કારકિર્દીની પસંદગી કરતી વખતે એ વાતનો વિચાર કરવો જરૂરી બની ગયું છે કે તમે પસંદ કરેલા વ્યવસાયથી સમાજને શું ફાયદો થાય છે અને ક્રાંતિ લાવી શકાય છે. સિવિલ સર્વિસીસ (સનદી સેવાઓ), કાયદાઓ, પત્રકારત્વ, અર્થશાસ્ત્ર, શિક્ષણ અને ઇતિહાસ કારકિર્દીના કેટલાક એવા ક્ષેત્રો છે જેમાં કારકિર્દી બનાવવાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. હાલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા કારકિર્દીની વાત આવે છે ત્યારે ફકત મેડિકલ અને એન્જિનિયરીંગ અંગે જ વિચારે છે, પરંતુ આના સિવાય પણ અનેક એવા ક્ષેત્રો છે જેમાં કારકિર્દી બનાવવાથી સારી કમાણી કરી શકાય છે અને સમાજમાં પરિવર્તન લાવી શકાય છે તેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ કરીને લઘુમતી સમુદાયે આ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા અંગે વિચારવું જ રહ્યું. આ ક્ષેત્રોમાં મેડિકલ અને એન્જિનિયરીંગની સરખામણીમાં ઓછા ખર્ચે કારકિર્દી ઘડી શકાય છે. હવે આવા કેટલાક ક્ષેત્રોની વિગતવાર માહિતી મેળવીએ :
(૧) સિવિલ સર્વિસીસ (સનદી સેવાઓ): આ સેવાઓ કેન્દ્ર અને રાજ્ય કક્ષાના વહીવટીતંત્ર સાથે સંકળાયેલી છે. આ સેવાઓને દેશના વહીવટીતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્ય સરકારના પ્રધાનોની સંખ્યા જૂજ હોય છે અને તેનો કાર્યકાળ મર્યાદિત હોય છે તથા તેમની પાસે તેમના મંત્રાલયની વહીવટી જટિલતાઓનું જ્ઞાન હોતું નથી, આ માટે પ્રધાનોને વિવિધ મુદ્દાઓ પર સલાહ મેળવવા માટે, નીતિ ઘડવા માટે, નિર્ણયો લેવા અને તેનો અમલ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ પર આધાર રાખવો પડે છે.
નીતિઓ ઘડીને તેના દસ્તાવેજો તૈયાર કરવાનું કાર્ય સનદી અધિકારીઓનું હોય છે. દેશભરમાં આ નીતિઓ પર અમલ કરાવવાનું કાર્ય પણ વિવિધ સ્તરના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે છે. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સનદી સેવાઓ સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓ છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ)ના અધિકારીઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સરકારી કંપનીઓ (પીએસઆઈ)માં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન હોય છે. આ અધિકારીઓ સમાજમાં માન અને સન્માન ધરાવતા હોવા ઉપરાંત સરકારી કાર્યાલયોનું કુશળતાપૂર્વક વહીવટ ચલાવે છે. આઈએએસ અને આઈપીએસને ભારતની સૌથી પડકારજનક અને ઇચ્છનીય નોકરી ગણવામાં આવે છે. આઈએએસ અને આઈપીએસ સિવાય પણ સનદી અધિકારીઓમાં ગ્રુપ-એ અને બી જેવીનો અન્ય છ સેવાઓ પણ સામેલ છે જે દરેકની પોતાની આગવી પ્રતિષ્ઠા છે.
ખાસ કરીને લઘુમતી સમુદાયના તેજસ્વી વિદાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાને બદલે વ્યવસાય તરીકે સલામત ક્ષેત્રોની પસંદગી કરે છે. જો કે એ વાત સાચી છે કે લાખો વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપતા હોવાથી વિવિધ તબક્કાઓમાં સફળ થઈને અધિકારી બનવું અઘરું હોય છે. પણ કઠોર પરિશ્રમ કરનારને જ અંતમાં સારો બદલો મળે છે. પરીક્ષાને પોતાનું લક્ષ્યાંક બનાવી તેને પાસ કરવાના ગંભીર પ્રયત્નો શરૃ કરી દે. સરકારના નિર્ણયો ઘડવામાં અને તેનો અમલ કરાવવામાં સનદી અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોવાથી તેઓ સમાજમાં પરિવર્તન લાવવામાં સિંહફાળો આપે છે જે સિસ્ટમની બહાર રહીને શકય નથી. સનદી અધિકારીઓ સમાજમાં પરિવર્તન લાવવા સક્ષમ હોય છે.
નોંધઃ કેન્દ્ર અને રાજ્યમાં સેક્રેટરી, ડેપ્યુટી કે એડિશનલ (સેક્રેટરી) જેવી સચિવ સેવાઓ પણ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેઓ પણ સરકારની નીતિઓ ઘડવામાં આગત્યની ભૂમિકા ભજવે છે.
(ર) કાયદોઃ જમીન અને બંધારણની સમજ અને જ્ઞાન હોવું દરેક માટે જરૂરી છે, મુસાફરી કરતી વખતે, મિલ્કત ખરીદતી વખતે, અન્યાયનો વિરોધ કરવા કે સિસ્ટમમાં રહેલી ખામીઓ ઉજાગર કરવા, નિર્દોષોનું રક્ષણ કરવા, ગુનેગારને સજા કરવા સહિતની બાબતોમાં કાયદાનું જ્ઞાન ઉપયોગી નીવડે છે. વહીવટીતંત્ર પણ કાયદાના જ્ઞાન પર જ આધાર રાખે છે. વિધાનસભા અને ન્યાયતંત્ર સહિતની રાજ્યની ચાર પાંખોને કાયદાના જ્ઞાનની જરૃર પડે છે. કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિને માહિતીથી સજ્જ કરવામાં આવે અને લોકો આવી વ્યક્તિ પાસે સલાહ લેવા આવે છે. આ વ્યવસાયમાં આગળ વધીને વ્યક્તિ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજ સુધી પહોંચી શકે છે.
માત્ર એટલું જ જરૂરી નથી કે તમારી પાસે કાયદાનું પ્રાથમિક જ્ઞાન હોય પણ કાયદાના નિષ્ણાત બનવું જરૂરી છે જેથી કાયદાના કોઈ એક ક્ષેત્રમાં મહારત હાંસલ કરી તેમાં આગળ વધી શકો. આવા લોકો પોતાના માટે તો કમાણી કરશે જ પણ સાથેસાથે અન્યની કાયદાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવામાં અને ન્યાય અપાવવામાં માર્ગદર્શન આપી શકશે. સમાજમાં કાયદા પ્રત્યે જાગૃત કરનારા લોકો ઘણા ઓછા છે આ માટે બેદરકારી અથવા ખોટી માન્યતા જવાબદાર છે.
ભૂતકાળમાં અને હાલના મોટા નેતાઓ, રાજકારણીઓ તથા રાજદ્વારીઓ પૈકી કેટલાક મોટા વકીલો અને કાયદાકીય નિષ્ણાતો હતા. કાયદાના વ્યવસાયમાં એન્જીનિયરીંંગ, મેડિકલ, સમાજશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર સહિતના વિષયોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો પ્રામાણિક અને અસરકારક રીતે વકીલાત કરવામાં આવે તો આ વ્યવસાય અન્ય વ્યવસાયલક્ષી સરખામણીમાં શ્રેષ્ઠ છે. આમ કાયદામાં કારકિર્દી બનાવનારા તગડી કમાણી તો કરે જ છે સાથે સમાજમાં પરિવર્તન લાવવાનું ઉમદા કાર્ય પણ કરે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે વકીલો શા માટે સારા નેતા, રાજકારણી અને રાજદ્વારી બની શકે છે ? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. વકીલ હંમેશાં વ્યક્તિને પોતાના પરિવારમાં, ધંધાકીય પ્રવૃત્તિમાં કે સમાજમાં પડતી રોજબરોજની મુશ્કેલીઓના સંપર્કમાં રહે છે. આ વ્યવસાયમાં થોડાક વર્ષો પસાર કર્યા પછી વકીલમાં એટલી ક્ષમતા આવી જાય છે કે તે લોકોની સમસ્યા સાંભળીને તેનો ઉકેલ લાવી શકે છે. આ રીતે વકીલને માનવીય નબળાઈઓ અને ક્ષમતાઓનું સારૃં એવું જ્ઞાન મળી જાય છે. જે અન્ય વ્યવસાયોમાં મળી શકતું નથી. તેથી આજના સમયની માગ એ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ કાયદાના વ્યવસાયમાં ઝંપલાવી દેશ અને સમાજના કલ્યાણમાં પોતાનું યોગદાન આપે.
(૩) પત્રકારત્વઃ મીડિયા વગરનું જીવન તેલ વગરના દીવા જેવું છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જેમાં લોકોને શિક્ષિત કરવા અને તેમના મંતવ્યોનું નિર્માણ કરવામાં મીડિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અને શિક્ષણના સ્ત્રોત તરીકે પણ મીડિયાની ભૂમિકા ઓછી આંકી શકાય તેમ નથી. સાચું જ કહેવામાં આવ્યું છે કે ‘પેનમાં તલવારથી પણ વધારે શક્તિ છે. સમગ્ર વિશ્વમાં લોકોના વિચારો બદલવામાં મીડિયા સૌથી ઉપયોગી સાધન છે. મીડિયાએ મહાકાય વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે અને મીડિયા દ્વારા વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટનાની જાણ થોડાક સમયમાં વિશ્વના તમામ લોકોને થઈ જાય છે, મીડિયા કોઈ એક વ્યક્તિને મહાન પણ બનાવી શકે છે અને કોઈને બદનામ પણ કરી શકે છે. મીડિયા પ્રજાનું મંતવ્ય ઘડવામાં નોંધ પાત્ર ભાગ ભજવે છે. મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. મીડિયા રાઈના દાણાને પર્વત અને પર્વતને રાઈનો દાણો બનાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રજાને જાગૃત કરવામાં પણ મીડિયાની ભૂમિકા ઓછી આંકી શકાય તેમ નથી. મીડિયા લોકશાહી એવો ચોથો સ્તંભ છે જેની કામગીરી પર લોકશાહી અન્ય ત્રણ સ્તંભ સરકાર, સંસદ કે વિધાનસભા અને ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકતું નથી. મીડિયા લોકશાહીના અન્ય ત્રણ સ્તંભોની કામગીરી પર નજર રાખી તેમની ખામીઓ ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. મીડિયા દેશના દરેક ખૂણે સુધી પહોંચાડી ને સામાન્ય માનવીને લોકશાહીના ત્રણ સ્તંભો દ્વારા કરાતા સત્તાના દુરુપયોગની જાણ કરે છે. મીડિયા અને પત્રકારત્વમાં કારકિર્દી શરૃ કરનારને લાંબાગાળે સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળે છે. જો કે આ માટે જરૂરી છે કે પત્રકાર અસરકારક અને નિષ્પક્ષ રીતે પોતાનું કાર્ય કરે, લઘુમતી સમુદાયમાં પણ સારા પત્રકારોની ભારે અછત હોવાથી તેમના માટે આ ક્ષેત્રમાં આગળ વધવાની અપાર તકો રહેલી છે.
જો કે પત્રકારોને માહિતી એકત્ર કરવામાં સખત પરિશ્રમ કરવો પડે છે અને કેટલીક વખત જીવ પણ જોખમમાં મૂકવો પડે છે. જો કે આ ક્ષેત્ર ખૂબ જ સંતોષ આપનાર અને લાભદાયી છે. જો આ ક્ષેત્રમાં ઉત્સાહ અને પ્રમાણિકતાથી કામ કરવામાં આવે તો નાણા ઉપરાંત નામ અને પ્રતિષ્ઠા બંને મળે છે. આમ, કારકિર્દી તરીકે પત્રકારત્વની પસંદગી કરવી વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે, ખાસ કરીને લઘુમતી સમુદાય માટે; કારણ કે તેઓ પોતાના વ્યવસાય દ્વારા પોતાના સમુદાયની મુશ્કેલીઓ અને મંતવ્યો સરકાર સુધી પહોંચાડી સરકારના નિર્ણય લેવાની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપી શકે છે.
(૪) અર્થશાસ્ત્રઃ અર્થશાસ્ત્રની સામજિક વિજ્ઞાન શાખા સાથે અર્થશાસ્ત્રનો વ્યવસાય સંકળાયેલો છે. અર્થશાસ્ત્રી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અમલમાં મૂકી આર્થિક નીતિઓ ઘડી શક ેછે. આ વિષય સાથે અનેક પેટા વિષયો સંકળાયેલા છે. જેમ કે તત્ત્વજ્ઞાનની થિયરી, વિવિધ બજારોનો ગહન અભ્યાસ, … અર્થશાસ્ત્રનું વિશ્લેષણ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ સામેલ છે. આ માટે પૃથક્કરણીય પદ્ધતિ, ઇકોનોમિકસ, આંકડાશાસ્ત્ર, નાણાકીય અર્થશાસ્ત્ર, ગણિત કે નાણાશાસ્ત્ર અને ગાણિતમાં અર્થશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રીની ઓળખ અર્થશાસ્ત્રમાં પીએચડી હોવું, આર્થિક વિજ્ઞાન ભણાવવા કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં સાહિત્ય પ્રકાશિત કરવા સુધી સીમિત હોય છે. પણ ઘણાં લોકો એવું માને છે કે અર્થશાસ્ત્રી બનવા માટે પીએચડીની ડિગ્રી જરૂરી નથી. આ ક્ષેત્રમાં ડિગ્રી કે માસ્ટર ડિગ્રી પૂરતી છે.
અર્થશાસ્ત્રીઓ શિક્ષણ, સરકાર અને ખાનગી સેકટરમાં નોકરી કરતા જોવા મળે છે. ખાનગી ક્ષેત્રમાં અર્થશાસ્ત્રીઓનું કાર્ય ગ્રાહકોનું વલણ જાણવા અને ડેટાનો અભ્યાસ કરવાનો હોય છે. અર્થશાસ્ત્રીઓ આંકડાકીય પૃથક્કરણ, ગણિત, કોમ્પ્યુટર, પ્રોગ્રામિંગની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને માહિતીની સમીક્ષા કરે છે. આ સમીક્ષા દ્વારા તેઓ સિસ્ટમની અસરકારકતા વધારવા અને બજારના વલણનો લાભ લેવામાં મદદ મળે છે.
ઉપરની જાણકારી પરથી એમ કહી શકાય છે કે આ એક ગહન અને પડકારજનક ક્ષેત્ર છે. અર્થશાસ્ત્રી બનવા માટે કઠોર પરિશ્રમ અને સંશોધનમાં રસ જરૂરી છે. આજના સમયમાં આર્થિક સિસ્ટમ માત્ર વ્યાજ પર આધારિત છે, વ્યાજને કારણે વ્યક્તિગત અને લોકોના રાષ્ટ્રીય જીવનમાં વિનાશ સર્જાયો છે આ સિસ્ટમને કારણે અનેક લોકોએ આત્મહત્યા કરી છે તથા ઘણી કંપનીઓ અને ઉદ્યોગો નાદાર જાહેર થાય છે. ઇસ્લામમાં આ સિસ્ટમના વિકલ્પ સ્વરૃપે વ્યાજરહિત આર્થિક સિસ્ટમ ઉપલબ્ધ છે. આ સિસ્ટમ વાજબી હોવા ઉપરાંત માનવીય પણ છે. અર્થશાસ્ત્રીએ આ સિસ્ટમનો અભ્યાસ કરી આ સિસ્ટમને અમલી બનાવના ઉપયોગ સૂચવી વિશ્વને વ્યાજના દૂષણમાંથી મુકત કરાવી શકે છે.
વિદ્યાર્થીઓએ આ વિષયની પસંદગી કરી અર્થશાસ્ત્રમાં પીએચડી કરવાનું આયોજન કરવું જોઈએ. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ગણના બુદ્ધિજીવીઓમાં થાય છે અને તેમની પાસેથી વિશ્વની આર્થિક સમસ્યાઓ દૂર કરવાના ઉપાયો મેળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. દરેક નીતિ અને પ્રોજેકટના આયોજનમાં પણ અર્થશાસ્ત્રી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ સિસ્ટમની અસરકારકતા તેનું સંચાલન કરતા અર્થશાસ્ત્રીઓ પર આધારિત હોય છે.
(પ) શિક્ષણઃ શિક્ષણના ક્ષેત્રને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે. કારણ કે તે જ્ઞાન આપવા સાથે સંકળાયેલું છે. સમાજમાં ક્રાંતિ લાવવા માટેનો શ્રેષ્ઠ વ્યવસાય શિક્ષણ છે. વર્ગખંડોમાં વ્યક્તિઓ અને રાષ્ટ્રોના ભવિષ્યને આકાર આપવામાં આવે છે.
સમાજમાં શિક્ષકને ઉચ્ચ દરજજ્જો પ્રાપ્ત છે અને શિક્ષણને સૌથી માનવીય અને લાક્ષણિક વ્યવસાય ગણવામાં આવે છે. ઇતિહાસ એવા અનેક પુરાવાઓથી ભરેલો છે જેના પરથી સાબિત થાય છે કે દેશની પ્રગતિમાં શિક્ષણણે મહત્ત્વપૂર્ણ અને અદ્વિતીય ફાળો આપ્યો છે. શિક્ષકોના કાર્ય અને પ્રતિષ્ઠાને કારણે દેશની ખ્યાતિમાં વધારો થાય છે. હાલના સમયમાં શિક્ષકોની માગ અને તેમનું કાર્ય આટલું પડકારજનક અગાઉ જેટલું કયારેય ન હતું. વિશ્વને સંપૂર્ણ સાક્ષર બનાવવાના કાર્યમાં અને સમાજના વિકાસમાં પણ શિક્ષકની ભૂમિકા અગત્યની છે.
સમાજમાં શિક્ષકને આદર્શ વ્યક્તિ તરીકે જોવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમને પોતાના રોલ મોડેલ ગણાવીને તેમને અનુસરે છે. આથી જ શિક્ષકની પણ જવાબદારી વધી જાય છે કે તે પોતાના વીષનું ઊંડું જ્ઞાન ધરાવે અને પ્રામાણિકતા, નૈતિકતા અને સ્દ્ધિાંતો આધારિત જીવન ગુજારે. શિક્ષક પોતાના જ્ઞાન અને અનુભવથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકે છે. શિક્ષક પાસે કુનેહ છે કે તે વિદ્યાર્થીઓને સર્જનાત્મક, સ્વપ્નદૃષ્ટા, આદર્શ અને સારો માનવી બનાવી શકે છે. શિક્ષક પોતાની વ્યવસાયિક કુશળતાના આધારે વિદ્યાર્થીઓ અને સહ કર્મચારીઓ વચ્ચે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણનું સર્જન કરી શકે છે. પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના દરેક શિક્ષક યુવાનો અને બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. તેઓ વિદ્યાર્થીઓમાં આદર્શ અને નૈતિકતાના મૂલ્યોનું સિંચન કરે છે, જેના પરિણામે આપણે પ્રમાણિક અને આદર્શ રાજકારણીઓ, અધિકારીઓ, ડોકટરો, વકીલો, વહીવટકર્તાઓ, એન્જિનિયરો પેદા કરી શકીએ છીએ.
શિક્ષક વિદાર્થીઓમાં એવા ગુણો અને સંસ્કારોનું સિંચન કરે છે જેનાથી વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસ થાય છે અને તે સ્વાર્થથી ઉપર ઊઠીને દેશના ભાવિ નાગરિકોને તૈયાર કરવાનું કાર્ય કરે છે. એક સારો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ દ્વારા ઓળખાય છે. સારા વિદ્યાર્થીઓ વિશ્વના વિવિધ સ્થળોએ જઈને પોતાના શિક્ષકનું નામ રોશન કરે છે.
વિદ્યાર્થી મોટો થઈને ગમે તે ક્ષેત્રમાં કાર્ય કરે તે પોતાના શિક્ષકને માનથી જ જુએ છે. પ્રામાણિક માનવતાભર્યા સમાજનું નિર્માણ કરવામાં શિક્ષકની ભૂમિકા ઓછી આંકી શકાય નહીં. પ્રાથમિક શાળાથી લઈને કોલેજોમાં સારા શિક્ષકોની માગ હંમેશાં રહે જ છે અને તેમને સારું વેતન પણ મળે છે. આથી વિદ્યાર્થીઓએ શિક્ષક બનવા અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પ્રમાણિક અને માનવતાભર્યા સમાજનો રચના કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
(૬) ઇતિહાસ : રાષ્ટ્ર માટે તેમનો ઇતિહાસ આગવું મહત્ત્વ ધરાવે છે. કટોકટીના સમયમાં દેશને પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા અને તાકાત મળે છે. જે દેશો પાસેથી સાચો ઇતિહાસ સંગ્રહાયેલો નથી ત્યાં કેટલાક લોકો ઇતિહાસના નામે મનસ્વી વાતો રજૂ કરે છે. ઇતિહાસ આપણને શીખવે છે કે ભૂતકાળમાં મુશ્કેલીના સમયમાં તે વખતના લોકોએ શું કર્યું અને તેઓ કઈ રીતે મુશ્કેલીઓમાંથી બહાર આવ્યા. કઈ રીતે રાજ્યો અને શાસનનું નિર્માણ થયું અને કઈ રીતે તેમનું પતન થયું તે પણ ઇતિહાસ દ્વારા જ જાણી શકાય છે.
પરંતુ કમનસીબે દરેક સમયમાં કેટલાક લોકો થઈ ગયા છે જેમણે ઇતિહાસના તથ્યોને તોડી મરોડીને પોતાની વિચારધારા અનુસાર રજૂ કર્યા છે. આ માટે દરેક રાષ્ટ્ર માટે ફરજિયાત છે કે તે પોતાના ઇતિહાસ અને વારસાનું જતન કરે , આ ત્યારે જ શકય બનશે જ્યારે આપણે ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરીશું અને એવી નિપૂણતા હાંસલ કરીશું કે તોડી-મરોડીને તે રજૂ કરાયેલો ઐતિહાસીક તથ્યોને ઓળખી લઈ તેને સુધારીશું. વિવિધ સમુદાય અને તેમની માન્યતાઓ વચ્ચે મનભેદ ઊભા કરવા માટે ઐતિહાસિક તથ્યોમાં મનસ્વી વાતો રજૂ કરવામં આવે છે. વિદ્યાર્થી માટે જરૂરી છે કે તે ઇતિહાસને પસંદ કરી તેમાં નિષ્ણાત બને જેથી કરીને દેશના વિવિધ સમુદાયો વચ્ચે વધતા મતભેદ અને ઘર્ષણ દૂર કરી શકાય. જો વિદ્યાર્થીઓ ઉપર જણાવેલા કોઈ પણ વ્યવસાયો પૈકી કોઈ એક વ્યવસાય પસંદ કરે તો ત્રણ કેટેગરીના લોકો તેમના માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ માતા-પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકોને વિવિધ વ્યવાયોની ઊંડી સમજ આપી તેમના રસ અનુસાર તે વિષયમાં આગળ વધવાની તક આપે. ત્યારબાદ વિદ્વાનો અને સમાજના નેતાઓની જવાબદારી બને છે કે તેઓ લોકોને આ વ્યવસાયોનું મહત્ત્વ સમજાવે. તેમણે પોતાના ભાષણો, કાર્યક્રમો અને લેખોમાં આ વિષયને સામેલ કરવાની જરૃર છે. કેરિયર કાઉન્સિલરોની પણ જવાબદારી છે કે તે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ફકત મેડિકલ અને એન્જિનિયરીંગમાં જવાની સલાહ આપવાને બદલે ઉપરોકત વ્યવસાયોમાં જવાની પણ સલાહ આપવી જોઈએ. એ હકીકત છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે એન્જિનિયરીંગ, મેડિકલ કે કોમર્સ સિવાયના વિકલ્પોની જાણકારી જ હોતી નથી.
જો કે એક વાત ધ્યાનમાં રહે કે અમારો ઉદ્દેશ મેડિકલ અને એન્જિનિયરીંગની લાઈનને નિરર્થક ગણવાનો નથી. આ વ્યવસાયો પણ સમાજ અને દેશના ડહાપણ અને લાભ માટે જરૂરી છે. અમારો ઉદ્દેશ ફકત એટલો જ છે કે મેડિકલ અને એન્જિનિયરીંગ સિવાયના ઓછા ખર્ચાળ કારકિર્દીના વિકલ્પો અંગે જરૃર વિચાર કરવામાં આવે. કારણ કે આ ક્ષેત્રોમાં પણ અઢળક કમાણી અને પ્રતિષ્ઠા રહેલી જ છે. આ ઉપરાંત આ ક્ષેત્રો દેશ અને સમાજના વિકાસ માટે પણ જરૂરી છે. વિદ્યાર્થીઓએ એ પણ વિચારવાની જરૃર છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી તગડો પગાર મેળવવો છે કે એવા ક્ષેત્રોમાં જઈને નોકરી કરવી છે કે જેનાથી સમાજ અને દેશના વિકાસમાં ફાળો આપી શકાય. અન્ય લોકોને આ અભ્યાસક્રમો અંગે પ્રેરણા આપવાને બદલે આપણા પોતાના જ અને સગાઓના બાળકોને આ ક્ષેત્ર પસંદ કરવાની પ્રેરણા આપવી જોઈએ./
(લેખક બેંગ્લોર સ્થિત વિવિધ યુનિ.માં લેકચરર છે. તેમનાથી syedkazim_123@yahoo.co.in ઉપર સંપર્ક કરી સકાય છે.)