અહમદાબાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સામૂહિક બળાત્કારના મામલામાં તા. ૨૩/૦૮/૨૦૨૦, રવિવારના દિવસે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળે પીડિતા અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળમાં વાસિફહુસૈન શેખ (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત) “હમારી આવાજ”ના કૌસર અલી સૈયદ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના લક્ષ્મીબેન મહેરિયા સામેલ હતા. પ્રતિનિધિ મંડળે પીડિતા અને તેના પરિવાર ઉપરાંત પીડિત પરિવારની મદદ કરી રહેલા મુસ્લિમ આગેવાનો યાસીન ભાઈ મંડલ, અબ્દુલ સમદ ખોખર, દલિત આગેવાન એડવોકેટ કિરીટ રાઠોડ અને તેમના સાથીઓ સાથે પણ મુલાકાત કરી.
મુલાકાતમાં ખબર પડી કે પીડિતા વિકલાંગ છે. પીડિતા એક સામાન્ય અને ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. વિરમગામના દલિત મુસ્લિમ આગેવાનો અને પીડિત પરિવાર જ્યાં રહે છે ત્યાંના લોકોની સાથે વાત કરવાથી ખબર પડી છે કે શરૂઆતમાં તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે પછી સહકાર આપ્યો. પાંચેય આરોપીઓને કસ્ટડીમાં લઈને કાર્યવાહી ચાલી રહી છે. મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે હજુ સુધી આ મામલામાં અહીંયાના લોકો સાથે કોઈ વાતચીત કરી નથી. લોકોનું કહેવું છે કે લાખાભાઈ ભરવાડની જવાબદારી એટલા માટે પણ વધી જાય છે, કેમ કે બળાત્કારના પાંચેય આરોપી ધારાસભ્યના સમાજમાંથી આવે છે. લોકોને શંકા છે કે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આ કેસને લઈને આરોપીઓને બચાવવા માટે દબાણ બનાવી રહ્યા છે.
પીડિતાની બહેને તેના પરિવાર તરફથી કહ્યું છે કે જ્યાં સુધી આરોપીને કઠોરમાં કઠોર સજા ન મળે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી કાનૂની લડાઈ લડવાનો ર્નિણય કર્યો છે. પીડિતાના પરિવારનું ઘર જોઈને લાગતું નથી કે લાંબી કાનૂની લડાઈ લડવા માટે વકીલનો ખર્ચ ઉઠાવી શકે. આથી સમાજને આ પરિવારને કાનૂની લડાઈ ઉપરાંત પણ ભરપૂર સહયોગ આપવો જોઈએ.