ય વ્યવસ્થા (Value System), તેના પર આધારિત એક જીવન શૈલી (Life Style), એક સભ્યતા અને એક સંસ્કૃતિ. માનવની વ્યક્તિગત અને સામૂહિક જીવનના આ તમામ પાસાઓ આ યોજનામાં સામેલ છે. તેમાં જ આ દુનિયા અને આખેરતની સફળતાનું રહસ્ય છે. કુર્આનની આ યોજનાને પોતાના જીવનનો ભાગ બનાવવા માટે આપણી અંદર આત્મસંયમ (Self Control) હોય, કુર્આનના મૂલ્યો ઉપર અનુસરણ માટે સંકલ્પશક્તિ (Will Power) હોય, અલ્લાહનો ભય હોય, સાવચેત અને શિસ્તબદ્ધ જીવનની ટેવ હોય, તેને જ કુર્આન “તકવા” કહે છે. રમઝાન આ જ તકવાને પ્રાપ્ત કરવાનો સ્ત્રોત છે. કુર્આન, તકવા અને રમઝાનના આ ત્રિકોણને સમજવાની જરૂરત છે. રમઝાન એક મહિનાનો તાલીમી અભ્યાસક્રમ છે જેનાથી અલ્લાહ તઆલા દર વર્ષે મુસ્લિમોને ગુજારવાનો અવસર આપે છે જેથી તેઓ તકવા પ્રાપ્ત કરી લે અને સમગ્ર વર્ષ કુર્આન અનુસાર પોતાનું જીવન વ્યતીત કરે.

કુર્આન “તકવા”ને ખૂબ મહત્ત્વ આપે છે. અલ્લાહ તઆલાને આ પસંદ છે કે ઈમાનવાળાઓનો જીવનનો આધાર “તકવા” ઉપર હોય. “સારો માણસ એ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહના ડર અને તેની પ્રસન્નતાની પ્રાપ્તિ ઉપર રચ્યો હોય.” (સૂરઃતૌબા-૧૦૯). આખેરતમાં સફળતા પણ સંયમી લોકો માટે જ છે. “અને અંતિમ સફળતા તેમના જ માટે છે જેઓ તેનાથી ડર રાખીને કામ કરે.” (સૂરઃઆ’રાફ-૧૨૮).“અને પરિણામની ભલાઈ તો તકવા (ધર્મ-પરાયણતા) માટે જ છે.” (સૂરઃતાહા-૧૩૨). અને દુનિયાની સફળતા, અલ્લાહથી બક્ષિશ પ્રાપ્ત કરવી અને મુશ્કેલીઓમાંથી છુટકારો. આ બધા “તકવા” ઉપર આધારિત છે. “જે કોઈ વ્યક્તિ અલ્લાહનો ડર રાખીને કામ કરશે, અલ્લાહ તેના માટે મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ માર્ગ પેદા કરી દેશે અને તેને એવા-એવા માર્ગેથી રોજી આપશે જેના તરફ તેની કલ્પના પણ નહીં જતી હોય.” (સૂરઃતલાક-૨,૩)

અલ્લાહ ઇચ્છે છે કે જ્યારે કુર્આનનો મહિનો આવે તો મુસ્લિમો ચારેય બાજુથી એકાગ્ર થઈ જાય. કુર્આન વાંચે, તેના ઉપર ખૂબ વિચાર-વિમર્શ કરે. પોતાના ઘરે પણ વાંચે અને રાત્રીના એકાંતમાંં અલ્લાહ સમક્ષ સંપૂર્ણ રીતે એકાગ્ર થઈને ઊભા થઈ જાય અને આ “ક્યામ” (બંદગી માટે ઊભા રહેવું)ની હાલતમાં ખૂબ કુર્આન વાંચે અને સાંભળે, અને આ જ રીતે આ માસમાં કુર્આનથી પસાર થાય. આ બધી બાબતો સારી રીતે જાણી લે અને તેની સ્મૃતિ થઈ જાય કે કુર્આન કેવું જીવન ઇચ્છે છે? અને કુર્આનનું જીવન-દર્શન મન-મસ્તિષ્કમાં બેસી જાય.

કુર્આનના ઉપદેશોના પ્રકાશમાં પોતાનું આત્મ-નિરીક્ષણ કરો. જુઓ કે તમારા જીવનમાં ક્યાં ક્યાં વિચલન જાેવા મળે છે. તેના ઉપર ક્ષમા-યાચના ચાહો. આ જ કારણ છે કે રમઝાનથી ફાયદો ઉઠાવવા માટે એક શરત આ પણ જણાવવામાં આવી છે કે “જેણે ઈમાન અને આત્મ-નિરીક્ષણ સાથે રમઝાનમાં કયામુલ્લૈલ (રાત્રે બંદગી માટે ઊભા રહેવું) કર્યું, તેના અગાઉના ગુના માફ કરી દેવામાં આવશે.” (સહીહ બુખારી)

તો પછી તમારી ખામીઓને દૂર કરવા અને કુર્આનમાં જણાવેલ ગુણો અને ભલાઈઓને તમારા જીવનમાં સમાવવા માટે રોઝા દ્વારા સંકલ્પ શક્તિ પ્રાપ્ત કરો. મો’મિનનું સમગ્ર જીવન એક પ્રકારે રોઝાનું જ જીવન છે. તેના ઉપર અનિવાર્ય છે કે જીવનભર અલ્લાહની પ્રસન્નતા હાસલ કરવા માટે મનેચ્છાઓ ઉપર નિયંત્રણ રાખે. પોતાની ટેવોને બદલે. અલ્લાહને પસંદ ન હોય તેવી તમામ બાબતોથી દૂર રહે. આવો એક પ્રકારનો હળવો રોઝો તો દરેક મુસલમાનને જીવનભર રાખવો હોય છે. તેના શિક્ષણ માટે સમગ્ર મહિના દરમ્યાન આપણે વધુ મુશ્કેલ રોઝામાંથી પસાર થઈએ છીએ જેથી બાકીમાં જીવન આપણે સરળ રોઝા રાખી શકીએ.

કુર્આનના ઉપદેશોનો મોટો ભાગ “હકૂકુલ ઇબાદ” અર્થાત્‌ અલ્લાહના બંદાઓના હકથી સંબંધિત છે. રોઝાનું એક પાસું એ પણ છે કે તે વ્યક્તિને અલ્લાહના ગરીબ, મજબૂર અને ભૂખ્યા લોકોની પીડા અનુભવે છે. સદ્‌કા અને ખૈરાત, ઝકાત, ફિત્રા અને વિવિધ બ્હાનાઓથી ગરીબોના કામ આવી એક પ્રકારનો આનંદ અનુભવાય છે જે ગરીબોના કામ આવવાથી પ્રાપ્ત થાય છે. અને બાકીના જીવન માટે કુર્આનમાં ગરીબો માટે દયા દાખવવા માટેની પ્રકૃતિને પોતાની અંદર વિકસાવે છે.

અલ્લાહતઆલા આ પણ ઇચ્છે છે કે આ મહિનામાં એકાગ્ર થઈને અલ્લાહથી સંબંધ સ્થાપિત કરવામાં આવે. ‘ઝિક્ર’ અને દુઆ, તિલાવત અને ક્ષમા-યાચના દ્વારા આધ્યાત્મિક શક્તિથી સમૃદ્ધ બનવામાં આવે જેથી બાકીના જીવનમાં દીન ઉપર અનુસરણ સરળ બની જાય.

જ્યારે છેલ્લા દસ દિવસ આવે છે તો અલ્લાહ તઆલાને પસંદ હોય છે કે આ બધા અમલ અને ઇબાદતોમાં આપણે તીવ્રતા પેદા કરીએ. એ’તેકાફ અને શબે કદ્રની શોધના બહાનાથી અલ્લાહ તઆલાનું સામિપ્ય મેળવીએ. આધ્યાત્મિક શુદ્ધતા અને નૈતિક ઊંચાઈના ઉચ્ચથી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરીએ. અહીં સુધી કે જ્યારે ઇનામની રાત્રી એટલે કે ઈદની રાત આવે તો બધુ બદલાઇ ગયું હોય. આપણે સ્વચ્છ થઈ બિલ્કુલ નવા વ્યક્તિત્વ સાથે ઊભરી આવીએ. આપણું અસ્તિત્વ કુર્આન સાથે સુસંગત થઈ જાય. અને એક શુદ્ધ, વધારે સંયમ અને ઈશભય, ખૂબ વ્યવહારૂ, કુર્આનના શિક્ષણથી વધારે સુસંગત અસ્ત્તિવ સાથે આપણે બાકીની જીવન યાત્રા જારી રાખીએ.

આ યોજના જે રમઝાન, તકવા અને કુર્આનના પવિત્ર ત્રિકોણ ઉપર વિચાર કરવાથી સમજમાં આવે છે. આ યોજનામાં, ઇસ્લામી ઇબાદતોની બધી યોજનાઓની જેમ, ઇબાદતના બાહ્ય સ્વરૂપની સાથે તેનો આત્મા અને તેના ઉદ્દેશ્ય ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આપણે ઇબાદતના બાહ્ય અમલ ઉપર જેટલો ભાર આપીએ છીએ. તેટલો જ તેના ઉદ્દેશો અને તેના આત્મા પર આપ્યો હોત તો મુસ્લિમ સમુદાય દુનિયા માટે શ્રેષ્ઠ નમૂનો હોત. તે ઉચ્ચ નૈતિક દરજ્જા ઉપર બિરાજમાન હોત કે દુનિયાની નેતાગીરી માટે કોઈ અન્ય તેના મુકાબલામાં ટકી શક્યો ન હોત. તે સમગ્ર માનવજાત માટે દયા અને સમગ્ર માનવતા માટે અત્યંત લાભકારક બની શકી હોત.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments