Saturday, October 5, 2024
Homeઓપન સ્પેસરોબોટોની સભા

રોબોટોની સભા

ટાઉનહૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. લોકોમાં આજે વિદેશથી હાજર રહેનાર એ વિદ્વાન વક્તાને સાંભળવાની ખૂબ ઉત્સુકતા હતી. અન્ય વક્તાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું અને મુખ્ય મહેમાન અને વિદ્વાન વક્તાની રાહ જોવાઇ રહી હતી. મુખ્ય વક્તા હોલમાં પ્રવેશે છે અને આખો હોલ ઉત્સુકતા અને રોમાંચની લાગણી સાથે તેમનું સ્વાગત કરે છે. આખરે લોકોની જીજ્ઞાસાની આજે તૃપ્તિ થવાની હતી. કેટલાય વર્ષોથી આ વિષય ઉપર સંશોધન કરી રહેલા મહાન સંશોધક આજે તેમની સમક્ષ સંબોધન કરવાના હતા.

શરૃઆતમાં આયોજકો અને અન્ય વક્તાઓના ભાષણો થયા. બધાંએ પોત પોતાના ભાષણોમાં એ વિદ્વાન વ્યક્તિની સિદ્ધિઓ અને જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે તેમના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી. વિશેષ રીતે જીવન અને સર્જન ઉપર તેઓએ કરેલા સંશોધન કાર્યની દરેકે નોંધ લીધી.

હૉલમાં ધીમો ધીમો ગણગણાટ ચાલુ હતો. લોકો જલ્દીથી અન્ય વક્તાઓના ભાષણો સમાપ્ત થાય તેની રાહ જોઇ રહ્યા હતા. આખરે લોકોની ઇંતેજારીનો અંત આવ્યો. મી. આર્યન ઊભા થયા અને માઇક પાસે પોતાનું સ્થાન લીધું. લોકો તરફ એક દ્રષ્ટિ નાંખી તેમણે બોલવાનું શરૃ કર્યું.

“ભાઇઓ અને બહેનો”, તેમના અવાજમાં ગજબનો આત્મવિશ્વાસ છલકાતો હતો. આખરે પોતાનું સમગ્ર જીવન જે વિષય પર સંશોધન કર્યું હતું તેના ઉપર આજે તેઓ ભાષણ કરવાના હતા.

તેમણે કહ્યું, આજે આપણે સર્જન, સર્જનહાર અને જીવન વિષેની લોકોમાં જે માન્યતાઓ પ્રવર્તી રહેલી છે તેને જરા તપાસીએ.

“સર્જનના સિદ્ધાંતમાં માનવાવાળા લોકો કહે છે કે વસ્તુનું અસ્તિત્વ તેનો કોઇક સર્જક હોવાની સાબિતી પૂરી પાડે છે. આવી માન્યતાઓને શા માટે આપણે સાચી માનવી જોઇએ? તે મને સમજાતુ નથી. વસ્તુના અસ્તિત્વને તેનું કોઇક સર્જક હોવાની દલીલ કઇ રીતે માની શકાય? એવું પણ બને કે વસ્તુઓ આકસ્મિક રીતે પણ ઉદભવી શકે છે.” હું જે દલીલ મુકવાં માંગુ છું તે એ છે કે અનિશ્ચિત્તા સ્વયં કોઇક બિંદુએ પહોંચી જાતેજ નિશ્ચિત્તામાં ફેરવાઇ જાય છે. અને આપણા અસ્તિત્વ પાછળ આ સિદ્ધાંત કામ કરે છે. આ બધી વાતો સમજવા માટે ખૂબ ઊંડી ગુચવણભરી દલીલો અને ફિલોસોફીમાં ઉતરવું પડશે. પરંતુ આપ સૌ મારી વાત તો સમજિજ ગયા હશો તેમ હું માનું છું. કેમકે તમે લોકો ખૂબ બુદ્ધિશાળી છો.

સર્જનનો કોઇ સર્જક હોવાની વાત કરવાવાળા લોકોની બીજી દલીલ એ છે કે આ વિશ્વમાં જોવા મળતાં વિવિધ તત્વો, નિશાનિઓ અને પદાર્થો એ પુરવાર કરે છે કે કોઇક સમયે ભુતકાળમાં આપણો સર્જક આ વિશ્વમાં વસતો હતો. તેણે આપણું સર્જન પોતાની સેવા કરવા માટે કર્યું હતું. પછી કોઇ કારણસર તે અદૃશ્ય થઇ ગયો. રોમાંચિત કરી દે તેવી આ દલીલ ઉપર વધુ પ્રકાશ પાડવા માટે હું મારા પ્રતિસ્પર્ધી મિ.ડેફોડને વિનંતી કરીશ. આ બાબતે તેઓ મારા પછી કંઇક કહેશે કારણ કે આ તેમની માન્યતા છે. મે મારા પુસ્તક “સર્જનનું રહસ્ય”માં આ વિચિત્ર દલીલોનો તોડ કરવાનો પ્રયાસ કર્યો છે. સર્જકના અસ્તિત્વની વિવિધ નિશાનીઓનું મેં ખૂબ રસપ્રદ વિશ્લેષણ કર્યું છે. આપ તેનું અભ્યાસ કરી વધુ માહિતગાર થઇ શકશો.”બુદ્ધિશાળી” લોકો માટે “બુદ્ધિગમ્ય” દલીલો મેં મારા પુસ્તકમાં મુકી છે.

તો પછી આપણો કોઇ સર્જક નથી તો આપણે અસ્તિત્વમાં કેમ કરીને આવ્યાં? તે મારે આજે તમને સમજાવવાનું છે. ધ્યાનથી સાંભળો, હું તમને કેટલીક બોદ્ધિક દલીલો આપું છું.

શરૃઆતમાં એક અનંત તત્વનું અસ્તિત્વ હતું. એક ધડાકો થયો અને આ એક તત્વનું બે ભાગમાં વિભાજન થયું. દ્રવ્ય અને ઊર્જા. આ બે તત્વોના સર્જન સાથે જ સમયનું અસ્તિત્વ થયું. આ સમય પસાર થતો ગયો અને અનિશ્ચિત્તાઓમાં સ્થિરતા આવી. દ્રવ્ય ઊર્જાની અસર હેઠળ અચાનકજ વિવિધ પદાર્થો, તત્વો, સંયોજનો, ગ્રહો, તારાઓ વિગેરેમાં રૃપાંતરિત થયો. આમાંનો એક ગ્રહ એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર વિવિધ તત્વોનું વિચિત્ર સંયોજન થઇ અનેક પદાર્થો બન્યા. આમાંનો એક પદાર્થ આપણા શરીરનો એક ભાગ હતો. આ પદાર્થ શરૃઆતમાં કોઇ સ્વરૃપ ધરાવતો ન હતો. સમય પસાર થતો ગયો અને વિવિધ સંયોજનો આ પદાર્થમાંથી આપમેળે અનિશ્ચિત રીતે બનતાં ગયા અને એક સમય એવો આવ્યો કે યોગાનુયોગ તેઓ વ્યવસ્થિત ગોઠવાઇ ગયા અને આપણું શરીર અસ્તિત્વમાં આવ્યું. શરૃઆતમાં તેમાં જીવન ન હતું. કેટલાય અબજ વર્ષો આમને આમ નિકળી ગયા. અચાનકજ એક પ્રકાશપુંજ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલ આપણા શરીર સાથે ટકરાયું જેનાથી એક વિજપ્રવાહ તેમાં વહેતો થયો જેને સૌપ્રથમ તૈયાર થયેલા તે શરીરને જીવન આપ્યું.

આ પ્રથમ અસ્તિત્વમાં આવેલ શરીર એ આપણા પિતા. જીવન મળતાંજ તેમને આજુ બાજુની સર્વ વસ્તુઓ ઉપર કબજો મેળવ્યો. બધા પદાર્થોને સંયોજીત કરી તેને વિવિધ સ્વરૃપ આપ્યા. વિજળીની શોધ કરી. વિજળી મેળવવા માટે વિવધ સ્ત્રોતો શોધ્યા. આ વિજળી વડે તેમણે વિવિધ વસ્તુઓને જીવંત કરી. છેલ્લે એટલુંજ કહીશ કે આપણા પિતાએ પોતાના જેવી વિવિધ વસ્તુઓનું સર્જન જાતે જ કર્યું. અને આમ આપણું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું.

જીવન અને સર્જન વિષેના આ મારા વિચારોથી આપ સૌ હોંશીયાર લોકો સંમત થશો જ. આમા વળી આપણો બનાવનાર કોઇક માણસ જેવી હસ્તી છે તે સ્વીકારવાનો સવાલજ ક્યાં ઊભો થાય છે? અને બધા રોબોટોએ ચિચિયારીયો પાડી પોતાના આ મહાન વક્તાને વધાવી લીધા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments