Tuesday, December 10, 2024
Homeમનોમથંનસંતુલીત સ્વતંત્રતા એ જ સ્વતંત્રતાની સુંદરતા

સંતુલીત સ્વતંત્રતા એ જ સ્વતંત્રતાની સુંદરતા

પયગંબર મુહમ્મદ ﷺ જેવી પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ ઉપર અવારનવાર અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે નિંદનીય રીતે હુમલા થતાં હતા અને થઇ રહ્યા છે… ત્યારે સ્વતંત્રતાનું સંતુલન એ જ તેની સુંદરતા છે તે જાણવું જરુરી છે. ફેબ્રુઆરી 2011માં યુવાસાથીના તંત્રી લેખ (મનોમંથન)માં લખાયેલ એક લેખ આજે પણ કદાચ એટલો જ પ્રાસંગિક લાગે.. આપણા વાંચન માટે… 👇

યુરોપ,અમેરિકા, કેનેડા વિગેરે જેવા દેશોમાં વસતા લોકો અને ત્યાં પ્રવાસ કરી આવેલો આપણો ધનિક વર્ગ,બુધ્ધિજીવિઓ,પત્રકારો તેમજ બીજા કેટલાંક લોકોને આ દેશોની કઈ વિશેષતા સૌથી વધુ આકર્ષે છે ? મોટા ભાગે આ લોકો આ પ્રશ્નના જવાબમાં ત્યાંની સ્વચ્છતા, શિસ્ત પાલન અને ત્યાંના લોકોની નાગરિક તરીકેની તેમની જવાબદારી પ્રત્યેની સભાનતા વિશેની ચર્ચા જોરશોરથી કરતાં જોવા મળશે. તમને રસ્તામાં ક્યાંય કાગળનો ટુકડો પણ ન મળે. કોઈ રસ્તામાં થૂંકતું જોવા ન મળે. મોબાઈલની રિંગટોન તો સંભળાય જ નહીં. દરેક ટ્રેક પર ગાડીની સ્પીડ મર્યાદિત.જાહેર સ્થળો પર ધુપ્રપાનની તો સખ્ત મનાઈ.આવી તો કેટલીયે વિશેષતાઓ સાંભળી સાંભળીને આપણે થાકી જઈએ. કોઈ વ્યક્તિ આ નિયમોનું ખંડન કરતાં જોવા મળે તો ?? તો તેને અલગ અલગ પ્રકારનો દંડ થાય. આ વ્યવસ્થા અને નિયમો તૈયાર કરવા પાછળનું કારણ ખૂબ સરળતાથી સમજાય તેવું છે. સ્વચ્છતા જળવાય, રોગ મુક્ત સમાજ તૈયાર થાય અને વાતાવરણ પ્રદૂષિત ન થાય તે માટે આ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. કોઈ એક વ્યક્તિના “વર્તન – વિલાસ” ના કારણે આખો સમાજ પ્રદૂષિત ન થાય તે માટેનું આ આયોજન છે. આ આયોજન દુનિયાનાદરેક દેશોમાં જોવા મળે છે. ભારતમાં પણ છે. પરંતુ ભ્રષ્ટાચારી સમાજ નિયમોને તોડવા માટે જ આદી બનેલો છે.તેથી ઉપરોક્ત ફાયદાઓ આપણે માણી શકતા નથી. પરંતુ અહીંયા પ્રશ્ન બીજો ઉભો થાય છે.

આટલા બધા નિયમોને કારણે બિચારા કેટલાય લોકોની “વ્યક્તિ સ્વાતંત્રતા”, “અભિવ્યક્તિ સ્વાતંત્રતા”, “વાણી સ્વાતંત્રતા” અને બીજી કેટલીયે સ્વાતંત્રતા છીનવાઈ જાય છે તો તેનું શું? આખા સમાજના આરોગ્ય અને સ્વચ્છતાની ચિંતા કરી કોઈ વળી પોતાની સ્વતંત્રતા શા માટે નેવે મૂકે ? પરંતુ આ વાસ્તવિકતા છે. માણસ સમાજમાં રહેવા માટે રચાયેલો છે અને દરેક સમાજનું એક બંધારણ હોય છે. જ્યાં બંધારણ હોય ત્યાં સ્વતંત્રતા પણ બંધાય છે.વ્યક્તિગત રીતે વિલાસી વ્યક્તિ પ્રદૂષણની મનગમતી વ્યાખ્યા કરી શકે. પરંતુ સામૂહિક અસ્તિત્વ માટે તેને સમાજ દ્વારા પ્રમાણિત પ્રદૂષણની વ્યાખ્યાને અનુસરવું પડે અને બંધાવું પડે. આવું ન કરે તો કાં તો તેને બળવો કરવો પડે જેની તેને સજા થાય અથવા તો સમાજ તેનો બહિષ્કાર કરે જે પણ એક સજા છે. આ નિયમ બધાં જ પ્રકારની સ્વતંત્રતા જે માણસ તરીકે આપણને મળેલી છે તેના ઉપર લાગુ પડે છે. સ્વતંત્રતા એટલી જ સારી જ્યાં સુધી સ્વચ્છતા જળવાય. જ્યારે તે થકી સ્વછંદતા પ્રસરે છે ત્યારે તે સ્વતંત્રતા મટી વિલાસ બને છે. અતિશય હંમેશા ખરાબ. જે દવા રોગનું મારણ હોય તે દવા અતિશય થાય તો રોગનું કારણ પણ બને છે. આવો જ અતિશય સ્વતંત્રતા – વ્યક્તિસ્વતંત્રતા, અભિવ્યક્તિ સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા….. માટે પણ ખોટો છે.

આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ અને વ્યક્તિનો સમૂહ એક વિશ્વ સમાજનું અંગ છે. આ વિશ્વ સમાજમાં વિવિધ પ્રકારનો ધર્મો, પંથો અને માન્યતાઓને વરેલા માનવ સમૂહો અસ્તિત્વ ધરાવે છે. આ વિશ્વ સમાજમાં દરેક પ્રકારની સ્વચ્છતા – આર્થિક, સામાજિક, ધાર્મિક જળવાઈ રહે તે માટે દરેક પ્રકારની સ્વતંત્રતા – વ્યક્તિ, અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતામાં અતિશયોક્તિ થઈ તે વિલાસનું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સર્વે લોકોએ સંયમ જાળવવો પડશે.

આ વિશ્વ સમાજનો માણસ કે માણસોનો સમૂહ જો અંગત રીતે પોતાની સ્વતંત્રતાની વ્યાખ્યા કરવા માંડશે અને બીજાઓ પ્રત્યેની દુર્લક્ષતા સેવશે ત્યારે અનર્થ સર્જાશે. કોઈ બોલવાને પોતાની સ્વતંત્રતા ગણશે તો કોઈક મારવાને.કોઈ વ્યંગથી સ્વતંત્રતાને વ્યક્ત કરશે તો કોઈ હથિયાર વડે સ્વતંત્રતાને વ્યક્ત કરશે અને છેવટે આ બધા ભેગા થઈ અને સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાવશે એ ચોક્કસ છે…પાછો દરેક પોતાની વ્યાખ્યાને તો સાચી જ ગણશે.

હમણાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરને તેમના અંગરક્ષકે ગોળી મારી હત્યા કરી. વાત મૂળભૂત રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાની હતી. બંને પક્ષ પોતાની અભિવ્યક્તિ ની સ્વતંત્રતાને સાચી પૂરવાર કરવા માટે મથી રહ્યા છે ત્યારે એક સામાન્ય માણસ તેને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ગૂંચવણ અનુભવી રહ્યો છે. વિશેષ કરીને એક સામાન્ય મુસ્લિમ કે જે એ નક્કી નથી કરી શકતો કે સલમાન તાસીર અને તેના અંગરક્ષક બંનેમાંથી કોણ તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. જ્યારે કે સામે પક્ષે પોપ વેટિંકનથી પેલી સ્ત્રી આસિયા મસીહ કે જેણે પયગંબર સાહેબનું અપમાન કર્યું હતું,તેનું પ્રતિનિધિત્વ કરીને “blasphemy law”’ ને નાબૂદ કરવા માટે આહ્વાન કરી રહ્યા છે. વાણી સ્વતંત્રતા અને વાણી વિલાસનો ભેદ અભેદ રહે તે માટે, અરાજકતા કાયમ રહે તે માટે. થોડાક સમય પહેલાં અભિવ્યક્તિ સ્વાતંત્રતાના નામે આવો જ એક કિસ્સો ડેનમાર્કમાં બન્યો હતો. જેના કારણે વિશ્વ સમૂદાયનું અંગ એવા મુસ્લિમ સમૂદાયની લાગણીઓ દૂભાઈ હતી અને વિશ્વ સમાજમાં પ્રદૂષિત વાતાવરણ ઉભું થયુ હતું.

આવું થવાના ઘણા બધા કારણોમાનું મુખ્ય કારણ મુસ્લિમો પોતે પણ છે. તેઓ વિશ્વસમૂદાયને એ સમજાવવામાં જ નિષ્ફળ ગયા છે કે મુહમ્મદ (સલ્લ.) તેમના માટે કેટલી મહત્વની વ્યક્તિ છે ? મુસ્લિમોના રોજબરોજના જીવનમાં મુહમ્મદ (સલ્લ.)ના પ્રેમનો અણસાર પણ ન દેખાય અને આવી કોઈ ઘટના ઘટે ત્યારે તેઓ હાહાકાર મચાવે ત્યારે વિશ્વસમાજ તેમની આ બેવડી નીતિને સમજી શકતો નથી અને તેથી મૂંઝવણ ઉભી થાય છે. તમારે વિશ્વને સમજાવું પડશે અને બતાવવુય પડશે કે મુહમ્મદ (સલ્લ.) તમને તમારા માતા-પિતા, સર્વે ધન-દોલત અને તમારા પોતાના જીવ કરતાંય વધારે પ્રિય છે. તમારે એ પણ બતાવવું પડશે કે મુહમ્મદ (સલ્લ.) એ તમારા વ્યક્તિગત અને સામૂહિક અસ્તિત્વનું અંગ નહિં પરંતુ મૂળ છે.

સામાન્ય વ્યક્તિનું માન-સન્માન કિમતી જાણીને વિશ્વના બધા જ બંધારણોમાં માનહાનિ માટેના કાયદા-કાનૂન ઘડાયેલા છે. આવા સમયે મુસ્લિમો માટે જે વ્યક્તિ તેમને પોતાના જીવથી વધારે પ્રિય હોય તેના માન-સન્માન તેમના માટે કેટલું મહત્નું છે તે વિશ્વને સમજાવવું પડશે. પયગંબર સાહેબની માનહાનિને સાંખી લેવી એ મુસ્લિમોના સામૂહિક અસ્તિત્વનો અસ્ત છે તેવી ગંભીરતા લોકો સમક્ષ મુસ્લિમોએ મૂકવી પડશે.

વિશ્વસમૂદાય અને આ દેશમાં વસતા બિન મુસ્લિમ ભાઈઓએ પણ પયગંબર સાહેબ વિશે વાંચવા અને જાણવાની જરૂર છે. જે વ્યક્તિ અને તેના વિચારોએ આ દુનિયામાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે અને માઈકલ હાર્ટ જેવા લેખકે જેને વિશ્વના શ્રેઠતમ ૧૦૦ વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે મૂક્યાં છે. જેના વિશે એની બેસન્ટ તેમના પુસ્તકમાં લખે છે કે, “જે વ્યક્તિ મુહમ્મદ(સલ્લ.)ના જીવન ચરિત્ર વિશેષ વાંચશે તે તેમનો પ્રશંસક થઈ જશે…. હું પોતે જેટલીયે વાર તેમના વિશે વાચું છું,દરેક વખતે તેમના માટે એક વિશેષ માનની ભાવના જન્મ લે છે” (THE LIFE AND TEACHINGS OF MUHAMMAD- MADRAS – 1932). જેના વિશે જ્યોર્જ બનાડિ શૉ કહે છે કે, જો આ વ્યક્તિને આધુનિક વિશ્વનો સરમુખત્યાર બનાવી દેવામાં આવે તો તે દરેક સમસ્યાને હલ કરી દેશે, શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ નિર્માણ પામશે. હું દેઢપણે માનું છું કે ભવિષ્યમાં મુહમ્મદ (સલ્લ.) યુરોપમાં સૌથી વધુ સન્માનિત વ્યક્તિ હશે. (The Genius Islam,Vol-1, 8, 1936).

 જે વ્યક્તિના વિચારો વિશે મુસ્લિમો દાવો કરે છે અને શ્રધ્ધા ધરાવે છે કે તેના થકી જ વિશ્વમાં શાંતિ પ્રસ્‍થાપિત થઈ શકશે તે વ્યક્તિની જીવનીને કંઈ નહિં તો મુસ્લિમોના દાવાને ખોટો પાડવા માટે વાંચવી તો પડશે જ ને…પરંતુ જરા ચેતીને… કારણ કે મુહમ્મદ (સલ્લ.)નો કટ્ટર દુશ્મત અબૂજહલ પણ તે સાચા હતા તેમ તો માનતો જ હતો ! પરંતુ તેઓ તેના કુટુંબમાંથી નથી તેથી તેમની વાત નહોતી માની. મુહમ્મદ (સલ્લ.)ને મારી નાખવા માટે નીકળેલા ઉમર મુહમ્મદ (સલ્લ.)ના એવા તો આશીક થઈ ગયા કે પછીથી ખલીફા ઉમર તરીકે ઓળખાયા….. એ જ ઉમર (રદી.) જેમના જેવા થવાની સલાહ ગાંધીજીએ બધા રાજાઓ અને રાજકારણીઓને આપી છે…. સુરાજ્ય સ્થાપિત કરવા માટે… આ બધું જ અને આનાથી પણ વધારે આશ્ચર્યજનક ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠોમાં અંકિત છે.

મુસ્લિમો તમે જરા ચેતજો…. આપણા દેશ બાંધવો અને વિશ્વસમૂદાયમાં ઘણાય નિરક્ષર છે. તેમને પુસ્તકો વાંચતા નથી આવડતા. તેઓ તો તમને વાંચશે અને તમારા થકી તમારા થકી મુહમ્મદ (સલ્લ.)ને ઓળખશે. જો મુહમ્મદ (સલ્લ.)ની ખોટી ઓળખ ઉભી થઈ તો તમારા તો “બાવાના બેઉ બગડ્યા”. દુનિયા પણ ગઈ અને આખેરતની અવિરત યાતના માટે તૈયાર રહશો…


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments