Thursday, May 30, 2024
Homeકેમ્પસ વોઇસવિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત ક્યાં સુધી???

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત ક્યાં સુધી???

જ્યારે લાખો કરોડો યુવાનો મતદાર બનવાની વયે પહોંચે છે ત્યારે તેમનો સામનો ત્રણ પ્રકારના લોકો થી થાય છે. એક લાયસન્સ બનાવતી વખતે બીજો ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાના સમયે. રિશ્વત આપીને લાયસન્સ બનાવવા, પરિક્ષામાં પેપર ફૂટી જવાથી લઈ પૈસા આપી પાસ થવા ના અનુભવની એમના પર કેટલી ખોટી અસર પડતી હશે. જે વ્યવસ્થા પર તેમને પ્રથમ દિવસથી વિશ્વાસ હોવો જોઈએ તેની સાથે આ નવયુવાનોના સંબંધોની શરૃઆત રિશ્વતથી થાય છે. જ્યારે આ જ અનુભવ મેડિકલ અને એન્જિનીયરીંગ ની પરિક્ષા સમયે થતો હશે ત્યારે તેમનો વિશ્વાસ વધુ મજબુત થઈ જતો હશે કે આ દેશમાં કંઈક કરવુ હોય તો આ જ રસ્તો છે. આ નિરાશા માટેનું પણ એક કારણ હોઈ શકે છે. એટલા માટે આપણે માંગ કરવી જોઈએ કે ભારતમાં પરિક્ષાની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એના પર કોઈ આંગળી ના ચીંધી શકે.

દર વર્ષે બોર્ડની પરિક્ષા થાય છે. મિડીયામાં જુદા જુદા પ્રકારના સમાચાર આવે છે. એક રાજ્યને લઈને ચર્ચા કરવામાં આવે છે પરંતુ બધાજ રાજ્યોમાં જોવામાં આવે તો આ સમસ્યા ખુબ મોટી દેખાશે. આવા સમાચારો થી ભારતમાં લેવાતી પરિક્ષાઓની છબી સારી નથી બનતી.

મહારાષ્ટ્ર, કેરાલા, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, ઓડિસા અને જમ્મુ-કાશ્મિરથી મળતા સમાચારો બતાવે છે કે પ્રશ્નપત્ર લીક થાય છે. પ્રશ્નપત્ર લીક થવાની અફવાઓ પણ ફેલાવવામાં આવે છે અને પરિક્ષાઓ રદ્દ પણ થાય છે.

આ વર્ષે માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં જ્યારે બોર્ડની પરિક્ષા થઈ રહી હતી ત્યારે સમાચાર પત્રો લખી રહ્યા હતા કે સતત ત્રણ વર્ષથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા છે. મરાઠીનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું. ૧૪-માર્ચ-૨૦૧૭ના ઈન્ડિયા ટૂડેના સમાચાર છે કે મોબાઈલ પર ધોરણ ૧૨નું ગણિતનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. હિન્દુસ્તાન ટાઈમ્સે તો હેડલાઈન બનાવી દીધી કે એચ.એસ.સીની પરિક્ષા દરમ્યાન પાંચ દિવસમાં પાંચ પ્રશ્નપત્ર લીક થઈ ગયા.

૧૬ માર્ચ ૨૦૧૭ના ઇન્ડિયન એક્સપ્રેસમાં શિમ્લાથી સમાચાર પ્રકાશિત થયા કે પ્રશ્નપત્ર લીકના સમાચાર ને લઈને ધોરણ ૧૨ ના ભૌતિક વિજ્ઞાન અને કમ્પ્યુટર સાયન્સ ના પ્રશ્નપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંઘને ગૃહમાં પ્રશ્નપત્રની ચોરી અંગે નિવેદન આપવું પડ્યું. હાઉસને કહેવામાં આવ્યું કે એક સ્કુલના ડબલ તાળા તોડવામાં આવ્યા અને દરેક વિષયના ૬૦-૬૦ પ્રશ્નપત્રો ગુમ થયેલા હતા.

૨૦૧૫માં વૈશાલી જિલ્લાના વિદ્યાનિકેતન કોપી કરવાના કેસથી આખો દેશ આધાતમાં આવી ગયો હતો. બિહાર બોર્ડની ટોપરે આ વિષયને હચમચાવી નાખ્યું હતું. બિહારની પરિક્ષામાં વિવાદ ૨૦૧૬માં પણ રહ્યો.ઓરિસ્સામાં કોપી ન કરવા દેતા વિદ્યાર્થી ટીચરને રૃમમાં પૂરી દીધો હતો.જમ્મુ-કાશ્મિરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ધોરણ ૧૦ ના સાયન્સની પરિક્ષામાં કોપીના એટલા સમાચાર આવ્યા કે કેટલાક સેન્ટરો પર પરિક્ષા રદ કરી દેવામાં આવી. આ વર્ષે ધોરણ ૧૨ની પરિક્ષા માટે રાજસ્થાનમાં પ્રથમ દિવસથી પ્રશ્નપત્ર લીક થવાના સમાચાર થી તંત્ર ચિંતિત થઈ ગયું હતુ. પાછળથી સમાચાર મળ્યા કે એ અફવા હતી.

૨૦૧૫માં તામિલનાડૂમાં ગણિતનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું. ૪ શિક્ષકોની પણ ધરપકડ કરવામાં આવી. બંગાળમાં આ વર્ષે માર્ચમાં સેકન્ડરી પરિક્ષામાં ફિઝિકલ સાયન્સનું પ્રશ્નપત્ર લીક થવાના સમાચારને સરકારે સ્વીકાર્યુ. ટેરીગ્રાફે લખ્યું કે અધિકારીઓ કહે છે કે પ્રશ્નપત્ર લીક નથી થયું પરંતુ વ્હટ્સઅપ પર જે પ્રશ્નપત્ર ફરી રહ્યું છે તે ફિઝિકલ સાયન્સનું જ છે. એપ્રીલ ૨૦૧૭માં ધોરણ ૧૦નું ગણિતનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું. પરિક્ષા રદ્દ કરી દેવામાં આવી અને તપાસના આદેશ આપવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો લીક થયાની અફવા વ્હાટ્સઅપ પર ચાલી રહી હતી.

જોઈ શકો છો ૧૧ રાજ્યોની બોર્ડની પરિક્ષાની આ દશા છે. જો પ્રશ્નપત્ર લીક થવું સમગ્ર દેશની સમસ્યા હોય તો તેને દુર કરવાની જવાબદારી દરેક રાજ્ય એ લેવી જોઈએ. પ્રામાણિક પરિક્ષા વગર પ્રામાણિક સંસ્કૃતિ નથી બની શકતી. હું એ નથી કહેતો કે સમાચાર પત્રોમાં પ્રશ્નપત્ર લીક થવાના જે સમાચાર પ્રસારીત થયા છે તે સત્ય છે, હોઈ શકે છે કે ખોટા હોય. પરંતુ દર વર્ષે આવા સમાચાર પરત મળવા એ દેખાડે છે કે ચોરી કરવા વાળુ ગ્રુપ પરિક્ષા સેન્ટરોની આસપાસ જ રહે છે. દરેક પરિક્ષા પછી વિદ્યાર્થીઓના બે ગ્રુપ બની જાય છે. એક જેણે કોપી નથી કરી, અને બીજો જેણે કોપી કરી. કોપી કરવાવાળાઓને હોશિયાર સમજવા ની પરંપરા પર રોક લાગવી જોઈએ. દસમા અને બારમા ધોરણની પરિક્ષાઓ પછી મેડિકલની પરિક્ષાઓના સમાચારોમાં શોધખોળ કરી, તો એની પરિસ્થિતી એટલી જ ભયાનક હતી.

મેડિકલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ પોતાના હાડકા ઓગાળી દે છે. માતા-પિતાનો કેટલો પૈસો આમા ખર્ચ થાય છે. અને જ્યારે તેમને ખબર પડે કે નીટની પરિક્ષામાં ધાંધલી થઈ છે તો પોતાને કેટલો અસહાય અનુભવતા હશે. જો એક વિદ્યાર્થી પણ વ્યાપમથી એડમીશન મેળવી લે તો આ સેંકડો પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. આપણે કેવી રીતે આવા સમાચાર ને લઈને સામાન્ય રીતે રહી શકીએ છીએ. દર વર્ષે ૧૯-૨૦ વર્ષના છોકરાઓ ચોરી અને ધાંધલીની ફરીયાદ લઈને મિડીયા હાઉસની આસ પાસ ભટકતા જોવા મળે છે, તો તેમને જોઈને દુઃખ થાય છે. આપણે સરકારથી એક વિશ્વાસપાત્ર પરિક્ષાની વ્યવસ્થાની માંગણી કેમ નથી કરી શકતા.

એક ઈમાનદાર વિદ્યાર્થીને કેવી રીતે સમઝાવીએ કે પૈસા આપીને કોઈ ડોક્ટર બની ગયો. પછી પરિક્ષાનો અર્થ શું? શું આ સમાચારો પછી નીટ પરિક્ષાથી સંબંધીત કોઈ પણ અધિકારી વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા. એના કોઈ સમાચાર અમારી પાસે નથી. જુદા જુદા સમાચાર પત્રોની હેડલાઈન્સ ભેગી કરીને જોવામાં આવે તો મેડિકલની પરિક્ષામાં કોપીની શક્યતા છે. શૈતાની લોકોના ગ્રુપ દર વર્ષે આવે છે અને કોઈ મહેનતુ વિદ્યાર્થીનો હક મારી ને જતા રહે છે. શું અમને એક ઈમાનદાર અને વિશ્વાસપાત્ર પરિક્ષા વ્યવસ્થા નથી મળી શકતી જેમાં એક પણ વિદ્યાર્થી સાથે વિશ્વાસઘાત ન કરવામાં આવે.

૨૬ જુલાઈના સમાચાર પત્રો માં એક સમાચાર પ્રકાશીત થયા (National Eligibility Cum Entrance Test – NEET) ની પોસ્ટ ગ્રેજ્યુએટ પરિક્ષા લેવા માટે જે અમિરીકન કંપનીને ઠેકો અપવામાં આવ્યો એણે કબુલ કર્યું છે કે પરિક્ષાની વ્યવસ્થાને હેક કરી શકાય છે. શું સરકારથી આ પ્રશ્ન પુછી શકાય કે જ્યારે ભારત એક સાથે ૧૦૮ સેટેલાઈટ અવકાશમાં મોકલી શકે છે તો શું મેડિકલ એન્ટરન્સ ટેસ્ટ જાતે નથી લઈ શકતુ? શું પરિક્ષા પણ પ્રાઈવેટ એજન્સીઓ દ્વારા લેવામાં આવશે? પછી લીક થવાની જવાબદારી કોની રહેશે? કેવી રીતે વિશ્વાસ થશે કે પ્રાઈવેટ કમ્પનીએ કોઈની સાથે વ્યવહાર નહી કર્યો હોય.

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની સેન્ટ્રલ રેન્જની ચાર્જશીટ થી જાણવા મળ્યું કે દિલ્હી પોલીસે ચન્દીગઢ અને નોઈડા સેન્ટરોની તપાસ કરી, તપાસ સારી રીતે કરવામાં આવી. જો આ પ્રકારની તપાસ દેશના દરેક રાજ્યમાં થાત તો કેટલાની ભ્રમણા તુટતી.

એ પહેલા આપણે નીટ પરિક્ષાની વ્યવસ્થાને સમજીએ. નીટની પરિક્ષા નેશનલ એક્સામિનેશન બોર્ડ દ્વારા આયોજીત કરવામાં આવે છે. સ્નાતક અને અનુસ્નાતક માં પ્રવેશ માટેની પરિક્ષા નીટ દ્વારા લેવામાં આવે છે. સ્નાતક પ્રવેશ માટેની પરિક્ષામાં ૧૦-૧૧ લાખ વિદ્યાર્થીઓ ભાગ લે છે. અનુસ્નાતકમાં પ્રવેશ માટે ૩-લાખ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ ત્રણ લાખ વિદ્યાર્થીઓ એ હોય છે જેમણે ૫ાંચ વર્ષ મેડિકલનું શિક્ષણ મેળવી લીધું હોય છે. પી.જી. માટે લગભગ ૨૫૦૦૦ સીટ હોય છે જેમાં ૧૦-૧૧ હજાર જ સરકારી હોય છે. પ્રાઈવેટ કોલેજોથી પી.જી કરવુ કરોડોની રમત છે. તેથી ડોક્ટર સરકારી સીટ માટે તૈયારી કરે છે. સરકારી ૧૦-૧૧ હજાર સીટોમાં ૬-૭ હજાર જ મેડિકલ માટે હોય છે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છે.

એક એક સીટ માટે મારા મારી હોય છે. ડોક્ટર મેડિકલ કોલેજમાં એડમીશન લેતાની સાથે જ એટલે કે પ્રથમ વર્ષથી જ પી.જી. માટેની તૈયારીઓ શરૃ કરી દે છે. જ્યારે તેને ખબર પડે કે એમા પણ કેટલાક લોકો એજન્ટ દ્વારા એમની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે, તેમનો હક મારી રહ્યા છે, તો તેમને કેટલી નીરાશા થતી હશે. ડિસેમ્બર ૨૦૧૬ની પી.જી.ની પરિક્ષામાં ધાંધલી ની ફરિયાદ પર દિલ્હી પોલિસે તપાસ કરતા કેટલીક આશ્ચર્ય જનક વાતો સામે આવી.
પી.જી. નેટની પરિક્ષા માટે અમેરિકાની કંપની પ્રોમેટ્રીક સાથે કરાર કરવામાં આવ્યા. એ કંપનીએ પોલિસને કહ્યું કે એના સોફ્ટવેર સાથે છેડ છાડ થઈ શકે છે. પોલિસ એની તપાસ કરી રહી હતી કે પરિક્ષાના સોફ્ટવેરને હેક કરી શકાય કે નહી. ૨૦ પાનાની ચાર્જશીટમાં હેકીંગથી લઈને ફીક્સીંગ સુધીની ખતરનાક વાર્તાઓ છે. ચાર્જશીટ છે, દોષ સાબિત નથી થયો. અમે આ ચાર્જશિટના બહાને પરિક્ષાની વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હી પોલીસ પર આ જિમ્મેદારી હશે કે આ ચાર્જશીટને સાબિત પણ કરે. પોલિસને ખબર પડી કે આરોપીઓ એ હેકીંગનું પ્લાનીંગ પરિક્ષા શરૃ થતા પહેલા જ બનાવી લીધી હતી. વિદ્યાર્થીઓથી પૈસા લઈને એમને એ પણ કહી દેવામાં આવ્યું કે તેમને કયા સેન્ટરની પસંદગી કરવાની છે. એના થી આગળ એ લોકો જોઈ લેશે. આ સંદર્ભમાં દિલ્હી પોલીસે ૪ માણસોની ધરપકડ પણ કરી છે.

ચંદીગઢ અને નોઈડા ના પરિક્ષા સેન્ટરના બે સુપરવાઈઝરોએ કેટલાક વિદ્યાર્થીઓની મદદ પણ કરી છે. જે સરવરથી પરિક્ષા લેવાઈ રહી હતી તે સરવરને હેક કરીને મદદ કરવામાં આવી. તપાસ દરમ્યાન પોલીસને જાણકારી મળી કે Prometric Testing Pvt. Ltd. સાથે કરાર કરવામાં આવ્યો છેે.

ચાર્જશીટ પ્રમાણે આ કંપનીએ CMSIT Services Pvt. Ltd. કરાર કર્યા હતા કે તે એન્જીનીયર અને વેબસાઈટ સુપરવાઈઝર અને અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરે જેથી પરિક્ષા લેબ તૈયાર કરવામાં આવે. CMSIT Services Pvt. Ltd. એ M/S Apex Services ની સાથે કરાર કર્યા કે પરિક્ષાના સમયમાં ટેકનીકલ સ્ટાફની જરૃરિયાતને તે પુરી પાડશે. પોલિસનું માનવુ હતુ કે આટલી કડકાઈ છતા સિસ્ટમમાં ઘણા બધા એજન્ટ ઉભા થઈ ગયા જે વિદ્યાર્થીઓને શોધી રહ્યા હતા કે પૈસા મળે તો તેમને સારા રેન્ક અપાવી શકાય. પ્રથમ પગલુ હતું ઉમ્મેદવારનું મળવુ, ઉમ્મેદવાર મળતા જ બધા જ એજન્ટ તેમના સિનીયર એજન્ટને સમાચાર મોકલાવી દેતા હતા. સિનીયર એજન્ટ વાલી અથવા વિદ્યાર્થીના સંપર્કમાં આવી જતા હતા. એજન્ટ વેબસાઈટ સુપર વાઈઝર તથા એન્જીનીયરના સંપર્ક માં રહેતા હોય છે. ઉમ્મેદવારને કહી દેવામાં આવે છે કે કયા સેન્ટરની પસંદગી તેને કરવાની છે જ્યાં અધિકારી તેને કોપી કરવામાં મદદ કરી શકે છે.

પરિક્ષાનું આયોજન કરવાવાળી કંપની પોલિસને એ સોફ્ટવેર વિષે નથી કહી શકતી જેના દ્વારા પરિક્ષાને હેક કરવામાં આવી છે. પૈસા આપનાર વિદ્યાર્થીને પરિક્ષા કોમ્પ્યુટરનું એક્સેસ ઇન્ટરનેટ દ્વારા આપી દેવામાં આવ્યું અને પરિક્ષા ખંડની બહારના કોમ્પ્યુટર સાથે તેને જોડી દેવામાં આવ્યું. આ તો પોસ્ટગ્રેજ્યુએટ પરિક્ષાનો રૃમ છે. ૩-લાખની લગભગ સંખ્યામાં વિદ્યાર્થીઓ પરિક્ષામાં ભાગ લે છે ઇન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ આ રીતે ૨૦૦ વિદ્યાર્થીઓને પાસ કરવાની શંકા છે. જે પરિક્ષાની વ્યવસ્થા પર લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર જનો ને ભરોસો છે તે તુટ્યો કેવી રીતે, કોના કારણે? આનંદ રાય કે જેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે તેમનો દાવો છે કે અમેરિકન કંપની સાથે વગર ટેન્ડરે પરિક્ષા વ્યવસ્થા કરવાનો કરાર કરી દેવામાં આવ્યો છે. આનંદ રાય જ સતત બે – ત્રણ વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

આ વખતે એમ.બી.બી.એસ માટે નીટની પરિક્ષા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની પરિક્ષા સેન્ટરો પર સખત રીતે તપાસ કરવામાં આવી. કપડા ઉતારીને તપાસ કરવામાં આવી. કપડા કતરી નાખવામાં આવ્યા. કેરલાની ઘટના છે, જેથી ચોરી ન થાય, કોઈ કોપી ન કરી શકે એના માટે આવી ચેકીંગ કરવામાં આવી. લોકોને થયું કે કોઈ એમની સાથે ધોકો નહીં કરી શકે. હવે કોપી સમાપ્ત, હવે ડ્રેસ કોડ સાથે પરિક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે. કેરલામાં થોડુ વધારે થઈ ગયું પરંતુ વિદ્યાર્થીઓને એક એવી પરિક્ષા વ્યવસ્થાની આશા છે કે જેની ઉપર તેઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. નીટ પી.જી. ની તો તમે હાલત જોઈ લીધી, હવે સમાચાર પત્રોમાં નીટ અંડરગ્રજ્યુએટ પરિક્ષાની દશા પણ જોઈ લઈએ.

પટના પોલિસ સી.બી.એ.સી. ની રજાની રાહ જોઈ રહી છે કે જે ટ્રકમાં પ્રશ્નપત્રો લાવવામાં આવ્યા તેની ફોરેન્સીક તપાસ કરવામાં આવે. ૭ મે ના રોજ પટના ના ૩૨ કેન્દ્રો અને ગયા ના ૨૦ કેન્દ્રો પર નીટ ની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પોલિસનો દાવો છે કે તેણે પ્રશ્નપત્ર લીક થવાના પ્રયત્નોને અસફળ બનાવી દીધા છે એ સંદર્ભમાં ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી. તમે ૧૪ મે ૨૦૧૭નો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોઈ શકો છો. પટનાના દૈનિક જાગરણમાં પ્રથમ પાના પર આ સમાચાર આવ્યા કે સરગના (લીડર) સાથે પરિક્ષામાં પાસ કરાવવાની ૩ કરોડની ડીલ થઈ હતી.

એક સમાચારની હેડલાઈનમાં કહેવામાં આવ્યું કે ૫ જુથ છે જેઓ ૨૦ મિલીયનમાં પાસ કરવાની ગેરંટી આપે છે. કેટલીક જગ્યાએથી એવા પણ સમાચારો આવી રહ્યા છે કે પૈસા લઈને તેમને ઠગી રહ્યા છે. ઉમ્મેદવારો ને ૧૪૫ની જગ્યા એ માત્ર ૧૨૦ પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. આ વર્ષે આયોજીત નીટ યુ.જી. સી. પરિક્ષાની તપાસ પોલીસ કરી રહી છે. રાજસ્થાનની એ.ટી.એસ કરી રહી છે. પટના પોલીસ કરી રહી છે. આનંદ રાયે જ્યારે દિલ્હી પોલિસને ફરિયાદ કરી તો તેમને જબાવ મળ્યો કે અત્યારે નીટ પી.જી.ની તપાસમાં એટલા વ્યસ્ત છીએ કે નીટ યુ.જી.ની તપાસમાં ધ્યાન આપવુ શક્ય નથી.

નીટ એસ.બી.બી.એસ. અને નીટ પી.જી. ની પરિક્ષા વ્યવસ્થા સંપુર્ણ પણે ચોરી મુક્ત નથી. વ્યવસ્થા એવી હોવી જોઈએ કે અફવાની પણ શક્યતા બાકી ન રહે. કોઈ કોઈને ઠગી ન શકે. સમાચાર પત્રોની કટીંગ પરથી લાગે છે કે દરેક રાજ્યમાં આ પરિક્ષાને લઈને જુથોમાં એક વ્યવસ્થા છે. એ ત્યારથી છે જ્યારથી વ્યાપમ કૌભાંડ થયું હતું. અહીં સુધી કે એમ્સ ની એડમીશન પરિક્ષા પણ શંકાના ઘેરામાં આવી જાય છે.

આ ૧૫ જુને સી.બી.આઈ. એ એમ્સ એમ.બી.બી.એસ. ના પરિક્ષાપત્ર લીક થવા અંગે કેસ દાખલ કર્યો છે. ૨૮ મે ના રોજ પરિક્ષા લેવાઈ હતી. દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર, એમ્સ, અને સી.બી.આઈ દ્વારા એમ્સના પ્રશ્નપત્ર લીક થવા અંગે સ્ટેટ રિપોર્ટ માંગી હતી. આનંદ રાય આ સંદર્ભમાં અરજી દાખલ કરવા વાળા છે, અને પ્રશાંત ભૂષણ વકીલ છે.૧૬ ઓગસ્ટના રોજ સુનાવણી છે. સી.બી.આઈ.એ ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ૨૦૦૩ માં એમ્સની પરિક્ષાને લઈને બહુ મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. મહત્ત્વના શંકાસ્પદ રન્જીત ડોનનું નામ યાદ રાખીશું જે બેંક, એન્જીનીયરીંગ, મેડિકલના પ્રશ્નપત્રો લીક કરતો હતો. કેટલાક મોટા લોકો એના ક્લાયન્ટ હતા જેઓ તેમના બાળકોને પૈસાના જોરે ડોક્ટર અને એન્જીનીયર બનાવવા માંગતા હતા. સી.બી.આઈ. ની તપાસ થઈ હતી ૧૦૦ કરોડનો ધંધો હતો, ૨૦૦૩ પછી ૨૦૧૭માં ફરી સી.બી.આઈ. એમ્સની તપાસ કરી રહી છે.

મને ખબર છે કે આ પ્રશ્ન નેતાઓના બિનઉપયોગી આરોપો જેટલો મહત્ત્વનો નથી. પરંતુ વિચારો પૈસા આપીને શિક્ષણ મેળવ્યા વિના કોઈ ડૉક્ટર બની જાય અને સારવાર કરવા લાગે. તો શું થાય? વાત માત્ર ડોક્ટર બનવાની નથી, સરકારે લોકોના પૈસા એક એવા વ્યક્તિ પર ખર્ચ કર્યા જે પૈસા આપી ચોરી દ્વારા ડોક્ટર બન્યો છે. જો એ ચોરીના રસ્તાથી ડોક્ટર બની જશે તો ડોક્ટરની ગરીમાને કેવી રીતે જાળવી શકશે. આ દેશમાં રાજકીય કારણો સર વ્યાપમ કૌભાંડ પર સંપુર્ણ રીતે ચર્ચા નથી થઈ, થવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે સી.બી.આઈ.ને કહ્યું છે કે તમામ કેસોમાં જલ્દી થી જલ્દી ચાર્જશીટ ફાઈલકરવામાં આવે. અને હાર્ડડીસ્ક ની માહિતી ભોપાલની સી.બી.આઈ. ટ્રાયલ કોર્ટને સોંપવામાં આવે. ૩૧ ઓક્ટોબર સુધી સી.બી.આઈ. ને કહેવામાં આવ્યું છે કે બધા જ કેસોની ચોર્જશીટ ફાઈલ કરવામાં આવે. વ્યાપમ કેસમાં ૨૦૦થી વધારે એફ.આઈ.આર કરવામાં આવી છે. આનંદ રાય ના કહેવા મુજબ ૨૫૦૦ને અપરાધી બનાવવામાં આવ્યા હતા. અને ૨૦૦૦ ની ધરપકડ કરવામાં આવી હતી.

વ્યાપમનો ભાંડો તો ફુટી ગયો પરંતુ એવું ન થાય કે નીટ ને લઈને પણ આ પ્રકારનું કૌભાંડ થાય. ૪ ઓગસ્ટ ૨૦૧૭ ની હિન્દુ સમાચાર પત્રની રિપોર્ટ છે કે મધ્યપ્રદેશ અસમ્બલીમાં સી.એ.જી. ની એક રિપોર્ટ મુકવામાં આવી છે. એમાં કહેવમાં આવ્યું છે કે રાજ્ય સરકારે પરિક્ષા માટે જોઈએ એવુ રેગ્યુલેટરી ફ્રેમવર્ક રાખ્યું જ ન હતું. જેના લીધે ઉમ્મેદવારોનું ભવિષ્ય ખરાબ થયું. વ્યાપમ એક વિભાગ છે, નિયમન કર્તા નથી. કાયદાઓને માચડે મુકી અધિકારીઓની નિમણુક કરવામાં આવી. સરકારે એવો ડેટા પણ નથી રાખ્યો કે કેટલી પરિક્ષાઓ થઈ. દેખાઈ આવે છે કે પારદર્શિતાની ખુબ જ કમી છે. / (સાભારઃ mazameen.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments