Saturday, November 2, 2024
Homeમનોમથંનસત્તા પરિવર્તન નહિ, વ્યવસ્થા પરિવર્તન જરૂરી

સત્તા પરિવર્તન નહિ, વ્યવસ્થા પરિવર્તન જરૂરી

દેશ ફરી એક વાર સૂત્રો, ઝંડાઓ, વચનો અને ભાવનાઓમાં સ્વતંત્ર થઈ રહ્યો હતો…

9 ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ રૂપે મનાવવામાં આવે છે. જો કે ભ્રષ્ટાચાર દેશ માટે કોઈ નવી સમસ્યા નથી. સ્વતંત્ર ભારતનો સૌ પ્રથમ કૌભાંડ 1948ના વર્ષમાં જ થઈ ગયો હતો. જ્યારે ભારતીય સૈનિકો માટે ખરીદવામાં આવેલી ભંગાર જીપમાં 80 લાખનું કૌભાંડ થયું હતું.

વર્ષ 2011-12માં સમગ્ર દેશમાં જાણે ખુશીઓનો માહોલ હતો. ખાસ કરીને દિલ્હીમાં જાણે સ્વતંત્રતાની બીજી લડત લડાઈ રહી હોય. દેશને તો જાણે પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા અન્ના હજારેના રૂપમાં બીજા ગાંધી મળી ગયા હતા.

અન્નાના આ આંદોલનના સમકક્ષ યોગ ગુરુ બાબા રામદેવ પણ કાળા નાણાના વિરોધમાં દેશભરમાં સભાઓ કરી રહ્યા હતા. બાબાજીની એ સમયની વીડિયો ક્લિપને આજે જોઈએ તો એવું પ્રતીત થાય છે કે જાણે મોદી સાહેબ આવશે અને દેશ તથા વિદેશમાં રહેલું કાળું નાણું આસમાનમાંથી વર્ષી પડશે. અને દેશના દરેક નાગરિકને 15 લાખ મળશે. પરંતુ સત્ય આ છે કે આ બધું ફક્ત સામાન્ય જનતાને ભ્રમિત કરી દેનારી વાતો હતી.

ભ્રષ્ટાચાર વિરોધી અન્નાના આંદોલનમાં દિલ્હીના રોડ પર કેટલાય કિલોમીટર સુધી નવયુવાન યુવકો અને યુવતીઓ ત્રિરંગો ઝંડો લઈને દેશભક્તિના ગીત ગાતા જંતર-મંતરની તરફ કૂચ કરી રહ્યા હતા. આ વાસ્તવમાં એક મનોહર અને મનમોહક દ્રશ્ય હતું. દેશ ફરી એક વાર સૂત્રો, ઝંડાઓ, વચનો અને ભાવનાઓમાં સ્વતંત્ર થઈ રહ્યો હતો.

અન્ના હજારેએ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની સંકલ્પના યુવાનોમાં ભરી દીધી હતી, મીડિયા પણ તેમને એક ભ્રષ્ટાચાર મુક્ત ભારતના પ્રેરણા સ્રોતની રીત રજૂ કરી રહ્યા હતા. ભાવનાઓ, વચનો, સંકલ્પનાઓથી ભરપૂર આ આંદોલનમાં એક અજાણ ચહેરો અરવિંદ કેજરીવાલ પણ સામેલ થઈ ગયો. 2G સ્પેક્ટ્રમ કૌભાંડને આધાર બનાવીને શરૂ થયેલ આ આંદોલન કેટલીક પાર્ટીઓ અને વ્યક્તિઓના રાજકીય લાભ તથા સત્તા પરિવર્તન પછી પૂર્ણ થઈ ગયું.

આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના અવસર પર દેશના પ્રત્યેક નાગરિકે આ પ્રશ્ન પોતાના આત્માને કરવો જોઈએ કે સ્વતંત્રતા પછી અત્યાર સુધી શું આપણે ભ્રષ્ટાચાર નામક રાક્ષસથી મુક્તિ મેળવી લીધી?

અન્ના હજારે આંદોલનમાં તો એવું થઈ રહ્યું હતું કે જાણે હવે લોકપાલ બિલ પસાર થતાં જ આપણાંને ભ્રષ્ટાચારથી મુક્તિ મળી જશે.

તેમના સમકક્ષ શરૂ થયેલું બાબા રામદેવનું કાળું નાણું પાછું લાવવાનું આંદોલન પણ આપણા અંદર ઘણી ભાવનાઓ અને સ્વપ્ન લઈને શરૂ થયું અને બાબાજીની અઢળક સંપત્તિ તથા ભાજપના પક્ષમાં સત્તા પરિવર્તન પર પૂર્ણ થઈ ગયું, તથા જ્યારથી કેન્દ્રમાં મોદીની સરકાર આવી છે ત્યાર બાદથી બાબાજી પતંજલિની માર્કેટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે; અને હવે પ્રશ્ન આ છે કે બાબાજીની પોતાની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષોમાં કેટલી ગણી વૃદ્ધિ થઈ છે?

જોવાનો દ્રષ્ટિકોણ આ પણ છે કે અન્નાના આ આંદોલને દેશને એક ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સપના તો દેખાડ્યા પરંતુ આ આંદોલન દેશમાં 2 મોટા પરિવર્તન પછી સમાપ્ત થઈ ગયું. એક કેન્દ્રમાં મોદીની આગેવાનીમાં ભાજપાની સરકાર બની ગઈ અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા.

હું પણ અન્નાનું સૂત્ર હવે લુપ્ત થઈ ગયું છે, પરંતુ આજે પણ  પ્રતિદિન નાના મોટા ભ્રષ્ટાચારના સમાચારો આવતા રહે છે. જે વ્યક્તિ જેટલી વધુ સાક્ષર અને સંસ્કારી છે તે તેટલી જ વધુ ભ્રષ્ટાચારી છે !

સરકારી નીતિઓના સ્તરે જે ભ્રષ્ટાચાર થાય છે તેને માપવાનું કોઈ યંત્ર કે તંત્ર આપણી પાસે નથી. હવે ભ્રષ્ટાચારે એક નવું રૂપ ધારણ કરી લીધું છે. કેટલાક લોકો માટે એવો કાયદો બનાવવો જોઈએ કે એક કે બે નહિ બલ્કે ઘણા વર્ષો સુધી અવિરત તેમને ફાયદો થાય. ગરીબ વધુ ગરીબ બને અને અમીર વધુ અમીર થતો જાય.

વર્ષ 2019માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ INDIA CORRUPTION SURVEY 2019 REPORT પ્રકાશિત કર્યો. આ સર્વેક્ષણ દેશના 248 જિલ્લાઓમાંથી 1,90,000 નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નોત્તરીના માધ્યમથી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ કોઈ મોટા કૌભાંડ વિશે ન હોતો, કેમ કે હવે તો આખી વ્યવસ્થા સત્તાની ચાટુકારિતા કરતી નજરે આવી રહી છે. આમ પણ જો કોઈ મોટું કૌભાંડ થશે તો સરકારી મીડિયા તેના ષડ્યંત્રના માધ્યમથી અસત્યને સત્ય બનાવીને દેખાડશે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાનો અહેવાલ સામાન્ય નાગરિકો તથા સરકારી ઓફિસોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. આ અહેવાલ અનુસાર દેશના 51% નાગરિકોએ લાંચ આપવાની વાત સ્વીકારી છે. આ અહેવાલ મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર ક્રમશ: રિયલ એસ્ટેટ, માઈનિંગ, ફાર્માસ્યુટિકલ, ફિલ્મ અને શિક્ષણના ક્ષેત્રોમાં થયો છે.

16% નાગરિકોએ આ સ્વીકાર કર્યું છે કે અમે એવી સરકારી ઓફિસોમાં લાંચ આપી છે, જ્યાં સીસીટીવી કેમેરા તથા સંપૂર્ણ કમ્પ્યુટર કૃત વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ અહેવાલ કહે છે કે 38% નાગરિકો આ સ્વીકાર કરે છે કે લાંચ આપ્યા વગર તેમનું કામ થતું નથી.

આ વાત પણ ઘણી રસપ્રદ છે કે વગર કોઈ કારણે, ફક્ત પોતાનું કામ ઝડપથી કરાવવા માટે 26% નાગરિકોએ લાંચ આપી છે.

ઓનલાઇનની ભાગદોડમાં રોકડ જ ભ્રષ્ટાચારીઓની આશા માત્ર છે. 35% નાગરિકોએ રોકડના માધ્યમથી લાંચ આપી છે. 38% નાગરિકોનું આ પણ માનવું છે કે જો અમે લાંચ ન આપીએ તો અમારૂં કામ થશે જ નહિ. સરકારી હોય કે ખાનગી કોઈ પણ જગ્યાએ લાંચ વગર કામ સંભવ નથી.

આ અહેવાલ મુજબ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ ત્રણ મોટા સંસ્થાન છે, જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધુ છે.

મોટા કૌભાંડો તો કાયદાના દાયરામાં થાય છે તે પણ સંસદમાં કાયદો પસાર થયા પછી. ખાનગીકરણ અને ઉદારવાદના નામે આજ સુધી અગણ્ય બીલો પસાર કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોને નુકસાન અને ખાનગી પાર્ટીઓને ફાયદો થાય છે. આ ખાનગી લોકો રાજકીય પક્ષોને મોટાપાયે ફંડ આપે છે. આ રીતે કોર્પોરેટ અને નેતાઓ વચ્ચે આ વ્યવહાર (ભ્રષ્ટાચાર) ચાલતો રહે છે. સંસદમાં બેસનારા બદલાતા રહે છે પરંતુ વ્યવસ્થામાં કોઈ પરિવર્તન આવતું નથી.

સામાન્ય જનતા સમાજવાદીઓ અને રાજકારણ વચ્ચે ઘઉંની જેમ ઘંટીમાં પીસાતી રહે છે.

જો કે આ ભ્રષ્ટાચાર ફક્ત ભ્રષ્ટ નાગરિકોને જ જન્મ આપે છે એટલું જ નહીં આ ભ્રષ્ટાચાર પોતાની સાથે ઘણી બધી અન્ય બીમારીઓને પણ લઈને આવે છે.

જો કાયદો બનાવવા માત્રથી જ ભ્રષ્ટાચાર સમાપ્ત થવાનો હોત તો અત્યાર સુધી નાબૂદ થઈ ગયો હોત. શું આપણી આંખો જોતી નથી કે આપણે માનવ નિર્મિત સમસ્યાઓના નિવારણ હેતુ અનેક કાયદા બનાવ્યા, તો શું આપણી સમસ્યાઓનું નિવારણ થઈ ગયું? શું આપણે આ કહેવાની સ્થિતિમાં છીએ કે બળાત્કાર, ચોરી, લૂંટ, હત્યા, મારપીટ, ગુંડાગર્દી, વસૂલી, ભેદભાવ, ઊંચનીચ, અસ્પૃશ્યતા, ભ્રૂણ હત્યા વિ, જેવી સમસ્યાઓ કાયદા બનાવવા માત્રથી નાબૂદ થઈ જશે? કે શું આ સમસ્યાઓમાં છેલ્લા 70 વર્ષોમાં ઘટાડો થયો છે ? તેના કરતાં ઉલ્ટું નેશનલ ક્રાઇમ બ્યુરોનો અહેવાલ કંઈક અલગ જ દ્રશ્ય દર્શાવી રહ્યું છે કે કાયદા માત્ર બનાવી દેવાથી અને તેને લાગુ કરવાથી જ આપણે આપણી પહાડ જેવી સમસ્યાઓને ન નાબૂદ કરી શકીએ છીએ અને ન તો ભ્રષ્ટાચાર રૂપી મહારાક્ષસને.

તો પછી આ સમસ્યાઓનો ઉપાય શું છે ? આનો ઉપાય માત્ર સ્વસ્થ અને સુંદર સમાજના નિર્માણથી જ શક્ય છે. આપણને એવો સમાજ જોઈએ જ્યાં લાલચુ વ્યક્તિ ન હોય, જ્યાં અમીર ગરીબોને વગર કોઈ વળતરની અપેક્ષાએ મદદ કરતા હોય, જ્યાં સામાન્ય નાગરિક કાયદા કરતાં વધારે તેના પાલનહારથી ડરતો હોય, જ્યાં તેને ખરૂં કામ કરવામાં કોઈ પણ અડચણ ન હોય, જ્યાં સામાજિક ચેતનાને દુષ્કર્મથી નફરત અને સારા કર્મથી પ્રેમ હોય.

આપણા સમાજે ગાંધી, નહેરુ, આઝાદ, આંબેડકર, સરદાર જેવા લોકો પણ જોયા તથા વાજયેપી, અડવાણી, અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને મોદી જેવા વ્યક્તિઓને પણ જોયા. પરંતુ આજે પણ આપણા દેશની સમસ્યાઓ નાબૂદ થવાના બદલે દિવસે દિવસે વધતી જઈ રહી છે.

ખરા અર્થમાં આપણને સત્તા પરિવર્તન નહિ, બલ્કે વ્યવસ્થા પરિવર્તન કરવાની જરૂરત છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments