ઓલ ઇન્ડિયા માઈનોરીટી એજ્યુકેશન બોર્ડ દ્વારા 27 ડિસેમ્બર, 2001માં ત્રણ દિવસીય સેમિનારનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ૪૦૦ જેટલા જાગૃત મુસ્લિમો ભાગ લેવાના હતા. તેમાં શિક્ષણવિદો, સમાજશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ સેમિનાર ગુજરાતના સૂરત શહેર સ્થિત રાજેશ્રી હોલમાં થવાનો હતો. આ ચિંતન શિબિરમાં મુસ્લિમોના શિક્ષણને લગતા પ્રશ્નો વિશે ચર્ચા અને તેના નિરાકરણ બાબતે મનોમંથન થવાનું હતું. પરંતુ 27મી ડિસેમ્બરે 11:00 વાગ્યે જ્યારે હોલમાં લગભગ 127 જણા હાજર હતા, ત્યારે તેમની એમ કહી ધરપકડ કરવામાં આવી હતી કે એ તમામ લોકો સીમી – “સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા” સાથે જોડાયેલા છે, અને આતંકી કૃત્ય અંજામ આપવાના આયોજન માટે એકઠા થયા છે. તેમની ઉપર દેશ વિરોધી ષડ્યંત્ર અને યુએપીએ (Unlawful Activity Prevention Act) હેઠળ અનેક કલમો લગાવવામાં આવી. આ ખોટા કેસમાં લગભગ ૧૪ મહિના સુધી તેમને કારાવાસ ભોગવવો પડ્યો. આખરે ૧૯ વર્ષના લાંબા ગાળા પછી 6 માર્ચ 2021ના રોજ સૂરત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તમામને તમામ પ્રકારના આરોપોથી મુક્ત કર્યા. આ 19 વર્ષ લોકશાહીના ત્રીજા સ્તંભ એવા ન્યાયતંત્રની ચાડી ખાય છે. આ 19 વર્ષ 127 લોકોના કેવી રીતે વીત્યા? તેમને કેવું સહન કરવું પડ્યું છે? એ એક ગાથા છે. શારીરિક, માનસિક અને સામાજિક યાતનાઓ કે જે આંતરિક અને બાહ્ય પરિબળો દ્વારા તેમને આપવામાં આવી તેનો બદલો ન્યાયતંત્ર તેમને કેવી રીતે આપશે?
એડવોકેટ ખાલિદ શેખ કે જે આ કેસ લડી રહેલા વકીલોમાંના એક છે, જણાવે છે કે આ 127 લોકોમાં 15 જેટલા લોકો એવા હતા કે જે વિદેશમાં ભણવા કે નોકરી માટે જઈ રહ્યા હતા, પરંતુ UAPAની ગંભીર કલમો તેમની ઉપર લગાવી દેવામાં આવતાં તેઓના પાસપોર્ટ જપ્ત થઈ ગયા અને તેઓના સુંદર ભવિષ્ય ખોટા કેસો હેઠળ રગદોળાઈ ગયા.
આસિફ શેખ કે જે ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમના ટોપર હતા, જે સારા રિપોર્ટર, લેખક અને એન્કર બની શકતા હતા, તેમનુ ભવિષ્ય એ હદે વિખેરાઈ ગયું કે તેઓને જીવનનિર્વાહ માટે નાની મોટી નોકરીઓ કરવી પડી, મરચું વેંચી ગુજરાન ચલાવવું પડ્યું.
મુહમ્મદ અબ્દુલ હઈ કે જે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા,આ કેસ પછી તેમને તમામ પ્રકારના પ્રમોશનથી વંચિત કરવામાં આવ્યા. તેઓ 2015માં એ જ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્તરે નિવૃત્તિના લાભો વિનાજ નિવૃત્ત થઈ ગયા. તેઓ જોધપુર, રાજસ્થાનના રહેવાસી છે. તેમને જામિન મળી ગયા પછી મહિનામાં 2 વખત સૂરત પોલીસ સ્ટેશને હાજર થવું પડતું હતું. આમ તેઓને દર મહિને મુસાફરી અને ખર્ચનો બેવડો ભાર સતત 19 વર્ષ સહન કરવો પડ્યો.
મૌલાના અતાઉર્રહમાન કે જેઓ તે વખતે 66 વર્ષના હતા તેમને “સીમી”ના સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે હકીકત આ છે કે “સીમી”ના સભ્ય તરીકેની વય મર્યાદા 30 વર્ષ સુધી હતી. તેમને પૂર્વ મેમ્બર તરીકે પણ પોલીસ દર્શાવી ન શકે કારણ કે 1977માં “સીમી”ની સ્થાપના થઈ તે વખતે પણ તેમની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હતી. સરકારી વકીલએ પણ સાબિત નથી કરી શક્યા કે તેઓ સીમીના સભ્ય હતા. જસ્ટિસ દવે એ UAPAની સંગીન કલમો લાગુ કરવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તમામ કલમોને આરોપો તરીકે લગાવવા ઇન્કાર કર્યો હતો.
ગુજરાત સિવાય રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોથી મુસ્લિમ સમાજના શિક્ષણ સંબંધિત પ્રશ્નોને વાચા આપવા અને તેમના શૈક્ષણિક સ્તરને ઊંચુ લાવવાના હેતુસર એકઠા થયેલા લોકોનું ભવિષ્ય શા માટે રગદોળવામાં આવ્યું ? આની પાછળ મુસ્લિમ વિરોધી માનસિકતા જવાબદાર છે. દેશની કેટલીક સંસ્થાઓ કે જેઓ મુસ્લિમોને દેશમાં જોવા પણ તૈયાર નથી, તેમની માનસિકતાને શબ્દોમાં લખવું પણ અઘરું છે. આ માનસિકતાએ મુસ્લિમો વિરુદ્ધ ઝેરનું કામ કર્યું છે. આ માનસિકતાને આયોજનબદ્ધ લોકોમાં પ્રસરાવવામાં આવ્યું જેમાં મીડિયાની ભૂમિકા અગ્રેસર છે. મુસ્લિમોને ધર્મઝનૂની, દેશ વિરોધી અને પાકિસ્તાન તરફી દર્શાવવા મીડિયા એ દરેક પ્રસંગને તોડી-મરોડીને રજૂ કરેલ છે. 2001 પછી માહિતી સંચારના માધ્યમો મોબાઈલ-ઇન્ટરનેટ દ્વારા લોકોને સહેલાઈથી ઉપલબ્ધ થતાં,આ દુષ્પ્રચારના પડધા લોકોના કાને જોરજોરથી અથડાવા લાગ્યા.
વ્યવસ્થાતંત્રે પણ આંખે પાટા બાંધી મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કોઈ કચાશ બાકી નથી રાખી. એટલે જ વર્ષો સુધી કેસોને ચલાવી છેવટે છોડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યવસ્થાતંત્રના દરેક કર્મીએ માની લેવું જોઈએ કે દેશના વિકાસમાં મુસ્લિમો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. તેમનું સ્તર ઊંચું લાવવાના અવસરોને રગદોળીને દેશનો વિકાસજ અવરોધાય છે. સૂરત શહેર આ બાબતે પ્રખ્યાત છે કે તેણે મુસ્લિમોની ખોટા આરોપોના નામે ખૂબ કનડગત કરી છે.
ન્યાયતંત્રમાં કેસ નિકાલનો સમય નક્કી થવો જોઈએ. સમય મર્યાદામાં કોર્ટે ચુકાદો આપી દેવો જોઈએ અને અરોપો મનઘડત હોય કે પૂરતા પુરાવા ન હોય તો પોલીસકર્મી વિરુદ્ધ કેસ ચલાવવાનો અધિકાર કોર્ટને હોય તેવા કાયદા ઘડવા જોઈએ. આવા કાયદા ઘડવાની પરિસ્થિતિમાં ખોટા કેસો બનાવતા પહેલાં પોલીસે વિચાર કરવો પડશે; તેમજ સામાજિક અને આર્થિક નુકસાન થતાં અટકશે. કોર્ટ આરોપીને ગુનેગાર સાબિત કરે તે પહેલાં પોલીસ, મીડિયા અને સમાજ તેને ગુનેગાર માની લેતો હોય છે. તેથી જાહેર થયેલ સામાજિક બહિષ્કારનો સામનો આરોપીએ કરવો પડે છે. દેશના નાગરિકોને આવા સામાજિક બહિષ્કારથી બચાવવાની કોર્ટની ફરજ છે.
જેટલા વર્ષ કેસ ચાલે તેટલા વર્ષ માટે આરોપીને વળતર આપવાની પહેલ કોર્ટે કરવી જોઈએ. ન્યાયિક માનસિકતા ધરાવતા લોકોનું મંતવ્ય છે કે ઘણાં કિસ્સાઓમાં આરોપીનું સર્વસ્વ લૂંટાઈ જાય છે અને તેણે ભોગવેલ આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની કોઈ જોગવાઈ કાયદામાં નથી ,જે ન્યાયતંત્રની ખામી છે. આ ખામીને દૂર કરવા કોર્ટે સૂઓમોટો આપવા ફરજિયાત કાયદા ઘડવા સરકારને આદેશ કરવો જોઈએ.
19 વર્ષ એટલે લગભગ 2 દાયકાની અસહ્ય સામાજિક બહિષ્કારની વેદના, કોર્ટમાં હાજરી, પો. સ્ટેશનમાં હાજરી, વકીલની ફી ચૂકવીને હતાશ થયેલ આરોપીને નિર્દોષ જાહેર કરવાથી ક્યારેય સંતોષ ન મળી શકે જ્યાં સુધી ન્યાય સાચા અર્થમાં આપવામાં ન આવે. તમામ આરોપીઓને યોગ્ય કહી શકાય તેવું વળતર આપવું જોઈએ. પોલીસ કસ્ટડીમાં તેમની સાથે થયેલ શારીરિક અત્યાચારની તપાસ થવી જોઈએ અને પોલીસ કર્મીઓને યોગ્ય સજા થવી જોઈએ કે જેમણે 127 લોકોના જીવન બરબાદ કરી નાખ્યા. કોર્ટ જો આવા નિર્ણય લે તો ન્યાયની ઝાંખી થાય. પરંતુ ખરેખર કે સાચો ન્યાય તો પરલોકમાં આખેરતના દિવસે થશે. અલ્લાહના દરબારમાં થશે કે જ્યારે નિર્દોષો અલ્લાહ સમક્ષ ફરિયાદી બની પોતાનો પક્ષ રજૂ કરશે અને ગુનેગારોને અલ્લાહ સજા ફરમાવશે; તે દિવસે જાલિમો સાથે તેમના જુલ્મનો પૂરો બદલો ચૂકવી દેવામાં આવશે. 🔚