માનવસેવી અબ્દુસ્સત્તાર ઈધીનું તારીખ ૮ જૂલાઈના રોજઔ કરાંચી ખાતે લાંબી માંદગી બાદ અવસાન થતાં વિશ્વભરમાં શોકની લાગણીઓ વહેતી થઈ ગઈ. મારી વાત કરું તો તેમના મૃત્યુ પહેલા કદાચ એકાદ વાર જ તેમનું નામ સાંભળ્યું હતું અને તેમના વિશે મારી ધારણા હતી કે તેઓ પાકિસ્તાનના કોઈ મોટા ઉદ્યોગપતિ હશે અને ઉદાર દિલના કોઈ સજ્જન હશે. તેમને જે શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી હતી તેમાંથી તેમના ગુજરાતી મૂળ વિશે જાણકારી મળી અને તેમના વિશે વધૂ માહિતી મેળવવાની ઇચ્છા જાગી. તેમના જન્મ કાઠિયાવાડમાં સ્થિત જુનાગઢ સ્ટેટના બાંટવા નામના એક નાનકડા ગામમાં ૧૯૨૬થી ૧૯૨૮ વચ્ચે થયો હતો. એ જમાનામાં જન્મતારીખ ચોક્કસ રીતે યાદ રાખવાનો કોઈ રિવાજ ન હતો. તેમના કુટુંબનો સંબંધ વેપાર માટે પ્રચલિત તેવી મેમણ બિરાદરી સાથે હતો અને તેમના પિતા પણ વેપાર સાથે જોડાયેલ હતા. તેમની અટક એધી અથવા એંધી અથા ઈદી વિશે ઘણી વાતો સાંભળવા મળે છે. કોઈ કહે છે કે એધી એ આળસ પ્રકૃતિ ધરાવતા હોય એવા એધી શબ્દનો હતો. કચ્છમાં આજે પણ એંધી અટક રાખનારા લોકો મળી આવે છે. હકીકત જે પણ હોય તેમને પાકિસ્તાન અને ત્યાંનું ઊર્દુ મીડિયા ઈધી તરીકે સંબોધતું રહ્યું.
એધીએ એક ઇન્ટરવ્યુમાં પોતાના બાળપણની વાતો વગોળતા કહ્યું હતું કે તેઓને ભણવામાં વિશેષ રુચી ન હતી અને તેઓ મિત્રો સાથે રમવામાં અને તોફાન મસ્તી કરવામાં વધુ આનંદ મેળવતા. ખેડૂતો બળદગાડાં ભરીને પોતાની શાકભાજીઓ લઈ વેચવા નીકળતા ત્યારે તેઓ પોતાના મિત્રો સાથે તેમના ગાડામાંથી ટમાટર અને કાકડી ચૂપકેથી ઉઠાવી લેતા. એધી કહે છે કે તેમની માતા તેમને શાળા જતા સમયે બે પાઈ આપતા અને સૂચન આપતા કે એક પાઈ પોતે વાપરે અને બજી પઈ કોઈ જરૂરતમંદ બાળક પાછળ ખર્ચે. ક્યારેક એધી બંને પાઈ પોતે વાપરી ખાતા અને ઘરે આવીને તેમની માતા તેમને વઠતી કે જો નાનપણમાં ગરીબોનું ખઈ જવાની નીતિ છે તો આગળ જઈને શું કરીશ. આમ એધીને ગરીબો અને તવંગરો પ્રત્યે ભાવ જગાડવામાં તેમની માતાનો મોટો હાથ હતો. હજુ તે અગિયારેક વર્ષના હતા કે તેમની માતાને માંગદીએ પથારીવશ કરી દીધા. એધી માની સેવા ચાકરી કરતા અને અહી ંસુધી કે તેમની હાજતો પણ પોતે જ સાફ કરતા. આવું લગભગ સાતેક વર્ષ ચાલ્યું અને પછી તેમની માતાનો ઇન્તેકાલ થઈ ગયો.
૧૯૪૭માં જ્યારે દેશનું વિભાજન થયુ ત્યારે એધી પાકિસ્તાન ચાલ્યા ગયા. શરૃઆતમાં પાન બીડીને રેકડી કરી પછી કાપડના જથ્થાબંધ વેપારીને ત્યાં નોકરી કરવા લાગ્યા. તેમની નજરો સામે કેટલાય નિઃસહાયોને જોતા અને તેમની શક્ય તેમ મદદ કરવાનો પ્રયત્ન કરતા. તેમની બિરાદરીના કેટલા સેવાભાવીઓ જોડે મળીને તેમણે માનવસેવાના કાર્યોમાં પોતાનો ભાગ ભજવવાનો શરૃ કર્યો. ત્યાંની પદ્ધતિ તેમને ફાવી નહીં અને ‘મેમણ વોલ્ટરી કોર્પ્સ’ નામે સેવા કામો શરૃ કર્યા. એધી સાહેબ ભૂતકાળ યાદ કરતા એક સાક્ષાત્કારમાં કહે છે કે એક આપત્તિ દરમ્યાન તેમને દાનમાં પાંત્રીસેક હજાર રુપયા મળ્યા. જેમાંથી નવ હજાર રુપયાના ખર્ચ થયો અને બાકી રકમ બચી ગઈ. આ રકમથી તેમણે એક એમ્બ્યુલન્સ ખરીદી. બસ ૧૯૫૭ની એ ઘડીથી તેમણે પાછુ વળીને જોયું નહીં અને પોતાનું જીવન સેવાકામો અર્થે સમર્પિત કરી દીધું. અને પછી તો અબ્દુસ્સત્તાર એધી ટ્રસ્ટ બન્યું. એધી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. કરાંચી ખાતે આઠ હોસ્પિટલ બની, બે બ્લડ બેંક સ્થાપિત થઈ અને હજારો ત્યજિત બાળકોને તેમણે નવું જીવન મળ્યું. તેમની સંસ્થાઓ દ્વારા લગભગ પંદરેક હજાર બાળકીઓ જેમને લાવારિસ મૂકી દેવામાં આવી હોય તેમનો ઉછેર કર્યો, કેટલીય બાળકીઓને દત્તક અપાવી અને ઉંમર લાયક થતા માનભેર લગ્નો પણ કરાવ્યા. એધી સાહેબ કહે છે કે તેમની સંસ્થામાં મુખ્યત્વે છોકરીઓ જ પ્રવેશવામાં આવતી. કારણ કે છોકરીઓનો ત્યાગ કરવો અસામાન્ય બાબત હતી. પંદરેક હજાર છોકરીઓ સામે માંડ બસો છોકરાઓને આ રીતે તરછોડાયા હતા.
એધી સાહેબની સંસ્થા ૨૦૦૦ જેટલી એમ્બ્યુલન્સ સાથે વિશ્વની સૌથી મોટી આ પ્રકારની સેવા તરીકે ઉભરી છે. એમના આ સેવા કાર્યોમાં ધર્મ કે નાતજાતનો ક્યારેય ભેદભાવ કરવામાં નથી આવ્યો.
એધીની વિશેષતા એ રહી છે કે તેમના સેવાકાર્યોમાં જે નાણાની જરૃર પડતી તે સામાન્ય લોકો તેમને આપતા. એધી પોતે રસ્તા પર ઉભા થઈ જ્યારે લોકો સામે મદદની પોકાર કરતા ત્યારે ગરીબ અને મજૂરો હોય તેવા પણ અને મધ્યમ વર્ગ કહી શકાય તેવા લોકો તેમની ઝોળી ભરી દેતા. તેમણે મક્કમતાપૂર્વક વિદેશી સહાયો નહીં લેવાની નીતિ ઘડી હતી. તાજેતરમાં જ્યારે ભારતની એક મુકબધીર છોકરીને વર્ષો સુધી માનભેર રાખવા બદલ નરેન્દ્ર મોદી સરકારે રૃપિયા એક કરોડની સહાયની જાહેરાત કરી ત્યારે તેમણે તેનો વિનયપૂર્વક ઇન્કાર કરી દીધો હતો. તેઓ કહેતા કે જ્યારે સામાન્ય લોકો તેમની જરૂરતો પૂરી કરી દે છે ત્યારે બીજા પાસે માંગવાની શું જરૃર છે?
આ બાબત ભારતની ધર્માદા સંસ્થાઓ સાથે સરખાવીએ તો માલૂમ પડે છે કે ભારતીય ઉપખંડના લોકો નિઃસ્વાર્થ નેકદિલથી કામ કરનારા લોકોને આપવામાં જરાય સંકોચ નથી કરતા. પરંતુ જ્યારે સરકારો કર માંગે છે ત્યારે કમને જ ટેક્સની ચૂકવણી કરવામાં આવે છે. સરકારો માટે પણ આ બોધ છે કે જે તેઓ પોતાના નેક ઇરાદાઓ સાથે કામ કરે તો પાકિસ્તાન હોય કે ભારત અહીંની પ્રજા સરકારી તિજોરીઓ ભરવામાં કચાશ રાખે તમ નથી. .
અબ્દુસ્સત્તાર એધીની બીજી વિશેષતા છે તેઓએ સાવ સાદાઈથી પોતાનું જીવન વ્યતિત કર્યું. તેમના અવસાન સમયે કહેવાય છે કે તેઓ પાસે માત્ર બે જોડી કપડા હતા. સાદગી તેમના જીવનનું સૂત્ર હતું અને આ સાદગી દ્વારા જ તેમણે દુનિયાનું દિલ જીતી લીધું હતું. પરંતુ આ સાદગી પાછલ એક શિષ્ટ પાડનાર મક્કમ વ્યક્તિ પણ હતા. તેઓ કહેતા કે જરૃર પડયે તેઓ કડકાઈ પણ કરતા અને તેમની સંસ્થાઓમાં ક્યારે કોઈ ઉચાપત માલૂમ પડતી તો તેના પર ઠોસ પગલા ભરવામાં પણ તેઓ પાછળ પડતા નહીં.
તેઓ પોતાના રાજનેતાઓને પણ ખરી ખોટી સંભળાવવામાં ખાસ તકેદારી રાખતા નહીં. તેઓ રાજકીય ક્ષેત્રે પણ પોતાની આવડત અજમાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમા તેઓ ફાવ્યા નહીં. ટૂંકમાં માનવસેવાના કામોમાં કડકાઈની અને જરૃર પડયે સત્તા મેળવવી પણ પડે તેવું તેમનું જીવન આપણને કહી જાય છે.
અબ્દુસ્સત્તાર એધીનું સૌથી મોટું યોગદાન છે કે નેકદિલ મુસલમાનના ચરિત્રનો દાખલો આપવું. આજે વિશ્વભરમાં મુસલમાનો અને ઇસ્લામની છબિ હિંસા અને આતંકવાદના આરોપોથી ખરડાવવામાં આવી રહી છે. ત્યારે એધીની માનવસેવાએ વિશ્વભરમાં સંદેશો આપ્યો છે કે સાચો મુસલમાન તે છે જે અલ્લાહ પર ખુબ ભરોસો કરે અને તેની મખ્લુક સાથે પ્રેમથી વહેવાર કરે. અલ્લાહની રહેમત થાય તેના આ નેકદિલ બંદા એધી પર. *