કુદરતે આપણને ખૂબ જ સરસ હાડકા વગરનું માસનું એક લોથડું આપ્યું છે, અને આપણને બોલવાની શક્તિ આપી છે. વાણી જ એ વસ્તુ છે જેના થકી આપણે મિત્રને શત્રુ અને શત્રુને મિત્ર બનાવી શકીએ છીએ. આ વાણીમાં અગ્નિ જ્વાળાના દર્શન થાય છે અને શીત લહેરોના વલનની અનુભૂતિ પણ કરી શકીએ છીએ. આ વાણી તલવાર સમાન છે, જેના વડે હિંસા માટે ઉશ્કેરી શકાય અને શાંતિની સ્થાપના માટે આહ્વાન પણ કરી શકાય વાતવાતમાં એક ભાઈએ મને કીધું કે માણસોથી ભરેલી આ દુનિયામાં હું માણસને શોધી રહ્યો છું. શોધ ચાલુ છે જોઈએ ક્યાં સુધી આ યાત્રા ચાલશે. સુંદર નકશીકામ વાળો સામાન શોધવો સરળ છે પણ માણસ શોધવો ખૂબ જ અઘરું છે. તમને કોઈ સારો માણસ મળ્યો છે ખરો? મેં તેમને ટૂંંકમાં એટલું જ કીધું કે ભાઈ મને ખબર નથી માણસ શોધવાના તારા શું ધારા ધોરણ છે, પણ એટલું ચોક્કસ કહી શકું કે તારા જે ધોરણો હોય, સૌપ્રથમ તું જ અના પર પાલન કર, અને કદાચ તારી જેમ શોધ કરતી કોઈ બીજી વ્યક્તિને માણસ મળી જાય.
આપણી તકલીફ આ જ છે કે આપણે માણસ શોધી રહ્યા છીએ પોતે સારા માણસ બનવા પ્રયત્ન કરી રહ્યા નથી. જો આટલી મહેનત આપણે પોતાની જાત ઉપર કરીશું તો જગત આખું માણસોથી ભરાઈ જશે. આપણા પાલનહારે આપણને ઘણી બધી શક્તિઓ આપી છે, એ શક્તિઓને જોઈ તપાસીને પોતાના ચારિત્ર્ય ઘડતર માટે કામમાં લાવીશું તો એ શક્તિઓ વિકસિત થઈને વટવૃક્ષ બની જશે અને પરિણામે એક સુંદર મન મોહી લેનારૃં, ચારિત્ર્યવાન, સંસ્કારી માણસનું નિર્માણ થઈ શકશે.
આપણું ભારત તો ધર્મ પ્રધાન દેશ છે. વિવિધ પ્રકારના પુષ્પોથી આ બગીચો શોભોમાન છે. તેની સુગંધ માત્રથી મન હાલકડોલક થવા લાગે છે. એ ધર્મોનો આશય તો માણસ બનાવવા જ છે. આપણી ધરતી પર હજારો સાધુ-સંતો તેમની સુવાસથી આ સુંદરવનની શોભા વધારી રહ્યા છે. તેઓે પોતાની વાણીથી વિચલિત મનને શાંત કરે છે. શાસ્ત્રો અને ધર્મગ્રંથોના શિક્ષણમાં વાણી પર નિયંત્રણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વાણી અસ્ત્રાની ધારથી વધારે તીક્ષ્ણ છે અને ફૂલથી વધારે કોમળ.
માણસનો પ્રથમ પરિચય તેની વાણીથી જ થાય છે, તેની વાણીથી જ તેના સ્વભાવની ઓળખ થાય છે. માનવ સંબંધને ઉચ્ચતાના શિખરે લઈ જવામાં અને નિમ્નતાની ગર્તામાં લઈ જવામાં વાણીની ભૂમિકા મહત્ત્વની છે. ગૌતમ બુદ્ધની વાર્તામાં આન્ગુલીમાન જેવા ક્રૂર વ્યક્તિના હૃદય પરિવર્તનમાં આ જ વાણી રહેલી છે અને મોટા મોટા યુદ્ધો પાછળ પણ તે નજરે પડે છે. એટલે જ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું હતું કે તમે મને જીભ (વાણી)ની જમાનત આપો હું તમને જન્નત (સ્વર્ગ)ની જમાનત આપું છું.
એ વાણી જ છે જે બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભી કરે છે. તેમને એકબીજા પ્રત્યે ઉશ્કેરે છે, હિંસા પર તૈયાર કરે છે. સંપ્રદાયો વચ્ચે ગેરસમજ ફેલાવે છે. સંબંધોમાં તિરાડ ઉત્પન્ન કરે છે અને વર્ગો દરમ્યાન શત્રુતા પેદા કરે છે. પોતાની વિષમય વાણી દ્વારા ‘માણસ’ને પશુથી પણ ખરાબ બનાવી દે છે. આવી વાણી બીજાનું જ નુકસાન નથી કરતી પરંતુ તેની જ્વાળામાં તે પોતે પણ બળે છે. જેનું તેને ભાન થતંુ નથી. આ જ્વાળામુખી સૌ પ્રથમ તેના ચારિત્ર્યને ભસમ કરે છે જે તેના વ્યક્તિત્વનું અસલ સ્વરૃપ છે અને જ્યારે તેનું ચારિત્ર્ય મૃત્યુ પામ્યું હોય તો બાકી શું રહ્યું? ૬ ફુટનો દેખાતો શરીર? આવી વ્યક્તિનું મન અશાંત હોય છે.
તુલસી મીઠે વચન સે સુખ ઉપજત ચહુ ઓર,
વશીકરણ એક મન્ત્ર હે તજદે બચન કઠોર
પરંતુ એ પણ હકીકત છે કે મીઠી વાણીથી દુશ્મનોના હૃદયો જીતી શકાય છે. નમ્ર વાણીથી સંબંધો ટકાવી શકાય છે. તેમની વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે. બે સમાજ, કોમ અને જાતિઓે બલ્કે જુદા જુદા રાષ્ટ્રના લોકો દરમ્યાન યુદ્ધો તથા લડાઈઓ ટાળી શકાય છે. મીઠા શબ્દોથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો વધુ સંુવાળો, સ્વચ્છ, તંદુરસ્ત બને છે. પરિણામે જીવન વિકાસ અને શાંતિ તરફ કૂચ કરે છે. યોગ્ય શબ્દ, યોગ્ય શૈલી અને વિનમ્રતા માણસના ચરિત્રને પ્રભાવશાળી અને આકર્ષિત બનાવે છે. આવી વ્યક્તિ અહંકાર મુક્ત અને પ્રેમી સ્વભાવની હોય છે. તેનું મન-મસ્તિષ્ક શાંત હોવાથી તે જીવનમાં સંતુલિત રીત અપનાવે છે.
શબ્દ બરાબર ધન નાહી, જો કોઈ જાને બોલ
હીરા તો દામો મિલે, શબ્દ મોલ ના તોલ
હઝરત મુહમ્મદ સ.અ.વ. જ્યારે વાત કરતા તો એક એક શબ્દ સરળતાથી સાંભળી શકાય એટલા આરામથી બોલતા હતા. તેમની વાણીમાં વિનમ્રતા અને એક એક શબ્દમાં પ્રેમનું રસ પુરાયલું રહેતું. વાણી વ્યવહારને આપે માત્ર નૈતિક શિક્ષણ સાથે ન હોતો જોડયો બલ્કે તેને મો’મિનની ઓળખ તરીકે દર્શાવ્યું. આપ સ.અ.વ.એ કીધું કે એ વ્યક્તિ મો’મિન નથી જેના હાથ અને ઝબાન (વાણી)થી તેનો ભાઈ સુરક્ષિત ના હોય. અને આપ સ.અ.વ.એ ભાઈની જે વ્યાખ્યા કરી છે તેમાં સમગ્ર માનવજાત આવી જાય છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, તમે બધા આદમની સંતાન છો. અને બીજી જગ્યાએ કીધું કે સમગ્ર મખ્લૂક (સૃષ્ટિ) અલ્લાહનો કુટુંબ છે. તેમજ આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે સંબંધોને ન તોડો, પીઠ પાછળ (કોઈને) બૂરા ન કહો, આપસમાં નફરત અને દુશ્મની ન કરો, આપસમાં ઇર્ષ્યા ન કરો, હે અલ્લાહના બંદાઓ આપસમાં ભાઈ ભાઈ બનીને રહો, કોઈ મુસલમાન માટે જાઇઝ નથી કે તે ત્રણ દિવસથી વધારે પોતાના ભાઈથી સંબંધ તોડે. (તિર્મિઝી)
આપણે કેટલીક વાર એમ વિચારતા હોઈએ છીએ કે ઉચ્ચ સ્વરમાં બોલવાથી તમારો રોબ પડશે, લોકો પ્રભાવિત થશે, તેમને મજા આવશે, આપણે જીતી જઈશું. સામે વાળી વ્યક્તિને દબાવી દઈશું વગેરે. આ માત્ર મિથ્યા ભાવ છે. જે શક્તિ શીતળતામાં છે એ શક્તિ ઉગ્રતામાં નથી. ગધેડાની જેમ ચીસો પાડવાથી ન તો સત્ય બદલી શકાય છે, ન તો સમાજ. કુઆર્નમાં છે, “પોતાની ચાલમાં સંતુલન રાખ, અને પોતાનો અવાજ સહેજ ધીમો રાખ, હકીકતમાં બધા અવાજોથી ખરાબ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે.” (સૂરઃ લુકમાન-૧૯). અગ્નિથી હંમેશાં અગ્નિ જ પ્રગટે છે અને અગ્નિ ક્યારેય કોઈ વસ્તુ નિર્માણ કરતી નથી, તેના પ્રભાવમાં આવતી દરેક વસ્તુને બાળી રાખ કરી દે છે. તો પછી શું આપણે આવી દુર્ગંધ મારતી અને ધુમાડાથી છાતીમાં ગૂંગળામણ કરતા સમાજ ઉપર સત્તાના સિંહાસન બિછાવવા માંગીએ છીએ, કે પછી સડો લાગેલ, ધન-દોલતના ખડકો ઊભા કરવા માંગીએ છીએ!!!
આપણા દેશમાં આજે અસહિષ્ણુંતા અને કોમી વૈમનસ્ય વધી રહ્યું છે. તેના પાછળ આ જ તીક્ષ્ણ વાણી જવાબદાર છે. પરંતુ અફસોસ આ છે કે આવી વાણીનો ઉપયોગ કરનારાઓની લિસ્ટમાં ઘણાં કહેવાતા ભગવા વસ્ત્રધારી ‘સાધુઓ’નું નામ પણ આવી રહ્યું છે. આ વસ્તુ આપણી ભારતીય પરંપરાથી મેળ નથી ખાતી. આવા લોકોથી વાતાવરણ તો દૂષિત થાય જ છે, સાથે જ ધર્મ પણ બદનામ થાય છે. લોકોના દિલ જોડનારા પુરુષો આવી નિમ્નકક્ષાની વાણીનો ઉપયોગ કરશે તો સામાન્ય વ્યક્તિ ક્યાં જઈને રોકાશે.!!!
આપણે તો ભારતના ચારિત્ર્યવાન અને જવાબદાર નાગરિક છીએ. ચાલો દેશને કઠોર વચનોથી મુકત કરાવી મીઠી વાણીની સુવાસ ફેલાવીએ. પોતાના ચારિત્ર્યને વખાણવાલાયક બનાવીએ. સમાજના ખોટા પરિબળોને સીધી રાહ ચીંધીએ અને સમાજને પ્રેમની વાણી થકી ભાઈચારાના બીબામાં ઢાળી દેશમાં અમન અને શાંતિની સુવાસ રેલાવીએ. મારી એક શિખામણ યાદ રાખશો તો મારૃં લખવું સફળ થયું કહેવાશે. તે આ કે :
વિચારીને બોલો, પ્રેમથી બોલો, મીઠું બોલો, જ્યારે પણ મોઢું ખોલો સત્ય બોલો.